Premdiwani - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમદિવાની - ૭

ઉમર કાચી હતી, પણ પ્રેમ પરિપક્વ હતો;
ગફલત પાકી હતી, પણ ખુલાશો બાકી હતો;
હૃદયની લાગણી હતી, પણ આંખે દુઃખનો દરિયો હતો;
દોસ્ત! અમનની એ પ્રીત હતી, પણ મીરાંએ ઝેરનો ઘૂંટડો પીધો હતો!

હજુ અમન અને મીરાં વચ્ચે થયેલ ચર્ચા બંને પરિવાર સુધી સ્પષ્ટ રૂપમાં આવી નહોતી, અને બંને કાચી ઉંમરે હોય પરિવારના સભ્યોને એવી કોઈ ગંધ પણ નહોતી કે શું ચાલી રહ્યું છે મીરાં અને અમનના મનમાં? પણ શેરીએ અને ગામમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, 'અમનએ ઝમ્પલાવ્યું એનું કારણ મીરાં જ હોય! છતાં મીરાં હોસ્પિટલ જાય છે, કંઈક દાળમાં કાળું છે.' આવી વાત અમનના પરિવાર સુધી પહોંચી હતી. પણ પરિવાર ડૉક્ટરએ જેમ કીધું હતું કે અમનને કોઇ જ વાતનું માનસિક દબાણ ન આપતા આથી અમનનો પરિવાર આ વાતને મહત્વ જ આપતો ન્હોતો.

ગામમાં થતી ચર્ચા મીરાંના ઘર સુધી પણ પહોંચી ગઈ હતી, પણ મીરાં માટે કોઈ એવી વાતને વેગ આપે એ મીરાંનો પરિવાર થોડી સહન કરે? ખુબ ઝાટકણી થઈ મીરાંની એના પરિવાર ધ્વારા...

મીરાં જે કોઈ જ સ્વાર્થ વગર માનવતા નિભાવતી હતી એની આજ ભારોભાર સજા ભોગવવાનો સમય મીરાં સમક્ષ આવી ઉભો રહ્યો હતો. અધૂરી વાતથી સહમત પરિવારનો આજ મત મીરાંની વિરુદ્ધનો હતો. બધાના પ્રશ્નનો મૌન રહી સામનો કરવો એ મીરાંને માટે કપરી સ્થિતિ ઉપજાવે એવો પ્રશ્ન હતો, મીરાંએ પોતાના પરિવારને જે મીરાંના મનમાં હતું એ વાત જણાવી કે, હું કોઈ જ ખોટું કર્મ કરતી નથી. હું, અમન મારો મિત્ર છે માટે એને મળવા જાવ છું. બધા જ જાણે છે કે હું પહેલાથી જ અમનની ખાસ મિત્ર છું તો આજ આવી વાત શું કામ કરો છો? મીરાંએ ફક્ત પોતાની જ વાત કરી હતી, અમનના મનની લાગણી છુપાવી હતી એનું મુખ્ય કારણ ડર હતો. એ ખુબ ડરતી હતી કે, ' મારે લીધે કોઈનો જીવ ન જોખમાય.' મીરાંએ આજ અધૂરી વાત કરી ફરી બીજું ખોટું પગલું ભર્યું હતું.

મીરાંની વાત સાંભળીને પરિવારના દરેકનું મન શાંત થયું હતું. આ શાંતિ એક સમયે તોફાન બની ભવિષ્યમાં મીરાંની સાથોસાથ આખા પરિવારને ઝપટમાં લેશે એની આજ મીરાં ધ્વારા ભૂલ થઈ ચુકી હતી.

મીરાંની બહેને એકાંતમાં મળીને મીરાંને ખોટું કેમ બોલી એનો ખુલાસો માંગ્યો હતો. મીરાં ફક્ત એની બેન સાથે જ તો મોકળા મનથી વાત કરી શક્તિ હતી, એણે બેનને કીધું કે, "હું મમ્મી-પપ્પાને ચિંતામાં જોઈને ખુબ ડરી ગઈ, અને હું પોતે જ કાંઈ સમજતી નથી કે હું કેમ આમ કરું છું, હું ન ઈચ્છવા છતાં અમનના વિચારોમાં તણાવ છું, અમનને ફક્ત મારાથી જ પ્રેમ છે એ હું પહેલી વખતે હોસ્પિટલ પહોંચી ત્યારે મહેસુસ કરી શકી હતી. હા ત્યારે મને બિલકુલ પ્રેમ અમન માટે ન્હોતો જ પણ.."

મીરાંની બહેને મીરાંએ અધૂરી વાત છોડી એનો ફરી ખુલાશો કરતા પૂછ્યું, "પણ શું મીરાં?"

મીરાં હવે રડી પડી હતી. મીરાં પોતાના મનમાં જે ઉદ્ભભવતી હતી લાગણીની વેદના એ એની બેન સમક્ષ ઉચ્ચારી રહી હતી.

મીરાં બોલી, "પણ અમનની લાગણી મારા મનને સ્પર્શતી જાય છે, હું એની સામે હોવ ત્યારે જે એના ચહેરા પર ચમક આવે છે એ મને જોવી ગમે છે, એની જિંદગીમાં મારુ કેટલું મહત્વ છે એ હું અનુભવું છું. હું એની સામે કઈ જ બોલી નહીં કે મારી લાગણી એને જણાવી નહીં પણ હું તને કહું છું કે હું હા, હું અમન ની લાગણી માં તણાઈ ગઈ છું. ફક્ત નાતજાતના ભેદના લીધે હું એની લાગણી ન સ્વીકારું?? હું અમનને પણ ક્યારેય નહીં કહું પણ મારા મનમાં એનો પ્રેમ રોપાય ગયો છે... આટલું બોલી મીરાં બેનને ભેટીને ચોધાર આંસુએ રડી પડી. આજ આટલા દિવસોથી દબાવેલી વેદનાને મીરાંએ ઠાલવી દીધી. મીરાંનું રુદન આજ અટકવાનું નામ જ ન્હોતું લેતું. એ પોતાના મનની લાગણીને આજ આંસુ થકી વરસાવી રહી હતી.

મીરાંની બેન શું બોલે કે શું કહે મીરાંને? એ ખુદ મીરાંને રડતા જોઈને રીતસર ડઘાઈ ગઈ હતી. મીરાંને બસ તું રડ નહીં બેન એટલું જ વારંવાર એનો અવાજ ઘરમાં બીજું કોઈ સાંભળે નહીં એમ ડરતા ડરતા કહી રહી હતી. પણ જાણે આજ કુદરતને પણ મીરાંની લાચારી પર દયા આવી હોય એમ એ પણ મીરાંને જ જાણે સાથ આપી રહી હતી. મીરાંના મમ્મી-પપ્પા ગાઢ નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા. એમને જરા પણ અંદાજ નહોતો કે ઘરના એક ખૂણામાં પોતાની લાડલી ખુબ રડી રહી છે.

પવિત્ર પ્રેમના વમળમાં પગરવ કરી ચુકી હતી મીરાં,
રોજની મુલાકાત થકી 'પ્રેમદિવાની' બની ચુકી હતી મીરાં!

શું થશે મીરાં અને અમનના જીવનમાં?
શું મીરાં પ્રેમને જગજાહેર કરી શકશે કે કોમીવાદના ડર થી ચૂપ રહેશે?

જાણવા વાંચતા રહો પ્રેમદિવાની...