Measures of action. books and stories free download online pdf in Gujarati

પગલાં સંવેદનાના.

"ભોં.. ભોં.. ભોં..." નાના ગલુડિયાનો ધીમો ભસવાનો અવાજ આવી રહ્યો હતો, પૂનમાશંકર મહારાજ મંદિર ખોલીને બહાર આવ્યાં, બહાર જોવે છે તો એક નાનું ગલુડિયું રડી રહ્યું છે. મહારાજે "હડ...હડ" કરી હાંકવા પ્રયત્ન કર્યો પણ એ તો હાથ જોડી ઉભું થઈ ગયું, જાણે એ કઈંક કહેવા માગતું હોય.

મહારાજ એને તેડીને અંદર લઈ ગયાં. મંદિરમાં ભૈરવદાદાની આબેહુબ છબી દેખાઈ રહી હતી.નાનું ગલુડિયું છબીને અપલક નજરે જોઈ રહ્યું હતું. છબીમાં એને ભગવાન સાથે કૂતરાંની પણ પૂજા થતી દેખાઈ. એ રડવા લાગ્યું. મહારાજે એને તેડી લીધું. એ ધ્રૂજતું હતું, કંઈક બોલવા પ્રયત્ન કરી રહ્યું હતું.

મહારાજે માથે હાથ ફેરવતાં કહ્યું, "બોલ બેટા, કેમ આટલી રાત્રે મંદિરમા આવવું પડ્યું ? અને કેમ રડે છે તું ?"

ગલૂડિયું ધ્રુજતાં ધ્રુજતાં બોલ્યું, "મહારાજ, મારી મા....ખોરાકની શોધમાં સવારની નીકળી હતી પણ."

"હા, તો શું થયું બેટા ?"-મહારાજે સવાલ કર્યો.

"પણ મોડી રાત સુધી એ આવી નહિ, હું તપાસ કરવા બહાર નીકળ્યો તો મારી મમ્મી તો કાર એક્સિડેન્ટમાં રોડ પર મરી ગયેલી પડી છે."-ગલૂડિયું રડી પડ્યું."ૐ શાંતિ....ૐ શાંતિ" કરતાં કરતાં મહારાજ દૂધ લાવ્યાં. ગલુડિયાએ દૂધ પી લીધું.

"મહારાજ, લોકો તો આ મંદિરમાં અમારી પૂજા કરે છે ને?"- ગલુડીયાએ સવાલ કર્યો.

"હા બેટા, કૂતરો તો ભૈરવદાદાનું વાહન છે." -મહારાજે જવાબ આપ્યો.

"તો મારી ફરિયાદ ભૈરવદાદાને પહોંચાડશો?" ગલુડીયાએ હાથ જોડ્યાં.

"હા, બોલ બોલ, દાદા તો બધાંની ફરિયાદ સાંભળે છે, તો તારી કેમ નહિ સાંભળે, હે !?" મહારાજ બોલ્યાં.

ગલૂડિયું છબી આગળ આવી બે પગ ઊંચાં કરી ઉભું રહ્યું અને રડતાં રડતાં ફરિયાદ કરી કે,

"હે ભૈરવદાદા, હું તો તમારું વાહન છું, તમારી સાથે હું પણ અહીંયાં પૂજાઉ છું, છતાં જુવો તમારાં મંદિર આગળના રોડ પર મારી માને તમારાં જ કોઈ ભક્તે મારી નાંખી છે. હું સવારથી ભૂખ્યું, તરસ્યું ફરું છું. મારી મા પણ ના મળી મને અને હા બે રોટલી માટે હું ગલીએ ગલીએ ફર્યો છું પણ....."

મહારાજ વચ્ચે બોલ્યા, "પણ શું થયું ?"

"લોકો લાકડી લઈને મને મારે છે, છુટા પથ્થર મારે છે. અરે ! મેં એમનું શુ બગાડ્યું છે? મને પણ લાકડી-પથ્થર વાગે છે, મને પણ દર્દ થાય છે, મારે પણ હાડકાં છે દાદા. હું સવારનો ગભરાઈ ગભરાઈને ફરું છું અને વિચારું છે કે, અમે ક્યાં કોઈનું કશુંય બગાડ્યું છે. રાતદિવસ મારી મમ્મી તો જાગી જાગીને આ લોકોની ચોંકી કરતી હતી. હું ભૂખ્યો તરસ્યો ફક્ત બે રોટલી માટે આ માણસોની આસપાસ ફરતો હતો. મને ક્યાં ખબર હતી કે ખાવા માટે પૈસા જોઈએ? અને ખવડાવીને મારે તો પણ લાકડી ખાઈ લેતી હતી મારી મા, આતો એમનેમ મને માર્યો છે દાદા. મને ખુબ દુઃખે છે દાદા, પ્લીઝ, મારી મા તો મરી ગઈ છે પણ મને ના મારતાં,આ પૃથ્વી પર જેટલો હક્ક માનવ જાતનો છે એટલો કીડીથી લઈને હાથી સુધી તમામ જીવોનો છે જ.પણ અમને તો ક્યાં કોઈ શાંતિથી જીવવા દે છે જ ???."- ગલુડિયાની ફરિયાદ સાંભળીને મહારાજ રડી પડ્યા....

ત્યાં જ મંદિરનો ઘંટ કોઈએ વગાડતાં કહ્યું, "પુનમાશંકર મહારાજ ઉઠો. ઉઠો..સવારના પાંચ વાગ્યા, દાદાની આરતીનો સમય થઈ ગયો છે.

મહારાજે આંખો ખોલી, ગલુડિયાને આસપાસ ગોત્યું પણ ત્યાં કોઈ હતું જ નહીં.

મહારાજ ધોતી પકડી મંદિરના દરવાજા બહાર ગયા ત્યાં નાના ગલુડીયાના અને નાના માનવબાળના પગલાં પડ્યાં હતાં.


મહારાજે આતુરતાથી રોડ તરફ જોયું તો, એમની આંખો પહોળી થઈ ગઈ. જે ગલુડિયું રાત્રે એમણે જોયું, તેડ્યું, દૂધ આપ્યું એ ગલુડિયું તો રોડ પર મરેલું પડ્યું હતું.....

મહારાજ દોડતાં મંદિરમાં આવ્યાં. ભૈરવદાદાના પગમાં પડી ગયાં. એ સમજી ગયાં કે આ પગલાં કોનાં હતાં? દાદો ભૈરવ ખુદ આવીને ગયો એ બાળ ગલુડીયાના હિત માટે અને આ સંવેદના ભર્યા સપનાં પાછળનો સંદેશ શું હતો ? મહારાજ સમજી ગયા હતા


........

હવે મંદિરે આવતાં તમામ ભક્તોને એ સમજાવતાં કે, અહીંયાં થાળ નહિ ધરાવો તો ચાલશે પણ ઘરે આવતાં કૂતરાં, બિલાડા, ગાયોને પ્રેમથી બે રોટલી આપો અને જો આપી નથી શકતાં હોય તો એમને મારશો નહિ.એમનામા વાચા નથી પણ સંવેદના છે,લાગણી છે..સેવા કરો એમની. બસ એમાં જ દાદો ભૈરવ રાજી છે...
પરસેવા એજ પ્રભુસેવા.****************
મહારાજ તો સમજી ગયાં પણ આપણે સમજ્યાં ? પગલાં સંવેદનાના.....
એક છપ્પો ઘણું સમજાવી જાય છે.

"તિલક કરતાં ત્રેપન થયાં,
ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન."- અખા ભગત

Veer Raval "લંકેશ"