Yog-Viyog - 36 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 36

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૬

ખૂબ રિંગ વાગ્યા પછી જ્યારે શ્રેયાનો ફોન ન ઉપડ્યો ત્યારે અલયને નવાઈ લાગી અને અચાનક જ ઝબકારો થયો, એણે અનુપમાને ફોન કર્યો.

‘‘યેસ...’’

‘‘એક નંબર પરથી મિસ્ડ કોલ્સ છે ?’’

‘‘કયો નંબર...’’

અલયનું મગજ ફાટી ગયું !

એણે પોતાનો ફોન સ્વિચઓફ કર્યો, ‘‘હજી એના મગજમાંથી સવારની વાત ગઈ નથી. મારી જાસૂસી કરે છે ? મારા પ્રેમમાં વિશ્વાસ નથી એને ?’’

‘‘મોબાઈલ ન ઉપાડ્યો તો લેન્ડલાઇન ન થઈ શકે ? મિસ્ડ કોલ્સ તો જોયા જ હશે ને ?’’ શ્રેયાએ ભેગા કરેલા ટુકડાઓને ફરી જમીન પર પછાડ્યા, ‘‘કાલે સવારે ફિલ્મનું મુહૂર્ત છે, પણ મને કહેવાની તસદી નથી લીધી એણે. અલય આટલો બદલાઈ જશે એની મને કલ્પના નહોતી...’’ એની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં હતાં. એણે જમીન પર પડેલા ફોનના ટુકડાઓને ફરી કચકચાવીને એક લાત મારી અને પોતે ધબ દઈને જમીન પર બેસી ગઈ.

‘‘કેટલી રાહ જોઈ હતી આ દિવસની. અલયની ફિલ્મ એટલે એમનો પરિણય. જે પળની, જે ઘડીની સાત સાત વર્ષથી રાહ જોવાતી હતી એ પળ, એ ઘડી આવી પહોંચી હતી અને છતાં આજે બંને જણા જુદા હતા !’’

શ્રેયાને આસપાસની દીવાલો નજીક ખસતી લાગી. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એણે આટલાં વર્ષો જે નામને પોતાની જિંદગી બનાવી દીધું હતું એ નામ આજે એને માટે અજાણ્યું થઈ ગયું ? ....શ્રેયાને જાતજાતના વિચારો કોરી ખાવા લાગ્યા... ગમે તેટલા વાંધા-ઇગો કે અભિમાન પછી અલય વિના જીવવું શક્ય હતું ? એને વિચાર આવ્યો.

‘‘હું અલય વિના જીવવાની કલ્પના પણ કરી શકતી નથી.’’ એણે જાતને જ કહ્યું. શ્રેયાના પલંગની બિલકુલ સામે દીવાલ ઉપર અલયનો ત્રણ બાય ત્રણનો મોટો ફોટો લગાડેલો હતો. સેપિયા (બ્રાઉન એન્ડ વ્હાઇટ)માં લગાડેલો એ ફોટો અલયનો શ્રેષ્ઠ ફોટો હતો એમ અલય પોતે પણ કબૂલતો.

શ્રેયાએ ગોવામાં પાડ્યો હતો એ ફોટો. એના ઊડતા વાળ, એની સ્વપ્નિલ આંખો, પાછળ ખસી ગયેલો શર્ટનો કોલર, એમાંથી દેખાતી પહોળી છાતી અને છાતીના વાળ... પહોળા ખભા અને ચહેરા ઉપર એ જ બેફિકર સ્મિત... શ્રેયા જોઈ રહી એને !

પછી એકદમ નજીક ગઈ. ફોટો જાણે સ્વયં અલય હોય એટલી નજીક. એના હોઠ પાસે પોતાના હોઠ લઈ ગઈ. આંખ બંધ કરીને ગ્રીવા ઊંચી કરી એણે... જાણે અલય હમણાં જ હાથ લંબાવીને બાહુપાશમાં લઈ લેશે એવી મદહોશી છવાઈ ગઈ એના ચહેરા પર.

ક્યાંય સુધી એ એમ જ અલયમય થઈને ઊભી રહી. સાથે ગાળેલી કેટલીયે ક્ષણો એના શરીરમાંથી એને થરથરાવતી પસાર થઈ ગઈ. પછી આંખો ખોલી શ્રેયાએ. ફરી એક વાર અલયનો એ જ સ્મિત કરતો ચહેરો એની સામે જોઈ રહ્યો. એ સ્મિતમાં એક બાળકનું ભોળપણ હતું. એક સરળતા, એક સ્પષ્ટ વક્તા માણસની પારદર્શકતા હતી એવું શ્રેયાને લાગ્યું.

‘‘મારો અલય મારી સાથે ક્યારેય છળ ના કરે.’’ શ્રેયાએ જાણે આત્માનો અવાજ સાંભળ્યો, ‘‘ખરાબમાં ખરાબ સમયે, તોછડામાં તોછડી અને મને ગમે તેટલું દુઃખ થાય એવી વાત પણ અલયે મોઢે કહી છે, આજ સુધી.’’ એ હજીયે ફોટાની આંખોમાં આંખો નાખીને જોઈ રહી હતી, ‘‘વસુમાનો દીકરો છે. છંછેડાય પણ છેતરે નહીં...’’

શ્રેયાએ જાણે ફોટાના હોઠ ચૂમી લીધા.

‘‘હું જઈશ કાલે, એની ફિલ્મના મુહૂર્તમાં. એ બોલાવે કે નહીં !’’ આ નિર્ણયની સાથે જ ક્યાં પહોંચવું એ સવાલ ઊભો થયો, ‘‘જાનકીભાભીને પૂછું.’’ શ્રેયાને વિચાર આવ્યો.

પછી એણે અનુપમાને ફોન કરવાનો વિચાર કર્યો, ‘‘એક પંથ દો કાજ.’’ શ્રેયાની સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી ગઈ હતી, ‘‘એની સાથે થોડી લાંબી વાત કરીશ તો એના મનમાં અલય વિશે શું છે એ પણ ખબર પડશે... અને કાલના શૂટિંગમાં એ અલયને કહેશે તો ખરી જ ને, મારા ફોન વિશે...’’ પછી એણે અનુપમાનો નંબર જોડવા ફોન ઉપાડ્યો, પરંતુ... ‘‘શીટ ! ફોન તો તૂટી ગયો છે. નંબર પણ એમાં જ છે.’’ શ્રેયાને પોતાના ઉતાવળા અને સ્ટૂપીડ પગલા પર ગુસ્સો ચડ્યો.

‘‘હવે ?’’ શ્રેયા વિચારવા લાગી કે કોને ફોન કરવાથી આ આખી ઘટના વિશે થોડી ચર્ચા પણ થઈ શકે અને એનું મન જરા શાંત પણ થઈ શકે.

‘‘નીરવ?’’ શ્રેયા એ તમામ નામો તપાસવા લાગી, જેમની સાથે કંઈક વાત થઈ શકે, ‘‘એ લક્ષ્મીના પ્રેમમાં છે. માંડ કોઈ સારો સમય જોયો છે એ છોકરાએ. એને મારા અંગત પ્રશ્નમાં અત્યારે ધસડવાનો શું અર્થ છે ? જાનકીભાભી સૂઈ ગયાં હશે...’’ કોની સાથે વાત થઈ શકે, જે એને સવારના શૂટિંગની માહિતી આપે. અલયને સીધું પણ પૂછી શકાય, પણ હવે શ્રેયા એને સવારે જ સરપ્રાઈઝ આપવા માગતી હતી.

‘‘વસુમા !’’ એને દરેક વખતની જેમ વસુમાનો જ વિચાર આવ્યો. મા વગરની શ્રેયા માટે વસુમાએ હંમેશાં એક સમવયસ્ક બહેનપણીની સાથે સાથે મા થઈને એનો ખાલીપો પૂર્યો હતો. શ્રેયાએ નંબર ડાયલ કર્યો અને શ્રીજી વિલામાં ઘંટડી વાગી.

ઘસઘસાટ ઊંઘતી અંજલિને રાજેશ ટગર ટગર જોઈ રહ્યો હતો. લાંબા, સીધા અને સુંવાળા કાળા વાળ એક સેરમાં બંધાઈને પીઠની પાછળ તો દબાયા હતા, પણ એમાંથી થોડીક લટો છૂટી પડીને ચહેરાની આસપાસ જાણે એક ફ્રેમ બનાવતી હતી. એનો નમણો ચહેરો શાંત હતો. એક અજબ જાતની નિદરેષતા એના ચહેરા ઉપર છવાયેલી હતી, ‘‘આ અંજલિ ! કોઈ ખોટું કામ કરી જ ના શકે !’’

ઊંઘની ગોળીને કારણે અંજલિ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. રાજેશ એની બાજુના બેડમાં આડો તો પડ્યો, પણ કોણ જાણે કેમ એને ઊંઘ ના આવી. જાતજાતના વિચારો એના માથામાં અથડાવા-પછડાવા માંડ્યા. ડોક્ટરે સાંજના એને મળવા બોલાવ્યો હતો. અંજલિના રિપોર્ટસ ઉપર વિસ્તૃત ચર્ચા કરી ડોક્ટરે. એ પછી રાજેશે ડો. પારેખને ફોન કર્યો હતો, અંજલિના રિપોર્ટસ મેઇલ કર્યા હતા. હજી દસ-પંદર મિનિટ પહેલાં જ ડો. પારેખનો ફોન હતો, રાજેશ ઉપર. એ ફોન પછી રાજેશનું મન જાતજાતના વિચારોએ ચડી ગયું હતું.

એ ખોટા ખોટા વિચારો કરવાને બદલે ઊઠીને અંજલિની બાજુમાં બેસી ગયો...

અંજલિની બાજુમાં બેસીને એને એકીટશે નિહાળી રહેલા રાજેશથી મનોમન ઈશ્વરનો આભાર મનાઈ ગયો, ‘‘હે પ્રભુ ! જે કંઈ થયું એ પછી તમે મારી અંજલિને બચાવી લીધી. એથી વધુ મને જોઈએ શું?’’

ભીની આંખે રાજેશે હાથ લંબાવ્યો એના ચહેરા ઉપર ફેરવવા માટે. પછી રખેને કદાચ જાગી જાય એમ વિચારી હાથ પાછો લઈ લીધો, ‘‘મારી અંજલિ ભૂલ કરી શકે, પણ ગુનો તો ના જ કરી શકે.’’ રાજેશે બહુ જ હળવેથી ઝાકળની જેમ એના ગાલને સ્પર્શી લીધું.

કોઈ અજબ જાતની ઠંડક, અજબ જાતનું સુખ એના ટેરવા વાટે થઈને એના આખા શરીરમાં ફેલાઈ ગયું. અંજલિના આટલા અછડતા સ્પર્શે પણ તદ્દન તૃપ્ત થઈને રાજેશની આંખો બંધ થઈ ગઈ. એ થોડી વાર એમ જ બંધ આંખે અંજલિનો એ સ્પર્શ અને તૃપ્તિની પળો માણતો બેસી રહ્યો.

હોસ્પિટલમાં નીરવ શાંતિ હતી. અડધી રાત્રે કોઈની ચહલપહલ પણ નહોતી. રાજેશ આવીને રૃમની મોટી સ્લાઇડિંગ વિન્ડો સામે ઊભો રહ્યો. બહાર વૃક્ષોથી છવાયેલું કંપાઉન્ડ અને વિલે પાર્લેનો એસ.વી. રોડ દેખાતો હતો.

‘‘ઊંઘ નથી આવતી?’’ અંજલિનો અવાજ સાંભળીને ચોંક્યો રાજેશ.

‘‘તું જાગી ગઈ ?’’ એ વાતનો જવાબ આપ્યા વિના અંજલિએ હાથ લંબાવીને રાજેશને નજીક બોલાવ્યો. રાજેશ સ્લાઇડિંગ વિન્ડો પાસેથી બે જ પગલાંમાં અંજલિ પાસે આવી ગયો, ‘‘કંઈ થાય છે ? દુઃખે છે ? ડોક્ટરને બોલાવું ?’’

નજીક આવેલા રાજેશનો હાથ પકડી બેસાડી દીધો અંજલિએ.

‘‘કંઈ નથી થતું. તરસ લાગી હતી. આંખ ખૂલીને તમને જાગતા જોયા એટલે મને ચિંતા થઈ.’’

‘‘મને ઊંઘ નથી આવતી.’’

‘‘મને માફ નથી કરી તમે ? એના એ જ વિચારો કર્યા કરો છો ?’’

‘‘ના, અંજુ ના... હું તો તારો વિચાર કરતો જ નહોતો.’’ રાજેશે અંજલિએ પકડેલા પોતાના હાથ પર હાથ થપથપાવ્યો !

‘‘રાજેશ, તમે મારા સિવાય કોઈનો વિચાર કરી શક્યા છો આજ સુધી ? તમારા દરેક વિચારમાં હું તો હોઉં જ છું. ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપે.’’

‘‘બેબી !’’ ડૂમો ભરાઈ આવ્યો હતો રાજેશને, ‘‘મને જરા ચિંતા થતી હતી.’’

‘‘રાજેશ, ક્યાં સુધી છુપાવશો મારાથી ? ક્યાં સુધી નહીં કહો મને? કોઈક દિવસ ક્યાંક ને ક્યાંક મને ખબર પડવાની જ છે.’’

‘‘શાની ? શું ?’’ રાજેશે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન તો કર્યો પણ એનો ઝંખવાયેલો ચહેરો અને અંજલિની આંખોમાં આંખો ન મિલાવવાનો પ્રયાસ ઘણી બધી ચાડી ખાતો હતો.

‘‘મારી સાથે જુઠ્ઠું બોલશો ?’’ અંજલિએ હજુ રાજેશનો હાથ મજબૂત પકડી રાખ્યો હતો, ‘‘શું જુઠ્ઠું ?’’

‘‘રાજેશ, તમે આજે ડોક્ટરને મળવા ગયા હતા.’’

‘‘એ તો ડિસ્ચાજર્ ક્યારે લેવાનો એ પૂછવા અને અમુક બિલ્સ ચૂકવવા ગયો હતો.’’

‘‘રાજેશ, પત્ની છું તમારી... તમને એટલું નહીં ઓળખતી હોઉં, જેટલું તમે મને ઓળખો છો. હૈયું ફાડીને તમારા જેવો પ્રેમ પણ નથી કરી શકતી, પણ છતાં એટલું તો વાંચી જ શકું છું કે સાંજે ડોક્ટરને મળીને આવ્યા ત્યારથી કોઈ મૂંઝવણમાં છો.’’

‘‘ના, ના.’’

‘‘રાજેશ !’’

‘‘અંજુ, માય ડાર્લિંગ ! આજ સુધી મેં તારાથી કંઈ છુપાવ્યું છે?’’

‘‘છુપાવી શકતા નથી. તમે એટલા ટ્રાન્સપરન્ટ અને સ્વભાવે એટલા સરળ છો કે તમારે છુપાવવાની કંઈ જરૂર જ નથી.’’ મોઢું ફેરવી ગઈ અંજલિ, ‘‘છુપાવ્યું તો મેં...’’

‘‘ભૂલી જા એ.’’

‘‘તમે નથી ભૂલી શકતા તો હું કઈ રીતે ભૂલું ?’’

‘‘સ્ટૂપીડ !’’ રાજેશે એના માથા પર હાથ ફેરવ્યો, ‘‘કોણ કહે છે હું નથી ભૂલ્યો ? મને તો કંઈ યાદ જ નથી.’’

અંજલિએ પાણીથી છલોછલ ભરેલી આંખો એના પર ઠેરવી, ‘‘એટલે જ... એટલે જ મને અડવા જતા હતા ને હાથ પાછો લઈ લીધો.’’ એના અવાજમાં એક આહત શિશુની ફરિયાદ હતી.

‘‘ઓહ ગોડ ! તું જાગતી હતી ? મને તો એમ કે...’’ રાજેશે એનો ગાલ થપથપાવ્યો, ‘‘તારી ઊંઘમાં ડિસ્ટર્બ ન થાય એટલે મેં તો...’’

‘‘રાજેશ, મને વહાલ કરો. તમારી બાથમાં લઈને મને એવું ફિલ થવા દો કે આપણી વચ્ચે કશું બદલાયું નથી. અહીં...’’ અંજલિ ખસી સહેજ... ‘‘મારી બાજુમાં સૂઈ જાવ. મને વળગીને. મારા માથમાં હાથ ફેરવો રાજેશ, હું તમારા સ્પર્શમાં મારા માટે પહેલા જેવી આસક્તિ અનુભવવા માગું છું. મને એ પેશન, એ સ્પર્શ, તમારી એ ઘેલછા હવે સમજાય છે. મને એ પાછી જોઈએ છે રાજેશ, પ્લીઝ... મને એ બધું પાછું આપો.’’ અંજલિ રડવા લાગી હતી.

‘‘ઓહ બેબી !’’ રાજેશે ફરી એક વાર એના માથે હાથ ફેરવ્યો, ‘‘આવતી કાલે સાંજે આપણે ઘરે જતા રહીશું. પછી રોજ તને વળગીને સૂઈ જઈશ. અહીં હોસ્પિટલમાં...’’

‘‘ગમે ત્યાં.’’ અંજલિના અવાજમાં જાણે ગાંડપણ હતું. જીદ-હઠાગ્રહ હતો. અંજલિ રડતી રહી. રાજેશ ત્યાં જ બેસીને એના માથા પર હાથ ફેરવતો રહ્યો. ઊંઘની ગોળીની અસર નીચે હોય કે રાજેશના સ્પર્શથી કે પછી રડવાના પરિણામરૂપે પણ ધીરે ધીરે અંજલિ ઊંઘી ગઈ. રાજેશ ઊઠીને ફરી સ્લાઇડિંગ વિન્ડો સામે ઊભો રહ્યો.

એકલ-દોકલ પસાર થતી ગાડીઓ સિવાય બહાર નીરવ શાંતિમાં ડૂબેલો રસ્તો જોઈ રહેલા રાજેશને હજી સાંજે જ ડોક્ટરે કહેલા શબ્દો યાદ આવી ગયા હતા, ‘‘મિ. ઝવેરી, તમે યુવાન છો. તમારી પોતાની એક સેક્સ/બેડરૂમ લાઇફ હશે. સમજી શકું છું, પરંતુ અંજલિના શરીરના અંદરના ભાગોને ખાસ્સી ઈજા પહોંચી છે. ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને ઓવરી સહિત બધા જ ભાગોને હિલિંગની જરૂર છે. મારી એવી સલાહ છે કે ત્રણ-ચાર મહિના માટે તમે શરીરસંબંધ ન રાખો તો સારું. બાળક એક-દોઢ વર્ષ માટે ટાળી શકાય તો ઉત્તમ.’’

‘‘અહીં વળગીને સૂવાની જીદ કરતી અંજલિ માટે મારો સ્પર્શ અને એના સ્ત્રીત્વનો સ્વીકાર જ માફીની વ્યાખ્યા હશે... ઘરે જતાંની સાથે જ કદાચ એ આગ્રહ રાખશે અમુક બાબતોનો. હું શું કરીશ ?’’ રાજેશનું મન ચકડોળે ચડ્યું હતું, ‘‘હું જો એને ટાળવાનો પ્રયાસ કરીશ તો એ એને મારો અસ્વીકાર માનીને વધુ ને વધુ ઉઝરડાતી જશે... મારી અંજલિ દુઃખી થાય એ મારા માટે અસહ્ય છે અને એને સુખ આપવાના પ્રયાસમાં હું એનું જ નુકસાન કરીશ...’’ રાજેશે ખુલ્લા આકાશ તરફ જોયું. વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગઈ હતી.

અભયે આખી રાત બાલ્કનીમાં અને વૈભવીએ પલંગ પર જાગતા વિતાવી હતી.

બેગ ઊંચકીને પોતાના રૂમમાં દાખલ થયેલા અભયે જેવી બેગ મૂકી કે વૈભવી દોડીને પલંગમાં પડી. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. અભયને એક વાર વાર વિચાર આવ્યો કે જઈને એને હાથ ફેરવે, સમજાવે, મનાવે...

પણ પછી એણે એ વિચાર માંડી વાળ્યો. વૈભવી જાતે જ રડવાનું પૂરું કરીને સ્વસ્થ થઈને પોતાની પાસે આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરી અભય બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો અને એણે સિગરેટ સળગાવી. ખાસ્સી વીસ-પચીસ મિનિટ વૈભવીનું હૈયાફાટ રડવાનું ચાલ્યું. અભય ત્રણેક સિગરેટ પી ગયો. પછી વૈભવી ઊભી થઈને અભય પાસે આવી.

‘‘મારે વાત કરવી છે તમારી સાથે.’’

‘‘બોલ, હું તો રાહ જ જોતો હતો.’’

‘‘હું આ નહીં ચલાવીલઉં.’’

‘‘તારે કશું ચલાવી લેવાનું જ નથી. આ ઘર તારું છે, હું તારો પતિ છું. તારો સંસાર, તારું સન્માન અકબંધ છે.’’

‘‘મારો પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં છે અને એની સાથે શરીરસંબંધ ધરાવે છે એને તમે મારું સન્માન ગણો છો ?’’

‘‘સન્માન અને અભિમાન વચ્ચેની રેખા બહુ પાતળી છે.’’

‘‘તમારી માના ડાયલોગ ના મારો. મારી વાતનો સીધો સીધો જવાબ આપો. તમે પ્રિયા સાથેનો સંબંધ તોડી નાખશો કે નહીં ?’’

‘‘ના.’’

વૈભવી અભય ઉપર ઝપટી પડી. એણે ફરી એક વાર એને ઝભ્ભાનો કોલર પકડીને હચમચાવી નાખ્યો. પોતાનું માથું એની છાતીમાં એટલા જોરથી પછાડ્યું કે અભયને દુઃખવા આવી ગયું.

‘‘તમે મારા છો, તમારું મન, આત્મા, શરીર બધા ઉપર મારો અધિકાર છે.’’

અભયને હસવું આવી ગયું. એને હસતો જોઈને વૈભવી વધુ છંછેડાઈ...

‘‘હું... હું કોર્ટમાં જઈશ. ડિવોર્સ લઈશ. તમારી અને તમારી માની આબરૂનો ધજાગરો કરીશ. છાપામાં ઇન્ટર્વ્યૂ આપીશ, મીડિયા પાસે જઈશ...’’ કહીને એણે અભયના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો. અભય કાંઈ સમજે એ પહેલાં એણે ‘પી’માં પ્રિયાનો નંબર ડાયલ કર્યો.

‘‘હા ડાર્લિંગ !’’ પ્રિયાએ અભયનો નંબર જોઈને વાત શરૂ કરી હતી. આજે આખો દિવસ આટલો અદભુત ગાળ્યા પછી અભય જે રીતે ગયો હતો એ પછી એને અભય અને અંજલિ બંનેની ચિંતા થતી હતી. એક પછી એક જે રીતે ઘટના બનતી ગઈ એ રીતે અભય એને ફોન પણ કરી શક્યો નહોતો.

અભયનો ફોન માનીને પ્રિયાએ હજીયે સાથે ગાળેલા દિવસનો હેન્ગઓવર અવાજમાં છલકાવીને કહ્યું, ‘‘હા ડાર્લિંગ !’’

‘‘હું છું !’’ અભયે પહેલાં વૈભવીના હાથમાંથી ફોન ઝૂંટવી લેવાનો વિચાર કર્યો. પછી એને જે કરવું હોય તે કરી લેવા દેવાનો નિર્ણય કરીને અદબ વાળીને લગભગ ઊંધો ફરીને ઊભો રહ્યો.

‘‘શરમ નથી આવતી તને ? અમે અનાથ અને અસહાય જાણીને કેટલી મદદ કરી તને, અને તેં મારા જ ઘરમાં આગ ચાંપી ?’’

‘‘પણ...’’

પ્રિયાને સમજાયું નહીં કે વૈભવીને આ બધી ખબર કેવી રીતે પડી અને એ અભયના ફોન ઉપરથી ફોન કેવી રીતે કરે છે...

‘‘મેડમ !’’ વૈભવીના અવાજમાં રહેલા આક્રોશ અને ઇરિટેશન પ્રિયાને સહેજ ડરાવી ગયા. આગળ શું બોલવું એ એને સૂયું નહીં.

‘‘તું મને ઓળખતી નથી. હું આ શહેરનું તારું રહેવું અઘરું કરી નાખીશ. સોપારી આપી દઈશ તારા નામની...’’

‘‘પણ મેડમ...’’ પ્રિયા એથી આગળ કશું બોલી શકે એમ જ નહોતી.

‘‘હું તને જીવતી નહીં છોડું... સેક્રેટરી છે કે વેશ્યા ? નોકરી કરવાના બહાને બોસને સીધો પથારીમાં ધસડ્યો ? તારા જેવી છોકરીઓએ જ સેક્રેટરીના વ્યવસાયને બદનામ કરી નાખ્યો છે. અરે પૈસા જોઈતા હતા તો મને કહેવું હતું. હું લાવી આપત તને ઘરાક.’’

‘‘કેમ ? તમે પણ એ જ ધંધો કરો છો ?’’ હવે પ્રિયાથી ના રહેવાયું.

‘‘મારી સામે બોલે છે ? સાલી બે પૈસાની છોકરી ! તારી હેસિયત સમજાવી દઈશ તને.’’

‘‘મારી હેસિયત તો મને સમજાતા સમજાશે, પણ તમારા ગુસ્સા અને આક્રોશ પરથી સમજાય છે કે અભયે તમને તમારી હેસિયત સમજાવી દીધી છે.’’ પ્રિયાના અવાજમાં કોણ જાણે ક્યાંથી એક આત્મવિશ્વાસ આવી ગયો હતો, ‘‘ને મેડમ ! બૂમાબૂમ કરવાથી, ચીસો પાડવાથી કે ગાળો બોલવાથી તો તમે મારા કરતાં વધારે તમારી હેસિયત સમજાવી રહ્યાં છો મને. એની વે, મને લાગે છે રાત બહુ થઈ ગઈ છે. અભયનો નંબર જોયો એટલે મેં ફોન ઉપાડ્યો.’’

‘‘તો તું અભયને નહીં છોડે એમ ને ?’’

‘‘એમને પૂછી લો.’’

‘‘અભય !’’ વૈભવીએ અભયની સામે ઊભા ઊભા પાસો ફેંક્યો, ‘‘એ તો કહે છે કે મારી ભૂલ થઈ ગઈ વૈભવી, મને માફ કર, હું પ્રિયાને છોડી દઈશ...જો ને, એનો ફોન પણ મારી પાસે છે.’’

અભયે ચોંકીને વૈભવી સામે જોયું, ‘‘શું કુનેહ છે આ સ્ત્રીની ! ઇચ્છે તો આ દેશની પ્રાઈમ મિનિસ્ટર થઈ જાય.’’ અભયને આટલા કટોકટીના સમયમાં પણ સહેજ કોમિક વિચાર આવ્યો ને સાથે જ એવો પણ વિચાર આવ્યો કે, ‘‘ભલે થઈ જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી... આજે પ્રિયાના વિશ્વાસનું પણ માપ નીકળી જશે.’’

એક ક્ષણ શ્વાસ ચૂકી ગઈ પ્રિયા, ‘‘ખરેખર કહ્યું હશે અભયે ?’’ પછી અભયની બે આંખો યાદ આવી એને, ‘‘ફોન છે તો એ પણ તમારી પાસે જ હશે ને ? એમને ફોન આપો. એક વાર એ મને કહી દે તો એમને શું હું આ દુનિયા છોડી દેવા તૈયાર છું.’’

‘‘એ તો તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી.’’

‘‘તો પછી આ તમારા બે જણનો મુદ્દો છે. તમે અંદર અંદર જ નક્કી કરી લો. હું અભયને પ્રેમ કરું છું અને જો કોઈ એક માણસની વાત હું સાંભળું કે સમજું તો એનું નામ અભય મહેતા છે...’’ એના અવાજમાં એના પ્રેમનો, એની શ્રદ્ધાનો, એના સત્યનો રણકો હતો, ‘‘મારે માટે તમે મારા અભયની પત્નીથી વધ ુ કંઈ જ નથી.’’

વૈભવી કશું સમજે એ પહેલાં ફોન કપાઈ ગયો હતો.

ડઘાયેલી, અપમાનિત વૈભવી અભયની સામે જોઈ રહી. અભયની આંખોમાં પ્રિયાએ કહેલો એક એક શબ્દ જાણે એ વાંચી શકતી હતી...

આજે સવા છ વાગ્યે અલયની સાથે જવાનું હતું એટલે વસુમા સહેજ વહેલા ઊઠ્યાં હતાં. બે-ચાર દિવસથી ચાલતા જાતજાતના ગૂંચવાડાઓમાં એમનું મન જરાક વિચલિત થઈ ગયું હતું.

એટલું ઓછું હોય એમ રાતના આવેલા શ્રેયાના ફોને એમને વધુ ગૂંચવી નાખ્યા હતાં. લગભગ એક વાગ્યે શ્રીજી વિલાના ટેલિફોનની ઘંટડી રણકી હતી.

ઉપરના બેડરૂમમાં જાગતી પડેલી વૈભવી અને ગેલેરીમાં બેઠેલા અભય... પોતાના ઓરડામાં ઉદ્વિગ્ન મને બીજા દિવસની તૈયારી કરતો અલય... હૃદયને પડખામાં લગભગ તંદ્રામાં જાગતી જાનકી અને એના ઉપર એક પગ અને હાથ નાખીને ઊંઘતો પણ વચ્ચે વચ્ચે જાગી જતો અજય... સૌ આ ઘંટડી સાંભળીને ચોંક્યા હતા.

લક્ષ્મી હજી પાછી ફરી નહોતી અને સૂર્યકાંત એકલા બેસીને નીરવ વિશે વિચારી રહ્યા હતા. એમના મનમાં ઊઠેલા સવાલોના જવાબો સુધી એ પહોંચે ત્યાં તો શ્રીજી વિલાના ટેલિફોને એમના વિચારોનો તંતુ તોડી નાખ્યો હતો.

ઘંટડી વાગતાં જ ઊભા થઈને સૂર્યકાંત બહારની તરફ આવ્યા હતા. વસુએ ફોન ઉપાડ્યો એ જોતાં જ સૂર્યકાંત પેસેજની રેલિંગ પાસે ઊભા રહી ગયા હતા.

‘‘હલ્લો...’’ વસુમાના અવાજમાં હલકો કંપ હતો, કોણ હશે આટલી રાતે ?

‘‘મા, હું શ્રેયા !’’

‘‘બોલ બેટા,’’ વસુમાનો અવાજ જાણે હળવો થઈ ગયો.

‘‘લક્ષ્મી છે ?’’સૂર્યકાંત અધીરા થઈ ગયા, ‘‘પૂછ એને ક્યારે આવશે?’’

ટેલિફોન પર હાથ રાખી વસુમાએ જવાબ આપ્યો, ‘‘શ્રેયા છે.’’

‘‘બધા સાથે છે ?’’ પૂછતાની સાથે જ સૂર્યકાંતને ખ્યાલ આવ્યો કે, ‘‘આજે તો લક્ષ્મી એકલી જવાની હતી નીરવ સાથે અને અલય તો ક્યારનોય ઘરે આવી ગયો છે...’’

‘‘મા, હું ને અલય નથી બોલતા.’’ વાત કઈ રીતે શરૂ કરવી એની શ્રેયાને સમજ ના પડી.

‘‘એમાં નવું શું છે દીકરા ? એ કહેવા તેં મને રાત્રે એક વાગ્યે ફોન કર્યો ?’’ વસુમા હસી પડ્યાં.

‘‘મા...’’ શ્રેયાનો અવાજ રડું રડુંં થઈ ગયો, ‘‘અલયે મને કાલે બોલાવી નથી.’’

‘‘લે ! હું બોલાવું છું તને...’’ વસુમા જાણે નજીક ઊભેલી શ્રેયાને માથે હાથ ફેરવતા હોય એટલા વાત્સલ્યથી કહેતાં હતાં, ‘‘મારો દીકરો તો મગજનો ફરેલ છે. મેં તને પહેલાં જ કહ્યું હતું. દીકરા, આવતી કાલે તો એની ફિલ્મ શરૂ થાય છે. તમારી ઇચ્છા પૂરી થવાની ક્ષણો નજીક આવતી જાય છે ત્યારે આ શું માંડીને બેઠા છો બેય જણા ?’’ પછી જરા ગંભીર અવાજે એમણે ઉમેર્યું, ‘‘શ્રેયા બેટા, પુરુષ સ્ત્રીને ભલે અબળા કે અર્ધાંગિની કહીને એની મહત્તા સાબિત કરવા મથતો રહે, પરંતુ એના માટે એની પ્રેરણામૂર્તિ વિના ડગલુંય આગળું વધવું અસંભવ છે. આ સમજી લે તું. અને કદાચ એટલે જ પોતાની આ નબળાઈ કે ભયથી મુક્તિ પામવા માટે એ સ્ત્રીને આ જણાવા દેતો નથી. બેટા, પુરુષ સ્વભાવે અસલામત અને અસ્થિર હોય છે. એને માટે કોઈ પોતાની નબળાઈ જાણે એ વાત જ અસહ્ય હોય છે... પોતાના આ ભયને એ વિદ્રોહનું નામ આપે છે દીકરા, પણ એક વાત સમજી લે તું...’’ ઉપર ઊભેલા સૂર્યકાંત જાણે પચીસ વર્ષ પહેલાંની વસુંધરા આ વાત એમને કહી રહી હોય એટલી ગંભીરતાથી સાંભળતા હતા. એમને લાગ્યું કે વાત ગમે તેને સંબોધીને કહેવાતી હોય, એ વાત હતી એમની જ... પોતાની સાવ અંગત. વસુંધરા જાણે આજથી ત્રણ દાયકા પહેલાંનો ઇતિહાસ ખોલીને શ્રેયાને પોતાના જીવનની કથા કહેતી હોય એમ સૂર્યકાંત વિચલિત થઈને સહેજ ઝંખવાઈને સાંભળી રહ્યા હતા.

‘‘બેટા, અલય મારો દીકરો છે. હું જાણું છું એને. એનો સ્વભાવ પણ કાન્તથી સહેજેય જુદો નથી. જેમ બાંધીશ એમ વધુ જુસ્સાથી તારી સામો થશે...’’

વસુમાને શ્રેયાનું ડૂસકું સંભળાયું.

‘‘બેટા, રડ નહીં. રડવાથી કોઈ પાછું નથી આવતું...’’ પછી જાણે સ્વગત કહેતાં હોય એમ એમનાથી કહેવાઈ ગયું, ‘‘નહીં તો આ આખું મુંબઈ શહેર મારા આંસુમાં ડૂબી જાય એટલું રડી હતી હું.’’ સૂર્યકાંતની છાતીમાં જાણે શૂળ ભોંકાઈ ગયું. એ સડસડાટ સીડી ઊતરીને નીચે આવ્યા ત્યારે વસુમા જાણે પોતાની જ સાથે વાત કરી રહ્યા હોય એટલા અન્યમનસ્ક હતા, ‘‘હજી સમય છે તારી પાસે દીકરા, આવતી કાલે સવારે સાડા છ વાગ્યે ૧૩૨ના મરીન લાઇન્સ બસ સ્ટોપની સામે શૂટિંગ શરૂ થશે...’’ સહેજ શ્વાસ લઈને એમણે ઉમેર્યું, ‘‘એ કહેશે નહીં, પણ એનું સમગ્ર અસ્તિત્વ તારી રાહ જોતું હશે દીકરા, એને નિરાશ નહીં કરતી...’’ વસુમાનું ગળું પણ ભરાઈ આવ્યું હતું, ‘‘બેટા, સંબંધમાં પડેલી તિરાડ ગમે તેટલા સ્નેહના સાંધા માર્યે પુરાતી નથી... અને તમારા સંબંધમાં તિરાડ પડે એ પહેલાં જ તું એને પૂરી દે. તારી મા થઈને કહું છું તને...’’ અને આંખના ખૂણે આવેલાં આંસુ લૂછી કાઢ્યા.

‘‘ને બેટા, સ્ત્રી-પુરુષના સંબંધો કાચનાં વાસણ જેવા હોય છે. ગમે તેટલું સાચવો, કે સંભાળો, એક વાર છટકે તો ટુકડા ન થાય એવું બને, પણ તિરાડ તો પડે જ... આવી તિરાડો એમાં કશુંય ટકવા દેતી નથી બેટા.’’ એમનો અવાજ પળે પળે વધુ ને વધુ ભીનો થતો જતો હતો.

સામે છેેડે શ્રેયા પણ જાણે એમની વાત સમજતી હતી. વસુમાએ એમનો ડૂમો રોકીને ફોન મૂકી દીધો.

શ્રેયાએ એ જ પળે નિર્ણય કર્યો, ‘‘અનુપમા શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી મને મારા અલયથી છૂટી નહીં પાડી શકે ! હું અલય સાથે જીવવા શ્વાસ લઈ રહી છું ને મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી તો હું અલય સાથે અને અલય માટે જ જીવીશ.’’

આટલો નિર્ણય કરતાંની સાથે જ શ્રેયાના મન પરથી જાણે મણનો ભાર ઊતરી ગયો, અલયની ફેવરિટ વ્હાઇટ સેલ્ફ પ્રિન્ટવાળી સિલ્કની સાડી અને મોતીનો સેટ પહેરીને કાલે મુહૂર્ત પર પહોંચી જવાનો નિર્ણય કરીને શ્રેયાએ આંખો મીંચી.

બરાબર એ જ વખતે પાછળથી આવેલા સૂર્યકાંતે વસુંધરાના ખભે હાથ મૂક્યો. વસુમા અચાનક જ મુકાયેલા એ હાથની ઉષ્મા અનુભવીને વસુમા કોણ જાણે કઈ લાગણીના પૂરમાં તણાતાં સૂર્યકાંતના ખભે માથું મૂકીને રડી પડ્યો.

જાનકી પાસેથી માગેલી ચાવીથી શ્રીજી વિલાનો મુખ્ય દરવાજો ખોલીને દાખલ થતી લક્ષ્મી પોતાના પિતાના ખભે માથું મૂકીને રડતાં વસુમાને જોઈને ત્યાં જ અટકી ગઈ.

સાવ ધસમસતા પૂરની જેમ આવી પહોંચેલી આ સંવેદનશીલ પરિસ્થિતિ માટે સૂર્યકાંત મહેતા કદાચ તૈયાર નહોતા ! વસુના સ્ત્રીત્વનું આ લાગણીભીનું સમર્પણ સૂર્યકાંતની આંખો પણ ભીંજવી ગયું. એમણે સાવ લગોલગ ઊભેલી વસુના ખભે, પીઠ પર, માથા પર ક્યાંય સુધી હાથ ફેરવ્યા કર્યો અને વસુંધરા પણ જાણે ત્રણ દાયકાની તરસ બુઝાવતી હોય એમ સૂર્યકાંતનો એ સ્પર્શ ઝીલતી, નખશિખ ભીંજાતી ક્યાંય સુધી એમનો ખભો ભીંજવતી રહી.

બંને જણા નિઃશબ્દ છૂટા પડીને પોતપોતાની દિશામાં ગયા ત્યાં સુધી બેમાંથી એકેયને ખબર નહોતી કે એમના આ કરુણ-મંગલ દૃશ્યે લક્ષ્મીને પણ ડૂસકે ડૂસકે રડાવી મૂકી હતી !

(ક્રમશઃ)