pagla kahi ka books and stories free download online pdf in Gujarati

પગલા કહી કા



તુમ મુજે યું ભુલાના પાઓંગે
જબ કભીભી સુનોગે ગીત મેરે
સંગ સંગ તુમભી ગુનગુનાઓગે

લતાજી સ્પેશલ પ્રોગ્રામમાં fm પર તેઓના એવરગ્રીન ક્લાસિક સોન્ગ ચાલી રહ્યા હતા. સાગરના કાન પર અચાનક આ ગીતના શબ્દો ગૂંજ્યા અને ફૂલ સ્પીડમાં દોડતી કાર બ્રેક થઇ. સાગર ઘડીભર કારની ઈંફોનટેનમેન્ટ સિસ્ટમ સામે જોઈ રહ્યો જ્યાંથી આ ગીતના શબ્દો ગુંજી રહ્યા.

સાગર માટે આ ગીત સહેજ પણ અજાણ્યું ના હતું બલ્કે, સાગરને કદાચજ અન્ય કોઈ ગીત આટલુ પસંદ હશે. શીલાના કોકિલ કંઠમાંથી હજારો વખત આ ગીત સાગર સાંભળી ચુક્યો હતો છતાં સાગરની એવી તે કઈ તરસ હતી જે છિપાતી નહિ અને શીલાને રોજ આ ગીત માટે ફરમાઈશ કરતો. શીલા પણ પોતાના સાગરનું માથું ખોળામાં લઇ તેના કપાળ પર હાથ પ્રસરાવતા મધુર કંઠથી સાગરને આ ગીતનું રસપાન કરાવતી.

હા પણ એ શીલા ના હતી. નામ તો શીલા હતું જ પરંતુ એ નામ તો દુનિયા માટે. સાગરની તો એ જાનુ જ હતી. શીલા ઘણીવખત સાગરને કહેતી કે' મારાં કાન્હા તારા મોં એ થી જાનુ સાંભળી હું સુધબુધ ખોઈ બેસું છું. જેમ મીરાં દીવાની અને રાધા ઘેલી બની ગઈ હતી એમજ હું પણ મારાં કાન્હા માટે પાગલ બની જાવ છું. ક્યારેક તો આ મન પણ નથી માનતું કે હું શીલા છું. હંમેશા મારે મારાં કાન્હાની જાનુ બની જીવવું છે.'

સાગરની આંખમાંથી આંસુ ટપક્યા. હૃદયમાં અજીબ પ્રકારનું દર્દ ઉઠ્યું, સૂળ ભોંકાઈ.

પાસેની સીટ પર પડેલી ટ્રોફી તરફ નજર ગઈ. આજે સાગર ને જીનિયસ એમ્પ્લોય ઓફ ધી સીઝનના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો પરંતુ શું તે હકીકતમાં જીનિયસ હતો? આ પ્રશ્ન અત્યારે સાગરના મનને કોરી ખાતો.

સાગરે ફરી કાર સ્ટાર્ટ કરી fm પર તો એ ગીત સમાપ્ત થયું પણ સાગર ને સાંભળવાની તીવ્ર ઈચ્છા થઇ. મોબાઈલમાં એ સોન્ગ ઓલરેડી હતું જ. મોબાઈલ કારની મ્યુઝિક સિસ્ટમ સાથે કનેક્ટ કરી સાગર ફરી પોતાનું મનપસંદ સોન્ગ સાંભળવા મંડ્યો.

મેરી ખામોશીયોંકો સમજો તુમ
જિંદગી યાદમે ગુઝારી હૈ
મેં મિટી હું તુમ્હારી ચાહતમે
ઓર કિતના મુજે મીટાઓંગે
તુમ મુજે યું ભૂલા ના પાઓંગે

આ ગીતના એક એક શબ્દ સાથે સાગરની પોતાની જાનુ સાથે યાદો જોડાયેલી હતી. સાગર ઘણી વખત શીલાને પૂછતો કે આ ક્યુ મુવી છે? પણ હંમેશ શીલા સાગરના સવાલને ઉડાવી દેતી, બાદ માં સાગર પણ જવાબ ખોજવા કોઈ પ્રયાસ કરતો નઈ, પણ આજે... આજે જાનુ નથી. સાગરની દુનિયામાં તો નથી જ પણ કદાચ આ દુનિયામાં પણ ના હતી. જો તે જીવિત હોત તો પોતાના કાન્હા ને આટલી આકરી સજા ના જ આપે.

જાનુનું સ્ત્રી સહજ રિસાવવાનું પણ લાબું ચાલતું નઈ. એ તો હંમેશા કઈ મેળવવાની અપેક્ષા વગર સાગરને આપવાજ આ દુનિયામાં આવી હતી. અને સાગરને આપ્યું પણ ખરું..પોતાનું સાનિધ્ય, પ્રેમ, સઘળું અસ્તિત્વ. પણ સાગર એટલો વીશાળ ના બની શક્યો કે શીલાના પ્રેમને પોતાનામાં સમાવી લે.

ખુદના મન સાથે જ સાગરનો સંવાદ ચાલી રહ્યો હતો.

હા ભૂલ તો મારી જ હતી. મેં એ ભોળી, નિર્દોષ, નિર્મળ, સ્ત્રી પર પ્રેમ સાથે મારો વહેમ પણ વરસાવ્યો.

જાનુ ઘણી વખત મને કહેતી "કાન્હા આ જે તારો વહેમ છે એ મારાં સ્વમાનને સીધો ઘા પહોંચાડે છે, કાન્હા મને કોઈ પણ સજા આપ પણ મારાં પ્રેમને કસોટીના એરણે ના ચડાવ. મારું હૃદય આ સહન નહિ કરી શકે!"
'એક દિવસ હું તારાથી એટલી દૂર ચાલી જઈશ કે હું ખુદ ઈચ્છીને પણ ફરી મારાં કાન્હા પાસે નહિ આવી શકું. અને એ સજા મારાં કાના માટે અસહનીય હશે'.

છતાં પણ સાગરને વિશ્વાસ હતો કે અત્યાર સુધી જાનુએ જે રીતે પોતાના વહેમીલા સવાલોને સહન કરીને પણ, રડીને પણ ફરી સાગરને પ્રેમ આપવા પોતાની જાતને સજ્જ કરી લેતી એ જ રીતે હંમેશા ચાલ્યા જ કરશે.
જાનુ હર હંમેશ મોટુ મન રાખી સાગર ના વહેમીલા સ્વભાવને સાંખી લેશે, સહન કરી લેશે.

પણ એક દિવસ સાગરનો આ ભ્રમ તૂટ્યો. સવારે ઊઠતાંજ જાનુ ઘર છોડી જઈ ચુકી હતી, પોતાના કાન્હાને છોડી જઈ ચુકી હતી.
ઘણા દિવસો સુધી સાગર પાગલ બની જાનુ ને શોધતો રહ્યો. ના જાનુ મળી ના કોઈ એની ખબર.

શીલા સાગરને છોડી એના માતાપિતા ના ઘરે પણ ના ગઈ, કોઈ સગા સબન્ધીઓના ઘરે પણ નઈ.
બસ સાગર માટે મોટો કોયડો બની ગઈ.

સાગરનો સ્વભાવ વહેમીલો કે શંકાશીલ ના હતો પણ પોતાની જાનુની બાબત માં તે થોડો વહેમીલો થયો હતો. તેને પોતાની જાનુના ભૂતકાળ ના સબંધો જાણવા માટે ઘણા પ્રયાસો આદર્યા.

ભૂતકાળને લઇ રોજ નવા નવા સવાલો ખોજી લાવતો અને જાનુ પર એ સવાલો પ્રહાર કરતો.
શીલા પણ કહેતી "કાન્હા તારા આ સવાલો મને ખૂંચે છે, ભોંકાય છે. આ રમતને અહીં જ બંધ કર નહીતો તારા હાથમાં જવાબ તો નહીંજ પણ તારી જાનુ પણ નહિ આવે. અને હાથ મસળતો રહી જઈશ".

શીલાના ભૂતકાળના સબંધો વિશે જાણવાની તાલાવેલી પણ શીલા એ જ સાગરમાં જગાવી હતી.

વાત વાતમાં એક વાર શીલા બોલી હતી કે "કોઈ પણ સ્ત્રીનું મન ખુબજ ઊંડું હોય છે, ચાહે જેટલાં વર્ષ પોતાના જીવન સાથી સાથે વિતાવે તેમ છતાં પણ હર કોઈ સ્ત્રી અડધો અડધ વાતો પોતાના સાથી, પ્રેમી, પતિ થી છુપાવતી જ હોય છે".

બસ આ શબ્દો સાગરને શીલાનો ભૂતકાળ ફેંદવા ઉશ્કેર્યો. સાગરને પણ ઉત્કંઠતા જાગી કે મને અસીમિત પ્રેમ કરવાવાળી મારી જાનુના ભૂતકાળમાં પણ શું કોઈ અન્ય વ્યક્તિ રહી ચુક્યો હશે, અને હશે તો કોણ હશે? શું એ પણ મારાં જેટલો જ પ્રેમ મારી જાનુને કરતો હશે?
બસ આ સવાલોના લીધે જ સાગરના મનમાં પોતાના જીવથી પણ વ્હાલી જાનુ સામે શંકા ઉદ્ભવી.

એવું તો કહીં ના શકાય કે સાગરના સવાલો અને શંકાએ બંને વચ્ચેના પ્રેમને હારવા દીધો.
બંને એકબીજાને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા પરંતુ સ્ત્રીનું મન કોણ જાણી શક્યું છે?

સાગરના એક એક સવાલથી શીલા રોજ ઘવાતી, ક્યારેક રાતે બંને વચ્ચે ઝઘડા થતા પણ એ ઝઘડા પણ સંયમિત હતા. બંને એ ક્યારે પણ ભાષા પરનો સંયમ ખોયો ના હતો.
શીલા સાગરને કહેતી કે "મારો ભૂતકાળ જાણી તને કશું જ નઈ મળે, મારી જિંદગીના ભૂતકાળ ના પન્નાઓ ઉખેડવાનું બંધ કરી દે પણ સાગર ના માન્યો".
અને એક દિવસ સાચે જ શીલા સાગર થી હંમેશ માટે દૂર થઇ ગઈ. પોતાની અસ્તિત્વ ખોઈ સાગરમાં ઓગળેલી શીલાનો આજે એક અંશ પણ સાગરમાં રહ્યો ના હતો.

કારમાં ગીત તો હજુ પણ ગુંજી જ રહ્યું હતું.

દિલ હી દિલમેં તુમ્હી સે પ્યાર કિયા
અપને જીવનકો ભી નિસાર કિયા
કૌન તડપા હેં તુમ્હારી રાહોં મેં
જબ એ સોચોગે જાન જાઓગે
તુમ મુજે યું ભુલાના પાઓંગે

પોતાની એક એવી બાલિશ ભૂલ ને લીધે જન્મોજન્મનો સાથ આપવાવાળો સાથી આજે સાગર ખોઈ બેઠો.

જીનિયસ એમ્પ્લોયનો એવોર્ડ મેળવનાર શું પોતે જીનિયસ હતો?,

ના હતો.. સહેજ પણ પોતાની જાતને જીનિયસ ના કહીં શકાય.

તો?? કોણ હતો સાગર? શું હતો સાગર? ખુદ ના મનમાં પણ પ્રશ્નો સળવળી ઉઠ્યા.

દરમિયાન આજે ઘણા સમય બાદ પોતાનું મનપસંદ ગીત પણ સાંભળ્યું. આ ગીત ક્યાં મુવીનું છે એનો જવાબ પણ કદી જાનુ એ આપ્યો જ નહિ, અને સાગરે પણ એ જવાબ મેળવવાની તસ્દી ના લીધી.

સાગરે ફરી કારને બ્રેક કરી. ગૂગલમાં મુવીનું નામ જાણવા મોબાઈલ ઓન કર્યો.

સાગરને ગુગલમાંથી પોતાના બંને સવાલોનો એકજ જવાબ મળી ગયો. ' પગલા કહીં કા '.

( - સમાપ્ત )