Premdiwani - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૪

મનના પટાંગણમાં એવું સ્થાન તું પામી ચુકી છે,
અર્ધજાગ્રત અવસ્થામાં પણ તું અનુભવાય રહી છે.

અમન અર્ધજાગ્રત અવસ્થામાં પણ મીરાંના નામને ઉચ્ચારી રહ્યો હતો. કણસવાના અવાજ સાથે મીરાં નું નામ ફક્ત એની બાજુમાં ઉભેલ મિત્ર જ અમનના ર્હદયભાવને અનુભવી શક્યો હતો. દરેક સબંધમાં મિત્રનો સાથ વિશેષ જ હોય છે જે આપણે અહીં જોઈ શક્યે છીએ.

મીરાંના મનને અમનની સ્થિતિની જાણ થતા જ એ મન્દિરે દર્શન કરવા ગઈ હતી. અને પ્રભુને પોતાની પ્રાર્થના સ્વીકારવા બદલ હરખ સાથે વંદન કરી રહી હતી.

કેવી અદભુત અનુભવાય રહી છે લાગણી,
ગુસ્સામાં પણ પ્રેમનો સમન્વય ધરાવે છે લાગણી!

મીરાં મઁદિરથી દર્શન કરીને સ્કૂલ એની બેન જોડે જઈ રહી હતી. મીરાં વિચારોના લીધે ગુમસુમ ચાલી રહી હતી. મીરાંની બેનને આ યોગ્ય સમય લાગ્યો અમનની વાત કરવા માટે.. તેણે મીરાંને પૂછ્યું, "બેન અમનને સારું થઈ જશે અને એ ફરી આજ વાત તને પૂછશે તો તું શું જવાબ આપીશ?"

મીરાં બેનની વાત સાંભળીને એકદમ ગભરાય ગઈ, કારણ કે મીરાં માટે અમન એ માત્ર એનો મિત્ર જ હતો. મીરાં ને ફરી વાર બેને એજ પ્રશ્ન પૂછ્યો, મીરાંએ ત્યારે સ્વસ્થ થઈ તુરંત જવાબ આપ્યો કે એ માત્ર મારો મિત્ર જ છે એનાથી વિશેષ કહી જ નહીં. મીરાંએ બેનને જવાબ તો આપી દીધો પણ પ્રશ્નના વમળમાં એ ખુદને ફસાયેલ હોય એવું અનુભવી રહી હતી. એજ વિચારોમાં એ સ્કૂલ પહોંચી ગઈ. કલાસના અંદર હજુ પ્રવેશ જ કર્યો ત્યાં એને અમનનો મિત્ર આતુરતાથી જાણે મીરાંની જ રાહ જોઈ રહ્યો હોય એમ મીરાંની નજરે ચડ્યો. મીરાંથી તેને જોઈને બોલાય ગયું કે, "પ્રથમ તું અહીં છે? અમનની જોડે નહીં?" અમનના મિત્રનું નામ પ્રથમ હતું.

પ્રથમ તરત જ મીરાંની પાસે ગયો, એણે મીરાંને કહ્યું કે, "તું એક વાર પણ હોસ્પિટલ અમનને જોવા ન આવી? તે મિત્ર તરીકે પણ અમનની જરા પણ ખબર ન લીધી? અમન અર્ધજાગ્રત અવસ્થામાં પણ તારું નામ જ બોલી રહ્યો છે અને તું સાવ પથ્થર બનીને ફરી રહી છો? ધૂળ પડી તારી મિત્રતા પર...."

પ્રથમની વાતને મીરાંએ વચ્ચેથી જ કાપી નાખી અને વળતો જવાબ આપતા એ બોલી, " મેં મારી મિત્રતા જ તો નિભાવી છે, અમનએ મિત્રતાને ઓરંગી છે. હું કાલ પણ સાચી હતી અને આજ પણ સાચી જ છું. તુજ તારા મનથી વિચાર અમનની કોઈ ભૂલ જ નહીં? મેં એને ક્યારેય મિત્રથી વિશેષ કોઈ ભાવ એને વ્યક્ત કર્યો નહીં તો હું મારી રીતે બરાબર જ છું. અને એનો કે મારો પરિવાર આ સબંધ સ્વીકારશે? અરે મારા મમ્મી જ આ વાત ન સ્વીકારે અને મારા પપ્પા કદાચ આજીવન મને બોલાવે જ નહીં, મારીબેનનો કોણ હાથ પકડશે? અમનના ઘરના બધા માની પણ જાય છતાં શું એનો સમાજ સ્વીકારશે મને? અરે પ્રથમ! કોમી તોફાન જાગશે કે અમન મને હેરાન કરે છે એ વાત પકડી હિંદુ લડશે, અને મારે લીધે અમન મોતના મોઢામાં છે એ વાત પકડી મુસ્લિમ લડશે... તે કાંઈકતો સમજાવ્યું હોત અમનને તો આજ અમનની આ હાલત ન હોત! તે તારી મિત્રતા નહીં નિભાવી પ્રથમ! તું શું મને મિત્રતાના પાઠ શીખવવા આવ્યો?" મીરાંનો જવાબ સાંભળી પ્રથમ સ્તબ્ધ થઈ ગયો. મીરાંની વાતમાં સચ્ચાઈનો રણકો છલકતો હતો.

થોડી વાર મીરાં અને પ્રથમ વચ્ચે મૌન છવાઈ ગયું, પ્રથમને મીરાંની વાત એકદમ સાચી લાગી, તેના મનને મીરાંના વિચાર સ્પર્શી ગયા. પ્રથમએ મૌન તોડતા કહ્યું, "મીરાં મને માફ કરી દે, હું એકતરફી રહી ઘણું બોલી ગયો તને, પણ અમન ખરેખર ખુબ ખરાબ હાલતમાં તને જ સાદ દઈ રહ્યો છે આથી હું તારું અપમાન કરી ગયો. મને માફ કર મીરાં."

મીરાં ફક્ત એટલું જ બોલી કે હું તને માફ કરું છું પણ મારા અને અમનના મિત્રભાવને કોઈ માફી આપી શકશે જયારે હકીકત બધાની સામે આવશે? બધાને ત્યારે પણ મારી જ ભૂલ લાગશે કે મેં જ કંઈક ભૂલ કરી હશે.. વગર કારણે હું સજા ભોગવું છું. આટલું બોલી મીરાં કલાસમાં જતી રહી. પ્રથમ ફરી હોસ્પિટલ જતો રહ્યો.

શું સત્યની થશે જીત કે ગફલતને મળશે વેગ?
કેમ પરિસ્થિતિને ઝીલસે મીરાં મનમાં રાખી વેણ?

પ્રથમ હોસ્પિટલે પહોંચીને જુવે છે તો અમનના ઘરના બધા ભેગા મળીને કંઈક ચર્ચા કરી રહ્યા હતા, કંઈક ગડમથલ એમના હાવભાવમાં નજર આવી રહી હતી. પ્રથમ ત્યાં ગયો અને તરત એણે અમન ને કેમ છે એ પ્રશ્ન પૂછ્યો?

અમનના ભાઈએ કહ્યું કે, " અમન સંપૂર્ણ ભાનમાં નહીં પણ એ મીરાંનું જ નામ લઈ રહ્યો છે, એ કેમ મીરાં નું નામ લે છે? મીરાંએ તો અમનને...

પ્રથમ અમનના ભાઈની અધૂરી વાત પર જ સમજી ગયો કે મીરાં જે વિચારી રહીં હતી એવી જ ગંધ ભાઈની વાત પરથી આવી રહી છે. અમનનો પરિવાર ખુબ ગુસ્સામાં દેખાય રહ્યો હતો સિવાય કે અમનના મમ્મી... અમનના મમ્મી હજુ અલ્લાહને અમન માટે રીઝવી રહ્યા હતા. એમને બસ અમન જલ્દી ભાનમાં આવે એજ ક્ષણ ની રાહ હતી.

માઁ ની વેદનાને ભલા કોણ સમજી શકે?
જ્યાં ફક્ત કોમી ભેદભાવ જ ભભૂકી રહે!

શું થશે જયારે અમન સંપૂર્ણ ભાનમાં આવશે?
કેવા પ્રતિભાવ હશે બંને ના પરિવારના?
મીરાં કેમ ઝીલસે દરેકના પ્રશ્નનો પ્રહાર?

જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...