Khalipo - 2 books and stories free download online pdf in Gujarati

ખાલીપો - 2

ત્યાં ડોરબેલ વાગી. મને આ ડોરબેલ બહુ ગમતી. કોઈક આવે, એની સાથે વાત કરું અને આ અજગર જેવડા દિવસનો થોડો ભાગ કાપવામાં મદદ થઈ જાય. હું પથારી પરથી ઊભી થઈને, પંખો બંધ કરીને નીચે આવી. વાળ સરખા કરી અરીસામાં જોઈને ચાંદલો સરખો કર્યો. હજુ મો પર એક પણ કરચલી દેખાતી નથી, શું મારી ઉંમર વધતી અટકી ગઈ છે? ત્યાં ફરીથી ડોરબેલની કોયલે ટહુકો કર્યો. મેં ઝડપથી ચાલતા જઈને દરવાજો ખોલ્યો. ત્યાં તો એક પાર્સલ હતું. મારી સહી લઈને એ 20 વરસનો કુરિયર બોય જવા લાગ્યો. મેં પાણીનું પૂછયુ પણ ના પાડી, કદાચ ઉતાવળમાં હતો.

પાર્સલ ખોલ્યું તો એક સરસ સાડી હતી. મોટી દીકરીએ ઓનલાઈન મંગાવીને મોકલી હતી. સાડી જોતા જોતા ફરીથી એ જીવેલી જિંદગીમાં ફરીથી આંટો મારી આવવાનું મન થયું.

ભાઈ બહેનોની સાથે સાથે સમય પણ એ ઝડપે મોટો થતો જતો હતો અને હું પણ. ત્યાં જ મોટી બહેન સોનલના લગ્નની વાત આવી. ઘરમાં મોટી બહેન માટે નવા કપડાં આવ્યા. એના વધેલા કપડાં કૃપાલીના ભાગમાં આવતા. કૃપાલીના મારા ભાગે અને મારા નનકીના ભાગે. તો પણ એ કપડાં પહેરીને નવા કપડાં મળ્યા જેવો જ આનંદ આવતો. એ કપડાં પહેરીને અમે મોટી બહેન જેવા દેખાવવાના પ્રયત્નો પણ કરતી. મોટી બહેનનો ડ્રેસ પહેરીને હું ય મોટી થઈ જતી, એમની જેમ કાજલ લગાવતી, નાનકડી ચોટીમાં અંબોડો લેતી, અને એવા મોટાના કામોમાં મદદ કરવા પણ જતી.

આજે મોટી બહેનને છોકરો જોવા આવવાનો હતો. બધાને નવા કપડાં પહેરવા મળ્યા હતા. બા કૈક બીજી જ ઉપાધિમાં હતી, વાત વાતમાં ગુસ્સે થઈ જતા હતા. કૃપાલી મોટી બહેનને તૈયાર કરવામાં અને બીજી નાનીમોટી મદદ કરવામાં વ્યસ્ત હતી. મને મહેમાનોને પાણી પાવાનું કામ સોંપાયું હતું અને એટલે સૌથી પહેલા છોકરાને મારે જોવાનો હતો ! આ વાતથી ઘરે આવેલી સ્ત્રીઓમાં મારું મહત્વ ગામના મુખ્યા જેવું વધી ગયું હતું. ત્યારે મને સૌથી સુંદર ડ્રેસ પહેરવા મળ્યો હતો. ત્યારે કદાચ મને પહેલી વખત મારી ઉંમરનું પણ ભાન થયું હતું.

મહેમાનો આવીને ઓસરીમાં બેઠા હતા. સ્ત્રીઓ બધી બાજુના ઓરડામાં હતી. કોઈ સોનલ દીદીના વખાણ કરતું હતું. સોનલ જેવી દીકરી નો થાય, એ જતી રહેશે પછી આ ઘર કૃપાલી અને દક્ષાના માથે આવશે, એનાથી સોનલ જેવું કામ તો ના જ થાય. આવી વાતો સાંભળી સોનલદીદીનો ઈર્ષા પણ થતી. કોઈ વળી એમની સુંદરતાની વાતો કરતું કે આવી સુંદર છોડી માટે ખબર નહિ ક્યાંથી મુરતિયો આવશે. કોઇ અદેખાઓ બાપુ પાસે દહેજમાં આપવા કાંઈ નથી એટલે ગમે એને પરણાવી દેશે એવી વાતો કરતું હતું. હું આ બધામાં ધ્યાન આપવા કરતા જોવા આવેલ છોકરાને જોવા માટે પ્રયત્નો કરતી હતી.

છોકરો કાકીને સગામા થતો હતો એટલે કાકી એના વખાણ કરવાથી થાકતા ન હતા. ગોવિંદભાઇ સાત દેશોમાં રખડી આવે તો પણ સોનલ માટે આનાથી સારો છોકરો ના મળે. લગ્ન પછી સોનલને ઘરમાં ઘી ગોળ ખાઈને આરામથી છોકરા મોટા કરવા સિવાય કોઈ કામ નહીં. ત્યાં બા એ મારા સામું જોયું. હું સ્ટીલનો ગ્લાસ અને જગ લઈને મહેમાનોને પાણી પાવા ગઈ. જે પ્રમાણે શીખવેલું એ પ્રમાણે સાથે આવેલા બુઝુર્ગને પહેલા પાણી આપ્યું પછી છોકરાને આપ્યું. પાણી આપતા આપતા મેં શરમમાં પણ ઉંચી નજર કરી છોકરા સામે જોઈ લીધું. પછી જલ્દી જલ્દી બધાને પાણી આપીને ઓરડામાં આવી.

જેવી રીતે ખેડુઓ વરસાદની રાહ જોતા હોય એમ મારી રાહ જોવાતી હતી. મને અંદર આવતા જ બધા પૂછવા લાગ્યા છોકરો કેવો લાગ્યો. મને કશી ગતાગમ પડતી નહોતી. કાકી મારા સામું જોતા હતા. મેં કહ્યું સારો છે, મોટી મૂછો છે, દાઢી નથી થોડો કાળો છે, આંખ નીચે મસ છે, હોઠ કાળા છે, મોઢું થોડું મોટું છે.. ત્યાં કોઈએ અટકાવતા ટકોર કરી એલી એટળી વારમાં કેટલું જોઈ આવી! હું શરમાઈને સોનલ અને કૃપાલી સાથે ખાટલા પર ગોઠવાઈ ગઈ. પછી સોનલ ચા આપવા ગઈ અને છોકરા છોકરીએ એકબીજાને કદાચ જોઈ લીધા.

મારા કાન બહાર જ હતા. સોનલ વિશે કોઈ પૂછતું નહોતું પણ કરિયાવરની અને લગ્નના જમણવારની વાનગીઓની વિશે પૂછપરછ થતી હતી. થોડીવાર બેસી મહેમાનો કાગળ લખશું કહીને નીકળી ગયા. કોઈએ સોનલને ના પૂછ્યું છોકરો ગમ્યો કે કેમ. કાકીના મતે છોકરામાં ના ગમવા જેવું કાંઈ નહોતું. હું અને કૃપાલી સોનલને પૂછતી હતી, છોકરો ગમ્યો? પણ એ કાંઈ જવાબ આપતી નહોતી. કદાચ એને મો ઊંચું કરીને એક વખત જોયો પણ નહોતો. મને કાંઈ સમજાતું નહોતું.

બે ત્રણ દિવસ પછી કાગળ આવ્યો, એ લોકોને છોકરીની ડોક ટૂંકી લાગી એટલે ના પાડી હતી, કદાચ બાપુની સંપત્તિ ટૂંકી પડી હતી !!.