Khalipo - 3 books and stories free download online pdf in Gujarati

ખાલીપો - 3 (ટાઢી રોટલીની પપુડી)

બપોરે એકલી જમવા બેઠી. એમના ટિફિનની સાથે જ મારું જમવાનું પણ બનાવી લવ. રોટલી બાકી રાખું. નીચે આવી રસોડામાં ગઈ, પહેલા રેડીયો ચાલુ કર્યો. નાનપણથી જ રેડીયો સાંભળવાનો બહુ શોખ. રેડિયામાં અલ્કા યાજ્ઞિક અને કુમાર શાનુંના અવાજમાં 90'sના મસ્ત ગીતો આવતા હતા. સાથે સાથે ક્યારે રોટલી બની ગઇ ખબર જ ના પડી. રોટલી બનાવી એકલી જ જમવા બેઠી અને જમતા જમતા ફરીથી ત્યાં જ ચાલી ગઈ, એ જ સોનેરી યાદોમાં..

"એકલા એકલા ખાય
એને ગાલ પચોરીયા થાય"
કહીને જગો મારા ભાગના મારા મનગમતા ચૂરમાંના લાડુંમાં પણ ભાગ પડાવવા આવી ગયો. મેં ચીડમાંને ચીડમાં થોડો ભાગ આવ્યો. બધી બહેનો વચ્ચે એક જ તો ભાઈ હતો. બધી બહેનો હંમેશા પોતપોતાનામાંથી ભાગ કરતા થોડું વધારે આપતી, ઉપરથી બા પણ એના ભાગમાંથી આપતી એ અલગ. જાગૃતિ નાની હતી તો પણ એને વધારે બહુ ના મળતું. ક્યારેક બાપુજી કે સોનલ બેન આપે તો જ. જગાને કપડાં પણ નવા જ મળતા. બા હમેશા એની આગળ પાછળ જ ફરતી. ત્યારે તો અમને કશું અજુગતું ના લાગતું. અમે બહેનો પણ બીજી બહેનો કરતા ભાઈને વધુ મહત્વ આપતી. આમ ભાઈને હમેશા પોતાને મળે એના કરતાં વધુ લેવાની આદત પડી ગઈ હતી.

જમવામાં પણ હમેશા ગરમ રોટલી એને જ મળતી. અમે એકેય બહેનો ક્યારેય માગતી પણ નહીં. બા ના હોય ત્યારે અમે કોઈક બહેન જ ગરમ રોટલી બનાવી દેતી. હમેશા શાક પણ એને ભાવતું જ બને. ક્યારેક એના અને બાપુજીના લીધે બે શાક પણ બનાવવા પડે. આ વાતોના લીધે ઘણી વખત મને એની અદેખાઈ થતી તો પણ ભાઈ વગર એક મિનિટ પણ ના ચાલતું. ક્યારેક દૂર હોય તો ભાઈ શુ કરતો હશે કે ભાઈ સાથે હોત તો આપણે શું કરત એવા જ વિચારો આવતા.

મારી અને ભાઈની ઉંમર લગભગ સરખી એટલે અમે સાથે જ રમતા. એક વખત રાવણા(જાંબુડા) ખાવા કોઈના ખેતરે ગયેલા. બપોર વચ્ચે કોઈને ખબર ના પડે એમ અમે ઘરેથી નીકળી ગયા. ચાલતા ચાલતા ખેતરે પહોંચ્યા. ત્યાં રાવણાનું મોટું ઝાડ હતું. આખા ઝાડમાં રાવણા જ રાવણા એકદમ મોટા અને રસદાર. મને રાવણા બહુ જ ભાવતા કદાચ કેરીની સાથે મૂકી શકાય એવું ફળ. જેને તાજા ખરેલા રસવાળા મધ જેવા મીઠા રાવણા ખાધા હોય એને જ સાચા રાવણાના સ્વાદની ખબર હોય. અમે ગયા ત્યાં ખરેલા જ એટલા હતા, ભાઈ એમાંથી જ થેલી ભરવા માંડ્યો. મેં ઉપર જોય કહ્યું " એ રહેવા દે, બગડી જાશે, ઉપર મસ્ત છે એ ઉપર ચડીને લઈ આવીએ". એ રાવણા ઉપર ચડ્યો અને મેં નીચે ચુંદડી પાથરી જેથી એમાં જ ખરે. હજુ અમે થોડા રાવણા ભેગા કર્યા હશે ત્યાં જ ખેતરના માલિકને આવતા જોયા. મેં જોરથી બૂમ પાડી ભૈલું ભાગ ઓલો ઓઘો બાપો આવ્યો. એ ઝડપથી ડાળ પરથી ઉતરવા ગયો અને ડાળ બટકી અને સીધો નીચે પડ્યો. રાવણાનું ઝાડ હોય જ બટકણું.
નીચે પડ્યો થોડું લોહી નીકળ્યું. મેં અને ઓઘાબાપાએ મળીને ઉભો કર્યો. બાપાએ એમ જ થોડા રાવણા ભરી આપ્યા પણ હવે રાવણા કોને ભાવે. ઘરે જઈને બાને ખબર પડી તો કાંઈ જ પૂછ્યા વગર મને સીધો એક લાફો પડ્યો. હું આખો દિવસ રડતી રહી સાંજે જમી પણ નહીં. કોઈ જમવાનું પૂછવા પણ ના આવ્યું. સાંજે બાપુ આવ્યા અને ખબર પડતાં પરાણે વધેલી 2 રોટલીમાં ખાંડ નાખીને પપુડી વાળીને એમના હાથે ખવડાવી. ત્યારની એ ખાંડની ફ્રેન્કીનો સ્વાદ આજે કોઈ પકવાન પીઝા કે બર્ગર લઈ શકતા નથી. અત્યારે મારુ પ્રિય મિક્સ વેજ શાક, રોટલી, બે અથાણાં પાપડ, છાસ, સલાડ અને દાળ ભાત ખાઈ રહી છું પણ એ બે ટાઢી બાપુના હાથે ખાધેલી રોટલીની પપુડી યાદ આવતા બધું જ ફિક્કું લાગે છે.
આગળનો ભાગ -4 જરૂરથી વાંચજો, મીસ ના કરતા.

(આ સ્ટોરીમાં રોજ ભાગ આવતા રહેશે. વાંચતા રહેજો અને પ્રતિભાવ જરૂરથી આપજો)