Yog-Viyog - 35 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 35

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૫

વસુમાને જોતાં જ એ સોફામાંથી ઊઠીને એમના તરફ દોડી. વસુમા કંઈ સમજે એ પહેલાં એમને ભેટીને એણે મોટી પોક મૂકી, ‘‘માઆઆઆઆ....’’

‘‘જાનકી, વૈભવીને પાણી આપજો.’’ વસુમાનો અવાજ આશ્ચર્યજનક રીતે સ્વસ્થ અને સંયત હતો, ‘‘રડવાથી વાતનો ઉકેલ નહીં આવે. બેસો વૈભવી, આપણે વાત કરીએ.’’

‘‘મા...’’ વૈભવીનું રડવાનું હજુ ચાલુ જ હતું. સૂર્યકાંતને ખૂબ નવાઈ લાગી હતી આ આખીયે પરિસ્થિતિ જોઈને.

‘‘રોજેરોજ આ અને આવા કેટલા પ્રશ્નોમાંથી પસાર થઈ હશે મારી વસુ !’’ એમને વિચાર આવી ગયો, ‘‘એક પુરુષ ઘરમાં નથી હોતો ત્યારે એક મા ઉપર કેટલી બધી જવાબદારી આવી પડતી હોય છે. ચાર-ચાર સંતાનોને અને એમની બદલાતી ઉંમરના પ્રશ્નોને કઈ રીતે ઉકેલ્યા હશે વસુએ- એકલે હાથે.’’ એમની નજર સામે રોહિતનો ચહેરો તરવરી રહ્યો. પોતે તો એક સંતાનને પણ બરાબર સાચવી નહોતા શક્યા અને એ પણ આટલી બધી સગવડો અને કોઈ જાતની આર્થિક જવાબદારી ના હોવા છતાં. અહીં તો ખાવાથી શરૂ કરીને જીવવા સુધીના બધા જ પ્રશ્નોના જવાબો વસુંધરા આપતી રહી હતી...

એમના વિચારોની કડી તૂટી, જ્યારે એમણે વૈભવીનો ફરી મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો.

‘‘રડો નહીં વૈભવી, શું થયું છે એ કહો.’’ વસુમાએ જાનકીનો લાવેલો પાણીનો પ્યાલો વૈભવી તરફ આગળ કર્યો.

‘‘મને શું કામ પૂછો છો ? પૂછો તમારા દીકરાને.’’

‘‘એને પણ પૂછીશ, પણ ફરિયાદ તમે કરી છે અને દુઃખી પણ તમે જ વધુ દેખાવ છો, એટલે તમને પૂછું છું.’’

‘‘બોલાવો અભયને...’’

‘‘બોલાવવાની જરૂર નથી. હું અહીં જ ઊભો છું.’’ અભય ધીમે ધીમે સીડી ઊતરવા લાગ્યો. જાનકી જાણે કોઈ નહીં સમજાતા ભાવથી ધ્રૂજી ગઈ. સામાન્ય રીતે અભયને સૌએ ચૂપ રહેતો કે જવાબ આપ્યા વિના ચાલી જતો જોયો હતો. આટલાં વર્ષોમાં જાનકીએ પહેલી વાર અભયને આમ હિંમતથી આવીને પરિસ્થિતિનો સામનો કરતો જોયો.

અત્યાર સુધી પોતાના ઓરડામાં બેસી રહેલો અજય પણ અભયનો અવાજ સાંભળીને બહાર આવ્યો. વૈભવીના તાયફા પાછળ ક્યારેય કોઈ ધ્યાન ન આપતું, પણ આજે અભયના અવાજમાં સાવ જુદો જ રણકો સંભળાતો હતો.

સીડી ઊતરીને અભય નીચે આવીને ઊભો રહ્યો. એણે સૌ સામે શાંતિથી જોયું, ‘‘બોલ વૈભવી, શું કહેવું છે તારે ?’’

‘‘મારે ? મારે જે કહેવું છે એ તમને ખબર નથી ? ’’ ખરું પૂછો તો અભયનો છેલ્લા થોડા દિવસનો વર્તાવ વૈભવીના આત્મવિશ્વાસને હલાવી ગયો હતો. એમાં પણ હમણાં છેલ્લે ઉપર અભય જે રીતે વર્ત્યો અને સામેથી નીચે આવી ગયો એ પછી એનો ભય ખરેખર વધી ગયો હતો.

‘‘ખબર છે, મને તો ખબર જ હોય ને !’’ જાનકીને અભયના અવાજમાં વસુમાની સ્વસ્થતા જણાઈ આવી.

‘‘ભાભી, બાપુ બે-ચાર દિવસ માટે આવ્યા છે, આ બધી ચર્ચાનો કોઈ અર્થ છે ?’’

‘‘તમારે માટે નહીં હોય, મારે માટે જીવન-મરણનો પ્રશ્ન છે.’’ પછી વસુમા સામે જોઈને એણે કહ્યું, ‘‘લગ્નનાં આટલાં વર્ષો પછી તમારો દીકરો છાનગપતિયાં કરે છે. લફરું ચાલે છે લફરું એનું. એની સેક્રેટરી જોડે.’’ શ્રીજી વિલાના ડ્રોઇંગરૂમમાં જાણે બોમ્બધડાકો થયો હોય એવું વાતાવરણ થઈ ગયું. સૌ ચૂપચાપ અભયની સામે જોઈ રહ્યા. દરેક નજરમાં એક સવાલ હતો. ખાસ કરીને વસુમાની નજર અભયને આરપાર વીંધી ગઈ.

‘‘ભાભી, તમે એવું કઈ રીતે કહી શકો ? એ સેક્રેટરી છે, બંને જણાએ કામ માટે...’’ અજયે કોઈ કારણ વગર બોલવાનો પ્રયાસ કર્યો. પછી અચાનક વસુમા સામે નજર પડતાં એ ચૂપ થઈ ગયો.

એક વજનદાર મૌન ખાસ્સી વાર સુધી ઘરમાં ઘૂમરાતું રહ્યું. અજય, જાનકી, સૂર્યકાંત, અને વૈભવી સૌ જાણે અભયના જવાબની પ્રતીક્ષા કરતા એની સામે તીક્ષ્ણ નજરે જોઈ રહ્યા હતા. એમની નજરનો ઉચાટ અને નહીં પુછાયેલા બધા જ સવાલો અભય માટે પીડાદાયક પરિસ્થિતિ હતા. જ્યારે વસુમા સાવ ધીરજથી અભય પોતાનો સમય લઈને શાંતિથી જવાબ આપે એની રાહ જોઈ રહ્યા હતા.

ખાસ્સી વાર સુધી બધા ચૂપ રહ્યા. પછી ફરી વૈભવીએ ફૂંફાડો માર્યો, ‘‘હવે જવાબ નહીં આપે એ. પૂછો એમને આખી બપોર ક્યાં હતા? અહીં બહેન મરવા પડી હતી અને ત્યાં ભાઈ... કોકની પથારીમાં...’’ એના ચહેરા પરનો તિરસ્કાર અને ક્રોધ દરેક રીતે એના વર્તનમાં છલકાતા હતા. એ ક્રોધમાં ધ્રૂજતી હતી. રડી રડીને એનો ચહેરો અને આંખો લાલ થઈ ગયા હતા. નાકમાં આવેલું પાણી એ વારે વારે ટીશ્યૂથી લૂછીને પાસે મૂકેલી કોથળીમાં નાખતી જતી હતી.

‘‘તને ખાતરી છે ?’’ સૂર્યકાંતને લાગ્યું કે હવે કોઈએ બોલવું જોઈએ. એટલે વચ્ચે પડવું અનિવાર્ય સમજીને એમણે એક સવાલ પૂછ્‌યો.

‘‘તમે તો મને નથી ઓળખતા પપ્પાજી, હું સો ગરણે ગાળીને પાણી પીઉં એવી છું. ખાતરી થયા વિના હું બોલું જ નહીં.’’ પછી એ અભય તરફ ધસી ગઈ, ‘‘આ બધા મને પૂછે છે, તમારે કંઈ નથી બોલવું?’’

‘‘ભાભી, આપણે બધા ઓળખીએ છીએ અભયભાઈને, આ તમારા મનનો વહેમ...’’

‘‘ના.’’ અભયે જાનકીને વચ્ચે જ રોકી દીધી, ‘‘વૈભવીની વાત સાચી છે.’’ ત્યાં ઊભેલા પાંચે પાંચ જણા જાણે બરફનાં પૂતળાં હોય એમ થીજી ગયા. વૈભવીએ ક્યારેય નહોતું ધાર્યું કે અભય આટલી સ્વાભાવિકતાથી પોતાના આક્ષેપનો સ્વીકાર કરશે. ખરેખર તો એની પાસે પૂરતી માહિતી નહોતી. એણે અભયને ડરાવવા માટે જ પત્તું ફેંકેલું. એની બહેનપણીએ અભયની ગાડી પ્રિયાના ફ્લેટ નીચે પાકર્ થતી જોયેલી એ સાચું... પછી વૈભવીએ પ્રિયાને ફોન કરેલો એ પણ સાચું... બાકીનું બધું વૈભવીએ મનમાં ને મનમાં ઘડી કાઢેલું.

એણે હંમેશની જેમ ધારેલું કે આવા આક્ષેપથી અભય ડગમગી જશે. ગઈ કાલ સુધી બેડરૂમમાં કરાતા રહેલા આવા આક્ષેપોના જવાબમાં લાંબા લાંબા ખુલાસા આપતો... લાંબી લાંબી સાબિતીઓ આપતો. વૈભવીને મનાવતો. રડતી-કકળતી વૈભવીને વહાલ કરતો અને આવનારા પંદર-વીસ દિવસ તદ્દન વૈભવીના તાબામાં રહેતો.

એના કીધે ઊઠતો, એના કીધે બેસતો, એને ગમે તે અને તેટલું જ કરતો. વીસ નહીં તો ઓછામાં ઓછા બારેક વર્ષનો તો આ જ અનુભવ હતો વૈભવી માટે. એણે ધાર્યું હતું કે આવો ઝઘડો ડ્રોઇંગરૂમમાં કરવાથી થોડા દિવસથી વધી ગયેલા અભયના આત્મવિશ્વાસ પર એ સીધો ઘા કરશે... અભય સૂર્યકાંતની અને વસુમાની હાજરીમાં આવા આક્ષેપો સહી નહીં શકે, એટલે સાવ તૂટી જશે. પાછો પોતાની મુઠ્ઠીમાં આવી જશે, પરંતુ આજે જાણે સુકાનની દિશા ફરી ગઈ હતી. એણે ધાર્યું હતું એનાથી બધું ઊંધું જ થવા લાગ્યું હતું.

બધાના આશ્ચર્યચકિત ચહેરાઓ ઉપર એક સરસરી નજર ફેરવીને અભયને ફરીથી એટલા જ શાંત અને સ્વસ્થ અવાજમાં કહ્યું, ‘‘વૈભવીની વાત સાચી છે. હું અને પ્રિયા છેલ્લાં થોડાં વર્ષોથી એકબીજાને પ્રેમ કરીએ છીએ.’’ પછી પહેલા વૈભવી અને ત્યાર બાદ વસુમા જોઈને ઉમેર્યું, ‘‘તમે જે કંઈ કલ્પી શકો અથવા ધારી શકો એ બધા જ સંબંધો અમારી વચ્ચે છે અને રહેવાના છે.’’

અભયના આ વાક્ય પછી જાણે કોઈએ કશું કહેવાનું રહેતું નહોતું. લગભગ બધાના ચહેરા પર એક ભય, એક આતંક વ્યાપી ગયો. વૈભવી હવે શું કરશે એ વાતે અજય સૌથી વધુ વિચલિત થઈ ગયો.

‘‘અભય, આ વાત તું કોઈ ગુસ્સામાં કે રિએકશન સ્વરૂપે નથી કહેતો ને ? તારી વાત તો આપણે પછી કરીશું, તું એક છોકરીના ચારિત્ર્ય અને જીવન વિશે ચર્ચા કરી રહ્યો છે, એનો ખ્યાલ છે ને તને?’’ વસુમાએ જે રીતે આ સવાલ પૂછ્‌યો એ સાંભળીને સૂર્યકાંતને એના પર વારી જવાનું મન થયું. પોતાના સંતાનને નેવે મૂકીને આ સ્ત્રી એક કુંવારી છોકરીની જિંદગીની ચિંતા કરી રહી હતી !

‘‘હું... હું નથી માનતી.’’ વૈભવીનો અવાજ થરથરવા લાગ્યો હતો. એની આંખોમાં ફરી પાણી ઊભરાવા લાગ્યાં હતાં. ઘડીભર પહેલાંના ભયાનક સ્વરૂપની જગ્યાએ હવે એક સાવ નબળી- તૂટી ગયેલી સ્ત્રી ઊભી હતી.

‘‘માનવું - ન માનવું તારા ઉપર છે. તેં બપોરે ફોન કર્યો ત્યારે હું પ્રિયાને ત્યાં જ હતો.’’

‘‘તો... તો એણે મને કહ્યું કેમ નહીં ?’’

‘‘ડરે છે તારાથી.’’ અભયના જવાબો ટૂંકા અને એટલા તો સાચા હતા કે હવે અજય અને સૂર્યકાંતની આંખોમાં પણ આ સત્યના ઓછાયાનો ભય દેખાવા લાગ્યો હતો, ‘‘ગિલ્ટી ફીલ કરે છે... માને છે કે તારો સંસાર એણે ડિસ્ટર્બ કર્યો છે.’’

‘‘માઆઆઆ....’’ વૈભવીએ હવે રીતસરની પોક મૂકી, ‘‘તમે એને કશું કહેતા નથી.’’

‘‘અભય, હું ફરી પૂછું છું. આ જે કંઈ તું કહે છે તે સત્ય છે ?’’

‘‘સંપૂર્ણ.’’

વસુમા આગળ વધ્યા. અભયના ખભે હાથ મૂક્યો, ‘‘તો શું કરવા ધારે છે તું ?’’

‘‘એ નથી જાણતો.’’

‘‘કાઢી મૂકો મને, અને લઈ આવો એને પરણીને આ ઘરમાં.’’ વૈભવીએ હવે સાવ જુદું જ ત્રાગું કરવા માંડ્યું. ઊભી થઈને સીડી ચડવા લાગી, ‘‘હું જાઉં છું મારા પપ્પાના ઘરે. જે ઘરમાં મારી જગ્યા ના હોય ત્યાં રહીને શું કરવાનું ?’’ જોરજોરથી રડતી એ સીડી ચડવા લાગી.

સૂર્યકાંત અને અજયે વસુમા સામે જોયું. કેમ જાણે હવે એ જ એકમાત્ર હોય, જે આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકે. જાનકી ઘડીકમાં વસુમા સામે તો ઘડીકમાં અભય સામે જોતી હતી. એને સમજાતું નહોતું કે આજે આ શું થવા બેઠું હતું ? સવારથી જાણે દુર્ઘટનાઓની પરંપરા સર્જાઈ હતી. પહેલાં જાનકી અને હવે અભય...

અલય વિશેની તો હજુ કોઈને જાણ જ નહોતી ઘરમાં.

દરિયા કિનારે એકલો બેઠેલો અલય આવતી કાલના શૂટિંગ વિશે વિચારી રહ્યો હતો. એણે જિંદગીભર લોહી અને આંસુ સીંચીને ઉછેરેલું સપનું આવતી કાલે સવારના ઊગતા સૂરજ સાથે સાકાર થવાનું હતું.

પહેલો શોટ...

‘‘રોલ કેમેરા...’’ ‘‘એકશન...’’ ‘‘કટ...’’ કહેવાનો સમય આવી ગયો હતો. અલયની પોતાની ફિલ્મ આવતી કાલે સવારે ફ્લોર પર જઈ રહી હતી. એણે જેમ ઇચ્છ્‌યું હતું એ રીતે, જેમ ઝંખ્યું હતું બરાબર એ જ રીતે...

સાંજ ઢળી ગઈ હતી. એણે ઘડિયાળમાં જોયું. હવે ઘરે જવું જોઈએ. અલય ઊભો થયો અને પોતાની બેગ હાથમાં લઈ ચાલતો ચાલતો ‘બી’ રોડની ગલીમાંથી ચર્ચગેટ સ્ટેશન તરફ આગળ વધ્યો.

સ્ટેશન પર ઊભેલા અલયનો મોબાઈલ રણકી ઊઠ્યો. એણે બેગમાંથી મોબાઇલ કાઢીને જોયું, નીરવ હતો.

‘‘બોલ...’’

‘‘કેવી તૈયારી ?’’

‘‘સારી. લગભગ બધું પતી ગયું છે. પોણા સાતે પહેલો શોટ લેવાની ઇચ્છા છે મારી.’’

‘‘એક ન્યૂઝ છે તારા માટે...’’ સહેજ ખચકાયો નીરવ. પછી ઉમેર્યું, ‘‘અંજલિ હોસ્પિટલમાં છે.’’

‘‘વ્હોટ ?’’ અલયનો અવાજ એટલો ઊંચો થઈ ગયો કે આસપાસ ઊભેલા લોકોએ એની સામે જોવા માંડ્યું. બરાબર એ જ સમયે વિલે પાર્લે ઊભી રહેનારી સ્લો ટ્રેન આવી. અલય ચડ્યો નહીં. એ થોડો પાછળ ખસી ગયો અને એણે વાત ચાલુ રાખી, ‘‘શું થયું અંજલિને ?’’

‘‘એક્સિડન્ટ.’’ ઊંડો નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘‘અબોર્શન પણ...’’

‘‘શીટ...’’ અલયનો અવાજ પીગળી ગયો. બહુ લાગણી દેખાડી ન શકતા અલયને પણ એકની એક બહેન બહુ વહાલી હતી. અજય અને અભય પ્રમાણમાં ઘણા મોટા અને જવાબદાર હતા. અંજલિ એના બાળપણની રમતોની સાથી હતી.

ફ્રોક ઊંચું કરીને નાક લૂછતી અંજલિ યાદ આવી એને... એને મારવા એની પાછળ દોડતી ... એને માટે પોતાના ભાગમાંથી ચોકલેટ સાચવી રાખતી અને રક્ષાબંધનના દિવસે એને વહેલો ઉઠાડી, ધક્કા મારી બાથરૂમમાં ધકેલતી અંજલિ એની નજર સામે તરવરી રહી.

‘‘હું ઘરેજ જાઉં છું.’’ એણે ફરી ઘડિયાળ જોઈ, ‘‘હોસ્પિટલ તો હવે જવા નહીં દે. તું ક્યાં છે ?’’

‘‘ન્યૂ ઓબેરોય કોફી શોપ. આવે છે ?’’

‘‘ના, તું મજા કર લક્ષ્મી સાથે. કાલે સવારે આવી જજે. ૧૩૨ના મરીન લાઇન્સ બસ સ્ટોપની સામે.’’ અને હવે આવેલી બીજી ટ્રેનમાં અલય કૂદીને ચડી ગયો.

ફોન મૂકીને નીરવે લક્ષ્મીની સામે જોયું. એ બંને ક્યારના ભેગા હતા અને એકબીજાને કશું કહેવાનો પ્રયત્ન કરતા હતા, પણ કોઈ ને કોઈ રીતે વાત ફંટાઈ જતી હતી. આખરે લક્ષ્મીએ નીરવને કહ્યું, ‘‘ડેડી આજે લગ્નની વાત કરતા હતા.’’

‘‘તારાં ?’’ નીરવ હસ્યો.

‘‘ના, આપણાં.’’

‘‘મને ઉતાવળ નથી, તને છે ?’’

‘‘જરાય નહીં. મેં ડેડીને એ જ કહ્યું.’’

નીરવના અવાજમાં અચાનક કડવાશ ઊતરી આવી, ‘‘લક્ષ્મી, તેં ખરાબ લગ્ન નથી જોયાં. મેં જોયાં છે. એકબીજાને દુશ્મનોની જેમ હંફાવતા, ચેસની બાજી બિછાવતા ને રમતા, હરાવવા માટે લાગણીઓને કોરે મૂકતા, એકબીજાની સાથે જીવ પર આવીને દલીલો કરતા અને તોય કહેવાતાં પ્રેમલગ્ન મેં જોયાં છે... રિયા અને વિષ્ણુપ્રસાદ ચોકસી વચ્ચે લડાતી લગ્ન નામની કુસ્તીનો હું સાક્ષી બન્યો છું...’’ એની આંખોમાં ભૂતકાળની ભૂતાવળ નાચતી હતી. હોઠ સુકાઈ ગયા હતા. આટલું બોલવામાં જાણે એને શ્રમ પડ્યો હતો.

એને હોઠ પર જીભ ફેરવી. ક્ષણેક શ્વાસ લીધો અને પછી કહ્યું, ‘‘હું તને ચાહું છું. ખૂબ ચાહું છું. તારી સાથે જીવવું મને ગમશે, પણ એ નિર્ણય પર આવતા મને સમય લાગશે. એટલો સમય મને આપવો કે નહીં એ નક્કી કરવાની તને છૂટ છે.’’

‘‘નીરવ, સમય તો મારે પણ જોઈશે. આપણે ખૂબ સારા મિત્રો છીએ.’’

‘‘ના.’’ નીરવે એને વચ્ચે જ કાપી નાખી, ‘‘મિત્રો નથી આપણે, હું પ્રેમ કરું છું તને, પણ દરેક પ્રેમનું પરિણામ લગ્ન જ હોય એવું શું કામ ?’’

‘‘બે લોકો લગ્ન કર્યા વિના સાથે જીવે એની મારા દેશમાં કોઈ નવાઈ નથી નીરવ.’’ લક્ષ્મીએ એની આંખોમાં જોયું, ‘‘ અને છતાં મેં એવાં લગ્ન જોયાં છે, જેમાં માત્ર સમજદારી હોય, સ્વીકાર હોય, સરળતા હોય...’’ એની આંખોમાં સપનાં હતાં, ‘‘એ બધું જ જે એક લગ્નમાં સ્ત્રી કલ્પી શકે...’’

‘‘કોની વાત કરે છે ?’’

‘‘વસુમાની અને ડેડીની.’’

નીરવના ચહેરા પર હજીયે પહેલાંની કડવાશ અકબંધ હતી, ‘‘ખરી વાત છે, એમના જેવા આઇડિયલ લગ્ન તો બીજાં કયાં હોઈ શકે?’’

‘‘નીરવ, આ થોડા દિવસમાં એક વાત સમજી છું. લગ્ન એ સ્વીકાર છે. સાથે જીવવા માટે સામેની વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારવી જ પડે. આપણે કોઈને બદલવા માટે લગ્ન નથી કરતાં નીરવ.’’

‘‘આપણે આ બધીચર્ચા કરવા અહીં આવ્યા છીએ?’’ નીરવે કહ્યું અને પછી એણે લક્ષ્મીનો હાથ પકડ્યો. એની નજીક ઝૂકી આવ્યો. એની આંખોમાં આંખો નાખીને કહ્યું, ‘‘જો, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, ગમીએ છીએ, આ પ્રેમ આમનો આમ ટકશે તો સાથે જીવવાનો વિચાર કરીશું. એટલી સાદી વાત...’’

‘‘ઓ.કે. ’’ લક્ષ્મીએકહ્યું. નીરવે આટલા બધાની વચ્ચે લક્ષ્મીનો ચહેરો નજીક લાવીને એના કપાળ પર ચૂમી કરી, ‘‘જો લક્ષ્મી, હું વીંટી આપીને પ્રપોઝ કરવામાં નથી માનતો. મેં બાળપણમાં બહુ આશ્ચર્યો જોઈ લીધાં છે. એટલે મારા જીવનમાં નાના-સ્ટૂપીડ સરપ્રાઈઝીસની બહુ જગ્યા નથી. મારા માટે પ્રેમ કોમ્યુનિકેશન છે, સમજદારી છે, સહઅસ્તિત્વ છે અને એકબીજાને આપવામાં આવતી સ્પેસ છે. જેમાં બંનેનો વિકાસ થાય.’’

હજી એ લક્ષ્મીની સામે જ જોઈ રહ્યો હતો અને લક્ષ્મી એને લગભગ મુગ્ધભાવે સાંભળી રહી હતી, ‘‘એક થઈ જવાની ઝંખનામાં બે વ્યક્તિઓ આખરે અડધી અડધી રહી જાય છે. એને બદલે પોતાનું વ્યક્તિત્વ જાળવીને જો એકબીજાની સાથે જીવી શકાય તો જ લગ્ન કરવા જોઈએ...’’ સહેજ અટકીને ઉમેર્યું, ‘‘એટલિસ્ટ, હું તો જ લગ્ન કરીશ.’’

એ પછીની આખી સાંજ બંને જણા વચ્ચે તરેહ તરેહની વાતો થતી રહી, પણ લક્ષ્મીના મનમાં નીરવે કહેલી વાત સજ્જડ રીતે બેસી ગઈ હતી. એના અમેરિકન વિચારો અનેહિન્દુસ્તાની ઉછેર લોલકની જેમ હીંચકા ખાવા લાગ્યા હતા.

‘‘બે વર્ષના, પાંચ વર્ષના પ્રણય કે પ્રેમ પછી જો એને એમ લાગે કે સાથે નહીં જીવી શકાય તો ?’’ લક્ષ્મીના મનમાં સવાલ ઊઠ્યો. એને લગ્ન કરવાની ઉતાવળ નહોતી એ સત્ય હતું, પણ લગ્ન વિશેના નીરવના વિચારો જાણીને આજે પહેલી વાર લક્ષ્મીના મનમાં આ સંબંધ વિશે સવાલ ઊઠ્યો હતો. નીરવના અવાજમાં તરી આવેલી કડવાશ સાંભળીને લક્ષ્મી ગૂંચવાઈ હતી.

એ માનતી હતી કે લગ્ન કરતાં પહેલાં એકબીજાને સમજી લેવા અનિવાર્ય છે, પણ નીરવનો સૂર એવો હતો કે સમજ્યા પછી ન ફાવે તો છૂટા પડી શકાય... અને એ વિશે લક્ષ્મી જરા અવઢવમાં પડી ગઈ હતી.

અલય ઘરમાં દાખલ થયો ત્યારે સીન જોવા જેવો ગોઠવાયો હતો. વૈભવી બેગ લઈને સીડી ઊતરી રહી હતી. અભય સોફા પર બેસીને નિરાંતે મેગેઝિનના પાના ઉથલાવતો હતો. જાનકી અને અજય બરફની મૂર્તિ જેવા થીજી ગયા હતા. સૂર્યકાંત મહેતા અસમંજસમાં આંટા મારતા હતા.

બરાબર એ જ વખતે અલયની નાટકીય એન્ટ્રી થઈ ઘરમાં.

ધમ ધમ કરતી વૈભવી બેગ લઈને નીચે ઊતરી. એણે અભયની સામે જોઈને છણકો કર્યો, ‘‘જાઉં છું. હવે રવિવાર જ શું કામ, આખું અઠવાડિયું ત્યાં જ રહેજો.’’

‘‘ભાભી...’’ અજય આગળ વધ્યો અને રોકવાની કોશિશ કરી.

‘‘મારી બેગને હાથ નહીં લગાડતા અજયભાઈ.’’

‘‘આ બધું સારું નથી લાગતું વૈભવી.’’ સૂર્યકાંતે વસુમા સામે જોઈને એવી રીતે કહ્યું, જાણે હવે એ નહીં બોલે તો કેવી રીતે ચાલશે ?

‘‘હું કરું તો સારું નથી લાગતું. ને તમારો દીકરો કરે છે એ સારું લાગે છે?’’ પછી દાંત ભીંસીને ઉમેર્યું, ‘‘જો કે તમારા ઘરમાં આની નવાઈ નથી. તમે પણ નાસી જ ગયેલાને...’’

‘‘વૈભવીઈઈઈ...’’ અભય વૈભવી તરફ ધસી ગયો, ‘‘બસ થઈ ગયું હવે.’’ એણે વૈભવીનો હાથ પકડ્યો, ‘‘તું જાય એમાં જ હવે આ ઘરની ભલાઈ છે.’’

‘‘અભય.’’ વસુમાના અવાજમાં કોણ જાણે શું હતું કે અભયે વૈભવીનો હાથ છોડી દીધો. વૈભવી ત્યાં જ સ્થિર ઊભી રહી ગઈ, ‘‘વૈભવી, બેટા... વાંધો હોઈ શકે. મતભેદ તો દરેક પતિ-પત્ની વચ્ચે હોય જ. એને માટે કોઈ પોતાનું ઘર ના છોડે.’’

‘‘આ ઘર ક્યાં મારું છે ?’’ વૈભવી જોરથી રડી પડી.

‘‘માનો તો બધાં ઘર આપણાં ને ન માનો તો આપણું ઘર પણ પોતાનું ના લાગે બેટા. તું આ ઘરની પુત્રવધૂ છે. તારા સન્માનની રક્ષા મારી ફરજ છે.’’

‘‘એટલે તમારો દીકરો લફરું કરી આવ્યો ?’’

‘‘એ તમારો અંગત પ્રશ્ન છે.’’

સૂર્યકાંત નવાઈથી વસુમા સામે જોઈ રહ્યા હતા, ‘‘આ સ્ત્રી કેટલી સરળતાથી પૃથક્કરણ કરીને વસ્તુઓને છૂટી પાડી શકતી હતી !’’

‘‘એટલે ? તમે એમ કહેવા માગો છો કે એને જે કરવું હોય તે કરે અને મારે કંઈ કહેવાનું નહીં ? તમે એને રોકશો નહીં ?’’ પછી ખૂબ તિરસ્કારથી ઉમેર્યું, ‘‘વાતો તો મોટી મોટી કરો છો સિદ્ધાંતની, હવે ક્યાં ગઈ એ વાતો ?’’

‘‘સિદ્ધાંત હજુ એ જ છે વૈભવી.’’ વસુમાએ નજીક જઈને એના માથે હાથ ફેરવ્યો, ‘‘આ ઘર તમારું છે અને તમે આ ઘરના પુત્રવધૂ તરીકે સંપૂર્ણ સન્માન અને સ્નેહના અધિકારી છો...’’ પછી બધાની સામે એક વાર જોયું. પછી ધીમેથી કહ્યું, ‘‘અભયના અંગત સંબંધો એ તમારો અને એનો પ્રશ્ન છે.’’

અભય મા સામે જોઈ રહ્યો, ‘‘ આ સ્ત્રીને કેવી રીતે પહોંચી વળાય? જેમ વધારે જાણતો જાઉં છું એમ વધારે ઊંડી લાગે છે આ સ્ત્રી.’’

‘‘હું એના પ્રિયા સાથેના સંબંધ નહીં ચલાવી લઉં.’’ વૈભવીએ બેગ પછાડી.

‘‘બેગ લઈને ઉપર જાવ વૈભવી.’’ પછી ક્રોધમાં ધ્રૂજતા અભય સામે જોઈને ઉમેર્યું, ‘‘તુંં પણ ઉપર જા. બંને જણા તમારા રૂમમાં બેસીને ચર્ચા કરીને આનો નીવેડો લાવવાનો પ્રયત્ન કરો.’’

‘‘પણ વસુ....’’ સૂર્યકાંતે કહેવાનો કંઈક પ્રયત્ન કર્યો.

‘‘કાન્ત, આ એમનો અંગત પ્રશ્ન છે. એમણે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે આપણને માત્ર નિર્ણય જણાવ્યો હતો. હવે પ્રશ્નો ઊભા થયા છે, એનું સોલ્યુશન પણ એમણે જ શોધવું રહ્યું.’’

‘‘પણ મા, તમારો અનુભવ, તમારી સલાહ...’’ જાનકીને આ આખીય વાતમાં વસુમા ઉપર બહુ શ્રદ્ધા હતી.

‘‘મારો અનુભવ એ મારી જિંદગીનો અનુભવ છે. મારો અંગત.’’ વસુમા સાવ ચૂપ થઈ ગયાં થોડી વાર. પછી એકદમ ધીમા અવાજમાં ઉમેર્યું, ‘‘અને એવો અનુભવ બીજા કોઈને ન જ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું.’’ એ હળવેકથી પોતાના ઓરડા તરફ જવા લાગ્યાં.

અભય અને વૈભવી એકબીજા સામે જોઈ રહ્યાં. પછી કોણ જાણે કયા બળે અભય આગળ વધ્યો. એણે વૈભવીની બેગ ઊંચકી લીધી અને કશું જ બોલ્યા વિના સીડી ચડવા લાગ્યો. વૈભવી પણ એની પાછળ ચૂપચાપ પગથિયા ચડી ગઈ. બંને લગભગ પગથિયાના અંત સુધી પહોંચ્યા હતા અને વસુમા પોતાના ઓરડાના દરવાજે ત્યારે અલયે બધાને સંભળાય એમ કહ્યું,

‘‘સવારે સાડા છ વાગ્યે હું મરીન લાઈન્સ સ્ટેશનની સામે પહેલો શોટ લેવાનો છું.’’ સહેજ અટકીને ઉમેર્યું, ‘‘મા, આપણે સવા છએ નીકળવાનું છે. જાનકીભાભી, અજયભાઈ તમે આવશો તો મને બહુ ગમશે!’’ ફરી એક વાર શ્વાસ લઈને એણે છેલ્લું વાક્ય કહ્યું, ‘‘એ સિવાયના જે આવે તે સારું, ને ન આવે તો વધારે સારું.’’ આટલું કહીને એ સડસડાટ પગથિયા ચડી ગયો. સીડીના છેલ્લા પગથિયે ઊભેલા અભય અને વૈભવીની બાજુમાંથી લગભગ ઘસાઈને પસાર થયો અને ઉપર પોતાના રૂમમાં ચાલી ગયો.

પોતાના રૂમમાં જઈને એણે ધબ દઈને પલંગ ઉપર પડતું નાખ્યું.

કપડાં બદલવાના પણ હોશ નહોતા રહ્યા એને.

પડ્યા પડ્યા એની સામે સવારની ઘટના ફિલમની પટ્ટીની જેમ ચાલવા લાગી. ધ્રૂસકે ધ્રૂસકે રડતી અનુપમા ઘોષ એની આંખો સામે તરવરવા લાગી. આખીયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને ‘‘માથાની ફરેલ’’ કહેતી અને જે ભલભલાને પોતાના મિજાજથી ધ્રૂજાવતી એવી એ છોકરી જે રીતે અલયના ખોળામાં માથું રાખીને રડી હતી એ પછી જેને પોતે એક કરોડની કોમોડિટી અથવા પોતાની કરિયરનું હુકમનો એક્કો માનતો હતો એવી અનુપમા એને પહેલી વાર સ્ત્રી, વ્યક્તિ તરીકે દેખાઈ હતી. કેટલું ખોટું હતું એનું મિજાજી, તોછડું અને પાગલ વ્યક્તિત્વનું મહોરું ! અનુપમાની અંદર એક સાચી, સરળ, સાંગોપાંગ સ્ત્રી ધબકતી હતી... અને એ સ્ત્રીને પણ એક સંભાળ લેનારા, વહાલ કરનારા, રક્ષણ આપનારા પુરુષની તરસ હતી...

‘‘સ્ત્રી !’’ના વિચારની સાથે જ અલયના મનમાં શ્રેયા ઝબકી ગઈ ! સાત સાત વર્ષના સંબંધો આમ તૂટી જશે એવું અલયે ક્યારેય નહોતું ધાર્યું. એને માટે શ્રેયા એના જીવનનું પહેલું અને અંતિમ સત્ય હતી.

ઘણી બધી રીતે બંધ અને ગૂઢ અલય ક્યારેય ખૂલ્યો નહોતો, પણ એ શ્રેયા પર ઘણો બધો આધારિત હતો. શ્રેયા એની પ્રેરણા હતી, એની શક્તિ, એનુ અવલંબન હતી... એને જ્યારે જ્યારે લાગતું કે પોતે તૂટે છે કે નબળો પડે છે ત્યારે એને પહેલો વિચાર શ્રેયાનો આવતો. એની આંખો, એના સ્પર્શમાં રહેલી હૂંફ, એના શબ્દો વિમુખ થતા અલયને ફરી એક વાર જિંદગીની સાવ નજીક લઈ આવતા.

અલય માટે શ્રેયા એનાથી જુદી નહોતી. એ કલ્પી જ નહોતો શકતો કે શ્રેયા આમ પણ વિચારી શકે. આજ સવારનું શ્રેયાનું વર્તન અલયને પાયામાંથી હચમચાવી ગયું હતું. શ્રેયાની આંખોમાં દેખાયેલો અવિશ્વાસ અને સરી ગયેલા ફરિયાદના આંસુએ અલયને ઓછી પીડા નહોતી આપી, પરંતુ અલય માટે પોતાની જાતને વિદ્રોહ કરતી રોકવી જાણે અશક્ય હતું.

બાળપણથી જ જાણે અલયનો આ સ્વભાવ હતો. જ્યારે પણ એને ખૂણામાં ધકેલાય, કે એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે, જ્યાં એને પસંદગીની ફરજ પાડવામાં આવે ત્યાં અને ત્યારે દરેક વખતે અલયે સૌથી ખોટી અને સૌથી ખરાબ જ પસંદગી કરી હતી, જાણીજોઈને ! કોઈ હરાવે એને બદલે અલય બાજી જ ઉડાડી દેવાનું પસંદ કરતો.

અલયનો આ સ્વભાવ શ્રેયાથી અજાણ્યો નહોતો અને તેમ છતાં આજે એમના જીવનની સૌથી મહત્ત્વની રાત્રે બંને પોતપોતાના ઘરમાં, પોતપોતાની પથારીમાં જાગતા અને તરફડતા પડ્યા હતા !

શ્રેયાને ખબર જ નહીં, ખાતરી હતી કે અલય ફોન નહીં કરે. આજ સુધીના તમામ મતભેદો જે ઝઘડામાં પરિણમ્યા હતા ત્યારે દરેક વખતે શ્રેયાએ જ ફોન કરીને અલયને મનાવ્યો હતો, આજે પહેલી વાર કોણ જાણે કેમ શ્રેયા ઇચ્છતી હતી કે અલય એને ફોન કરે.

શ્રેયાના પિતા દીનદયાલ ઠક્કર એક નખશિખ વેપારી હતા. લેવડ-દેવડથી આગળનો કોઈ હિસાબ એમને ક્યારેય સમજાયો જ નહોતો. કાચી ઉંમરે મા ગુમાવ્યા પછી શ્રેયાને વાત કરવા કે પોતાના યુવાન થતાં જતાં શરીર અને મનના પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે દરેક વખતે વસુમા જ યાદ આવતા... કેટલાંય વર્ષોથી શ્રેયાએ વસુમાને એક બહેનપણીની જેમ પોતાના મનના બધા જ ચઢાવ-ઉતાર કહ્યા હતા અને વસુમાએ સૂચવેલા કે આપેલા ઉકેલો એને માટે દરેક વખતે કારગત પણ નીવડ્યા હતા.

બીજી કોઈ પણ પરિસ્થિતિમાં શ્રેયા વસુમા પાસે દોડી ગઈ હોત, પણ આજે પહેલી વાર એણે આ મુદ્દામાં કોઈને નહીં સંડોવવાનું નક્કી કર્યું. એણે નક્કી કર્યું કે પોતે આ વિશે કોઈને નહીં કહે.

એને પોતાને પણ પોતાના સવારના વર્તન પર અફસોસ થયો હતો. ક્ષણિક આવેગમાં અને તીવ્ર અસલામતીની લાગણી હેઠળ બોલાઈ ગયેલા શબ્દો અને થઈ ગયેલું વર્તન એને પોતાને જ અત્યારે ક્ષોભજનક લાગતું હતું.

‘‘ભૂલ તો મારી જ છે. પહેલા જ દિવસથી અનુપમા સામે મેં વાંધો ઉઠાવવા માંડ્યો. અલયે ક્યારેય બીજી સ્ત્રી માટે મારી અવગણના કર્યાનું મને યાદ નથી... અને છતાંય આવું કેમ કરી બેઠી હું?’’ શ્રેયાના મનમાં ગડમથલ ચાલુ થઈ ગઈ હતી.

‘‘એનોય વાંક નથી. અનુપમા છે જ એવી. કોઈને પણ અસલામતી આપી શકે.’’ અલય પડખાં બદલાતો હતો, ‘‘અને એમાંય તે દિવસે રાત્રે એ જે રીતે વર્તતી હતી એ જોતાં કોઈ પણ છોકરી ભડકે...’’

‘‘ફોન કરું અલયને ?’’ શ્રેયાને વિચાર આવ્યો, ‘‘માફી માગી લઉં.’’

‘‘આવતી કાલ સવારનો સમય તો કહી દઉં એને.’’ અલયે ફોન હાથમાં લીધો, ‘‘આવવું ના આવવું એની મરજી...’’

હજી અલય ફોન ડાયલ કરે એ પહેલાં એના ફોનમાં રિંગ વાગી.

‘‘અનુપમા ? અત્યારે ??’’ અલયે ફોન લીધો, ‘‘હલ્લો...’’

શ્રેયા સતત ફોન ટ્રાય કરતી રહી. ખાસ્સી વાર સુધી અલયનો મોબાઇલ એંગેજ આવતો રહ્યો, ‘‘એંગેજ ?! અત્યારે ?!’’ અચાનક જ શ્રેયાને ઝબકારો થયો. અનુપમાને ડાયલ કરું...

અલયના ફોનમાંથી ચાલાકીપૂર્વક લીધેલો અનુપમાનો મોબાઇલ હતો શ્રેયા પાસે. એણે નંબર ડાયલ કર્યો...

એનું હૃદય ધડકી રહ્યું હતું, ‘‘હે ઈશ્વર મારી ધારણા ખોટી પડે તો સારું.’’ પણ, અનુપમાનો મોબાઇલ એંગેજ હતો !

‘‘હે ઈશ્વર !’’ શ્રેયા વારાફરતી અલય અને અનુપમાના નંબર ડાયલ કરતી રહી... આખરે એણે પોતાનો ફોન છૂટ્ટો ભીંતમાં ફેંક્યો.

ફોન અથડાયો અને બે-ત્રણ પીસમાં છૂટો થઈ ગયો.

અલયે ફાઈનાન્સની ચર્ચા કરીને અનુપમાનો ફોન કાપ્યો અને શ્રેયાના મિસ્ડ કોલ્સ જોયા.

શ્રેયાના ફોનની રિંગ વાગી, ટુકડાઓમાં વહેંચાયેલો ફોન ઉપાડીને શ્રેયા વાત કરવાનો પ્રયાસ કરવા લાગી.

ખૂબ રિંગ વાગ્યા પછી જ્યારે શ્રેયાનો ફોન ન ઉપડ્યો ત્યારે અલયને નવાઈ લાગી અને અચાનક જ ઝબકારો થયો, એણે અનુપમાને ફોન કર્યો.

‘‘યેસ...’’

‘‘એક નંબર પરથી મિસ્ડ કોલ્સ છે ?’’

‘‘કયો નંબર...’’

અલયનું મગજ ફાટી ગયું !

એણે પોતાનો ફોન સ્વિચઓફ કર્યો, ‘‘હજી એના મગજમાંથી સવારની વાત ગઈ નથી. મારી જાસૂસી કરે છે ? મારા પ્રેમમાં વિશ્વાસ નથી એને ?’’

‘‘મોબાઈલ ન ઉપાડ્યો તો લેન્ડલાઇન ન થઈ શકે ? મિસ્ડ કોલ્સ તો જોયા જ હશે ને ?’’ શ્રેયાએ ભેગા કરેલા ટુકડાઓને ફરી જમીન પર પછાડ્યા.

(ક્રમશઃ)