Pishachini - 21 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 21

(21)

જિગરને સપનામાં બંગાલી- બાબાનો ચહેરો દેખાયો અને પછી એક ગુફા દેખાઈ ને એ ગુફાની અંદર માહી દેખાઈ, એ વાત જિગરે મોબાઈલ ફોન પર દીપંકર સ્વામીને કહી, એટલે દીપંકર સ્વામીએ કહ્યું કે, ‘આનો મતલબ એ કે, માહી એ ગુફામાં જ છે !’

અને એટલે જિગર મુંઝવણમાં પડયો હતો કે, ‘હવે એ ગુફાને શોધવી કયાં ? માહી પાસે પહોંચવું કેવી રીતના ? !’

ત્યાં જ અત્યારે જિગરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘જિગર ! સપનામાં તેં એ ગુફા જોઈ છે, એટલે તને જ એ ચોકકસ ખબર છે કે, એ ગુફા કેવી છે. વળી તું જ એ વિચારી જો કે, હવે તારે એ ગુફા શોધવી કેવી રીતના ? !’

‘...એ ગુફા હું કેવી રીતના શોધું, સ્વામીજી ? !’ જિગર બોલવા ગયો, ત્યાં જ તેની નજર સામે આવેલા સાઈબર કાફે પર પડી અને તુરત જ તેના મગજમાં ઝબકારો થયો, ‘તેણે સાઈબર કાફેના કૉમ્પ્યુટરમાં-ઈન્ટરનેટ પર ગુફાઓ વિશેની માહીતી અને ફોટા માંગવા જોઈએ. ચોકકસ એમાંથી તેને માહીવાળી ગુફા જોવા મળી જ જશે.’ અને તેણે કાને મુકાયેલા મોબાઈલ ફોન પર, દીપંકર સ્વામી સાથે વાત કરી : ‘સ્વામીજી ! હું ગુફા શોધીને તમને ફોન કરું છું.’

‘ભલે !’ સામેથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘મારા આશીર્વાદ તારી સાથે જ છે.’

‘આભાર, સ્વામીજી !’ જિગરે કહ્યું અને મોબાઈલ કટ્‌ કરીને ખિસ્સામાં મુકયો. તે સાઈબર કાફે તરફ આગળ વધી ગયો.

સાઈબર કાફેના એક કૉમ્પ્યુટર સામે તે ગોઠવાયો અને તેણે ઈન્ટરનેટ પર ભારતની ગુફાઓ વિશેની માહીતી માંગી. માહીતી ખુલી એટલે તેણે બંગાળની ગુફાઓ વિશેના ફોટા ખોલવા માટે બટન દબાવ્યું. કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દસ-બાર ગુફાઓના નાના-નાના ફોટા ઝળકી ઉઠયા.

જિગર વારા-ફરતી એ ફોટા મોટા કરીને જોવા માંડયો. એક-બે-ત્રણ અને દસમો ફોટો તેણે મોટો કર્યો, એ સાથે જ તે ખુરશી પરથી ઊભો થઈ ગયો.

-એ ફોટો એ જ ગુફાનો હતો જે તેને સપનામાં દેખાઈ હતી.

તે પાછો બેઠો. તેણે એ ગુફાને લગતી માહીતી વાંચી. કલકત્તાથી તારકેશ્વર જતાં રસ્તામાં કાલીમાતાનું મંદિર આવેલું હતું. એ મંદિરના પાછળના ભાગમાં ફેલાયેલી-ઝાડીઓ-જંગલ વચ્ચે એક ટેકરી હતી. ટેકરીની તળેટીએ હનુમાનજીની દેરી આવેલી હતી. બસ, એ ટેકરી પર જ એ ગુફા આવેલી હતી.

તે એ ગુફાના ફોટા અને માહીતીની પ્રિન્ટ કાઢી લઈને સાઈબર કાફેની બહાર નીકળ્યો. તેણે દીપંકર સ્વામીને મોબાઈલ કર્યો અને એમને ગુફા મળી ગયાની વાત કરી અને પછી આગળ કહ્યું : ‘સ્વામીજી ! હમણાં હવે હું એ ગુફા તરફ જવા માટે નીકળું છું.’

‘સાચવજે !’ સામેથી દીપંકર સ્વામીએ કહ્યું : ‘અને તને બનારસીદાસે જે માદળિયું આપ્યું છે, એ તું ઉતારીશ નહિ.’

‘ઠીક છે, સ્વામીજી !’ જિગરે કહ્યું.

સામેથી દીપંકર સ્વામીએ ફરી આશીર્વાદ આપ્યા.

જિગરે મોબઈલ ફોન કટ્‌ કર્યો.

૦ ૦ ૦

જિગર ટૅકસીમાં, ઈન્ટરનેટ પરથી મળેલી માહિતી પ્રમાણેની જગ્યાએ, કલકત્તાથી તારકેશ્વર જતાં રસ્તામાં આવેલા કાલીમાતાના મંદિર પાસે પહોંચ્યો, ત્યારે સાંજના સવા ચાર વાગવા આવ્યા હતા.

‘હું મોબાઈલ કરું ત્યારે આવી જજે.’ એવું કહીને જિગરે ટૅકસીવાળાને રવાના કર્યો અને મંદિર તરફ આગળ વધ્યો. મંદિરમાં એક ઘરડો પૂજારી બેઠો હતો.

જિગરે એ પૂજારીને ગુફાનો ફોટો બતાવ્યો અને એ વિશે પૂછપરછ કરી.

ઘરડો પૂજારી થોડીક પળો સુધી જિગર તરફ જોઈ રહ્યો, પછી બોલ્યો : ‘બેટા ! તું જુવાન છે. તારી સામે હજુ આખી જિંદગી પડી છે. આ ગુફા વિશે મેં જે કંઈ જાણ્યું-સાંભળ્યું છે, એ પ્રમાણે આ ગુફા સદીઓ પુરાણી છે. વરસો પહેલાં એક-બે જણાં એ ગુફામાં ગયા હતા, પણ પછી બહાર જ આવ્યા નહોતા અને એટલે એ ગુફા અંદરથી કેવી છે ? કેટલી લાંબી-પહોળી છે ? એ વિશે કોઈને કંઈ ખબર નથી, અને એ પછી કોઈએ એ ગુફામાં દાખલ થવાનું સાહસ કર્યું નથી.’

જિગર વિચારમાં પડયો. ‘કયાંક એવું તો નહિ હોય ને કે, આ પૂજારી પંડિત ભવાનીશંકર સાથે મળેલો હોય અને તે કે તેના જેવો કોઈ બીજો માણસ એ ગુફા સુધી પહોચે નહિ એટલા માટે આમ ગભરાવી રહ્યો હોય.

‘પૂજારીજી !’ જિગર બોલ્યો : ‘હું એક લેખક-પત્રકાર છું. હું બંગાળની ગુફાઓ વિશેનો એક લેખ તૈયાર કરી રહ્યો છું, એટલે મારે ત્યાં સુધી ગયા વિના ચાલે એમ નથી.’ જિગરે જુઠ્ઠાણું ચલાવ્યું.

‘હું અહીં બેઠો છું, એટલે તારા જેવો રડયો-ખડ્યો માણસ આવી ચઢે તો એને હું એ ગુફામાં જવા માટેની ના પાડું છું.’ પૂજારી બોલ્યો : ‘બાકી કોઈને કે, તને હું એ ગુફા તરફ જતો થોડો રોકી શકું ? !’

‘તમે મને આશીર્વાદ આપો કે, હું મારું કામ પતાવીને હેમખેમ પાછો ફરું.’ જિગર બોલ્યો : ‘અને મને એ જણાવો કે, એ ગુફા ચોકકસ કઈ જગ્યાએ છે.’

‘આ મંદિરની પાછળ જે જંગલ છે એમાં ચાલ્યો જા. થોડેક આગળ જઈશ એટલે તને ડાબી બાજુ એક ટેકરી દેખાશે. એ ટેકરીની આગળ જઈશ એટલે જમણી બાજુ બીજી ટેકરી આવશે. એ ટેકરીની નીચે હનુમાનજીની દેરી છે. બસ, એ ટેકરી પર જ આ ગુફા આવેલી છે.’

‘આભાર !’ જિગરે કહ્યું અને પૂજારી પાસે હવે વધુ સમય બગાડવાને બદલે તે મંદિર પાછળના જંગલ-ઝાડીઓ તરફ આગળ વધી ગયો.

જિગરની જગ્યાએ કોઈ બીજો માણસ હોત તો એ પૂજારીની વાત સાંભળીને તુરત જ પાછો વળી ગયો હોત. પણ જિગરને પોતાના જીવની ચિંતા નહોતી. તેની માહી એ ગુફામાં હતી. માહીને પંડિત ભવાનીશંકરના શિકંજામાંથી જીવતી છોડાવી લાવવા માટે તે પોતાના જીવની બાજી લગાવી દેવા માટે તૈયાર હતો.

તે હિંમતભેર જંગલમાં-એ ઝાડીઓમાં દાખલ થયો અને મનમાં ભગવાનના નામનું રટણ કરતો, મકકમ પગલાં ભરતો આગળ વધ્યો. તે માંડ ચાળીસેક પગલાં ચાલ્યો, ત્યાં જ તેના કાને પીઠ પાછળથી કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. તેણે એકદમથી પાછું વળીને જોયું તો કોઈ કૂતરું નહોતું. અને હવે કૂતરાનો અવાજ પણ આવતો નહોતો.

તેણે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો અને પાછો મકકમ પગલાં ભરતો આગળ વધ્યો. તેને એમ હતું કે, ફરી તેને કૂતરાના ભસવાનો અવાજ સંભળાશે, પણ એવું બન્યું નહિ. આસપાસમાં શાંતિ-સન્નાટો હતો.

જિગર ડાબી બાજુ આવેલી પહેલી ટેકરી પાસેથી પસાર થઈને આગળ વધ્યો, ત્યાં જ અચાનક તેના કાને કોઈ યુવતીની ચીસ સંભળાઈ. જિગર પગથી માથા સુધી ખળભળી ઊઠયો. યુવતી એ રીતે ચીસો પાડી રહી હતી, જાણે કોઈ એને નિર્દયતાપૂર્વક માર મારી રહ્યું હોય.

તેણે ધ્યાનથી એ પકડી પાડવાનો પ્રયત્ન કર્યો કે, યુવતીની ચીસોનો અવાજ કઈ તરફથી આવી રહ્યો છે.

અને તેને ખ્યાલ આવ્યો. સામેની જમણી બાજુની ગીચ ઝાડીઓ પાછળથી જ એ અવાજ આવી રહ્યો હતો.

તે એ ઝાડીઓ તરફ દોડયો. તે એ ઝાડીઓ પાસે પહોંચ્યો. તેણે ઝાડીઓ હટાવી અને પાછળ જોયું. પાછળ કોઈ નહોતું. અને હવે યુવતીની ચીસોનો અવાજ પણ બંધ થઈ ગયો હતો.

જિગર ત્યાં જ થોડીક વાર સુધી ઊભો રહ્યો. પાછળના એ ભાગમાં સન્નાટો છવાયેલો રહ્યો. ત્યાં કોઈની જરાય હાજરી વર્તાઈ નહિ.

જિગરને હવે ખ્યાલ આવી ગયો. પંડિત ભવાનીશંકર કૂતરાના ભસવાના અને યુવતીની ચીસોના અવાજોથી તેને ડરાવી-ગભરાવીને પાછો ભગાવી દેવા માંગતો હતો.

જોકે, કૂતરાના ભસવાના અને યુવતીની ચીસોના આ અવાજોથી જિગરને એટલો તો ચોકકસ ખ્યાલ આવી ગયો કે, તે સાચા રસ્તે જ આગળ વધી રહ્યો છે.

તે થોડાંક પગલાં ચાલ્યો, ત્યાં જ તેને એક પુરુષનો ભારે-ભરખમ અવાજ સંભળાયો. એ અવાજ અસ્પષ્ટ હતો. એ શું બોલતો હતો ? એ કંઈ સમજાતું નહોતું. હવે જિગરે એ અવાજ કોનો છે અને કઈ તરફથી આવી રહ્યો છે એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ અને આગળ વધવાનું ચાલુ રાખ્યું. તે પચાસેક પગલાં ચાલ્યો, ત્યાં જ પુરુષનો એ અવાજ સંભળાવાનો બંધ થઈ ગયો.

જિગરે એ જ રીતના ચાલવાનું ચાલુ રાખ્યું.

થોડીક વારમાં જ તેને જમણી બાજુ ટેકરી દેખાઈ. એ ટેકરી પાસે હનુમાનજીની દેરી આવેલી હતી. જિગરે આ ટેકરી પરની ગુફામાં જ પહોંચવાનું હતું.

તે ટેકરી પાસેની હનુમાનજીની દેરી પાસે પહોંચ્યો. તે થોડીક વાર દેરી પાસે હાથ જોડીને ઊભો રહ્યો, પછી હિંમતનો એક ઊંડો શ્વાસ લઈને ટેકરી પર ચઢવા લાગ્યો. ટેકરી કોઈ નાની પહાડી જેવી હતી. એનું ચઢાણ મુશ્કેલ હતું. તે થોડી વારમાં જ હાંફી-થાકી ગયો. તે થોડીક પળો એક ઊંચા પત્થર પર બેઠો અને પાછો ટેકરી ચઢવા માંડયો.

થોડી વાર થઈ અને તેને પેલી ગુફા દેખાઈ. એ ગુફા હવે તેનાથી પંદરેક પગલાં દૂર જ હતી. તે ગુફા તરફ તાકી રહેતાં, ગુફાની અંદરની હીલચાલને પામવાનો પ્રયત્ન કરી રહ્યો. પણ તેને કોઈ હીલચાલ વર્તાઈ નહિ. તેણે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો અને ભગવાનનું નામ લઈને એ ગુફા તરફ આગળ વધ્યો.

તે ગુફાની નજીક પહોંચ્યો.

ગુફાની અંદર અંધારું હતું.

જિગર કાન સરવા કરીને ઊભો રહ્યો, ત્યાં જ તેને ગુફાની અંદરથી અવાજ સંભળાયો. એ અવાજ શાનો છે એ તે કંઈ સમજે એ પહેલાં જ ફડ..ફડ..ફડના અવાજ સાથે એક બાજ જેવું પંખી નીકળ્યું અને તેના માથા પરથી પસાર થઈ ગયું.

ઘડી-બે ઘડી માટે તો જિગરનું હૃદય જ જાણે ધબકતું બંધ થઈ ગયું, તેનો જીવ ઊંચો થઈ ગયો.

ફરી તેનું હૃદય ધબકવાનું ચાલુ થયું, ત્યાં જ તેને ગુફાની અંદરથી કોઈકનાં પગલાંનો ધીમો અવાજ સંભળાયો. ‘શું પંડિત ભવાનીશંકર ગુફાની બહાર આવી રહ્યો છે કે, પછી તેની માહી આવી રહી છે ? ! ?’ અને તેના મગજનો આ સવાલ પુરો થાય, ત્યાં જ એક ઊંચો-ભારે શરીરવાળો અઘોરી દેખાયો. આઘોરીેના માથા અન મૂંછના વાળ એટલા મોટા-ગીચ અને એકબીજા સાથે ગુંથાયેલા હતા કે એમને એકબીજાથી અલગ કરવા એ બે-ચાર દિવસનું કામ હતું. એના ગળામાં ઘણી-બધી રૂદ્રાક્ષની માળાઓ લટકી રહી હતી. એણે શરીર પર ફકત એક મેલીઘેલી લંગોટ પહેરી હતી. એની આંખોમાં જાણે અંગારા સળગી રહ્યા હોય એમ એની આંખો ભભૂકી રહી હતી. એના હાથમાં માણસની ખોપરી હતી ! ! !

‘...તું અહીં કેમ આવ્યો છે ? !’ અઘોરીએ પૂછયું.

‘તમે તંતર-મંતરના જાણકાર હશો તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું શા માટે આવ્યો છું !’ જિગર બોલી ગયો એ પછી તેને થયું કે, તે આવું તે વળી કેવી રીતના બોલી ગયો ? !

‘મને ખબર છે, તું તારી પત્ની માહીને લેવા માટે આવ્યો છે, પણ...,’ અઘોરી બોલ્યો : ‘...પણ તને માહી પાછી નહિ મળે. અમે એને અમારી દાસી બનાવીને અમારી સાથે જ રાખીશું. તું એને ભુલી જા અને જીવતો રહેવા માંગતો હોય તો અહીંથી આવ્યો છે, એવી રીતના જ ચુપચાપ પાછો ચાલ્યો જા.’

‘..હું પાછો જઈશ તો મારી માહીને લઈને જ જઈશ.’ અને જિગરે જોરથી બૂમ પાડી : ‘માહી !’

‘ચુપ કર, નહિંતર તને ભસ્મ કરી નાંખીશ.’ અને આટલું કહેતાં જ અઘોરીએ પોતાના હાથમાંની ખોપરી આગળ કરી અને કંઈક મંત્રો બોલ્યો એ સાથે જ એ ખોપરીની અંદર જાણે આગ ભડકી ઊઠી અને એ આગની ગરમી એટલી બધી લાગવા માંડી કે, જિગરને એવું લાગ્યું કે, હમણાં એના આખાય શરીરની ચામડી બળીને એના શરીર પરથી ઊતરડાઈ જશે.

પણ જિગર એ ગરમીને સહન કરતો-ભગવાનનું નામ લેતો ત્યાં જ પગ જમાવીને ઊભો રહ્યો.

થોડીક પળોમાં જ ખોપરીમાંની આગ ઓલવાઈ ગઈ. અઘોરીનો ગુસ્સો વધુ ભડકયો. તેની આગ ઓકતી આંખો વધુ તેજ અને મોટી થઈ. તેણે પોતાના હાથમાંની ખોપરી એ જ રીતના આગળ ધરેલી રાખતાં ફરી મંત્રો જપ્યા, ત્યાં જ ખોપરી લોહીથી ભરાઈ ગઈ.

અઘોરીએ લોહીના કેટલાંક ટીપાં જિગરના શરીર પર નાંખ્યા. જિગરના શરીરમાંથી અરેરાટી અને કંપારી પસાર થઈ ગઈ, પણ મનને મકકમ અને મજબૂત રાખીને, મનોમન ભગવાનનું નામ લેતો તે જેમનો તેમ ઊભો જ રહ્યો.

અઘોરીના હાથમાંની ખોપરીનું લોહી અદૃશ્ય થઈ ગયું. અઘોરી રોષભેર કંઈક બબડયો અને આ વખતે કોઈ હૉરર ફિલ્મમાં બને એમ જ એકદમથી જિગરની સામે કોઈ બલા-ચુડેલ જેવી બદસુરત અને ભયાનક યુવતી આવીને ઊભી રહી ગઈ. એને જોતાં જ જિગરનો ઉપરનો શ્વાસ ઉપર અને નીચેનો શ્વાસ નીચો રહી ગયો.

જિગરને થયું કે, ‘શું આ ચુડેલ તેને ભરખી જશે ?’ પણ ત્યાં જ તેની નવાઈ વચ્ચે એ ભયાનક યુવતી તેના ચરણ સ્પર્શ કરીને અદૃશ્ય થઈ ગઈ.

જિગરને સમજાયું નહિ કે, આ શું થયું ? તેણે અઘોરી સામે જોયું તો અઘોરીની આંખોમાંની આગ ઠરી ચુકી હતી અને એેની નજર જિગરના બાવડા પર બંધાયેલા માદળિયા તરફ હતી.

‘તારી સાથે જે શકિત છે એ તને બચાવી રહી છે.’ અઘોરી બોલ્યો : ‘હું જાઉં છું. પણ પંડિત ભવાનીશંકર પાસેથી તું માહીને પાછી મેળવી શકીશ કે, નહિ ? તું અહીંથી બચીને નીકળી શકીશ કે નહિ ? એ એક સવાલ છે.’ અને અઘોરી ત્યાંથી ઝાડીઓ તરફ આગળ વધી ગયો અને ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયો.

જિગરે પોતાના બાવડા પર બંધાયેલા માદળિયા તરફ જોયું. તો બનારસીદાસે તેના બાવડે બાંધેલા આ માદળિયાના કારણે જ એ અઘોરીની તેને અહીંથી પાછા વાળવાની કોઈ કારી ફાવી નથી.

તેના મનમાંની હિંમત હવે ઓર વધી. તે ભગવાનનું નામ લઈને ગુફામાં દાખલ થયો. ગુફામાં અંધારું હતું. હાથને હાથ સુઝે એમ નહોતો.

તે માહીના નામની બૂમ પાડવા ગયો, ત્યાં જ તેના કાનના પડદા સાથે પંડિત ભવાનીશંકરનો અવાજ અફળાયો : ‘જિગર ! તું અંદર તો ભલે આવી ગયો, પણ હવે હું તને જીવતો બહાર નહિ નીકળવા દઉં !’

( વધુ આવતા અંકે )