Diary - 3 books and stories free download online pdf in Gujarati

ડાયરી - ભાગ - 3

ડાયરી ભાગ – ૩
આખરે રાજેશે નિયતિને લખતા શીખવ્યું અને જોતજોતામાં તો કોઈ સ્કોલર સ્ટુડન્ટની જેમ નિયતિએ લેસન પૂરું કરી નાખ્યું, કહેવાય છે કે સ્પેશ્યલ ચાઈલ્ડ ને ઉપરવાળો કોઈ આંતરિક શક્તિ આપે છે. જે સામાન્ય લોકોથી અલગ હોય છે. નિયતિમાં પણ કોઈક એવી શક્તિ ઉપરવાળાએ આપી જ હશે. લેશન પૂરું થયું પપ્પાએ નિયતિનાં ચોપડા બેગમાં મુક્યા. અને નિયતિ ને સ્કુલ બેગ પહેરાવતા વોટર બોટલ આપી.
ચાલો બેટા બ્હાર નીકળો હું ઘરને તાળું મારીને આવું છું.
નિયતિ પોતાને વ્યવસ્થિત કરતા ઘરની બ્હાર નીકળી અને રાજેશ ભાઈએ બુટ મોજા પહેરીને હાથમાં લેપટોપની બેગ લીધી અને ઘરને તાળું માર્યું. નિયતિની સ્કુલ બસ ઘરની બ્હાર થોડા અંતરે જ ઉભી રહેતી હતી. ટેનામેન્ટ થી બ્હાર નીકળી નિયતિ એની સ્કૂલબસનાં બસ સ્ટોપ પર ઉભી હતી. રાજેશ ભાઈ હાથમાં પોતાની લેપટોપ બેગ સાથે ત્યાં આવ્યા.
પપ્પા બસ ક્યારે આવશે..??
આવતી જ હશે. સ્કુલમાં મસ્તી નહિ કરતી. અને નાસ્તો કરી લેજે. સર જે લખાવે એ લખજે. અને અક્ષર સારા કાઢજે.
હા પપ્પા.
દુરથી બસ આવતી દેખાઈ.
જો બસ આવી ગઈ.
બસની બ્હાર હંમેશા ક્લીનર બાબુ ઉભો રહેતો જે સ્કુલ બસ ને સિગ્નલ આપતો કે ક્યારે બસ ઉભી રાખવી અને ક્યારે ઉપાડવી. નાના બાળકોને હાથ પકડી બસમાં ચઢાવવા અને સાચવીને ઉતારવા એ બાબુની ડ્યુટી હતી.
ચાલો...નિયતિ મહેતા.
નિયતિ ને એની ગમતી જગ્યાએ બેસવા દેજે.
હા હા સાહેબ એને જ્યાં બેસવું હોય ત્યાં બેસે. બસ ની શરૂઆત સૌથી પહેલા નિયતિ થી થાય અને સૌથી છેલ્લે પણ નિયતિ જ આવે છે.
નિયતિ બસમાં બેથી અને બાબુએ દરવાજા પર બે ધબ્બા માર્યા અને ડ્રાઈવરે બસ ઉપાડી. બસની બારીમાંથી નિયતીએ બુમ પાડી.
બાય પપ્પા...
બાય બેટા....
ચાલ ભાઈ જવા દે, ફરી એકવાર બાબુનો અવાજ સંભળાયો અને બસ દૂર એના ગંતવ્યસ્થાન પર આગળ વધી.નિયતિની સ્કુલમાં એની બેનપણીઓ પણ એના જેવી જ ઓછી બુદ્ધિ ધરાવતી જેને લોકો મંદબુદ્ધિનાં બાળકો કહે એવી હતી. મંદબુદ્ધિ શબ્દ લખવો મને ગમતો નથી વેજીટેબલ શબ્દ પણ વપરાય છે આવા બાળકો અને વ્યક્તિઓ માટે પણ ઈશ્વરે સમાજમાં મોકલ્યા છે તો કઈક વિચારીને જ મોકલ્યા હશે એમ સમજી આવા બાળકો પર દયા રાખી એમને સારા નરસાનું ભાન કરાવાય એમની સેવા કરાય. ક્લાસમાં નિયતિ બધી છોકરીઓમાં સૌથી હોશિયાર હતી. રીસેસમાં એની બેનપણીઓ સાથે સ્કુલના પગથીયે બેસી નાસ્તાનો ડબો ખોલ્યો. ત્યાં સામે ઉપાધ્યાય સર આવ્યા જે નિયતિના ક્લાસ ટીચર હતા.
નિયતિ..તું અહિયાં છે ?
સર ગુડ આફ્ટરનુન.
ગુડ આફ્ટરનુન.
સર તમે નાસ્તો કરશો ? ડાબો સરની સામે ધરતા નિયતિ બોલી.
નાં , નિયતિ તારી હોમવર્કની નોટબુક મેં તપાસી, બેટા કઈ સમજાતું નથી એવું લખે છે. બધું પાછુ લખી આવજે, અને અક્ષર સારા કાઢ, જો તું પરીક્ષામાં પણ આવા જ અક્ષરે લખીશ તો તને માર્ક કેમ મળશે બેટા ? સારા અક્ષર કાઢીશ ને..??
હા સર...
પ્રોમિસ ..?
પ્રોમિસ..
વેરી ગુડ.
ઉપાધ્યાય સર નિયતિના માથે હાથ ફેરવીને આગળ ગયા ત્યાજ એને બુમ સંભળાઈ.
સર..સર..
શું થયું બેટા ?
આલ્યો..કહેતા નાસ્તાનો ડબો સામે ધર્યો.
સર નાસ્તો લ્યો ને
હસતા મોઢે ઉપાધ્યાય સર નિયતિની માસુમ આંખોમાં જોતા જ રહ્યા એની આંખોના ભાવ જોઈ એક ક્ષણ કોઈને પણ આંખે પાણી આવી જાય એવા હતા.ઉપાધ્યાય સરે નિયતિના ડબા માંથી ચપટીક નાસ્તો લીધો ત્યાં એક સાથે ચાર છ ડબા સર ની સામે આવી ગયા, નિયતિની બધી બેનપણીઓ સર ને નાસ્તા મારે રીક્વેસ્ટ કરવા લાગી.
સર નાસ્તો લ્યો...અને ઉપાધ્યાય સર ની આંખો ખરેખર ભીંજાઈ ગઈ.
રાત્રે રાજેશભાઈ નિયતિને ભણાવતા હતા એમાં એમણે નિયતિની નોટબુકમાં ઉપાધ્યાય સરની રીમાર્ક જોઈ.
નિયતિ..બેટા આ શું ?? બધું હોમવર્ક ફરી કરવાનું કહ્યું છે..??
હા મારા અક્ષર સારા નથી ને...
તારા અક્ષર હવે એકદમ સારા આવશે, જો હું તારા માટે શું લાવ્યો છું..કહેતા પપ્પાએ દીકરીને સરપ્રાઈઝ ગીફ્ટ આપી. સરસ મજાની ડાયરી અને કલરફૂલ પેન્સિલ.
ઈ..ઈ.ઈ.ઈ..નવી પેન્સિલ..?? અને બુક...[ જોતા ] આ તો મસ્ત છે...
હા આ ખાસ તારા માટે છે...જાદુ વાળી ડાયરી છે આ..
જાદુ વાળી..??
હા આમાં રોજ તું આખા દિવસમાં જે પણ કઈ કરે ને એ લખવાનું..પછી જોજે તારા અક્ષર જાદુ થી સરસ થઇ જશે...
એમ..??
હા , તારે અક્ષર સારા કાઢવા છે ને..?? તો આમાં રોજ લખવાનું. તું જે જે કરે તે. સવારે ઉઠ્યા થી સાંજે સુતા સુધીની બધી વાતો લખવાની.
બધી ?
હા, ક્યારે ચા પીધી, શું નાસ્તો કર્યો. સ્કુલમાં શું કર્યું. સાંજે શું રમી. રાત્રે શું જમી. બધું જ લખવાનું. તું જો આમ લખીશ ને તો તારા અક્ષર એકદમ સરસ થઇ જશે.લખીશ ને ??
હા હા હું આમાં બધું જ લખીશ. આમાં હું રોજ રોજ લખીશ.બહુ બધું લખીશ.
ક્રમશ: