Yog-Viyog - 37 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 37

Featured Books
Categories
Share

યોગ-વિયોગ - 37

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૭

ઠાકોરજીની પૂજા કરીને એ ઊભાં થયાં ત્યારે સવારના સાડા પાંચ થયા હતા. રાતના ઓથાર હજીયે વસુમાની છાતી પર જાણે વજન થઈને એમને વળગ્યા હતા.

સામાન્ય રીતે કોઈ વાતે વિચલિત ન થતાં વસુમા આજે વારે વારે પોતે જે રીતે સૂર્યકાંતને ખભે માથું મૂકીને રડી પડ્યાં એ વિચારતા પોતાની જાતને જ પ્રશ્નો પૂછવા લાગ્યાં હતાં.ઠાકોરજીની સામે સામે બેઠા બેઠા, પૂજા કરતાં કરતાં પણ એમને વારે વારે એ જ દૃશ્ય દેખાયા કરતું હતું.

‘‘શું હું હજીયે સૂર્યકાંતમાં કોઈ આધાર, કોઈ સલામતી શોધું છું? શ્રેયાને કહેવાની વાત તો સામાન્ય હતી... મારા ભૂતકાળની એક સાવ સાદી વાત, જે મેં કેટલીયે વાર, કેટલાય લોકોને કહી હશે. તો પછી આજે અચાનક શું થઈ ગયું ? મને શું થતું જાય છે ધીરે ધીરે ? મેં સૂર્યકાંતને શોધીને કોઈ ભૂલ કરી ? આટલાં વર્ષો જાળવી રાખેલી મારી ગરિમા અને હિંમત એના આવતાં જ કેમ ઓગળવા લાગી છે ?’’

આ અને આવું કેટલુંયે વિચારતાં વસુમા બગીચામાં કામ કરવા લાગ્યાં. બગીચામાં કામ કરતા હાથની સાથે સાથે એમનાથી ગવાઈ ગયું, ‘‘મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા, જોતી તી વહાલાની વાટ, અલબેલા કાજે ઉજાગરા...

ઘેરાતી આંખડી ને દીધા સોગંદ મેં મટકું માર્યું તો તારી વાત... પગલે પગલે એના ભણકારા વાગતા, વેરણ હિંડોળા ખાટ, અલબેલા કાજે ઉજાગરા...’’

આખી રાત પડખાં બદલીને કાઢ્યા પછી દરેકે દરેક ઓરડામાં જાગતી એકેએક વ્યક્તિને વસુમાનું આ ગીત સાંભળીને સખત નવાઈ લાગી ! રોજ નરસિંહનું પદ, ગંગા સતીનું ભજન કે સૂરદાસનું કોઈ ભજન સાંભળવા ટેવાયેલા એ ઘરના કાનને આજે આવું પ્રણય ગીત સાંભળીને આશ્ચર્ય થયું.

નાહીને શર્ટના મારતા મારતા સીડી ઊતરતા અલયે માના અવાજમાં આ ગીત સાંભળીને મનોમન અંદાજ કાઢી લીધો કે, માનો મૂડ બહુ સારો છે.

અલય બગીચામાં આવ્યો. વસુમા હજુ તૈયાર નહોતાં. અલય નજીક આવ્યો. એણે વાંકા વળેલાં વસુમાની કમરમાં હાથ નાખીને એમને પકડી લીધાં અને માથું એમની પીઠ પર મૂકી દીધું.

વસુંધરાના અવાજમાં એક વીસ વર્ષની પત્ની છલકાઈ ઊઠી, ‘‘શું કરો છો?’’

અલયે વસુમાને છોડી દીધા. ચોંકીને પાછળ ફરેલાં વસુમા અને અલયની નજર સામસામે અથડાઈ ત્યારે અલયની આંખોમાં આશ્ચર્ય કરતાં વધારે ઉપાલંભ હતો.

‘‘ઓહ ! તું છે ?’’

‘‘તને શું લાગ્યું ?’’ અલયના અવાજમાં સોંસરો ઊતરી જાય એવો ડંખ હતો, ‘‘શું થઈ ગયું છે તને, મા ? હું જોઉં છું તું બદલાઈ રહી છે.’’

‘‘અલય, હું પણ જોઉં છું કે તું બદલાઈ રહ્યો છે.’’

‘‘મારી ઉંમર ચોવીસ વર્ષની છે મા.’’

‘‘ઉંમર અને માણસના બદલાવાને ખરેખર કોઈ સંબંધ હોય છે?’’ વસુમાએ લાલ ચોળ ચાંલ્લા નીચે તગતગડી બે આંખો અલયના ચહેરા પર ઠેરવી, ‘‘બેટા, બદલાવાની પ્રક્રિયા જન્મથી મૃત્યુપર્યંત સુધી ચાલે છે. આપણે સૌ પળેપળે બદલાઈએ છીએ. સમય સાથે, સંજોગો સાથે...’’

‘‘...તું તૈયાર થઈ જા. આપણને મોડું થશે.’’ અલયે એમની સાથે નજર મિલાવવાનું ટાળ્યું.

‘‘ભલે !’’ વસુમાએ અલયના ચહેરા પર વહાલસોયો હાથ ફેરવ્યો. અલયની આંખો અનાયાસે જ મીંચાઈ ગઈ.

‘‘બેટા, જ્યારે બદલાવ રોકવો આપણા હાથમાં ન હોય ત્યારે આપણી અંદર છલકાતી કોઈ પણ લાગણીને આપણે ગમે તેટલી છુપાવીએ, એની છાલક આપણી આસપાસ રહેલી દરેક વ્યક્તિને ભીંજવે જ.’’ વસુમાના અવાજમાં ફરી એક વાર એજ સ્થિરતા અને એ જ સંયમ હતા. દીકરાની સામે પકડાઈ ગયાનો કોઈ ક્ષોભ કે સંકોચ એમના અવાજમાં નહોતા, ‘‘તેં પૂછ્‌યું હતું ને કે મને શું લાગ્યું ?’’

‘‘મારે નથી સાંભળવું.’’ અલયે કહ્યું.

‘‘પણ મારે તને કહેવું છે બેટા.’’ વસુમાના અવાજમાં એક નિર્ભય સ્નેહ હતો, ‘‘કોણ જાણે કેમ મને એવું લાગ્યું કે કાન્ત આવીને મારી પાછળ ઊભા રહ્યા...’’ અલયનો ચહેરો ફરી ગયો. તમતમી ગયેલા ગાલ અને ભીંસાઈ ગયેલા દાંત સાથે એણે વસુમા સામે જોયું.

‘‘દીકરા, આપણે સૌ જીવાયેલો ભૂતકાળ થોડો થોડો વાગોળી લઈએ છીએ... હું જાણે નહીં જીવાયેલા ભૂતકાળમાં સરી પડી !’’ વસુમા બોલતાં હતાં ત્યારે એમનું ધ્યાન નહોતું, પણ સૂર્યકાંત ઓટલા પર આવીને ઊભા હતા. અલય એમને જોઈ શકતો હતો.

‘‘દીકરા, આ શ્રીજી વિલામાં રહેવા આવ્યાને, ત્યારથી મને આ બંગલી જેવું ઘર, આ નાનકડો બગીચો, આ મધુમાલતીની વેલ, આ પથ્થરની બેઠક અને આ હીંચકો... સાવ પોતાના લાગ્યા હતા. આ ઘરનું તાળું ખોલતાં મને પહેલો વિચાર એ આવ્યો હતો કે હવેલીમાં તારા બાપુ બહુ દૂર હતા મારાથી... પણ આ નાનકડા ઘરમાં હું એમને સાવ મારી પાસે લઈ આવીશ.’’ વસુમા જાણે શૂન્યમાં સ્વપ્ન જોતાં હોય એમ ઘેરાયેલા આકાશ સામે જોઈને બોલતાં હતાં, ‘‘ મારાથી જરાય અળગા ન જઈ શકે એટલા પાસે... જાત જાતની ને ભાતભાતની કલ્પનાઓ કરી હતી આ ઘરમાં. ત્રણ છોકરાંની મા હતી હું,’’ વસુમા બોલી રહ્યાં હતાં ને અલયે ઘડિયાળ જોઈ, ‘‘મને મારાં સંતાનોના પિતાને પતિ તરીકે પામવાની ખેવના હતી. એ આ ઘરમાં પૂરી થશે એમ લાગ્યું હતુંં...’’ આંખ મીંચીને એમણે કહ્યું, ‘‘કોણ જાણે શાથી !’’

‘‘મા, આપણને મોડું થાય છે.’’

‘‘હું પાંચ મિનિટમાં આવી.’’ કહીને વસુમા ઊંધા ફર્યાં ત્યારે ઓટલા પર ઊભેલા સૂર્યકાંત સાથે એમની નજર મળી. એ નજરમાં કોણ જાણે શું હતું કે ઓટલો ચડી રહેલાં વસુમાના શરીરનાં બધાં જ રૂંવાડાં ઊભાં થઈ ગયાં !

પોતાના ઓરડામાં જઈને સાડી પહેરતી વખતે વસુમાને કોણ જાણે શું વિચાર આવ્યો તે એમણે સાડીની ગડીઓમાં છેક નીચે મલમલના કપડામાં લપેટીને મૂકેલી સફેદ સિલ્કની લાલ બોર્ડરવાળી સાડી બહાર કાઢી.

‘‘અલય, હું આવું છું બેટા, તને વાંધો નથી ને ?’’ સૂર્યકાંત આગળ વધ્યા. ઓટલો ઊતરીને બગીચામાં ઊભેલા અલય પાસે આવ્યા.

‘‘ત્યાં હજારોનું ક્રાઉડ ભેગું થશે અનુપમાને જોવા, મને શું વાંધો હોય ?’’

‘‘હું હજારોના ક્રાઉડમાં આવું છું ?’’ સૂર્યકાંત મહેતાને વસુંધરાની વાત સાંભળીને હજી ઘડી ભર પહેલાં થઈ આવેલો રોમાંચ એક જ વાક્યમાં હડસેલાઈ ગયો.

‘‘જુઓ મિસ્ટર મહેતા, તમે કારણ વગર ઇમોશનલ થવાનો પ્રયત્ન ના કરો, ખાસ કરીને મારી સાથે.’’ હજી ઘડી ભર પહેલાં માની વાત સાંભળીને અલયના મનમાં અચાનક જ એક અસલામતી જાગી હતી, ‘‘મને તમારા આવવાથી કે નહીં આવવાથી કોઈ ફેર નહીં પડે. મેં કાલે જ કહ્યું હતું.’’

‘‘ત્યારે મેં જે નહોતું કહ્યું એ હું તને કહું છું.’’ સૂર્યકાંત મહેતા આગળ વધ્યા. એમણે લગભગ પોતાનાથી એકાદ ઇંચ ઊંચા અલયના માથે હાથ મૂક્યો, ‘‘તું દીકરો છે મારો. મને તારી સફળતામાં ભાગીદાર થવું ગમે જ... તને ફેર પડે કે ન પડે, તારી દરેક વાતનો મને ફેર પડે છે... જેને ચાહતા હોઈએને બેટા, એનો અણગમો પણ સ્વીકારી જ લેવો પડે...’’

અલય આગળ એક ખૂબ જ તોછડો અને કડવો જવાબ આપવા માગતો હતો, પણ કોણ જાણે કેમ એ કંઈ બોલી જ શક્યો નહીં ! માએ હજી હમણાં જ કહેલી વાત અને સૂર્યકાંત મહેતાની આ વાત જાણે એકબીજામાં પૂર્તિ કરતી હતી. ‘‘આટલાં વર્ષો સુધી એકબીજાથી દૂર રહેલાં બે જણાં આટલાં બધાં એકસૂર કેવી રીતે હોઈ શકે ?!’’ અલયના મનમાં સવાલ ઊઠ્યો, ‘‘શ્રેયા અને હું રાત-દિવસ એકબીજાની સાથે જીવી ગયા ને છતાંય આટલા બધા મતભેદ છે... આ માણસ મારી માને છોડીને ચાલી ગયો હતો ને છતાં મારી મા એને સન્માને છે... એ આટલાં વર્ષ દૂર રહ્યા પછી પણ મારી માની જ ભાષા બોલે છે ! કયો સંબંધ છે આ ?’’

અલય અન્યમનસ્ક જેવો સૂર્યકાંતની સામે જોઈ રહ્યો હતો. એના મનમાં ચાલતા વિચારોની ગડમથલે એના ચહેરા પર રંગ બદલ્યા હશે, કદાચ, એટલે સૂર્યકાંતે માથા પર મૂકેલો હાથ ગાલ સુધી ફેરવ્યો.

અલયને સમજાયું નહીં, પણ પિતાના આ સ્પર્શે એની આંખો ફરી એક વાર અનાયાસે મીંચાઈ ગઈ. એના જન્મ પછી પહેલી વાર આજે એના પિતાએ એને આમ સ્પર્શ કર્યો હતો.

અલય અને સૂર્યકાંત હજી આ ક્ષણને પૂરેપૂરી અંદર ઉતારે એ પહેલાં સામે ગેટ ખોલીને આવતી શ્રેયાને જોઈને સૂર્યકાંતે કહ્યું, ‘‘આવ બેટા !’’ અલય પાછળ ફર્યો.

સફેદ સિલ્કની સેલ્ફ પ્રિન્ટમાં ફૂલોવાળી સાડી, સરસ મજાનો અંબોડો, એમાં મોગરાની વેણી, કાનમાં મોતીની લટકતી બુટ્ટીઓ અને ગળામાં એક સેરની માળા... શ્રેયા નજીક આવી ત્યાં સુધીમાં તો અલય મંત્રમુગ્ધ થઈ ગયો હતો ! એના ફેવરિટ પરફ્યુમની સુગંધ એના ફેફસાંને ભરી ગઈ.

નજીક આવીને શ્રેયાએ અલયના ખભે હાથ મૂક્યો, ‘‘ગાડી છે, કેટલા જણ છીએ આપણે?’’

‘‘તું આવે છે ?’’ વશીકરણની અસરમાંથી બહાર નીકળીને અલયને જે પહેલો સવાલ સૂયો, તે આ હતો.

હસી પડી શ્રેયા. ગળામાં પહેરેલી મોતીની માળા સાથે હરીફાઈ કરે એની દંતપંક્તિઓ અલયને નખશિખ તરબોળ કરી ગઈ, ‘‘મારા વિના થશે તારી ફિલ્મનું મુહૂર્ત ?’’

‘‘નહીં થાય શ્રેયા, નહીં જ થાય !’’ અલયે કહ્યું અને સૂર્યકાંતની મર્યાદા છોડીને શ્રેયા અલયને ભેટી પડી.

‘‘આઈ એમ સોરી અલય!’’

અલયે પણ શ્રેયાને એવી રીતે પકડી લીધી જાણે કહેતો હોય, ‘‘ખબરદાર, જો હવેથી આમ કર્યું છે તો.’’

બંને જણ એમ જ ઊભાં હતાં કે વસુમાનો અવાજ આવ્યો, ‘‘ચાલો, હું તૈયાર છું.’’

ઓટલા પર ઊભેલાં વસુમાને જોઈને ત્રણેયની આંખો એક પળ માટે અંજાઈ ગઈ. આ ઉંમરે કોઈ સ્ત્રી આટલી સુંદર લાગી શકે એ વાત ત્રણમાંથી એકેય જણાએ કદાચ કલ્પી પણ નહોતી.

એક વેંતની લાલ બોર્ડરની પાતળી જરીની સફેદ સાડી પહેરીને ઊભેલાં વસુમા કોઈ દેવીપ્રતિમા જેવા દેખાતાં હતાં. હાથના ખોબામાં સમાય એવો અંબોડો આજે કદાચ સહેજ ઢીલો જ વળ્યો હતો ! તેજસ્વી આંખો ઉપર લાલ ચાંલ્લો વસુમાના આખા અસ્તિત્વને ઉજાગર કરી જતો હતો.

સૂર્યકાંત જાણે ઊંઘમાં ચાલતા હોય એમ આગળ વધ્યા. અલય અને શ્રેયાની સામે એમણે વસુમાનો હાથ પકડીને એમને ઓટલા પરથી નીચે ઉતાર્યા. બધા ગેટ તરફ આગળ વધ્યા ત્યારે પાછળથી જાનકીનો અવાજ આવ્યો, ‘‘વેરી ગુડ ! ઇનવાઇટ તો કરી દીધા, પણ લઈને નહીં જવાનું, કેમ અલયભાઈ ?’’

‘‘અમારી ગાડીમાં જગ્યા નથી.’’ અલયે પાછળ ફરીને કહ્યું, ‘‘આ ગાડીમાં એક સાથે બે જ સુંદર સ્ત્રીઓ બેસી શકે છે, ત્રીજી બેસશે તો ગાડી ચાલશે જ નહીં...’’ અને સૌ એક સાથે હસી પડ્યા.

કફલિન્ક પહેરતો અજય બહાર આવ્યો, ‘‘તમે નીકળો, અમે પહોંચીએ છીએ. હૃદય હજુ કપડાં સિલેક્ટ કરે છે.’’ પછી અલય સામે આંખ મારીને કહ્યું, ‘‘અનુપમા હશેને ત્યાં... એટલે !’’

અનુપમાનું નામ સાંભળીને અલયનો ચહેરો સહેજ ઝંખવાયો, પણ શ્રેયાએ અલયના ખભે હાથ મૂકીને કહ્યું, ‘‘આ ઘરના બધા જ પુરુષો અનુપમાના ફેન છે કે શું ?’’ અને ફરી વાર સૌ હસી પડ્યા.

બાલ્કનીમાં આરામ ખુરશીમાં બેઠા બેઠા જ ઊંઘી ગયેલા અભયની આંખ ખૂલી ત્યારે નીચેથી સૌના હસવાનો અવાજ આવતો હતો.

એની નજર પડી ત્યારે વૈભવી ડ્રેસિંગરૂમમાંથી સરસ સાડી પહેરીને બહાર આવી.

‘‘ચલો, જલદી કરો. અલયભાઈ સાત વાગે પહેલો શોટ લેવાના છે.’’

‘‘કેટલા વાગ્યા ?’’ અભયની આંખ હજીયે માંડ માંડ ખૂલતી હતી.

‘‘છ.’’

‘‘તું જા, મારે નથી આવવું.’’ અભયના મનમાંથી હજી ગઈ કાલે રાત્રે થયેલી ઘટનાઓ ભૂંસાતી નહોતી, ‘‘કોઈ આટલું ઝડપથી નોર્મલ કેવી રીતે થઈ શકે ?’’ અભયને વિચાર આવ્યો. જોકે વૈભવી માટે આ નવું નહોતું. એ પળે પળે રંગ બદલી શકતી અને એ પણ ખૂબ સ્વાભાવિકતાથી.

‘‘એવું તે કંઈ હોય? મા, પપ્પાજી, જાનકી, અજયભાઈ બધા ગયા છે.’’

‘‘એટલે તારે જવું છે ?’’ અભયના અવાજમાં કડવાશ સ્પષ્ટ પડઘાતી હતી.

‘‘તમે રાતની વાત ભૂલી શકશો કે નહીં ?’’ વૈભવી નજીક આવી. એણે અભયને એના આશ્ચર્ય વચ્ચે હાથ ખેંચીને ઊભો કર્યો, ‘‘ચાલોને અભય પ્લીઝ, આવું શું કરો છો...’’

‘‘ઓ.કે. ઓ.કે.’’ અભયે હાથ છોડાવ્યો અને બાથરૂમ તરફ ગયો.

નીરવની ગાડીનું હોર્ન સાંભળીને લક્ષ્મી દોડતી હતી ત્યાં અચાનક એણે જાનકીને ડ્રોઇંગરૂમમાં બેઠેલી જોઈ.

‘‘ભાભી, નીરવ આવ્યો છે. ચલો, સાથે જ જતા રહીએ.’’

એ પછીની પાંચ મિનિટમાં આખું શ્રીજી વિલા ખાલી થઈ ગયું હતું. લજ્જા પાટર્ીમાંથી ઘરે આવી જ નહીં. આદિત્ય એના મિત્રને ત્યાંથી સીધો મુહૂર્ત પર પહોંચવાનો હતો.

અને બાકીના સભ્યો એક પછી એક ચાલી ગયા હતા. આખા ઘરમાં અભય અને વૈભવી બે જ જણા હતાં.

અભય નહાવા ગયો અને વૈભવીનું મગજ કોણ જાણે કઈ ચેસ ગોઠવવામાં પડી ગયું.

આજે પહેલી વાર ઘરેથી નીકળતી વખતે અનુપમાનું હૃદય એક થડકારો ચૂકી ગયું.

આવું તો એને પહેલા શૂટ વખતે પણ નહોતું થયું. એની પાસે એના આત્મવિશ્વાસની એક ગજબની મૂડી હતી. કોઈ પણ પરિસ્થિતિ અંગે એ સતત અને સહજ રીતે તૈયાર હતી. આજ સુધી એ એમ માનતી રહી કે દુનિયાનો કોઈ પુરુષ એને પરાસ્ત કરવા સર્જાયો નથી. આજે પહેલી વાર અલયના વિચારમાત્રથી એનું મન તરફડી ઊઠ્યું હતું. હવે તો એ જાણતી હતી કે શ્રેયા અને અલય એકબીજાને ચાહે છે. તેમ છતાં અલયના બાહુપાશમાં સમાઈ જવા... એની આંખોના ઊંડાણમાં ડૂબકી મારવા... એના વહાલના વરસાદમાં ભીંજાઈ જવા એનું મન બેચેન હતું.

સંજીવ શર્માએ બહાર નીકળતી અનુપમાને રોકી, ‘‘દહીં ખાઈ લે.’’ કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતી વખતે સંજીવ અનુપમાને અચૂક દહીં ખવડાવો હતો. એ ખૂબ ચાહતો હતો આ ગાંડી, પણ અતિશય વહાલસોઈ છોકરીને.

દહીં ખાઈને કોણ જાણે કેમ પણ અનુપમા સંજીવના ચરણમાં ઝૂકી ગઈ, ‘‘દાદા !’’

‘‘તેં દાદા કહ્યું મને ?’’ સંજીવની આંખો ભીની થઈ ગઈ.

‘‘હા, તમે મોટા ભાઈની જેમ સાચવી છે મને. આજે પહેલી વાર તમને સેક્રેટરી નહીં, મોટા ભાઈની જેમ પગે લાગું છું.’’ અનુપમા પણ લાગણીશીલ થઈ ગઈ હતી, ‘‘દાદા, આ ફિલ્મ સુપરહિટ થાય... અલયને એ બધું જ મળે જેની એને ઝંખના છે.’’

‘‘અલયની મને નથી ખબર અનુ.’’ સંજીવનો હાથ અનાયાસે એના માથા પર મુકાઈ ગયો, ‘‘પણ તું જે ઝંખે છે એ કદાચ...’’

‘‘મને નહીં મળે, એમ જ કહેવા માગો છો ને ?’’ અનુપમાનો અવાજ કરોડોની મિલકત હારેલા જુગારી કરતાંય ક્ષીણ હતો.

‘‘એવું તો નહીં પણ...’’

‘‘...પણ શું ? હું નહીં સમજતી હોઉં આ વાત ? એના આટલાં વર્ષોના સંબંધો તોડાવીને હું મેળવીશ તોય શું મેળવીશ ?’’ અનુપમાએ આંખો મીંચી દીધી, ‘‘દાદા, મન નથી માનતું.’’ એની આંખો હજી બંધ હતી.

‘‘અનુ, તેં દાદા કહ્યો છે મને, એક સલાહ આપીશ. મૃગજળ પાછળ ભાગનારને આખરે રણમાં મોત મળે છે. જે છે જ નહીં એને શોધવા માટે ભટકવા નીકળી છે તું.’’

‘‘કોને ખબર દાદા, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. મૃગજળ અને ઈશ્વરમાં ખરેખર જુઓ તો ફરક શું છે ? આપણે બેમાંથી કોઈને જોયા નથી...’’

‘‘બેટા, ઈશ્વરના હોવાની સાબિતી આ સંસાર છે.’’

‘‘દાદા, ઈશ્વર છે ને ?’’

‘‘છે જ અનુ.’’

‘‘તો એ ઈશ્વર મારી જિંદગીમાં મને એક વાર મૃગજળના ઘૂંટડા ભરાવશે એમ મારી શ્રદ્ધા કહે છે, ને એ તૃપ્તિના અનુભવ પછી હું બાકીની િંજંદગી તો આમ જ જીવી જઈશ...’’ કહીને અનુપમા સડસડાટ પોર્ચમાં ઊભેલી ગાડીમાં ગોઠવાઈ ગઈ.

સંજીવ ગાડીને જતી જોઈ રહ્યો.

પોતાની ગાડીમાં બેસતી વખતે સંજીવે આંખો બંધ કરીને મનોમન એના ઈશ્વરને યાદ કર્યો, ‘‘હે પ્રભુ, આ મૂરખ છોકરીની સાથે રહેજે. જિંદગીમાં ક્યાંય એને ઠોકર વાગે તો તારા હાથમાં ઝીલી લેજે પ્રભુ.’’

અનુપમા જ્યારે મરીન ડ્રાઈવ પહોંચી ત્યારે સાત વાગી ગયા હતા. અલય ક્યારનો એની રાહ જોતો હતો. કેમેરા ગોઠવાઈ ગયો હતો. ડમી કેરેક્ટર્સ ઊભાં રાખીને રિફલેક્ટર્સ પણ એડજસ્ટ થઈ ગયા હતા. અભિષેક પોતાની મેક-અપ વેનમાં આસિસ્ટન્ટ પાસે ડાયલોગ સાંભળી રહ્યો હતો.

પાસે જ ઊભી કરેલી બે છત્રીઓ નીચે મૂકેલી ખુરશીઓમાં આખો મહેતા પરિવાર બેઠો હતો. રહી રહીને સૌ વસુમાની સામે જોતા હતા. એમનો ઠસ્સો, એમનો દેખાવ બાકીના સૌને ઝાંખા પાડી દેતો હતો. થોડે દૂર અનુપમા ઘોષની મેક-અપ વેન ઊભી હતી, પણ અનુપમા એમાં ના ગઈ. એ સીધી વસુમા પાસે ગઈ. વસુમાને પગે લાગીને એમને ભેટી. વસુમાએ પણ બહુ જ વહાલથી એને આવકારી.

આસપાસ ઊભેલું ક્રાઉડ અમસ્થુયે વસુમાથી ઇમ્પ્રેસ થઈને એમની જ સામે જોઈ રહ્યું હતું. એમાં અનુપમાને એમને પગે લાગતી જોઈને બે-ચાર જણા એમના ઓટોગ્રાફ લેવા પણ આવી ગયા.

‘‘સહી કરી આપો વસુંધરા મહેતા.’’ સૂર્યકાંતના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘‘હું ?’’ ક્રાઉડમાંથી એમનો ઓટોગ્રાફ લેવા આવેલા બે-ચાર જણા સામે વસુમાએ નવાઈથી જોયું, ‘‘મારો ઓટોગ્રાફ ? શાના માટે?’’

‘‘એ લોકો તમને કોઈ એકટ્રેસ સમજે છે, મા.’’ શ્રેયાએ લાડ કર્યા અને વસુમાના ખભે માથું મૂક્યું. આ જોઈને કોણ જાણે કેમ અનુપમાને અચાનક જ ઓછું આવી ગયું. એણે નજર ફેરવી લીધી અને પોતાની લાઇન્સમાં ધ્યાન આપવા લાગી. મેક-અપ વેન એની પણ ઊભી હતી. તેમ છતાં એણે પોતાના માટે ત્રીજી છત્રી ખોલાવી હતી. એની નીચે એની આરામ ખુરશી ને એનું ટેબલ લગાડવામાં આવ્યું હતું. આમ જુઓ તો અનુપમા પોતાની લાઈન્સ સાંભળવામાં અને શોટ સમજવામાં બિઝી હતી, પરંતુ એનું સમગ્ર ધ્યાન મહેતા પરિવાર તરફ હતું.

ઓટોગ્રાફ લેવા આવેલા માણસો હજીયે માનવા તૈયાર નહોતા.

‘‘મોમ, એ લોકો તમને એક્ટ્રેસ સમજે છે, તો આપી દોને ઓટોગ્રાફ. આમ પણ તમે કોઈ એક્ટ્રેસથી ઓછા રૂપાળા નથી.’’ લક્ષ્મીએ આ વાત તો બહુ નિદરેષતાથી કહી હતી, પણ આ વાત સાંભળતાની સાથે વસુમાની નજર સૂર્યકાંત તરફ વળી. સૂર્યકાંત અને વસુમાની આંખોમાં પરસ્પર જે વાત થઈ એ બીજા કોઈને ન સમજાઈ, પરંતુ એ બંને એકબીજાની વાત વગર કહ્યે સમજી ગયા હોય એમ સૂર્યકાંતની નજર નીચી થઈ ગઈ.

અલય પોતાના કામમાં અટવાયેલો હતો. એની ફિલ્મનો મુહૂર્ત શોટ તૈયાર થયો કે એણે વસુમાને બોલાવ્યા. એકમાત્ર શૈલેષ સાવલિયાની રાહ જોવાતી હતી. સામાન્ય રીતે સમય પર પહોંચનારો એ માણસ આજે કોણ જાણે કેમ મોડો હતો.

સૂરજ ધીરે ધીરે ઉપર ચડી રહ્યો હતો. અલયની કલ્પનામાં હતી એ લાઇટ્‌સ બદલાઈ રહી હતી. આખરે એણે શૈલેષ સાવલિયાની રાહ જોયા વિના પહેલો શોટ લઈ લેવાનું નક્કી કર્યું. બધું ગોઠવાઈ ગયું. અભિષેક પણ વેનમાંથી બહાર આવી ગયો. વસુમાએ પહેલો ક્લેપ આપ્યો અને સીન શરૂ થયો. બધાનું ધ્યાન ચાલી રહેલા શોટમાં હતું. પાછળ એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી શૈલેષ સાવલિયા એક ઘરડી, લાકડીના ટેકે ચાલતી, ધ્રૂજતી સ્ત્રીને લઈને ઊતર્યા.

લાકડીના ટેકે ટેકે ચાલતી એ સ્ત્રી ધીમે ધીમે શૈલેષ સાવલિયાનો હાથ પકડીને આગળ વધી. અહીં શોટ ચાલી રહ્યો હતો. કોઈનું ધ્યાન એ બે જણા તરફ નહોતું. શોટ પૂરો થયો.

અલયે જોરથી કહ્યું, ‘‘ઓ.કે.’’

કેમેરામેનની બાજુમાં ઊભેલી લક્ષ્મીએ નારિયેળ ફોડ્યું...

સૌએ તાળીઓ પાડી.

એ જ વખતે સૂર્યકાંત પોતાની સીટમાં બેસવા જતા હતા કે એમની નજર શૈલેષ સાવલિયા અને એની સાથે આવેલી પેલી સ્ત્રી પર પડી.

સૂર્યકાંતનું મગજ ચકરાઈ ગયું. એમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. એક ક્ષણ માટે જાણે એ બઘવાઈ ગયા. પછી હળવે રહીને એમણે જાત ઉપર કાબૂ મેળવ્યો અને પેલા બંને તરફ ધ્યાન આપ્યા વિના પોતાની સીટમાં ગોઠવાઈ ગયા.

વસુમા અલયને ભેટીને વહાલ કરી રહ્યા હતા. અનુપમા પણ એમને પગે લાગી. યુનિટના લગભગ દરેક સભ્યએ આવીને વસુમાના ચરણમાં મસ્તક નમાવ્યું.

અભિષેક પણ આવીને એમને પગે લાગ્યો.

સૌ વાતો કરી રહ્યા હતા એવા સમયે શૈલેષ સાવલિયાએ જોરથી બૂમ પાડી, ‘‘કોન્ગ્રેચ્યૂલેશન અલય...’’

‘‘અરે શૈલેષભાઈ ! કેટલું મોડું કયુર્ં ?’’ અનુપમા આગળ વધી.

‘‘હું આમને લેવા ગયો હતો.’’

‘‘આ...’’ અનુપમાએ આંખો ઝીણી કરીને એમને ઓળખવાનો પ્રયત્ન કર્યો. લકવો થઈ ગયો હોવા છતાં ડાઈ કરેલા કાળા ભમ્મર વાળનો સફાઈબદ્ધ રીતે વાળેલો અંબોડો, મોટો ચાંલ્લો, કાનમાં આ ઉંમરે પણ પહેરેલાં લટકણિયાં, ઢળી ગયેલી ઉંમરે પણ લાલ બુટ્ટાવાળી સાડી... અનુપમાને ખ્યાલ ના આવ્યો.

આખું દૃશ્ય ચાલતું હતું ત્યારે સૂર્યકાંતે મોઢું ફેરવી લીધું હતું. એમને જાણે આ આખાય દૃશ્ય સાથે કોઈ નિસબત ના હોય એમ એ બીજી તરફ જોઈ રહ્યા હતા.

વસુમાનું ધ્યાન શૈલેષ સાવલિયાએ પાડેલી બૂમથી એમના તરફ ખેંચાયું હતું. બહુ જ ધીમે પરંતુ મક્કમ પગલે વસુમા આગળ વધ્યાં. એમણે જઈને પેલી સ્ત્રીના ખભે હાથ મૂક્યો.

‘‘યશ...’’

‘‘વસુ !’’ પેલી સ્ત્રીએ લાકડી સાથે ડગમગતા પગલે બંને હાથ ઊંચા કરીને હાથ જોડ્યા અને માથું નમાવ્યું. વસુમાએ એના બંને હાથ પકડી લીધા.

‘‘મને મઆફ કરજે.’’ એના હાથ હજી જોડેલા હતા, ‘‘મને ખબર નહીં કે સૂઊરજ અહીં હશે.’’

‘‘તે શું થયું ? સારું થયું તું આવી.’’ પછી વસુમાએ શૈલેષની સામે જોઈ સ્મિત કર્યું, ‘‘ખૂબ સારું કર્યું તમે એમને લઈ આવ્યા તે.’’

પછી સૂર્યકાંત તરફ જોઈને બૂમ પાડી, ‘‘કાન્ત...’’

સૂર્યકાંતે જાણે વાત સાંભળી જ ના હોય એમ દરિયા તરફ જોઈ રહ્યા હતા. વસુમા એમની નજીક ગયાં, ખભે હાથ મૂક્યો અને ખૂબ હળવેથી કહ્યું, ‘‘કાન્ત, યશોધરા આવી છે.’’

‘‘ખબર છે મને.’’ સૂર્યકાંતનો અવાજ લુખ્ખો અને તોછડો હતો.

‘‘ચાલો, ત્યાં આવીને મળો એને.’’

‘‘મારે નથી મળવું. તેં મળી લીધું, બહુ થયું.’’

‘‘કાન્ત, આપણા દીકરાના ફ્લોર પર આપણી મહેમાન છે એ. તમે આવશો તો મને ગમશે.’’

‘‘તને ગમશે ?!’’ સૂર્યકાંતના ચહેરા પર અને અવાજમાં આશ્ચર્ય છાનું ના રહ્યું. પછી એ હળવેથી ઊભા થયા અને વસુમાની પાછળ પાછળ યશોધરા અને શૈલેષ તરફ જવા લાગ્યા.

‘‘સૂઊરજ !’’ યશોધરાનો ચહેરો સહેજ વાંકો થઈ ગયો હતો. બોલતાં તકલીફ પડતી હતી. એની આંખોમાં ભારોભાર પશ્ચાત્તાપ અને પીડા ઊભરાતા હતા, ‘‘ક્યાં આ હહતો આ આટલા વરસ ?’’

સૂર્યકાંતે નજર ફેરવી લીધી. પણ વસુમાએ યશોધરાના ખભે હાથ મૂકીને એમને માટે લઈ અવાયેલી ખુરશીમાં એને બેસાડી દીધી, ‘‘એ અમેરિકા હતા. થોડા દિવસ પહેલાં જ આવ્યા છે.’’

‘‘મને લઅકવો...’’ યશોધરાની આંખોમાં આંસુ આવી ગયાં, ‘‘તારી સાથે... બહુ ખોટું... માફ...’’

‘‘વર્ષો વીતી ગયાં યશોધરા, મેં યાદ નથી રાખી જે વાત એને તું શું કામ યાદ રાખે છે ?’’

‘‘તું તો દેવી...’’ યશોધરાથી આગળ ના બોલાયું. એ રડવા લાગી. શૈલેષ સાવલિયા ત્યાં ઊભા ઊભા એમણે જે ધાર્યું હતું એવું કંઈ ન બન્યાનો અફસોસ કરી રહ્યા હતા. અલયે એમને મારેલી થપ્પડનો આજે એમને જવાબ આપવો હતો, પરંતુ અહીં તો આખી બાજી જ ઊંધી પડી ગઈ.

યશોધરાને બેસાડ્યા પછી વસુમા એની બાજુમાં બેઠાં અને હળવે હળવે રડતી યશોધરાના ખભે હાથ ફેરવવા લાગ્યાં. સૂર્યકાંત એમ જ બીજી તરફ નજર ફેરવીને ઊભા રહ્યા. યશોધરા વારંવાર એમના તરફ જોતી રહી, પણ સૂર્યકાંતે એની સાથે નજર મિલાવવાની પણ તસદી ના લીધી. બે જણાની સાથે મુકાયેલી ત્રીજી ખુરશી એમ જ, ખાલી જ પડી રહી...

આજુબાજુ ઊભેલું ક્રાઉડ આ દૃશ્યને કદાચ શૂટિંગ સમજીને લાગણીશીલ થઈ જોઈ રહ્યું હતું. અનુપમા, લક્ષ્મી, નીરવ, અજય, જાનકી અને યુનિટના બધા સભ્યો આસપાસ ટોળે વળી ગયા હતા.

યશોધરા રડતાં રડતાં અસ્પષ્ટ શબ્દોના ગોટા વાળતાં એકની એક જ વાત કહી રહી હતી...

‘‘વસુ, તું દેવી છે. તેં મને મદદ ના કરી હોત તો હું જીવતી જ ના હોત...’’

યશોધરાની આ વાત સાંભળીને ચોંકેલા સૂર્યકાંત અને શૈલેષ સાવલિયા બંનેએ યશોધરા તરફ જોયું. સૂર્યકાંત બોલ્યા તો કંઈ નહીં, પણ એમની આંખોમાં દેખાતો સવાલ શૈલેષ સાવલિયાના હોઠ પર આવી ગયો.

‘‘મદદ એટલે ?’’

યશોધરાની આંખોમાંથી હજીયે પાણી વહી રહ્યાં હતાં, ‘‘મદદ... મારા હોસ્પિટલનાં બિલો ચૂકવવાથી શરૂ કરીને આજ સુધી વસુ દર મહિને મને પૈસા મોકલે છે.’’ ડગમગતા અને હાલતા શરીરે, વાંકા મોઢે યશોધરા વારે વારે વસુમાને હાથ જોડી રહી હતી.

સૂર્યકાંતે વસુમા સામે જોયું, ‘‘વસુ !’’

(ક્રમશઃ)