sundari chapter 23 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૨૩

ત્રેવીસ

ડીયર ડાયરી,

આજે એ ફરીથી મળ્યો, હા એ જ મારો સ્ટુડન્ટ વરુણ.

ખબર નહીં પણ કેમ પણ આજકાલ એને મળવાનું ખૂબ થાય છે. ઉપરવાળાનો કોઈ ઈશારો તો નહીં હોય? હશે... આમ તો મારો સ્ટુડન્ટ છે એટલે એને વારંવાર મળવાનું થાય એ સ્વાભાવિક છે અને મળે છે પણ કોલેજ કે સ્ટડીના જ કોઈ ભાગરૂપે. કોલેજમાં તો એ દરરોજ લેક્ચરમાં વિધાઉટ ફેઈલ હોય જ છે. તે દિવસે ખૂબ વરસાદ હતો એટલે મને કોલેજથી જ ઘરે મુકવા આવ્યો હતો. આજે પુસ્તક મેળામાં એની રેફરન્સ બુક લેવા મળી ગયો એટલે એ પણ એની સ્ટડીને લીધે જ મળ્યોને? હા તે દિવસે અરુમાની સાથે હું જ્યારે રેસ્ટોરન્ટમાં ગઈ હતી ત્યારે જરૂર એની બહેન અને કૃણાલ સાથે મળ્યો હતો પણ એવો યોગાનુયોગ તો કોઈની પણ સાથે થઇ શકે. ઠીક છે. ચાલ્યા કરે.

આજે પપ્પાએ ફરીથી મને વઢી નાખી. પુસ્તક મેળામાંથી ઘરે આવવામાં થોડી વાર થઇ ગઈ એટલે રસોઈ પણ મોડી કરી શકી. બસ એમને તો મને વઢવાનું બહાનું જ મળી ગયું. મારી આટલી સારી સેલરી છે એમનું આટલું બધું પેન્શન આવે છે તેમ છતાં ખબર નહીં એમને મારી રસોઈ કરવા કોઈ બહેન કે મહારાજ રાખવાની વાત કેમ સમજાતી નથી. કદાચ રસોઈ કરવા માટે કોઈ બહેન કે મહારાજ રાખીએ તો પછી એમને મને વઢવા ન મળેને એટલે...

તને એક સત્ય હકીકત કહું ડીયર ડાયરી? દુનિયામાં કોઇપણ છોકરીને પરણીને બીજા ઘરે જવું જરાય ન ગમે, એટલે શરૂઆતમાં પણ હું કદાચ દુનિયાની એવી પહેલી છોકરી હોઈશ જે પરણીને આ ઘર છોડવા માટે આતુર હશે. પણ એમ હાથે કરીને જિંદગીનો જુગાર થોડો રમાય? ક્યાંક ઉલમાંથી ચૂલમાં ન પડાઈ જાય. પપ્પા તો મારા પોતાના છે કોઈ ખરાબ પતિ મળી ગયો, એમના જેવો, તો તો મારી બાકીની જિંદગી જ ખરાબ થઇ જાય.

ના ના... એના કરતા અત્યારે જેમ ચાલે છે એમ જ ચાલવા દઈએ. હશે કોઈ એવો રાજકુમાર જે મને સુખી રાખશે અને મને ખૂબ પ્રેમ કરશે. કોણ હશે? ચલ, આપણે બંને રાહ જોઈએ?

કાલે ફરી મળીએ, ત્યાં સુધી આવજે!

==::==

“સર તમે કહ્યું હતું કે સેકન્ડ યર બીએમાં મરાઠા ઇતિહાસમાં બે ચેપ્ટર આપણા કોર્સમાં નથી અને તમે મને પછી કહેશો. પણ એને ઘણો ટાઈમ થઇ ગયો છે. આપણી છ માસિક પરીક્ષા નજીક આવી રહી છે અને મારા સ્ટુડન્ટ્સ પણ મને પૂછી રહ્યા છે કે એમણે મરાઠા ઈતિહાસના કયા બે ચેપ્ટર્સ નથી ભણવાના. મને પ્લીઝ આજકાલમાં કહેશો?” સુંદરીએ જયરાજને પૂછી રહી હતી.

કોલેજના પ્રોફેસર્સ રૂમમાં દરેક વિષયના પ્રોફેસર્સને બેસવા માટે અલગ અલગ ચેમ્બર્સ હતી જેમાં ઈતિહાસ વિભાગની ચેમ્બરમાં અત્યારે હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ જયરાજ દવે અને સુંદરી જ બેઠા હતા. બાકીના બંને પ્રોફેસર્સ પોતપોતાના લેક્ચરમાં હતા.

“યસ યસ વ્હાય નોટ, કમ હિયર ટેઈક ડૉ. પ્રશાંત ફણસેકર્સ બુક વિથ યુ એન્ડ આઈ વિલ લેટ યુ નો!” જયરાજે પોતાની ચિતપરિચિત સ્ટાઈલમાં સુંદરીને અંગ્રેજીમાં જ જવાબ આપ્યો.

સુંદરી પોતાની સામેજ પડેલું મરાઠા ઈતિહાસનું ડૉ. પ્રશાંત ફણસેકરનું પુસ્તક લઈને જયરાજ જ્યાં બેઠો હતો ત્યાં પહોંચી અને તેની બાજુમાં જઈને ઉભી અને પુસ્તકને જયરાજની સામે ટેબલ પર મૂકી દીધું.

જયરાજે પુસ્તક હાથમાં લીધું અને અનુક્રમણિકાનું પાનું ખોલ્યું અને પછી પોતાની પહેલી આંગળી એક પછી એક પ્રકરણના નામ પર મુકવા લાગ્યો અને તેની આંગળી અગિયારમાં પ્રકરણ પર રોકાઈ. ત્યારબાદ તે એ પ્રકરણ પુસ્તકના કયા પાનાં પર છે ત્યાં સુધી પોતાની આંગળી લઇ ગયો અને એ જ પાનું તેણે ખોલ્યું.

“સી, આપણે આ આખું ચેપ્ટર અવોઇડ નથી કરવાનું, બટ ધેર આર સમ પાર્ટ્સ ઓફ ધીસ ચેપ્ટર ધેટ વી હેવ ટુ અવોઇડ.” જયરાજે પાછળ ઉભેલી સુંદરી તરફ જોઇને કહ્યું.

“ઓકે સર, પણ કયા પાર્ટ્સ?” સુંદરીએ જયરાજ સામે જોયું,

“સી... ધીસ, ધીસ, ધીસ એન્ડ.... ધીસ!” જયરાજે ફટાફટ ચાર ફકરા પર આંગળી મૂકીને કહ્યું એમાં પણ છેલ્લો ફકરો તો તેણે બે પાનાં પછી દેખાડ્યો.

સુંદરી હવે ગૂંચવાઈ. એને ખબર ન પડી કે જયરાજે તેને એ પ્રકરણમાંથી કયા ચાર ફકરા અવોઇડ કરવાનું કહ્યું.

“સર, મને સમજણ ન પડી.” સુંદરીએ પોતાની મૂંઝવણ જયરાજ સમક્ષ રજુ કરી.

“ઓહ ગોડ! આઈ હેવ શોન યુ એન્ડ યુ સ્ટીલ નોટ ગેટીંગ ઈટ? ઓકે શો મી ઓન વ્હીચ પેજ યુ આર નોટ ફાઈન્ડીંગ ધોસ પેરેગ્રાફ્સ?” જયરાજ થોડો ચિડાયો.

સુંદરી વાંકી વળી અને જયરાજના ટેબલ પર પડેલા પુસ્તકના બે પાનાં પાછળની તરફ ફેરવ્યાં અને એ પાનાં પર પહોંચી જ્યાંથી જયરાજે તેને ફકરાઓ અવોઇડ કરવાનું કહ્યું હતું.

“તમે આ પેજ પર આ બે ફકરા અવોઇડ કરવાનું કહ્યું છે ને?” સુંદરીએ પોતાની સુંદર આંગળી બે ફકરા પર મૂકી તો ખરી પણ અચાનક જ તેને કશું અજુગતું થઇ રહ્યું હોવાની લાગણી થવા લાગી.

જયરાજનો ખભો તેની ખુરશીની પાછળથી ઝુકેલી સુંદરીના વક્ષસ્થળ પર સ્પર્શ કરી રહ્યો હતો. સુંદરીએ શરૂઆતમાં તો તેને અકસ્માત ગણીને અવગણ્યું. પરંતુ થોડીવાર પછી જ્યારે ફરીથી અજાણતા જ એ ઘટના ફરીથી બની અને જયરાજે પોતાનો ખભો ઉંચો-નીચો કર્યો ત્યારે સુંદરી તરતજ જયરાજથી થોડી દૂર થઇ ગઈ.

સુંદરીને બીજી વખતના સ્પર્શથી એવો તો આઘાત લાગ્યો કે તે “સર, મને એક કામ યાદ આવી ગયું હું થોડીવાર પછી આવું સર.” કહીને પ્રોફેસર્સ રૂમમાંથી દોડીને બહાર નીકળી ગઈ.

બહાર નીકળીને સુંદરી પોતાને લાગેલા આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવા લાગી. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે એક સમયે તેના પ્રોફેસર અને આરાધ્ય રહી ચુકેલા જયરાજ દવે ‘સર’ એ તેને અણગમતો સ્પર્શ કર્યો હતો. સુંદરીની આંખો ભીની હતી પરંતુ તે રડી શકે તેમ ન હતી કારણકે આસપાસ વિદ્યાર્થીઓની સતત અવર જવર હતી.

અમુક મીનીટો આમને આમ વિતાવ્યા બાદ સુંદરીએ એ જેને પોતાની માતાના સ્થાને ગણતી હતી એવા અરુણાબેન સાથે આ વાત શેર કરવાનું નક્કી કર્યું જેથી તેનો ભાર થોડો હળવો થાય. સુંદરીએ તરતજ અરુણાબેનને વોટ્સએપ પર મેસેજ કરીને કેન્ટીનમાં આવવાનું કહ્યું અને છેલ્લે ઉમેર્યું “it’s urgent”.

આટલો મેસેજ કરીને સુંદરી સીધી જ કેન્ટીન પહોંચી અને એક ખાલી ટેબલ પાસે પડેલી ખુરશી પર રીતસર ફસડાઈ પડી. કેન્ટીનના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે સેલ્ફ સર્વિસ ફરજીયાત હતી પરંતુ જો કોઈ પ્રોફેસર આવે તો તેનો ઓર્ડર લેવા કે તેમને સર્વિસ આપવા કેન્ટીન માલિકે કેટલાક છોકરાઓ રાખ્યા હતા. આમાંથી જ એક છોકરાએ સુંદરીના ટેબલ પાસે પાણી ભરેલો એક ગ્લાસ મૂક્યો અને સુંદરીએ એમાં રહેલું પાણી પળવારમાં ગટગટાવી દીધું અને પેલા છોકરાને બીજો ગ્લાસ ભરી લાવવાનો ઈશારો કર્યો.

ત્યાંજ અરુણાબેન સુંદરીને કેન્ટીનમાં પ્રવેશ કરતા દેખાયા સુંદરીએ હાથ હલાવીને તેમનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું પરંતુ અરુણાબેન તરફ હાથ હલાવવાની સાથેજ સુંદરીની આંખો ફરીથી ભીની થઇ ગઈ અને જેવા અરુણાબેન તેની સામે આવીને બેઠા કે સુંદરીએ છેલ્લી દસેક મિનીટથી ગમેતેમ કરીને સાચવી રાખેલો આંસુઓનો બાંધ તૂટી પડ્યો.

“શું થયું દીકરી? આમ અચાનક કેમ રડવા લાગી? પપ્પાએ કશું કહ્યું?” અરુણાબેન ટેબલ પર માથું ઢાળીને અવિરત રડી રહેલી સુંદરીના માથામાં હાથ ફેરવીને બોલ્યા.

સુંદરીએ એ જ અવસ્થામાં પોતાનું ડોકું હલાવીને અરુણાબેનના પ્રશ્નના જવાબમાં ના પાડી. થોડીવાર બાદ જ્યારે સુંદરીના આંસુ ખૂટ્યા અને તેને બોલવાની હિંમત થઇ એટલે એણે અરુણાબેનને ડીપાર્ટમેન્ટની કેબીનમાં બનેલી ઘટનાનું સવિસ્તર વર્ણન કર્યું.

“જયરાજની આ પહેલી ફરિયાદ નથી. તને યાદ હોય તો તું જ્યારે ભણતી ત્યારે એક સ્ટુડન્ટે પણ એની ફરિયાદ કરી હતી પણ પુરાવાના અભાવે એ છૂટી ગયો હતો. પછી પણ મેં એના વિષે નાની મોટી વાતો સાંભળી છે પણ એનો રુવાબ અને પ્રિન્સીપાલ સાહેબ સાથે એની મિત્રતાને કારણે એને કશું જ નથી થયું. મારી ભૂલ થઇ ગઈ કે તે જ્યારે જોઈન કર્યું ત્યારે મારે તને આ બાબતે ચેતવી દેવાની હતી.” અરુણાબેને નિરાશાના સૂરમાં કહ્યું.

“મારા માટે એ ગુરુ અને આરાધ્ય હતા, હું એમના જેવી બ્રિલીયન્ટ પ્રોફેસર બનવા માંગતી હતી પણ હવે...” સુંદરીથી આગળ ન બોલાયું.

“હું સમજી શકું છું બેટા.” અરુણાબેને હવે સુંદરીનો હાથ દબાવતા કહ્યું.

“શું કરું? કમ્પ્લેન તો ન કરી શકું કારણકે બીજો કોઈ સાક્ષી ન હતો, પ્લસ તમે કહ્યું એમ પ્રિન્સીપાલ સર એમના ખાસ ફ્રેન્ડ છે અને મારા પપ્પાને તો તમે જાણો જ છો? એ મારી કોઈજ મદદ નહીં કરે અરે! ઉલટું મને લડશે.” સુંદરીએ પણ નિરાશા વ્યક્ત કરી.

“હમણાં એક કામ કર. જો હું તને ચૂપ રહેવાનું નથી કહેતી પણ મૂંગી મૂંગી રહીને પણ સજાગ રહેજે. આજના જેવું જરા પણ થાય તો મને મેસેજ કરી દેજે જો મારું લેક્ચર નહીં હોય તો તારી કેબીનમાં આવીને સમજાવી દઈશ એને. એન્ડ બી બ્રેવ ઓકે? તારા માટે તો આ હજી શરૂઆત હશે સુંદરી, મારા જેવી તો આવી અસંખ્ય ઘટનાઓમાંથી પસાર થઇ ગઈ છે. પણ હા હું ક્યારેય આ પ્રકારની છેડતી સામે મૂંગી નથી રહી.” અરુણાબેને હવે સ્મિત સાથે સુંદરીને આશ્વાસન પણ આપ્યું અને તેને હિંમત પણ આપી.

==::==

“આ લોકોમાં પણ અક્કલ નથી, ફેબ્રુઆરીમાં ઇન્ટર યુનિવર્સીટી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને અત્યારે એટલેકે ડિસેમ્બર એન્ડમાં સિલેક્શન કરી રહ્યા છે.” વરુણની બાજુમાં ઉભા રહેલા એક વિદ્યાર્થીએ વરુણના કાનમાં કહ્યું.

“સ્પોર્ટ્સના પ્રોફેસરની જગ્યા જ હજી ગયા અઠવાડિયે ભરાઈ છે એટલે એ પણ શું કરે? પણ આમાં જ ચેલેન્જ છે કે ફક્ત દોઢેક મહિનાની પ્રેક્ટીસ કરીને આપણે...” વરુણ હજી પોતાનો જવાબ આપે ત્યાંજ.

“સો બોય્ઝ, આપણને ખબર છે કે આપણી પાસે ટાઈમ ઓછો છે પરંતુ એ જ તો ચેલેન્જ છે કે આપણે આટલા ઓછા ટાઈમમાં તૈયારી કરીને ઇન્ટર યુનિવર્સીટી ટુર્નામેન્ટમાં સારામાં સારો દેખાવ કરીએ.” વરુણે જે કહેવાનું હતું તે કોલેજના નવા સ્પોર્ટ્સ પ્રોફેસર સુર્યકુમાર શિંગાળાએ કહી દીધું.

નવા સ્પોર્ટ્સ પ્રોફેસર પોતાની જેમ જ પોઝીટીવ વિચારે છે એ જાણીને વરુણને ખૂબ આનંદ થયો અને તે આપોઆપ મલકાઈ ઉઠ્યો.

“તમે કુલ 32 જણા છો અને આઈ એમ શ્યોર કે તમે બધા પોતપોતાના સ્પોર્ટ્સ બાયોડેટા ખાસકરીને ક્રિકેટના બાયોડેટા લઈને આવ્યા છો. અત્યારે આપણે જે નવી ક્રિકેટ ટીમ ઉભી કરવાની છે એમાં મારે 14 પ્લેયર્સની જરૂર છે પણ જે લોકો આજે સિલેક્ટ ન થાય તે નિરાશ ન થાય. જો એમના બાયોડેટા ઇમ્પ્રેસિવ હશે તો આપણે તેમને કોલેજની અન્ય સ્પોર્ટ્સ ટીમ્સમાં ઇન્ક્લુડ કરીશું. પણ આ બધું જો હું એકલો નક્કી કરું તો મારો કોચિંગમાં ટાઈમ વેસ્ટ જાય પ્લસ કોચિંગ ઉપરાંત જ્યારે એક ટીમ રમતી હોય ત્યારે બીજી ઘણી બાબતોની જરૂર પડે છે અને તે પણ કોલેજ મેનેજમેન્ટ સાથે. એટલે પ્રિન્સીપાલ સરે આપણા માટે એક કો-ઓર્ડીનેટર અપોઈન્ટ કર્યા છે જે આવતા જ હશે... આવતા હશે શું? આવી જ ગયા...” આટલું કહીને પ્રોફેસર શિંગાળાએ સ્પોર્ટ્સ રૂમના દરવાજા તરફ જોયું.

તેમની સાથેજ પ્રોફેસર શિંગાળાની સામે કતારબદ્ધ ઉભા રહેલા વરુણ સહીત તમામ 32 જણાએ પણ એ તરફ નજર કરી.

==:: પ્રકરણ ૨૩ સમાપ્ત ::==