Nakshano bhed - 12 books and stories free download online pdf in Gujarati

નકશાનો ભેદ - 12

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૨ : તસવીર બનાતા હૂં તેરી...

ગુનેગારોનાં પગેરાં પામવાનું તે કાંઈ સહેલું કામ છે ? ઘણા કલાકો સુધી તો મનોજ એન્ડ કંપનીના ડિટેક્ટિવોને ફાંફાં જ મારવાં પડ્યાં.

છેક બપોર પછી, સૂરજ પશ્ચિમમાં નમી ગયા પછી એમને તનસુખ બારોટ દેખાયો. ત્યારે એ પગે ચાલતો નહોતો, લાલ રંગના એક ફટફટિયા ઉપર મારંમાર કરતો આવતો હતો. પરિણામે મિહિરની યોજના અમલમાં મુકવાનું તાત્કાલિક તો જરાય શક્ય નહોતું.

યોજના શી હતી ?

મિહિર પાસે એક જરીપુરાણો કેમેરો હતો, અને એ કેમેરા વડે એ શકમંદ તનસુખ બારોટની તસવીરો ઝડપી લેવા માગતો હતો. તનસુખને શક ન જાય એ રીતે એની તસવીર ઝડપવાની હતી. મિહિર કલાકોથી કેમેરા તૈયાર રાખીને ઊભો હતો. તનસુખ દેખાય કે તરત એને ‘શૂટ’ કરી લઉં. પણ દેમાર ભાગતી મોટરસાયકલ પર બેઠેલા માણસની તસવીર કેમ પાડવી ?

તનસુખ ફટાફટ પસાર થઈ ગયો અને ડિટેક્ટિવ મંડળી મોં વકાસીને જોતી રહી ગઈ.

હવે શું કરવું ?

તસવીરો તો લેવાની જ હતી. એટલે નજીકમાં રસ્તાની કોરે ઊગેલાં ઝાડવાં હેઠળ સૌ ચિંતાતુર ઊભાં રહ્યાં. પણ આજે દિવસ જરા અનુકુળ ઊગ્યો હતો. મિહિરની યોજના મોડીમોડી પણ સફળ થઈ ખરી.

તનસુખના ઘરના આંગણામાં કેટલાક ફૂલછોડ ઉગાડેલાં હતાં. મોટરસાયકલ મૂકીને, કપડાં બદલીને એ બહાર આવ્યો અને એણે ફૂલછોડોને પાણી પાવા માંડ્યું. છોકરાંઓને મિહિરે ઈશારો કરી દીધો. બધાં જાતજાતની રમત ને કસરત કરવા લાગ્યાં. પહેલવાન વિજયે શીર્ષાસન કર્યું. બેલા એક ઝાડની ડાળીએ લટકીને હીંચકા ખાવા લાગી. મિહિરે જાણે એમના ફોટા પાડતો હોય એમ ચાંપો દબાવવા માંડી. પરંતુ એના કેમેરાનું ફોકસ તનસુખ બારોટ પર હતું. રમતાં છોકરાંઓના ફોટા પાડવાને બહાને ફોટા મૂળે તનસુખના પાડવાના હતા. અને એમાં આખરે સફળતા મળી હતી.

ચાર-પાંચ ફોટા પાડી લીધા પછી મિહિરે ઈશારો કર્યો. કામ પૂરું થઈ ગયું છે એવી નિશાની કરી. એટલે બધાં જાણે અહીં રમીને થાક્યાં હોય અને બીજે ક્યાંક રમવા જતાં હોય એમ ચાલી નીકળ્યાં.

થોડાં ડગલાં ચાલ્યા પછી સૌ દોડ્યાં. મિહિરની પ્રયોગશાળામાં બધાં પહોચ્યાં. અહીં કેમેરાનો રોલ ધોવા અને છાપવાની સગવડ પણ હતી જ. મિહિરે અર્ધાં કલાકમાં તો રોલ ધોઈ નાખ્યો. પાંચમાંથી ફક્ત બે જ ફોટા સારા આવ્યા હતા. પરંતુ એ પૂરતા હતા.

એક ફોટામાં શીર્ષાસન કરતા વિજયના બે પગ વચ્ચે તનસુખનો ચહેરો દેખાતો હતો. બીજા ફોટામાં ઝાડે લટકતી બેલાના લટકતા પગ નીચે એ જ ચહેરાનો સાઈડ પોઝ હતો.

એ ફોટાઓમાં જે માણસ દેખાતો હતો કે રોતલ ચહેરાવાળો, કાળી આંખોવાળો, લૂખા વાળવાળો માણસ જણાતો હતો. એના હોઠ સદાય ખેંચાયેલા રહેતા હોય એમ લાગ્યું. પરંતુ એના શરીરનો બાંધો મજબૂત હતો. તનસુખ ઇંચેઇંચ ઘરફાડુ ચોર જેવો દેખાતો હતો.

બેલા બોલી ઊઠી, “ચાલો, શકમંદના ફોટા તો મળ્યા. પણ હવે શું કરવું છે ? પોલીસ પાસે જવું છે ?”

મનોજે માથું ધુણાવ્યું. “ના, કાચવાલા પાસે તો પાકામાં પાકો કેસ લઈને જ જવું છે. એ આપણી હાંસી જ ન કરી શકે એવું કામ કરવું છે.”

એટલે જ્ઞાને એક બીજી દિશા બતાવી. એણે કહ્યું, “પહેલાં તો આપણે કરુણાને મળીએ. એને આ ફોટા બતાવીએ અને પૂછીએ કે આ માણસને તેં જોયો છે ? એ દુકાનમાં આવેલો ખરો ? એણે રતનજી ભીમજી સાથે વાતો કરેલી ખરી ?”

મનોજને આ ઉપાય ઠીક લાગ્યો. એણે માથું ધુણાવતાં ધુણાવતાં કહ્યું, “હા, એ બરાબર છે. ચાલો કરુણાને મળીએ.”

બેલાએ જીભના ડચકારા બોલાવ્યા. એ બોલી ઊઠી, “મિસ્ટર મનોજકુમાર ! શું તમારું કપાળ બરાબર છે ? જરા ઘડિયાળ તો જુઓ ! સાંજના સાડા સાત વાગી ગયા છે. કરુણા હવે દુકાનમાં હોય જ નહિ.”

બેલાની વાત ખરી હતી. રતનજી ભીમજીની દુકાન સાડા સાતે તો બંધ થાય. આ લોકો ગાંધી રોડના ઊંચા ઢાળ પર પહોંચે તે પહેલાં તો ક્યારનીય કરુણા નીકળી ગઈ હોય.

મિહિર પુસ્તકોના એક ઢગલા પર આસ્તેથી બેઠો અને બોલ્યો, “કશો વાંધો નહિ. આપણે કરુણાને કાલે સવારે મળીશું. એ દુકાને આવતી હશે ત્યારે રસ્તામાં જ એને ઝડપી લઈશું અને આ ફોટા બતાવીશું.”

મિહિરની યોજના સૌએ મંજૂર રાખી. બધાં પોતપોતાના ઘેર ગયાં અને વાળુપાણી કરીને સૂતાં. જો કે કોઈને મોડી રાત સુધી ઊંઘ ન આવી. નકશાનો ભેદ હવે ઉકલવાની અણી પર હતો. પણ એનું છેવટ કેવું હશે ? તનસુખ જો લૂંટારો હોય તો એને પકડવો કેવી રીતે ? મારફાડ તો કરવી નહિ પડે ને ? આવા વિચારો કરતાં સૌ સાહસિકો પોતપોતાની પથારીમાં મોડે સુધી આળોટતાં રહ્યાં.

બીજે દિવસે સૌ વહેલાં જાગ્યાં. જલદીજલદી દાતણપાણી કર્યાં, જલદીજલદી નાહ્યાં. જલદીજલદી દૂધ પીધાં. બધાંનાં વડીલો ખુશ થઈ ગયાં. છોકરાં સુધરી ગયાં ! જરાય આળસ કરતાં નથી.

નવ વાગ્યા પહેલાં તો બધાં ગાંધી રોડના ઊંચા ઢાળ ઉપર પહોંચી ગયાં. રતનજી ભીમજીની દુકાનથી બસોએક કદમ દૂર એક બંધ દુકાનના ઓટલે બેઠાં. કરુણા મહેતાની રાહ જોવા લાગ્યાં.

દસેક મિનિટમાં કરુણા દેખાઈ. એ નજીક આવી એટલે સૌ ઊભાં થયાં. એના તરફ ચાલ્યાં. એ વેળા મનોજનો ચહેરો દેશના પોલીસ વડા જેટલો ગંભીર હતો. એ જોઈને કરુણા બોલી, “ઓહો ! અત્યારના પહોરમાં તમે આવી ગયાં કે ? શી વાત છે ? આમ ગંભીર કેમ છો ? પેલો પટ્ટો તૂટીફૂટી ગયો કે શું ? પણ એથી કાંઈ તમને પૈસા પાછા મળે એવી આશા ન રાખશો. મારા શેઠ –“

એકાએક એ બોલતી અટકી ગઈ. મનોજે એની આંખો સામે એક પૂંઠું ધર્યું હતું. એમાં જ્ઞાનના સ્વચ્છ અને સુઘડ અક્ષરે લખ્યું હતું : ડિટેક્ટિવ મનોજ – પ્રતિનિધિ, મનોજ એન્ડ કંપની, પ્રાઇવેટ ડિટેક્ટિવ. એ વાંચીને કરુણા બોલતી બંધ થઈ ગઈ.

એટલે વાતનો તાર મનોજે સાંધી લીધો. “કરુણાબેન, અત્યારે અમે ઘડિયાળના પટ્ટાની કે એવી કશી વાત માટે નથી આવ્યાં. અમે ડિટેક્ટિવ કામે આવ્યાં છીએ. એક ભાવિ ગુનાની તપાસમાં તમારી મદદની જરૂર છે. ઓફિસર મિહિર, કરુણાબેનને શકમંદના ફોટા બતાવ.”

મિહિર અને મનોજ બંને ગજવાની અંદર બૃહદ્દર્શક કાચ લાવ્યા હતા. તનસુખના ચહેરાને વિગતે જોવા માટે કરુણાને કદાચ એ કાચની જરૂર પડશે એવું ધાર્યું હતું. પરંતુ એની કશી જરૂર ના પડી. એને કરુણા તરત જ ઓળખી ગઈ લાગી. એટલું જ નહિ, એને જોતાં જ કરુણાનો ચહેરો લેવાઈ ગયો.

જ્ઞાન સમજી ગયો. “કરુણાબેન, તમે આ માણસને ઓળખતાં લાગો છો.”

કરુણા કહે, “અરે, આ માણસને કારણેસ્તો મારે શેઠનો ઠપકો સાંભળવો પડ્યો હતો !”

મનોજે પૂછ્યું, “એ વખતે શું બન્યું હતું એ જરા વિગતે કહેશો ?”

કરુણા કહે, “જરૂર. એ દિવસે મેં આવીને દુકાન ખોલી હતી. તરત જ આ માણસ આવ્યો. એણે હીરાના નંગવાળી એક વીંટી પસંદ કરી. પછી કિંમતના બદલામાં ચેક આપ્યો. મેં તરત જ એને રસીદ આપી. પરંતુ એમાં ચેક નંબર અને ગ્રાહકનું નામ-સરનામું લખવાનું ભૂલી ગઈ. એ બદલ જ મને ઠપકો મળેલો. તમને મળેલો ચેક બનાવટી હોય અને ગ્રાહકનું નામ-સરનામું ન હોય તો શું થાય ?”

બેલા બોલી, “નાહી નાખવાનું થાય, બીજું શું ?”

કરુણા કહે, “અને આ ચેક ખોટો જ હતો ! જોકે મને એની પાછળથી ખબર પડી. પરંતુ હું મોટી આફતમાંથી ઉગરી ગઈ, કારણ કે એ જ વેળા રતનજી શેઠ આવી લાગ્યા અને એમણે આ ઠગને પકડી પાડ્યો.”

જ્ઞાને પૂછ્યું, “પછી તમને જણાયું કે ચેક બનાવટી હતો, બરાબર ? એટલે તમારા શેઠે પોલીસને બોલાવી ?”

કરુણા કહે, “ના.”

વિજયે કહ્યું, “તમારા શેઠે જાતે જ એને મારીમારીને ખોખરો કર્યો હશે, ખરું ને ?”

કરુણા કહે, “ના.”

મનોજ બોલી ઊઠ્યો, “તમારા શેઠે પોલીસને કેસ ન સોંપ્યો, પોતે પણ ગુનેગારને સજા ન કરી, તો પછી કર્યું શું ?”

કરુણા કહે, “શેઠ આ માણસને દુકાનની પાછળથી પોતાની ઓફિસમાં લઈ ગયા. ઘણી વાર સુધી એની સાથે ખાનગી વાતો કરતા રહ્યા. એ પછી બેય બહાર નીકળ્યા અને શેઠે મોતે ઘાંટે કહ્યું કે, જા, આ વખતે તો જવા દઉં છું, પણ ફરી કદી છેતરપિંડીની કોશિશ ના કરતો ! શેઠની આવી વાત સાંભળીને મને તો નવાઈ લાગી. શેઠ મારો તો નાનોસરખો ગુનો પણ માફ ન કરે ને આ માણસ તરફ કેમ આટલા નરમ બની ગયા હશે ?”

છોકરાંઓએ એકબીજાની આંખોમાં જોયું. બધાંયની આંખોમાં કરુણાના સવાલનો જવાબ ઝબકતો હતો. સૌ સમજી ગયાં કે રતનજી ભીમજીએ તનસુખને કેમ માફી આપી દીધી. રતનજી એનો એક ખાસ ઉપયોગ કરવા માગતો હતો. પોતે એક કાવતરું ગોઠવવું હતું અને એમાં આવા જ એક સાગરીતની શેઠને જરૂર હતી !

મનોજે માથું ધુણાવતાં કહ્યું, “કરુણાબેન, તમારા એ સવાલનો જવાબ અમારી પાસે છે. તમારો ચિંગુસ શેઠ એક ઠગ સાથે સલુકાઇથી કેમ વર્ત્યો એ અમે જાણીએ છીએ. પણ હમણાં એ નહિ કહીએ. હજુ અમારે ઘણાં કામ કરવાનાં છે. તમને વિનંતી કરું છું કે તમારા શેઠને આમાંની કશી વાત ન કરશો.”

કરુણાએ નાક ફુંફાડયું. “શી વાત કરો છો ! એ ચિંગુસને તે હું આવું કશું કહેતી હોઈશ ?”

મનોજ કહે, “થેન્ક યૂ.”

કરુણા દુકાન તરફ ગઈ.

બધાં ડિટેક્ટિવ બહાદુરોએ મનોજ તરફ નજર કરી. બેલાએ પૂછ્યું, “હવે ?”

મનોજે હોઠ ભીંસીને કહ્યું,”હવે ઈન્સ્પેક્ટર કાચવાલા પાસે જઈ શકાશે. એના ગુરુનોય છૂટકો નથી આપણી વાત માન્યા વગર !”

અને સૌ દોડતાંદોડતાં પોલીસ સ્ટેશને પહોંચ્યા.

*****