Virah books and stories free download online pdf in Gujarati

વિરહ

આભમાં સૂરજ ડૂબું ડૂબું કરી રહ્યો છે, એની લાલાશમાં બે પ્રેમી પંખીડા પ્રેમમાં ગળાડુબ છે. ખબર નહિ પણ મેશ્વા મૂડ ઓફ કરીને બેઠી છે, ચૉકલેટ ખવડાવતાં મયંક એને મનાવી રહ્યો છે.




મેશ્વા પણ મૂડ ફ્રેશ કરવાં પ્રયત્ન કરી રહી છે. ધીમે ધીમે મેશ્વા બધું ભૂલીને મયંકનો હાથ પકડી લે છે. ત્યાં જ ક્યાંક ગિટારના સુરો સંભળાય છે. સૂર્યના ડૂબતાં કિરણો સામે કોઈક કલાકાર પોતાના ગિટારના તાર પર આંગળીઓ ફેરવી રહ્યો છે. ગિટારના સુર સાંભળી મયંક અને મેશ્વા બન્ને ગિટારવાદક પાસે જઈને બેસી જાય છે.





"વાહ ઉસ્તાદ વાહ, મજા આવી ગઈ, લો આ સો રૂપિયા હજુ ફરી એકવાર વગાડોને અંકલ" મયંકે સો રૂપિયાની નોટ કાઢી.


"નો, માય સન નો"


"લો આ 500 રૂપિયા, પ્લીઝ ફરી એકવાર વગાડોને અંકલ" મેશ્વા વિનંતી કરી રહી છે.


"ડિયર પ્લીઝ, હું પૈસા માટે નથી વગાડી રહ્યો." વિરે ફરી એકવાર ગિટાર પર આંગળી ફેરવાની ચાલુ કરી.


બન્ને પ્રેમી પંખીડા મંત્ર મુગ્ધ થઈ ગયાં, મેશ્વા પોતે નાચવા લાગી, મયંક ખૂબ ખુશ હતો સાથે થોડો વિચારમગ્ન.


"પ્લીઝ સ્ટોપ અંકલ, સ્ટોપ, તમારી આંગળીઓ પરથી લોહી નીકળી રહ્યું છે." મયંકે પોતાનો રૂમાલ આપ્યો.



મયંક અને મેશ્વા બન્ને શાંત થઈ ગયાં.


વિરને 'સૉરી સૉરી' કરતાં મેશ્વા રડી પડી.


"અંકલ તમે વિર છો કે વિરહ? આ ધૂન પર કેમ આટલાં પાગલ છો, કોઈ છોડીને ગયું? કોઈની પસંદગીની ધૂન છે?" મયંક ધીમા અવાજે બોલ્યો.


"પ્લીઝ,અંકલ મારે સ્ટોરી સાંભળવી જ છે, આ કોની પસંદગીની ધૂન પર તમે આટલા પાગલ છો?" મેશ્વા વિરના પગમાં બેસી ગઈ.


"પ્લીઝ ડીયર, માફ કરો મને, હું આ વિશે કોઈ વાત નહિ કરું, દરવર્ષે આજના દિવસે હું મનમૂકીને આ ધૂન વગાડું છું."વિરે ગિટાર પર કવર લગાવી દીધું.


"અરે મને તમે બેટા કહીને ?, તો પછી તમારી વિરહની વાત પણ મને મન મુકીને જણાવોને,મારા વ્હાલાં અંકલ." મેશ્વા એ બે હાથ જોડ્યાં.


"મેશ્વા, ચાલ હવે, એ એમની અંગત સ્ટોરી છે અને એ એમનો વિરહ ભૂલવા એ ધૂન વગાડે છે, કોઈએ દગો આપ્યો એમાં આવી હાલત થઈ હશે, બસ હવે એનાથી વધુ આપણે જાણીને શુ કરીશું?" મયંક ઉભો થઇ ગયો.


"તું ઘરે પહોંચ, હું સાંભળીને જ આવીશ."


આમ મયંક અને મેશ્વા વચ્ચે બોલાચાલી થઈ ગઈ. આ બધું જોઈ વિર વચ્ચે પડયો "પ્લીઝ સ્ટોપ ઇટ માય સન, સાંભળ મારી વાત....."


*******************

"હું શાળામાં હતો ત્યારથી ગિટાર વગાડું છું, મારું ડ્રિમ હતું કે હું હિન્દી પિક્ચરમાં મારું કમ્પોઝીશન આપુ, એ માટે મારી મમ્મી પણ ખૂબ મહેનત કરતી હતી, મને કલાસ કરાવે અને સલાહો હજારો આપે કેમકે એ પણ સિતારવાદક હતી."


"હમ્મ.. તો એતો સારી જ વાત છે ને અંકલ." મયંક વચ્ચે બોલ્યો.


"હા,બેટા...ધીમે ધીમે હું મારા શહેરનો બેસ્ટ ગિટાર પ્લેયર બન્યો."


"ગુડ, ગુડ, યુ આર ધ બેસ્ટ." મેશ્વાએ સુર પુરાવ્યો.


"પણ અંકલ આમાં વિરહની ક્યાં વાત છે ? તમે બેસ્ટ હતાં અને આજે પણ છો જ ને ?"-મયંકે સવાલ કર્યો.


"બેટા,મારી કિંજલ.."


"મને ખબર જ હતી, લવ લફડું હોય જ." મેશ્વા હસી.


"ઓકે, બેટા તને ખબર પડી ગઈને ? તો ચાલો હું રજા લઉં." વિર ઉભો થઇ ગયો.


"એ ના અંકલ, બસ હવે અમે બન્ને ચૂપ, તમે જ બોલો" બન્ને જણા મોં પર આંગળી મૂકી દે છે.


"મારી પ્રેમિકા કિંજલ સિંગર હતી, એને મુંબઈમાં કોઈ મ્યુઝિક શૉમાં ઓડિશન હતું. એણે મારી અને એની બન્નેની ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી હતી."


ઘરે મારી બેન શિલાને કિંજલના ઓડિશન માટે મુંબઇ જવાની મેં વાત કરી પણ એણે મને ચોખ્ખી ના પાડી કે ત્રણ દિવસથી મમ્મીની તબિયત બગડી છે, કાલ એને હોસ્પિટલ લઈ જવાની છે, તારે ક્યાંય નથી જવાનું, સમજી ગયો, ના પાડી દે કિંજલને.


બેન તો ના સમજી પણ મેં મમ્મીને સમજાવી કે, "મમ્મી, હું બે-ચાર દિવસમા મુંબઈથી આવી જઈશ અને તને ખબર છે, મારી ધૂન માટે મને મુંબઈ મોટા કમ્પોઝરે મળવા માટે બોલાવ્યો છે."


મારી મમ્મી ખૂબ ખુશ હતી અને એને મને બેસ્ટ ઓફ લક કહીને મુંબઈ જવાની મંજૂરી આપી. શિલા પણ સમજી ગઈ હતી કે આ કિંજલ માટે જ ભાઈ મમ્મીને છેતરી રહ્યો છે...


"હા, બેનને બધી ખબર પડી જાય પણ ભાઈની ખુશીમાં જ એ ખુશ હોય." મેશ્વા બોલી.


સાંભળ આગળ,હું અને કિંજલ બન્ને ટ્રેનમા ખૂબ મોટા સપના જોતા મુંબઇ પહોંચી ગયા.મુંબઈમા રાત્રે 8.00 કલાકે અમે ઓડિશનમા રૂમમાં હતા. બસ 8.30એ ઓડિશનની શરૂ થયું.





ત્યાં જ મારી સિસ્ટરનો મને ફોન આવ્યો કે "ભાઈ તું જલ્દી ઘરે આવી જા, મમ્મી તને ખૂબ યાદ કરે છે."


મેં મમ્મી જોડે વાત કરી એણે મને કીધું, "મને કશું થયું નથી પણ હા તું આગળ સિલેક્ટ થાયને તો મેં બનાવી હતી એ ધૂન વગાડજે. ગાંડા... બધા પાગલ થઈ જશે."


શિલાએ મમ્મી પાસેથી ફોન લઈને મને ફરી જણાવ્યું "મને કાલ સવારે તું ઘરે જોઈએ બસ,નહિ તો.....".


મેં આ વાત કિંજલને જણાવી કે મારે ઘરે જવું પડશે, મમ્મી એ મારી જોડે વાત કરી પણ એનો અવાજ ખૂબ ધીમો લાગ્યો, નક્કી એ બીમાર છે, શિલાએ પણ સવાર સુધી મને ઘરે પહોચવા કીધું છે. તું ઓડિશન આપ હું જાઉં છું.


"ઓ અંકલ, આતો ધર્મસંકટ, આમ જાઓ તો ગર્લફ્રેન્ડ આમ જાઓ તો સિસ્ટર"- મયંક બોલ્યો.


હા, કિંજલ જોડે મારે ઝગડો થયો અને એણે મને રોકી જ લીધો. મારું મન મમ્મીમાં હતું અને અહીં હું શરીરથી જ બેસી રહ્યો હતો. ઓડિશન થયું પણ કિંજલને નેક્સ્ટ ટાઈમ બેટર લક કહી રિજેકટ કરવામાં આવી.


રીજેક્શનથી કિંજલનો મૂડ ઓફ હતો. મેં એને સવારે મુંબઈ દર્શન કરાવ્યું. મારી સિસ્ટર અને મોમ માટે એમના ગમતા કપડાં પણ લીધા અને મારી મોમ માટે નવું સિતાર પણ લીધું કેમકે એનું સિતાર હવે ખૂબ જૂનું થઈ ગયું હતું. મારા પપ્પાએ ગિફ્ટ કર્યું હતું..અમે રાજી ખુશીથી નેક્સ્ટ ટાઈમ બેટર લક કરતાં કરતાં રાત્રિની ટ્રેનથી સવારે ઘરે આવી ગયા.


"ગુડ, અંકલ.આ કામ સારું કર્યું તમે, કિંજલ પણ ખુશ, મમ્મી અને શિલા પણ ખુશ." મેશ્વાએ મયંકને કોણી મારી.


"નો..નો, ઇટ્સ બિગ મિસ્ટેક ઓફ માય લાઈફ." કરીને વિર રડી પડ્યો.


"વૉટ ?" મયંકના મોઢે સવાલ આવી ગયો.


"યા સન, હું એ સવારે ઘરે પહોંચ્યો.ઘરે કોઈ હતું નહીં, મેં શિલાને ફોન કર્યો પણ બસ ફોન કોઈએ ઉપાડ્યો નહી."


મેં અમારા ડાઇવર ચમનને ફોન કર્યો એને મને જણાવ્યું કે "શિલાબેન અને મમ્મી જી.એમ.શાહ હોસ્પિટલમાં છે, મમ્મી ખૂબ બીમાર છે. હું ત્યાં જ છું".


આટલું બોલતાં બોલતાં વિર રડી પડ્યો.


"શુ થયું અંકલ ? મમ્મીની તબિયત સારી હતી ને ?" મયંકે પૂછ્યું.


મમ્મી જોડે જઈને હું બેઠો, એણે મને ઈશારાથી પૂછ્યું, "સિલેક્ટ થઈ ગયો ?"


હું જવાબ ના આપી શક્યો. શિલાએ કહ્યું "હા મમ્મી, તું ચિંતા ના કર, તારી બનાવેલ ધૂને તો બધાંને પાગલ કરી દીધા હતાં. તું જોજે નેક્સ્ટ ફિલ્મમાં ભાઈને ચાન્સ મળશે."


મારી મમ્મી મારી સામે નાની સ્માઈલ આપીને જોતી રહી અને ધીમે ધીમે એનો શ્વાસ ઊંચો નીચો થવા લાગ્યો, ડૉક્ટરે મમ્મીને ઓક્સિજન પર લીધી..





પણ એ સમી સાંજે, ડૉકટર આવીને ત્રણ શબ્દો બોલ્યા, "આઈ એમ સૉરી"...


હું ત્યાં જ હતાશ થઈને પડી ગયો. શિલા અને મારા જીજાજીએ બધી ફોર્માલિટી પુરી કરી. સાંજે મારી મોમના અગ્નિસંસ્કાર થયાં.



ત્યારબાદ મારી સિસ્ટર શિલાએ મને ઘરમાંથી કાઢી મુક્યો કેમકે, હું અને મોમ બન્ને શિલા અને જીજાજીના ઘરે જ રહેતાં હતાં....


મેં કિંજલને ફોન કર્યો,.મોમ વિશે વાત કરી પણ....


"પણ શુ અંકલ ?" કહીને મેશ્વા રડી પડી.



કિંજલે જવાબ આપ્યો"હું બિઝી છું, હમણાં મને હેરાન ના કર."


બસ ત્યારથી મારી મોમની બનાવેલ આ ધૂન, હું દરવર્ષે એના જન્મદિવસે અહીંયા સાંજે વગાડું છું. બાકી મેં આ બધું કામ છોડી દીધું છે, હું બેકરીમાં જોબ કરું છું...


મયંકે વિર અંકલને ગળે લગાવી કહ્યું " આઈ એમ સન ઓફ શિલા, મમ્મી પણ આ ધૂન રોજ સાંજે વગાડે છે મામા,તમને પણ ખૂબ યાદ કરે છે,શોધે પણ છે......"


વિરે મયંક અને મેશ્વાને બાથમાં લઈ લીધા, "માય સન, માય સન કરતો રહ્યો"..


મામા ચાલો ઘરે....


"નો..નો..નો...હું તારો મામા નથી,હું જૂઠો છું,મારી માંનુ મોતનું કારણ હું છું"કહી વિર ઢળી પડ્યો.


વિરની વેદના અસહ્ય હતી.મયંક એમને જી.એમ શાહ હોસ્પિટલમાં એડમિડ કરી એની મમ્મી શિલાને ફોન કરે છે.


શિલા પોતે એજ હોસ્પિટલ, એજ સમય, એજ ચિત્રો જોઈ વિરહમા ડુબી જાય છે.


Veer Raval"લંકેશ"