Fari Mohhabat - 21 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 21

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૧


"ઈવા...ઈવા.....!!" ચિંતીત સ્વરે બૂમ મારતો એ બેડરૂમ સુધી પહોંચ્યો. પરંતુ ઈવા ઘરમાં હતી જ નહીં. એની નજર ડ્રિંક્સની બોટલ પર પડી. એક બોટલ ભરેલી હતી. બીજી બોટલ અડધી હતી. અનય સમજી ગયો એ ડ્રિંક્સ કરીને ક્યાંય બહાર નીકળી ગઈ છે. અનયે ઝટથી ઈવા પર કોલ લગાવ્યો, " ઓહ શીટ. મોબાઈલ તો એનો બગડી ગયો છે." એ બબડયો. એને બીજો કોલ લગાવ્યો.

" હેલો ડેડી કેમ છો?" અનયે ઈવાના ડેડને કોલ લગાવતા પૂછ્યું.

"ઠીક છીએ. ઘરમાં બધા કેમ છે, ઈવા કેમ છે..?" ઈવાના ડેડે પૂછ્યું.

"હા બધું બરાબર છે. પણ ઈવા કહેતી હતી કે એના ફ્રેન્ડના ઘરે જઈને પછી મોમ ડેડને પણ મળતી આવું." અનયે જૂઠું ફેંક્યું.

"ના ઈવા નથી આવી." ઈવાના ડેડે કહ્યું.

"ઓકે ડેડી ફોન મુકું. ઈવાનો મોબાઈલ પણ બગડી ગયો છે એટલે..!! હું તમને પછી ફોન કરું. તમારે ત્યાં આવે એટલે ઈવાને કોલ કરવા કહેજો." અનય જેમતેમ જુઠું બોલી રહ્યો હતો.

"સારું." કહીને ઈવાને ડેડે કોલ કટ કર્યો.

અનય એક સેંકેન્ડનો પણ વિલંબ કરવા વગર ઈવાને ગોતવા માટે બહાર નીકળી પડ્યો. એ બાઈક લઈને દરેક સ્થળે ગયો જ્યાં એને એવું લાગ્યું કે ઈવા ત્યાં હોઈ શકે...!! પરંતુ ઈવા એને કશે મળી નહીં. એ થાક્યો હતો ઈવાને ગોતીને નહીં પરંતુ એ ક્યાં ગઈ હશે એ અદમ્ય વિચારથી...!!

"હા એ ત્યાં હોઈ શકે...!!" મગજે જાણે સંકેત આપ્યો હોય તેમ અનયે બીચ પર બાઈક ભગાવી મૂકી. એ આખા બીચ પર રખડયો પરંતુ ઈવા એને મળી નહીં.

"ક્યાં હોઈ શકે ઈવા અત્યારે...?" અનય પોતાને જ પ્રશ્ન કરવા લાગ્યો. એને બાઈક સૂરજીત ઢાબાની દિશામાં ભગાવી મૂકી. એને બાઈક પાર્ક કર્યું. એને આખા ઢાબામા નજર દોડાવી પરંતુ ઈવા અહીંયા પણ હતી જ નહીં.

" આ છોકરી મને પાગલ કરી દેશે. કરી જ નાંખ્યો છે..!!" ઉચાટથી અનય મનમાં જ કહી રહ્યો હતો. એ ઢાબાની થોડી આગળ ચાલતો થયો જ્યાં એની ઈવા સાથે ફર્સ્ટ મુલાકાત થઈ હતી એ જગ્યે એ આવી પહોંચ્યો. ફોર્ચ્યુનેટલી...!! ઈવા ત્યાં જ પથ્થર પર બેસેલી દેખાઈ. એની પીઠને અનય જોઈ શકતો હતો. અનય એને જોઈને એકદમ શાંત થઈ ગયો. કશા પણ પ્રકારનું રિએક્શન દેખાડવાના બદલે એ પણ શાંતિથી એના નજદીક બીજા પથ્થર પર જઈને બેસ્યો. ઈવાએ અનયને બેસતાં જોયું પરંતુ એ પણ ચૂપચાપ બેસી રહી. પાંચ મિનીટ સુધી અનય હળવાશથી બેસી રહ્યો. પરંતુ બીજી જ પળે એને પોતાનું મૌન તોડ્યું, " એ છોકરી...!! તું કેટલો રખડાવીશ મને તારા પાછળ!!" પરંતુ ઈવાએ કશા પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં.

"ફર્સ્ટ મુલાકાતથી તારી પાછળ પડ્યો છું. સગાઈ થઈ. મેરેજ થયા. પણ ના તારી મોહબ્બત મારી થઈ..!! ના તું ઈવા મારી થઈ..!! હા પણ ફક્ત તારા પાછળ મને દોડાવાનું કામ જ ચાલુ રાખ્યું છે." અનયે કહ્યું તે સાથે જ ઈવાના હાથમાં રહેલા મોબાઈલ પર ધ્યાન ગયું. એ જોઈ શકતો હતો કે ઈવાએ નવો મોબાઈલ ખરીદ્યો હતો જેની કિંમત પચાસ હજારથી વધુ હતી...!!

"વાઉં ન્યુ મોબાઈલ. કૉંગ્રેજ્યુલેશન...!!" અનયે મિશ્ર ભાવોથી કહ્યું. ઈવાએ કશું કહ્યું નહીં. પણ અનયનું મગજ દોડાવા લાગ્યું એ વિચારથી કે જે રીતે ઘરની પરિસ્થિતિ ચાલી રહી હતી ત્યારે ઈવાને આર્થિક સહાય કરવી જોઈએ ત્યારે આટલો મોંઘોદાટ મોબાઈલ લેવાની શી જરૂર હતી..!!

ઈવા તો વાત જ કરી રહી ન હતી. એ વારેઘડી પોતાના મોબાઈલમાં જ પડી જતી હતી. જ્યારે અનય એ ચૂપચાપ બેસીને જોતો રહ્યો.

"ઈવા ચાલ ઢાબા પર જઈએ. મને ભૂખ લાગી છે." ઈવાને મોબાઈલ પરથી ધ્યાન હટે એ બહાને અનયે કહ્યું. ઈવા ઉઠી. બંને ઢાબા પર ગયા.

નાસ્તો કરતા જ અનયને પહેલી મુલાકાત યાદ આવી ગઈ. જ્યારે બંનેમાં મળવા માટેનો જે થનગનાટ ઉન્માદ હતો એ આજે મેરેજ બાદ પણ સાવ જ અજનબીની જેમ સંબંધ થઈ ગયો હતો. એ વિચારતો રહ્યો કે પોતાની રિલેશનશિપ શરુઆતથી જ ના મજબૂત બની શકી ના પારદર્શક...!!

અનયના સ્વભાવ મુજબ એ ઈવાને કશું બોલી જ ના શક્યો કે એ આમ બહાર કેમ જતી રહી. મોબાઈલ ન ચાલતો હતો તો શું થયું એક નાની અમથી ચિઠ્ઠી લખીને પણ ગઈ હોત કે હું બહાર જાઉં છું તો ચિંતામાં જ એટલો રખડયો ન હોત...!!

નાસ્તાને ન્યાય આપી બંને ઉઠ્યા.

" ઈવા લોન્ગ ડ્રાઈ માટે જઈએ?" અનયે પૂછ્યું.

"તું ઘરે લઈ જા. માથું દુઃખી રહ્યું છે." ઈવાએ એટલું જ કહ્યું.

અનય ચૂપચાપ બાઈકને ઘરે ભગાવી મૂકી.

***

અનયે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હતો. દર્પણની મદદથી એને ફરી પોતાના નામથી ઓફિસ ઓપન કરી. નવો બિઝનેસ હતો એટલે બધું જ ઝીરોથી સ્ટાર્ટ કર્યું. ઠરીઠામ થતા તો વાર જ લાગવાની હતી એટલું તો અનય જાણતો જ હતો. અને બીજું બધા જ કસ્ટમર્સ પણ સાગરના જ થઈ ગયા હતાં. અનયને નવા કસ્ટમર્સ ઉભા કરવા માટે ખાસી મહેનત સાથે ધીરજ પણ રાખવાની હતી. જે લેવલ પર એને બિઝનેસ લઈ જવાનો હતો એમાં સમય લાગવાનો હતો છતાં એનું કામ તેમ જ ઈન્કમ ઠીકઠાક થઈ રહી હતી પણ એમાંથી જ એ ઘર ચલાવાનું ઓફિસનો ખર્ચો તેમ જ દર્પણને પણ પૈસા થોડા થોડા ચૂકતો કરતો રહ્યો. પરંતુ હા આ બધી જ વાતમાં ઈવા સાથેના પ્રેમમાં વધારો થયો ન હતો ઉલટાનું કંકાસ વધતો જતો હતો.

***

"અનય બે દિવસ બાદ મારે ઈવેન્ટ પર જવું છે. એન્કરિંગનું છ દિવસનું કામ છે." કામ પૂરતી ઈવાએ અનયને વાત જણાવી.

"આ તો સારું કહેવાય. ક્યાં છે ઈવેન્ટ?" અનયે પૂછ્યું.

"આ વખતે પણ મુંબઈમાં જ છે." ઈવાએ કહ્યું.

"વાઉં..!! તો હું પણ આવીશ. એમ પણ મારે અત્યારે કશું કામ નથી. ઓર્ડ્સ મને જેટલા મળ્યા છે એનું કામ થઈ ચૂક્યું છે. આ બહાને હું તને એન્કરિંગ કરતી મન ભરીને જોઈ તો લઈશ." અનયે કહ્યું.

"ઓકે." ઝાઝું પૂછ્યા વગર ઈવાએ ટૂંકા શબ્દોમાં વાત પતાવી.

***

લગ્ન બાદ આ અનય પહેલી વાર ઈવાના એન્કરિંગના પ્રોગ્રામો માટે ગયો હતો. જે એક સ્ટુડિયોમાં ચાલી રહ્યો હતો. અનય અને ઈવા બંને સાંતાક્રુઝ સ્ટેશને પહોંચ્યા. બંનેની રહેવાની વ્યવસ્થા પણ એક હોટેલમાં કરવામાં આવી હતી.

" કંઈ હોટેલમાં આપણાને ઉતરવાનું છે ઈવા??" સાંતાક્રુઝ સ્ટેશને ઉતરતાં જ અનયે પૂછ્યું.

" વેઈટ..!! અંકુરભાઈ લેવા જ આવતો હશે. એ આપણાને હોટેલમાં પહોંચાડી દેશે." ઈવાએ કહ્યું.

"અંકુર કેમ?" અનયે પૂછ્યું. એમ તો સમય જતાં અનય અને અંકુર બંને ફોન પર સારા મિત્રો તો થઈ ગયા હતા. તો પણ અનયે પૂછી પાડ્યું.

"અનય તું ભૂલી રહ્યો છે. એ પણ મારો એન્કરિંગ માટેનો કોપાર્ટનર છે. એનું પણ આજ કામ છે." ઈવાએ કહ્યું.

"ઓકે ઓકે." અનયે સરળતાથી કહ્યું.

"અંકુર આવ્યો." અંકુરની કાર જોતા જ ઈવા એકદમ ઉછળીને બોલી. અંકુરે કાર થોબાવી. તે સાથે જ ઈવા ઝડપથી અંકુર સાથે આગળના સીટ પર જઈને બેસી ગઈ. અનય તેની સાથે જ આવ્યો છે એની પણ નોંધ લીધી નહીં. અનય જાતે જ પાછળના સીટ પર જઈને ગોઠવાયો.

"કેમ છો જીજાજી." અંકુરે પૂછ્યું.

"તારી સિસ્ટર ઈવાએ મને સારો જ રાખ્યો છે તો મજામાં જ રહીશ ને ભાઈ." અનયે અમથી મજાક કરી.

"હા મારી ઈવા સિસ્ટર છે જ એવી. કેરીંગ નેચર છે ને..!!" અંકુરે કહ્યું અને કાર સ્ટાર્ટ કરી. હોટેલ સુધી પહોંચતા જ આખા કારમાં ફક્ત અંકુર અને ઈવાની ચપચપળ ચાલુ રહી. અનય તો ચૂપચાપ જ રહી ગયો. અંકુરે એક હોટેલમાં કાર પાર્ક કરી.

"જીજાજી હું પણ આ જ હોટેલમાં રોકાયો છું. રૂમ નંબર 306. અને તમારા બંનેનો 305. સ્ટુડિયો નજદીક જ આવેલો છે જ્યાં અમારા બંનેના પ્રોગ્રામો ચાલવાના છે. એન્કરિંગના ઓકે." અંકુરે કહ્યું.

રિસેપ્સશન કાઉન્ટર પરની માહિતી પતાવી ચાવી લઈને ત્રણેય લિફ્ટ દ્વારા થર્ડ ફ્લોર પર પહોંચ્યા.

"ઓકે ઈવા રાત્રે પબમાં મળીયે. ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે. આજે થોડી મજા કરી લઈએ. આવતીકાલથી સખત કામ પર ધ્યાન આપવાનું છે. જીજાજીને લેતી આવજે." હોટેલના રૂમ પર પહોંચતા જ અંકુરે આંખ મારીને કહ્યું.

ઈવા અનય પોતાના રૂમમાં ગયા. અંકુર પણ પોતાના રૂમ પર પહોંચ્યો.

આખો દિવસ રૂમમાં જ રહીને અનય ઈવાએ આરામ કર્યો. તેમ જ ભોજન પણ રૂમમાં જ લીધું. રાત પડીને અનય પરાણે જ ઈવા સાથે પબમાં પહોંચી ગયો. એનું મન તો હતું જ નહીં કે પબમાં જઈને ડ્રિંક્સ લેવાનું. પરંતુ એ કંપની આપવા ગયો ખરો.

ડીજેના ઘોંઘાટમાં ડાન્સ ધમાકેદાર ચાલી રહ્યો હતો. ઘણા ખરા ડ્રિંક્સના ગ્લાસ ઊંચા કરતા જ ડાન્સમાં મગ્ન હતાં. ઈવા જેમ અંદર પહોંચી કે અંકુરે એને હાથ દેખાડ્યો. ઈવા તરત જ ડાન્સ કરવા માટે જોડાઈ ગઈ.

અનય ડ્રિંક બારને ત્યાં રાખેલી ચેર પર જઈને ગોઠવાયો. પરંતુ એને ડ્રિંક લીધી નહીં. એ ફક્ત ઈવાને ડાન્સ કરતી નિહાળી રહ્યો. ઈવા ડાન્સ કરતી ખૂશ નજર આવી રહી હતી. એ જ ખૂશીને એ પોતાની સમજી મનોમન ખૂશ થઈ રહ્યો હતો.

"લો...!!" ડ્રિંકનો ગ્લાસ ઓફર કરતો એક નવજુવાન છોકરો અનયના બાજુમાં આવીને ઉભો રહ્યો.

" થેંક યુ. મને એટલી આદત નથી." અનયે નમ્ર સ્વરે સંભળાય એટલું જોરથી કહ્યું. એ છોકરો હવે લગોલગ અનયના કાન પાસે આવીને ઉભો થઈ ગયો.

" એટલા ધ્યાનથી ઈવાને નિહાળી રહ્યાં છો?? તમારી વાઈફ ઈવાને...!!" અટહાસ્ય કરતો એ નવજુવાન છોકરાએ સીધું જ કહ્યું.

" હં...મારી વાઈફ...!! ઓળખો છો તમે??" અનયે આશ્ચર્યથી પૂછ્યું.

"ઓળખું....!! હા હા....!! તમારાં બંધ બેડરૂમની વાત પણ જાણું છું કે તમે મેરેજ બાદ પણ હજું સુધી ફિઝિકલ રિલેશનશિપમાં બંધાયા નથી." એ નવજુવાન છોકરાએ ઠંડા ક્લેજાથી કહ્યું. સાંભળીને અનયના દિલોદિમાગમાં કોઈકે જોરથી ઘા કર્યો હોય એમ ફાટી નજરે એ છોકરાને અનય જોતો જ રહી ગયો.

(ક્રમશ)