Pishachini - 14 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 14

(14)

‘....તે દીપંકર

સ્વામીએ

આપેલી આ માટીની હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડીને, અદૃશ્ય શક્તિ શીનાને લઈને પાછો ફરશે ? કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે ? !

‘જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે ? ! કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે ? !’ હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે શાંતિનગરના સ્મશાન તરફ આગળ વધી રહેલા જિગરના મગજમાં આ વિચાર દોડી ગયો હતો અને એ સાથે જ તેની ચાલ એકદમથી ધીમી થઈ ગઈ.

અત્યારે તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર સવાર હતી. પાછલા કેટલાય દિવસથી ફીક્કો પડી ગયેલો શીનાનો ચહેરો અત્યારે ચિંતાથી જાણે સાવ કાળો પડી ગયો હોય એવો લાગતો હતો. શીનાની આંખો પણ એકદમ બુઝાયેલી-બુઝાયેલી લાગતી હતી.

જિગરને થયું કે, તે શીના સાથે વાત કરે. તે શીનાને પૂછે કે, ‘‘દીપંકર સ્વામીએ તેને આપેલી માટીની આ હાંડીમાં શું છે ? ! અને શું એ વસ્તુ પંડિત ભવાનીશંકરનો મુકાબલો કરવા જેટલી શક્તિશાળી છે, ખરી ? !’’

જોકે, આ પૂછવા માટે તેના હોઠ ખૂલે એ પહેલાં જ દીપંકર સ્વામીએ તેને આ હાંડી આપતી વખતે આપેલી ચેતવણી યાદ આવી ગઈ, ‘‘....ભવાનીશંકર સામે પહોંચતાં સુધીમાં ન તો તારે પાછું વળીને જોવાનું છે કે, ન તો કોઈની સાથે વાત કરવાની છે !’’

અને એટલે જિગરે મોઢું બંધ રાખતાં શાંતિનગરના સ્મશાન તરફ ચાલવાનું ચાલુ રાખ્યું.

અત્યારે રાતના સવા બાર વાગ્યા હતા. જિગરે શાંતનગરના સ્મશાને

પહોંચવા

માટેનો રસ્તો એવો પસંદ કર્યો હતો કે, દિવસેય આ રસ્તા પર લોકોની અવરજવર ઓછી રહેતી હતી અને અત્યારે રાતના આ સમયે તો લોકોની અવરજવર બિલકુલ જ નહોતી. અને એટલે રસ્તા પર સન્નાટો છવાયેલો હતો. જિગર અત્યારે જે કામ માટે નીકળ્યો હતો, એના ટેન્શનના લીધે જાણે અત્યારે રસ્તા પરનો આ સન્નાટો વધુ ભયાનક ભાસતો હતો. જોકે, જિગરના દિલમાં ડર નહોતો-ગભરાટ નહોતો. તેણે શીનાને પોતાની પાસેથી નીકળીને, પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે પોતાના મનમાં પૂરી હિંમત ભરી રાખી હતી.

જિગર આ રીતના જ દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે શાંતિનગરના સ્મશાનના ઝાંપા નજીક પહોંચ્યો, ત્યારે રાતનો પોણો એક વાગવા આવ્યો હતો. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીના ઊભી હતી અને એેના ચહેરા પરનો ભય અને ચિંતા બેવડાઈ ગઈ હતી.

જિગરે એક ઊંડો શ્વાસ છાતીમાં ભર્યો અને સ્મશાનના ઝાંપાની અંદર દાખલ થયો.

‘હાઉંઉંઉંઉંઉંઉં...!’ બરાબર એ જ પળે સ્મશાનની અંદરથી ગૂંજેલો કૂતરાના રડવાનો અવાજ શાંત વાતાવરણને ખળભળાવી ગયો-જિગરના શરીરમાંથી ધ્રુજારી પસાર કરી ગયો. જિગરના આગળ વધતા પગ રોકાઈ ગયા.

‘નહીંહીંહીંહીંહીં...!’ અને અચાનક જ જિગરની પીઠ પાછળથી કોઈ સ્ત્રીની પીડાભરી ચીસનો અવાજ સંભળાયો. જિગર પાછું વળીને જોવા ગયો, ત્યાં જ તેના કાને શીનાનો ઉતાવળો અવાજ અફળાયો : ‘ના, જિગર ! પાછું વળીને જોઈશ નહિ, નહિતર અહીં જ મરી જઈશ. તને ડરાવી-ગભરાવીને તારો જીવ લઈ લેવા માટેના આ ભવાનીશંકરના પરચા છે !’

અને જિગર છેલ્લી પળે પાછું વળીને જોતાં રોકાઈ ગયો.

તેનાથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તે સમજતો હતો એટલું આ કામ સહેલું નહોતું. તેની એક નાનીસરખી ભૂલ તેને મોતના મોઢામાં ધકેલી શકે એમ હતી !

તેણે વળી હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો.

સામે, થોડાંક પગલાં દૂર આવેલા જૂના મંદિરની પાછળની ગીચ ઝાડીઓ વચ્ચે જ્યાં તેણે ભવાનીશંકરને શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ કરતાં બેઠેલો જોયો હતો, એ તરફ તે આગળ વધ્યો. પણ તે ત્રણ-ચાર પગલાં ચાલ્યો, ત્યાં જ તેની પીઠ પાછળથી કોઈ દોડી આવતું હોય એવા પગલાંનો અવાજ સંભળાયો. તેના રૂવાંડા ઊભા થઈ ગયાં. આ વખતે તે ચેતી ગયેલો હતો, એટલે તેણે પાછળની બાજુએ ફરીને ‘કોણ દોડી આવી રહ્યું છે !’ એ જોવા માટે તૈયાર અને તત્પર બનેલા પોતાના ચહેરાને પરાણે રોકી લીધો !

‘હા, બરાબર છે,’ તેના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘આ રીતના જ આસપાસના ચિત્ર-વિચિત્ર અવાજો અને દૃશ્યો સામે આંખ આડા કાન કરીને આગળ વધવાનું ચાલુ રાખ.’

જિગરે રાહત અનુભવી. તે બરાબર જ કામ પાર પાડી રહ્યો હતો. તે હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે આગળ વધ્યો.

તે જૂના મંદિરની પાછળ આવેલી ઝાડીઓ નજીક પહોંચ્યો. તેણે ડાબા હાથે ઝાડીઓ ખસેડીને અંદરની બાજુએ નજર નાખી, તો તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો.

અગાઉ તેણે સામે, જૂના વડના ઝાડ નીચે પંડિત ભવાનીશંકરને સફેદ રેખાથી બનેલા ઘેરામાં-મંડળમાં મંત્રનો જાપ કરતાં બેઠેલો જોયો હતો, પણ અત્યારે વડના ઝાડ નીચે ભવાનીશંકર બેઠેલો દેખાતો નહોતો.

‘શીના !’ જિગર બોલી ઊઠયો : ‘આ પંડિત ભવાનીશંકર કયાં ગયો ? ! શું એ તને વશમાં કરવાના મંત્રનો જાપ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો ? !’

‘ના, જિગર ! એ તને મૂરખ બનાવી રહ્યો છે !’ તેના માથા પર સવાર શીના બોલી : ‘એ તારી સામે જ, વડના ઝાડ નીચે જ, પોતાની એ જગ્યા પર જ બેઠો છે. તું આંખો ફાડીને-એકધ્યાનથી જો.’

અને જિગર ઝાડીઓ ખસેડીને, ઝાડીઓની અંદરની તરફ બે પગલાં આગળ વધીને ઊભો રહ્યો અને રીતસરની આંખો ફાડીને વડના ઝાડ તરફ જોઈ રહ્યો.

-પણ ભવાનીશંકર દેખાયો નહિ.

‘મને તો...મને તો ભવાનીશંકર દેખાતો નથી.’ જિગરે ધીરેથી કહ્યું, એટલે શીના બોલી : ‘હા પણ, એ મને તો દેખાય છે, જિગર !’

અને શીનાની આ વાત સાંભળીને જિગરના મગજમાં ભવાનીશંકરને પોતાની નજર સામે લાવવા માટેનો એક તુકકો સૂઝયો. તેણે એ તુક્કાને તુરત જ અમલમાં મૂકી દીધો : ‘ભવાનીશંકર !’ તેણે ત્રાડ પાડી : ‘તારા મારણના સામાન સાથે મને અહીં આવેલો જોઈને તું ગભરાઈ ગયો ને ? ! મારાથી ડરીને મારી આંખ સામેથી ઓઝલ થઈ ગયો ને ? !’ અને તેનું આ વાકય પૂરું થયું ન થયું ત્યાં જ તેને સામે..., વડના ઝાડ નીચેની અગાઉની જગ્યા પર, મંડળની અંદર મંત્રના જાપ કરતો બેઠેલો ભવાનીશંકર દેખાયો.

‘શીના !’ જિગરે તેના માથા પર સવાર શીનાને કહ્યું : ‘હવે હું ભવાનીશંકરને જોઈ શકું છું.’ અને તે એક પગલું આગળ વધીને ઊભો રહ્યો.

હવે તેનાથી ભવાનીશંકર પાંચ પગલાં દૂર બેઠો હતો. એ એ રીતે જ બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો.

જિગરને દીપંકર સ્વામીએ તાકિદ કરી હતી કે, જ્યાં સુધી ભવાનીશંકર આંખો ખોલે નહિ અને એની નજર તેના હાથમાંની આ હાંડી પર પડે નહિ ત્યાં સુધી તેણે આ હાંડી હાથમાંથી છોડવાની નહોતી-ભવાનીશંકર તરફ ફેંકવાની નહોતી. અને એટલે તેણે પહેલાં ભવાનીશંકરની આંખો ખોલાવવાની હતી, એને હાંડી દેખાડવાની હતી !

‘ભવાનીશંકર...!’ જિગરે મોટેથી બૂમ પાડી : ‘...આંખો ખોલ અને મારી સામે જો. હું તારું મોત લઈને આવ્યો છું.’

પણ જિગરની આ વાતના જવાબમાં ભવાનીશંકર તરફથી જરાય હલચલ-હિલચાલ વર્તાઈ નહિ. કાં તો ભવાનીશંકર જાપમાં એટલો બધો લીન હતો કે એણે જિગરની આ વાત સાંભળી નહોતી, અને કાં તો એણે જિગરની વાત સાંભળી હતી પણ જિગર સાથે વાત કરવા માગતો નહોતો.

‘ભવાનીશંકર ! એમ ન સમજ કે, હું ગપગોળા ફેંકી રહ્યો છું.’ જિગર ફરી મોઢેથી બોલ્યો : ‘હું આ વખતે તારા મોતનો સામાન સાથે લઈને આવ્યો છું.’

આ વખતેય ભવાનીશંકરે આંખો પરની બંધ પાંપણો ઊઠાવી નહિ.

‘ઠીક છે, તો લે પછી..., હું ફેંકું છું તારી તરફ તારા મોતનો સામાન !’ આ વખતે જિગર બોલ્યો અને તેણે હાથમાંની માટીની હાંડી અદ્ધર કરી, અને આ સાથે જ એકદમથી જ ભવાનીશંકરની આંખો પરની પાંપણો ખૂલી ગઈ અને એની લાલઘૂમ આંખોમાંની ગુસ્સાભરી નજર જિગરના હાથમાંની માટીની હાંડી પર પડી.

અને જિગરે પળનો પણ સમય બગાડયા વિના પોતાના હાથમાંની માટીની હાંડી જોશભેર ભવાનીશંકર તરફ ફેંકી દીધી.

હાંડી હવામાં ઊડતી ભવાનીશંકર તરફ ધસમસી. અને...

...અને ત્રીજી પળે જિગરને જે જોવા મળ્યું એનાથી તેને આશ્ચર્ય ને આઘાતનો આંચકો લાગ્યો.

તેણે વિચાર્યું હતું કે, તેણે ફેંકેલી માટીની હાંડી ભવાનીશંકરના શરીર સાથે અથડાતાં જ ભવાનીશંકરનો ખેલ ખલાસ થઈ જશે અને તેનું કામ બની જશે, પણ..પણ એવું બન્યું નહિ. તેણે ફેંકેલી હાંડી ભવાનીશંકરના શરીર સાથે અથડાવવાને બદલે ભવાનીશંકરના માથાની ઉપર, બે વેંત જેટલી ઉપર હવામાં સ્થિર થઈ ગઈ હતી !

અને જિગર આ વાતના આશ્ચર્ય અને આઘાતમાંથી બહાર આવે એ પહેલાં જ સ્મશાનના આ શાંત વાતાવરણને ખળભળાવી નાંખતી સ્ત્રીઓની ચીસાચીસ અને ધૂમ-ધડાકાના અવાજો ગુંજી ઊઠયા. જાણે..જાણે એકસાથે અનેક અદૃશ્ય શયતાની શક્તિઓ એકબીજા સાથે અથડાઈ રહી હોય-ટકરાઈ રહી હોય.

જિગરે શરીરમાં જાગી ઊઠેલી ધ્રુજારીને ખાળવાનો પ્રયત્ન કરતાં કલ્પનાની આંખે જોયું તો શીના ભવાનીશંકર તરફ જોતી, થરથર કાંપી રહી હતી.

જિગરનું હૃદય જાણે બેસવા માંડયુુંં. હાંડી ભવાનીશંકરના શરીર સાથે ટકરાઈ નહોતી અને એના માથાની ઉપર-હવામાં સ્થિર થઈ ગઈ હતી, એ જોતાં જિગરને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, ચોકકસ કંઈક ગરબડ થઈ હતી !

‘જિગર !’ શીનાનો કાંપતો અવાજ જિગરના કાને અફળાયો : ‘....આખો ખેલ બગડી ગયો છે ! દીપંકર સ્વામીનો કાળો જાદૂ ઊંધો પડી ગયો છે ! ! હવે કોઈપણ પળે એ હાંડી તારી તરફ પાછી ફરશે ! તું...તું જલદીથી ભાગી છૂટ અહીંથી !’

અને શીનાની આ વાત સાંભળીને જિગરના મનમાં રહેલી થોડી-ઘણી હિંમત પણ જવાબ આપી ગઈ. તે ભાગી છૂટવા માટે પાછો વળવા ગયો, પણ.., પણ આ શું ? ! જાણે તે પથ્થરનું પૂતળું બની ગયો હોય, તેના પગ..., તેના પગ જાણે જમીને પકડી લીધાં હોય એમ તે પોતાની જગ્યા પરથી જરાય હાલી-ચાલી શકયો નહિ.

તેના ચહેરા પર ગભરાટના વાદળાં ધસી આવ્યા. જાણે માથા પર પરસેવાનું પૂર ઘસી આવ્યું. તે કાંપવા લાગ્યો. તે અહીંથી ભાગી છૂટવા માગતો હતો, પણ તે પોતાની જગ્યા પરથી ટસથી મસ થઈ શકતો નહોતો. કોઈ ભયાનક અદૃશ્ય શક્તિએ તેને બરાબરનો જકડી રાખ્યો હતો.

તેણે કલ્પનાની આંખે શીના તરફ જોયું.

શીનાની હાલત પણ કફોડી લાગતી હતી. એ થરથર કાંપતાં ભવાનીશંકર તરફ જોઈ રહી હતી.

જિગરે ભવાનીશંકર તરફ જોયું.

તેણે ફેંકેલી હાંડી એ જ રીતના ભવાનીશંકરના માથાની ઉપર હવામાં સ્થિર હતી. અને ભવાનીશંકરની લાલઘૂમ આંખો તેની તરફ જ તકાયેલી હતી.

હજુ પણ વાતાવરણમાં શયતાની શક્તિઓની ચીસો અને ધૂમધડાકા સંભળાઈ રહ્યા હતા.

અને અચાનક જ જાણે કોઈ સ્વીચ-બટન દબાવીને એ અવાજો બંધ કરી દેવામાં આવ્યા હોય એમ એકદમથી જ એ અવાજો સંભળાવવાના બંધ થઈ ગયા. એકદમથી જ કાતિલ સન્નાટો છવાઈ ગયો અને બીજી જ પળે જિગરની પીઠ પાછળથી કોઈકના પગલાંનો અવાજ સંભળાવાની સાથે જ કોઈ પુરુષનો દયામણો-કરગરતો અવાજ સંભળાયો : ‘મને..., મને માફ કરી દે, ભવાનીશંકર !’

અને આ અવાજ સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે ચકકર ખાઈને, બેહોશ થઈને જમીન પર ઢળી પડશે. આ અવાજ..., આ અવાજ દીપંકર સ્વામીનો હતો !

હા !

તેને માટીની હાંડી લઈને અહીં ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટે મોકલનાર દીપંકર સ્વામીનો આ અવાજ હતો ! ! !

જિગર પાછું વળીને જોવા ગયો એ પહેલાં જ દીપંકર સ્વામી લથડાતા પગલે તેની પાસેથી પસાર થયા.

દીપંકર સ્વામીના ચહેરા પર જાણે સામે મોત જોયાનો ભય છવાયેલો હતો. એમણે જિગર સામે જોયું પણ નહિ. અને જિગર પાસેથી પસાર થઈને, જિગરથી બે પગલાં આગળ અને ભવાનીશંકરની સામે જમીન પર આળોટવા લાગ્યા. સાથે જ કરગરવા લાગ્યા : ‘ભવાનીશંકર ! મારી પર દયા કર, મને માફ કરી દે. મને જીવતો છોડી દે. હું સોગંધ ખાઈને કહું છું કે, કયારેય તારા કોઈ કામમાં ટાંગ નહિ અડાવું, તારા રસ્તા વચ્ચે કદી નહિ આવું.’

જિગરના ચહેરા પર મોતનો ભય તરી આવ્યો.

તંત્ર-મંત્રના જાણકાર દીપંકર સ્વામીની ભવાનીશંકર સામે આવી ખરાબ હાલત હતી, અને દીપંકર સ્વામી ભવાનીશંકર પાસે પોતાની જિંદગીની ભીખ માંગી રહ્યા હતા, તો પછી..., તો પછી ભવાનીશંકર સામે તેનું તો શું ગજું ? ! હવે ભવાનીશંકરના હાથે તેનું મોત નક્કી જ હતું.

જિગરનું ગળું સૂકાવા માંડયું. કોરા હોઠ પર જીભ ફેરવતાં તેણે મનોમન ભગવાનને યાદ કર્યા અને ભવાનીશંકર પાસે દયાની ભીખ માંગતા, જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામી પરથી નજર હટાવીને સામે મંડળમાં બેઠેલા ભવાનીશંકર સામે જોયું.

ભવાનીશંકરના મંત્રનો જાપ હજુ પણ એ રીતનો જ ચાલુ હતો. એની લાલઘૂમ અંખોમાંની કાતિલ કીકીઓ જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામી પર ચોંટેલી હતી.

જિગરે ભવાનીશંકર તરફ ફેંકેલી માટીની હાંડી અત્યારે પણ ભવાનીશંકરના માથાની ઉપર હવામાં એ જ રીતના સ્થિર હતી.

અને અત્યારે હવે માટીની એ હાંડી પોતાની જગ્યા પરથી સહેજ હલી અને પછી એકદમથી જ ત્યાંથી આ તરફ-જિગર અને દીપંકર સ્વામી તરફ આવવા માંડી.

હાંડી ભવાનીશંકરના મંડળની બહાર નીકળી અને પછી એ જમીન પર આળોટી રહેલા દીપંકર સ્વામીના શરીર ઉપર-હવામાં સ્થિર થઈ. અને એ સાથે જ દીપંકર સ્વામીએ કાળજું કાંપી ઊઠે, હૃદયના ધબકારા ચૂકી જાય એવી જોરદાર પીડાભરી ચીસ પાડી અને પછી જમીન પર વધુ ઝડપથી આળોટવા લાગ્યા. દીપંકર સ્વામી પીડાભરી ચીસો પાડતા એવી રીતના આળોટી રહ્યા હતા જાણે કે, એમની આસપાસમાં સાપ અને વીંછીનો રાફડો ફાટયો હોય અને એ સાપ-વીંછી એમને ડંખ મારી રહ્યા હોય !

જિગરે એકદમ જ ઢીલા પડી ગયેલા પોતાના શરીરને પરાણે ટકાવી રાખતાં કલ્પનાની આંખે જોયું, તો તેના માથા પર સવાર શીના બે હાથ જોડીને-માથું નમાવીને ઊભી હતી ! શીનાની આંખોમાંથી ચોધાર આંસુઓ નીકળી રહ્યા હતા. એની આંસુભરી આંખોમાંથી ભયની સાથે આજીજી પણ છલકાતી હતી. એની નજર જમીન પર પીડા સાથે આળોટી રહેલા દીપંકર સ્વામીના માથા પર સ્થિર થયેલી હાંડી પર તકાયેલી હતી !

જિગરે પણ એ હાંડી તરફ જોયું.

અને બસ..,

..હા, બસ આ પળે જ, જાણે કોઈ મોટી-શક્તિશાળી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે એ હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે એ પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી.........!

( વધુ આવતા અંકે )