un use open well in Gujarati Love Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | હવડ કૂવો

Featured Books
Categories
Share

હવડ કૂવો

હવડ કૂવો......દિનેશ પરમાર 'નજર '

_____________________________________________

આ માઢ, મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસે:

હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દિવાની ધોળી રાખ ઊડે:

હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

- ભગવતી કુમાર શર્મા

_____________________________________________

આસો માસની નવરાત્રિની નવલી રાતે પોતાની નણંદને એકીટસે જોઈ રહેલી વિધવાભાભી દમયંતી તરફ જેવું પુષ્પાનું ધ્યાન ગયું કે, ચાટલા ચોડેલી નવરંગી ચણિયાચોળી પહેરતા પહેરતા પુષ્પા બોલી, "ભાભી શું જુઓ છો?... પછી દરવખતની જેમજ પુષ્પા બોલી," ભાભી આવો છો ને ગરબા જોવા?.. ક્યાં સુધી આમ હવડકૂવાની જેમ એકલા એકલા એક ખૂણો પકડી મારા ભાઈને યાદ કરી ઝૂર્યા કરશો? "

પણ દમયંતી જેનું નામ દરવખતની જેમજ કોઈ પણ જાતના ભાવ વગર, પીઠ ફેરવી વાડામાં ચાલી ગઈ.


***********


પાંચ વર્ષ પહેલા પુષ્પાનો ભાઈ પરબત શ્રાવણ માસમા ભરાતા મેળામાં ગયો ત્યાં બાજુના ગામની છોકરીઓનું ટોળું મેળામાં મહાલવા આવેલું.

એક્દમ ખડતલ શરીર ને ઘઉંવર્ણો દેહ, બદામી રંગની આંખો, ને લાંબા કાળા કેશ ધરાવતા પરબતની નજર, ચકડોળમાં ઉપર નીચે થતા , લજામણીના છોડ જેવા નાજુક દેહ પર છુટ્ટી ફરફરતી કાળીડિબાંગ જૂલ્ફોના વૈભવમાં ગુલાબીઝાંય ધારી રતુંબડા મનમોહક અતી સુંદર ચહેરા પર પડતાજ લોહચુંબકની જેમ ચોંટી ગઈ.

દમયંતીનું તે તરફ ધ્યાન જતા, તેને એકીટસે જોઈ રહેલ પરબતને જોતા તે પ્રથમ ખચકાઈ ને ચહેરો ફેરવી લીધો. પણ પહેલી જ નજરે, નજરમાં વસી જાય તેવા ચહેરાને જોયા પછી તેની છાપ અંકિત થઈ ગઈ હતી. એટલે જ્યારે ફરી ચકડોળ ઉપરની તરફ ગઈ ત્યારે, તેને ખબરના પડે તેમ અછડતી નજરે જોયું તો આ શું? તે ત્યાં થી ગાયબ હતો.દમયંતી આજુબાજુ નજર ફેરવી તેને શોધવા લાગી.

જેવી દમયંતી ચકડોળમાંથી ઉતરી તે તેની ખાસ બહેનપણીને કાનમાં કઇંક કહી ને, મેળામાં ઉભરાતા માનવ મહેરામણ વચ્ચે, આકુળ-વ્યાકુળ નજરે તેને ક્યાંય સુધી શોધતી રહી.

જ્યારે પરબત તો, ક્યારનો થોડે દૂર, હંગામી રીતે ઉભી કરવામાં આવેલી કાપડના મંડપની દુકાનોમાંથી, કંગનની દુકાનની આડશ લઈ એની આકુળ-વ્યાકુળ હિલચાલ નિહાળી મનમાં રોમાંચિત થઈ રહ્યો હતો.

પરબતને ગોતતી દમયંતીની નજર, કૂવામાંથી પાણી વગર પરત ફરતા બેડાંની જેમ ખાલીખમ ઉદાસી ઉચકી પોતાના ગામ સખીઓ સાથે પરત ફરી, ત્યારે તેને ખબર નહોતી કે પ્રથમ દ્રષ્ટિએ તેની નજરથી ઘાયલ થયેલો, પરબત તેની જાણ બહાર પીછો કરતા કરતા તેના ગામ સુખીપુરા સુઘી આવી ગયો હતો.


************


રણવિસ્તારને અડીને આવેલા જંગલની ત્રીભેટે ઉભેલું છેલ્લું ગામ લીલાપૂરમાં રહેતા પરબતને દસ વીઘા જેટલી ફળદ્રુપ જમીન હતી. તેમાં તે ઋતુ મુજબ પાક લેતો હતો.

ગામમાં તેનું, મેડિબંધ મકાન હતું. તેના પિતાજી તે છઠ્ઠામાં હતો ત્યારે દૂરના ગામે, ગામવાળા સાથે લોકચારે ગયા હતા તે પતાવી પરત ફરતી મેટાડોરને ગોઝારો અકસ્માત થતા ગુજરી ગયેલા.

કુટુંબમાં તેની વિધવા બા રતનબેન અને બેન પુષ્પા હતી. પુષ્પા તેનાથી પાંચ વર્ષ નાની હતી.

તે સુખીપુરા ગયો ત્યારે, ગમી ગયેલી દમયંતીની બધી વિગતો મેળવી આવ્યો હતો. દમયંતીના પિતા ગણેશભાઈ ખાધેપીધે સુખી હતા. તેમનો દીકરો રાજેન્દ્ર ગામનો સરપંચ હતો. તેમની પાસે સારી એવી ખેતીની જમીન હતી. દીકરી દમયંતી ખુબ સુખમાં મોટી થઈ હતી.

પરબત અને તેની બહેન પુષ્પાને ખુબ સારું બનતું હતુ. તેથી જે વાત તે સીધેસીધી તેના બા રતનબેનને કહી શકે તેમ નહોતો તે પોતાની બેન દ્વારા રમતી મુકી.... .

અને.. પછીતો..રતનબેને બાજુમાં રહેતા દિયર વિષ્ણુભાઈને વાત કરતા , જે ગણેશભાઈને સમાજના ઘણા-ખરા અવસરોમાં મળ્યા હતા ને સારી રીતે ઓળખતા હતા, તેમના દ્વારા, તેમના ભત્રીજા પરબતના સગપણની વાત તેમની એકની એક દીકરી દમયંતી માટે મુકી.

બન્ને ઘર સુખીસંપન્ન હતા.પછીના મહિને સગાઈ કરી ગોળધાણા ખવાણા, પણ દમયંતી અંદરથી દુ:ખી હતી. કારણ તેના દિલમાં તો એક ચોક્કસ તસવીર કોતરાઈ ગઈ હતી. તેને ખબર જ નહોતી કે તેની સગાઈના ગોળધાણા જે મુરતિયા માટે ખવાણા તે બીજો કોઈ નહીં પણ મેળા માં મળેલો માણીગર જ છે.

પિતાએ ઘરના આંગણમાં રોપેલા માંડવામાં, તેના મામા ભાણીને લઈ ગયા તો ખરા, પણ તેના રોમ રોમમાં આનંદના અસંખ્ય દીવડા તો, ઘૂંઘટ ઢાંકેલા ઉદાસ ચહેરે મામાને ખભેથી સપ્તપદીમાં ઉતરી, ને તીરછી નજરે મુરતિયાને જ્યાં જોયો ત્યાંજ એક્સામટા પ્રગટી ઉઠયા.

મન મોર બની નર્તન કરતા મનમાંજ બોલી, " અરે! જેની હું મહિનાઓથી જોગણ બની બેઠી છું. અને દિવસરાત જેના સપના જોતી હતી તે જ મને લેવા આવી ગયો?" તેનું હદય આનંદના અતિરેકમાં જોરજોરથી ધબકવા લાગ્યું.

ફેરા ફરી તે જેવી તેના ઓરડામાં આવી, તેની રાહ જોતી સખીઓને, આવેગમાં જોરથી બાઝી પડી.

એક સખી તો બોલી પણ ખરી કે," બનેવી પરબતનું આજ રાતે આવી બન્યું સમજો. "


***********************


અને બન્યું પણ એમજ..

પરણીને સાસરે આવેલી દમયંતીને ઉપરના ઓરડે આપેલા ઉતારે રાત્રે મોડેથી જેવો પરબત પ્રવેશ્યો,સોળેશણગાર કરી લગ્નના પાનેતરમાં પોતાનું સુંદર મુખ છુપાવી બેઠેલી દમયંતી, આછેરી મારુત-ઠેસથી જેમ ગોખના દીવાની ઝળહળ જ્યોત સહેજ અમસ્તી ધ્રુજીને સ્થિર થઈ જાય તેમ મનના માણીગરની હાજરીએ તેને થોડી વધુ સંકોરી.

પરબત ધીરે રહીને બેઠો ને, ઘૂંઘટ ઉઠાવતાજ, ઘન-વાદળ સરકી જતાં જ ચાંદ નો ઉઘાડ થાય ને આજુ બાજુનો વિસ્તાર નિખરી ઉઠે, તે રીતે જ દમયંતીના મુખારવિંદથી ઓરડો પ્રકાશિત થઈ ઉઠયો.

" મારા મનના મેળાની ચકડોળમાં ચકરાતી વાસંતી વાયરાની મહેંક.." પરબત જ્યાં બોલ્યો.

ત્યાં દમયંતી બોલી, "એટલે? તમે મારી લાગણીઓ.. મારો વલોપાત આ બધુ જાણતા હતા ને....?"

પરબતે મેળાથી લઈ તેનો ગામ સુધી પીછો, લગ્ન માટે કહેણ વિગેરે વાત વિસ્તારથી કરતા, અત્યાર સુધી ચુપચાપ સાંભળતી દમયંતી બનાવટી ગુસ્સે થઈ," સાલા...લુચ્ચા...તે મને.. અત્યાર સુધી તડપતિ રાખી.." કહેતા'ક તેને આદિમ-આવેગથી બાઝી પડી.


**************


તેમનું મધુર દાંપત્ય જીવન બાલમુકુંદ દવે ના કાવ્ય....

કેવા રે મળેલા મનના મેળ ?

હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,

જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :

હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

ની જેમ....

પસાર થઈ રહ્યું હતું. બન્ને ખુબ ખુશ હતા. સવારે પરબત, ખેતરે જતો ને ઠેઠ સાંજે અંધારા ઉતરતા પરત ફરતો. તો દમયંતી પણ સવારે ઉઠી, ધોવાના કપડાં, ને પીવાના પાણી ભરવા બેડા સાથે, ગામ-તળ સીમાડે આવેલા કુવા પર જતી. નણંદ અને સાસુમાં ઘરે, વાસિદુ વાળવું, ઢોરોને નિરણ નાખવું, રસોઇ વિગેરે કામ સંપીને કરાતા હતા.

એવામાં એક દિવસ પરબતનો મિત્ર કરશન ખબર લાવ્યો કે ગામનો ઉતાર ને ગામમાં ઘણા સાથે મારામારી, ઝઘડા કરી ચુકેલો ને હાથનો છુટ્ટો જગો છેલ્લા કેટલાક દિવસથી સવારે કુવા પાસેના ઝાડ પાછળથી , દમયંતી ભાભીને જોયા કરે છે. ને મોઘમમાં ખરાબ ભાષામાં સંભળાવે છે. ભાભી તો તેની સામે થુંકતા પણ નથી પણ સાલો એ...

આ સાંભળી પરબતના રુંવાડા ઉભા થઈ ગયા, તેની નસોમાં જાણે ચારસો વોટનો કરંટ લાગ્યો હોય તેમ તેનું લોહી ઝડપથી ફરવા લાગ્યું.

કોઈને કહ્યા વિના બીજે દિવસે સવારે પરબત અચાનક કુવા પર જઈ ચઢયો. અને જગાની હરકત જોઈ તેનો ગુસ્સો કાબુમાં ન રહ્યો. તે ઝાડ પાછળ ગયો ને તેનો કૉલર ઝાલી કુવા આગળ લાવી જોરથી ધક્કો માર્યો.

તે ગડથોલું ખાતા રહી ગયો. ત્યાં હાજર ગામની દીકરીઓ, બેહનો, વહુઓ આ જોઈ એક તરફ હટી ગઈ. જગો આથી ખુબ ગુસ્સે થયો ને, પરબત તરફ ફરતાજ ખેંચીને એક ફેંટ મારી. ફેંટ પાડતા જ પરબત થોડો પાછળ હટ્યો, પરંતુ પોતાની દમયંતી સામે હોયને આ ગુંડો તેની પર હાવી થાય તે પરબતથી સહન કેમ થાય?

દમયંતીનું ધ્યાન કામ કરતા કરતા તે તરફ જ્યારે ગયું, તેજ સમયે પરબત પુરી તાકાતથી જગા તરફ ફરી, છાતીમાં ફેંટ મારતા જગો, ઉછળીને નીચે પટકાયો તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

પરબત તેની આ સ્થિતિ જોઈ, ખુશ થયો ને તેને નેહ ભરી આંખે જોઈ રહેલ દમયંતીને ગર્વથી તાકી રહ્યો. વળતી પળે કોઈ કંઈ સમજે તે પહેલા પરબતની પાછળ રહેલો જગો ત્વરિત ઉભો થયો ને, પરબત પરિસ્થિતિ સમજે અને વળતા ઘા નું વિચારે ત્યાં તો તેણે છુપાવેલો ધારદાર છરો તેની છાતી કમરની વચ્ચે ભાગે ખચાક કરતો પરોવી દીધો.

"ઓ.. આહ.." ની ચીસ સાથે પરબત નીચે ફસડાઈ પડયો.

દમયંતી સીધી તે તરફ ભાગી ને નીચે બેસી પરબતને બાઝી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી.

થોડી વાર તરફડી પરબત કાયમ માટે શાંત થઈ ગયો. તેના શરીર માંથી વહેતુ રક્ત કુવાની બાજુમાં કાદવ કીચડ ના પગલામાં ફેલાઈ ગયું. જગો બધાની નજર ચુકવી ભાગી ગયો હતો.

ગામમાં હાહાકાર મચી ગયો....

ગામવાસીઓને સમાચાર મળતાં કુવે દોડી ગયા.

જ્યારે પરબતનો મૃતદેહ ઘરે લાવ્યા ત્યારે આક્રંદ થી અને ગામના લોકોથી આખો મહોલ્લો છલકાઈ ગયો હતો.


***************************


લગભગ ત્રણ વર્ષ સુધી ભિખારી જેવી હાલતમાં લાપત્તા રહી હાથતાળી આપી રહેલો જગો, પોલીસને જોઇ ચાલુ ટ્રેને કૂદયો, ને પડોશી રાજ્યની મીટર ગેજ રેલવે લાઈન ના બાજુના ટ્રેક પર આવતી સુપરસ્ટાર ગાડી નીચે તેના ગંદા શરીરના ફુરચે-ફૂરચા ઉડી ગયા.

પણ......

પરબતના મૃત્યુના , કારમા આઘાતે, ખુબ ઉંડા શોકના કુવામાં ઉતરી ગયેલી દમયંતી, તેના સાસુ અને નણંદ પુષ્પાના સમજાવા છતાં બહાર આવતી નહોતી.

વૃક્ષ પરથી તોડેલા અપરિપક્વ ફળ રાતી રાયણ સરીખી દમયંતી, બીજા લગ્ન કરવા જેવી લાયક હોવા છતાં, પરબતના મૃત્યુના દિવસે છેલ્લી વાર લગ્નસમયનું પાનેતર ઓઢી, ચુડલો પહેરી, પરબતને વિદાય કરી ચાર રસ્તે, તેના નામનો ચુડલો ભાંગી, કંકુવરણા સુરજ જેવો લાલચટાક ચાંલ્લો કાયમ માટે ભૂસી નાંખી, રંગહિ‌ન સ્વેત સાડલો ધારણ કરી ઘરનો ખૂણો પકડ્યો તે પકડ્યો. દમયંતી આંખો દિવસ ઘરમાં કામકાજ કર્યા કરતી ને સતત પરબતને યાદ કરી રડ્યા કરતી.

તેનાં મધુર દાંપત્યની પરબત સાથે જોડાયેલી યાદોમાં ખોવાયેલી રહેતી.

પુષ્પા પરણવા લાયક થઈ હતી, ને મુરતિયા જોવાનું ચાલી રહ્યું હતું. એક દિવસ સાસુ રતનબેન અને નણંદ પુષ્પાએ દમયંતીને બેસાડી શિખામણ આપી, "જો બેટા, તું કંઈ અમને ભારે નથી પડતી. પણ થોડા સમયમાં લગ્ન કરી પુષ્પા જતી રહેશે, હું કેટલું જીવીશ? તારી સામે આખી જિંદગી પડી છે.અમારી ગેરહાજરીમાં તને આ ઘરની એકલતા કોરી ખાસે."

ખાંસી આવતા સહેજ અટકી ગળગળા થઈ આગળ બોલ્યા, "પરબત તારું સર્વસ્વ હતો તો પુષ્પાનો એક નો એક ભાઈ ને મારો તો કૂખે જન્મેલો એક નો એક દિકરો અમને પણ દુ:ખ થાય છે પણ આ મારી વિનંતી ગણ કે કાકલૂદી, પરબત હવે નથી, ભૂતકાળને વળગી વર્તમાનની અવગણના ના કર બેટા,તારા વિશે વિચાર."

બન્ને ના સમજાવ્યા બાદ, તેણે તે દિશામાં વિચારતા તેને પણ લાગ્યું કે," સાસુ ને નણંદ છે ત્યાં સુધી પછી આ ઘરના ખાલીપામાં હું કેમ જીવી શકીશ? "


************

અઠવાડિયા પહેલા તેના કાકાની દીકરીના લગ્નમાં ગયેલી દમયંતી ને, જાનમાં આવેલા જાનૈયાઓમાં, એક યુવાન બતાવી તેના કાકી બોલ્યા, "બેટા, પેલો દેખાય છે તેનું નામ હાર્દિક છે તે, તારા થનાર બનેવીનો માસીનો દીકરો છે તેના પત્ની છ મહિના પહેલા ગુજારી ગયા છે. તેના માટે યોગ્ય પાત્રની શોધ ચાલુ છે, મેં તપાસ કરાવી છે એક્દમ સીધો પરબતકુમાર જેવોજ છે, જો તું કહે તો....???" વાત દમયંતી પર છોડી.

"કાકી હું ઘરે જઈ વિચારીને જણાવું તો? " બોલતા બોલતા તેનું હૈયું ભરાઈ ગયું.

માથે હાથ ફેરવતા કાકી બોલ્યા," બેટા, કઈં વાંધો નઈ, પણ થોડી ઉતાવળ રાખજે, પાત્ર સારું છે એટલે કહું છું. "

" હા... કાકી. "

******************

મેડીએથી ખડકી ખોલી, દમયંતીએ બહાર આકાશમાં જોયું, આસો માસની શરદપૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણકળાએ ખીલ્યો હતો. તેણે મનથી પૂન: લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તે સંદર્ભમાં, પોતાના પરબત માટે છેલ્લી વાર, રંગીન લહેરીંયું પહેરી, નવોઢા દુલ્હનની જેમ તૈયાર થઈ, પરબતે આપેલી ભેટો , મેળામાં જીદ કરતા અપાવેલી વાસળી, રસ્તામાં આવતી વનરાજીમાં નૃત્ય કરતા મોરના ખરી પડેલા પિંછને દોડીને ઉઠાવી લઇ આપેલું , અને બહુજ ગમતા મોગરાની કળીઓનો સાચવીને રાખેલો, સુકાઈ ગયેલો ગજરો.. વિગેરે લઈ...

જ્યાં પરબતનો દેહ પડેલો તે કૂવા પર તેનો આત્મા ભટકે છે તેમ માની તે કુવાનો વપરાશ ગામના લોકોએ કાયમ માટે બંધ કરી નાખ્યો છે તે, હવડ-કૂવા તરફ, તેની યાદો, તેની ભેટો કાયમ માટે પધરાવવા અજવાળી રાતે,દમયંતી ચાલી નીકળી...

ગામના ચોકમાં આજે પૂનમની રાતે, છેલ્લા છેલ્લા રમાતા ગરબામાં, ઢોલ અને તાલ-બધ્ધ તાળીઓ સાથે લોકઢાળમાં ગવાતા ગરબાનો ધ્વનિ દૂરદૂરથી સંભળાતો હતો.

આજે તે વર્ષો પછી કુવે પહોંચી , ચારે તરફ જંગલી-ઘાસ ને મહેંદી ત્થા દેશી બાવળ ઉંગી ગયા હતા. ત્યાં એક પ્રકારની ના સમજાય પણ અનુભવાય તેવી ભેંકાર શાંતિનો ભય ફેલાયેલો હતો.

તે કૂવા તરફ આગળ વધતા કોઈકનો અવાજ સાંભળી ચમકી ને સંતાઈને ઉભી રહી ગઈ.

" તું મને ચાહતો હતો તો લગ્ન કેમ બીજે કર્યા?" સ્ત્રી બોલતી હતી.

"અરે શું વાત કરું! હું ત્યાં લગ્ન ના કરું તો, તે ગામમાં પરણાવેલી મારી બહેન ત્થા બીજી ગામની બે દીકરીઓ ને ત્યાં પરણવેલી તેને ફારગતિ આપી દેવાની ધમકી આપી હતી." પુરુષ બોલ્યો.

" હવે?... શું..વિચાર છે?"

" તને જ જોવા માટે આજે, ગરબા જોવાના બહાને આવ્યો છું, હજુ તને ચાહું છું તું હા કહે તો.. પણ હું વિધુર છું ને તુ કુંવારી એટલે વિચારજે.. "

" મને કશો જ વાંધો નથી પણ મારે એક જવાબદારી છે તે પૂરી થાય ત્યાં સુધી.. " સ્ત્રી બોલી.

"સારું...." કહી પુરુષ અને સ્ત્રી ગામ તરફ જવા જેવા બહાર નીકળ્યા કે, શરદ-પૂર્ણિમાના અજવાળામાં તેમના ચહેરા જોઈ, સંતાઈને વાતો સાંભળતી દમયંતીની આંખો પહોળી થઈ ગઈ...

તે પોતાની નણંદ પુષ્પા અને કાકીએ બતાવેલા હાર્દિકને ગામ તરફ જતા જોઈ રહી...

દમયંતી પાછાપગે ઘરે તરફ પરત ફરી, ને સઘળી વસ્તુ હતી તેમની તેમ ગોઠવવા લાગી.......

પોતાની જાતને.... પણ............

***********************************************

દિનેશ પરમાર 'નજર '