Yog-Viyog - 46 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 46

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૬

અભય અને વસુમા બગીચામાં બેસીને વાત કરી રહ્યાં હતાં. અલય એ જ વખતે બેગ લઈને બહાર નીકળ્યો.

‘‘મા, હું નીકળું છું.’’ અલય વસુમાને પગે લાગ્યો.

‘‘બેટા, હું જાણું છું તું બિઝી હોઈશ, પણ સંપર્કમાં રહેજે દીકરા.’’

અલયથી અકારણ જ પુછાઈ ગયું, ‘‘બાપુનો કોઈ મેસેજ ?’’

‘‘એટલે જ ચિંતા થાય છે. જે સ્થિતિમાં અહીંથી ગયા છે એ સ્થિતિમાં ત્યાં શું થયું હશે...’’

‘‘બે દિવસ થયા, મા, હું ફોન કરું.’’ અભયે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો, ‘‘ક્યારના પહોંચી ગયા હોવા જોઈએ.’’

‘‘ફ્લાઇટ ડીલે હશે.’’ અલયે નીકળવાની તૈયારી કરી.

‘‘અરે, પણ એવું કેવી રીતે ચાલે ? પરમ દિવસે રાતના ગયા છે. એટલિસ્ટ હેમખેમ પહોંચ્યા છે એટલું તો...’’

‘‘હમણાં રહેવા દે. બપોર સુધી રાહ જોઈએ. પછી નક્કી કરીશું.’’ વસુમાએ અભયના ખભે હાથ મૂક્યો.

‘‘મા, શૂટિંગમાં વ્યસ્ત હોઈશ. સાત જ દિવસમાં શિડ્યૂલ પતાવવાની ઇચ્છા છે, પણ જરૂર પડે તો ફોન કરજે...’’ અલય વસુમાને ભેટ્યો અને બહાર નીકળવા લાગ્યો.

‘‘ક્યાં જવું છે ? એરપોર્ટ ?’’ અભય ઊભો થયો.

‘‘યાહ...’’

‘‘ચાલ, મૂકી જાઉં.’’ અભય પણ એની સાથે બહાર નીકળવા લાગ્યો.

‘‘શ્રેયા નથી આવવાની ?’’ અલય સામે જોઈને પૂછ્‌યું. પછી કોઈ દિવસ સલાહ ન આપતાં વસુમાએ આજે અભયને કહ્યું, ‘‘દીકરા, આખી રાતનો ઉજાગરો છે. ડ્રાઇવિંગ ના કરે તો સારું.’’

‘‘એ કંપનીના કામે બેંગલોર ગઈ છે. ત્યાંથી સીધી ગોવા આવવાની છે. એ ચાર દિવસ રહીને પહોંચશે. ત્યાં સુધી મારું કામ પણ પતી જશે.’’ પછી અભયને કહ્યું, ‘‘હું ટેક્સીમાં જતો રહીશ, ભાઈ. મા કહે છે તો...’’

‘‘કમ-ઓન મા, મારા માટે ઉજાગરો કે ડ્રાઇવિંગ કશુંયે નવું નથી.’’ અભય અલયના ખભે હાથ મૂકીને બહાર નીકળી ગયો.

વસુમા ફરી પાછા પોતાના બગીચામાં પરોવાયાં, પણ કોણ જાણે કેમ એમનું મન કોઈક આવનારા અમંગળની આશંકાથી ફફડી રહ્યું હતું.

સવારે આંખ ઊઘડતાં જ અજયે જાનકીને કહ્યું, ‘‘તારા ઇન્કમટેક્સ રિટર્નના કાગળો, ઇન્વેસ્ટમેન્ટના પેપર્સ અને કોલેજની બાર પે-સ્લિપ જોઈશે મને.’’

‘‘શાના માટે ?’’ જાનકી જાણતી હોવા છતાં એણે પૂછ્‌યું.

‘‘પેપર્સ ફાઇલ કરવા.’’

‘‘મારે નથી કરવા મારા પેપર્સ.’’

‘‘સ્ટૂપીડ જેવી વાત નહીં કર.’’ અજય ઝટકાથી બેઠો થયો અને જાનકી પાસે આવી ગયો, ‘‘અહીં એકલી રહીશ ?’’

‘‘ના, મા છે. અભયભાઈ છે, અલયભાઈ છે ને થોડા વખતમાં તો શ્રેયા પણ આવી જશે.’’

‘‘ઓહ ! એટલે એ બધા સાથે રહેવું છે, પણ મને છોડી દેવો છે ખરું ?’’

‘‘છોડીને જવાનું તમે નક્કી કર્યું છે અજય, મેં નહીં.’’

‘‘જાનકી, આ મૂરખ જેવી જીદ છે તારી.’’

‘‘અજય, આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે, જીદ નથી અને મારે આ દેશ છોડીને ક્યાંય બીજે જઈને નવેસરથી જિંદગી શરૂ કરવાની જરૂર નથી.’’

‘‘જો જાનકી, આપણે લગ્ન કર્યાં ત્યારે નક્કી કર્યું હતું કે સુખમાં અને દુઃખમાં સાથે રહીશું.’’ અજયે ઇમોશનલ દાવ ચલાવવાનો પ્રયત્ન કર્યો.

‘‘એની ક્યાં ના પાડું છું ? હું તમારી સાથે જ છું. સુખમાં પણ ને દુઃખમાં પણ...’’

‘‘જાનકી, તું તદ્દન અક્કલ વગરની વાત કરી રહી છે. મારી સાથે હોવા માટે મારી સાથે રહેવું પડે.’’

‘‘એવું ક્યાં છે ? આપણા મા જ બાપુ સાથે નથી રહેતાં, પણ હૃદયથી જોડાયેલા છે.’’

‘‘જો જાનકી, મારી માએ જે કર્યું એ એની બેવકૂફી હતી.’’

‘‘શું બોલો છો ?’’

‘‘મને હવે સમજાયું છે કે મારી મા જેટલી ઇગોસેન્ટ્રિક અને જાતનો જ વિચાર કરતી સ્ત્રી મેં બીજી નથી જોઈ. એ માણસ છેક અમેરિકાથી અહીં આવ્યા હતા, મારી માએ જાહેરાત આપીને બોલાવ્યા હતા. એ પછી એમને ગેસ્ટરૂમમાં રાખવાનો અને એમની સાથે મહેમાનો જેવો વ્યવહાર કરવાનો શો અર્થ હતો એ મને હજી નથી સમજાયું...’’

‘‘નહીં સમજાય. કારણ કે તમે તમારી માને જ નથી સમજ્યા, હજુ સુધી.’’

‘‘ખરી વાત છે. અમુક માણસોને સમજવામાં તમે આખી જિંદગી કાઢી નાખો તોય તમને એ માણસ ના સમજાય... મારી મા એમાંની એક છે.’’

‘‘અજય, તમે સાવ બદલાઈ ગયા છો. ક્યાં એ સીધોસાદો, લાગણીશીલ અજય, અને ક્યાં આ ડોલરની ચમકતી અંજાયેલી આંખોવાળો માત્ર ડોલરના જ દૂરબીનથી દુનિયાને જોઈ શકતો એક ડઘાયેલો માણસ !’’

‘‘મારે દલીલો નથી કરવી. તું મને પેપર્સ આપીશ કે નહીં આપે?’’

‘‘મેં તમને ના પાડી દીધી.’’

‘‘હું હજી એક વાર અને છેલ્લી વાર પૂછું છું જાનકી, વિચારીને જવાબ આપજે. એ પછી તું કરગરીશ તો પણ નહીં લઈ જાઉં તને.’’

‘‘થેન્ક યુ.’’ જાનકી રૂમની બહાર નીકળવા ગઈ ત્યારે અચાનક એને ખ્યાલ આવ્યો કે એના રૂમના દરવાજે વસુમા શાંતિથી ઊભાં રહીને આ સંવાદ સાંભળતાં હતાં.

‘‘કોણ જાણે ક્યારથી ઊભા હશે મા, અને શું શું સાંભળ્યું હશે?’’ જાનકીનું હૃદય એક થડકારો ચૂકી ગયું, ‘‘મા !!! તમે ???’’

‘‘તમને નાસ્તા માટે બોલાવવા આવી હતી. તને રસોડામાં ના જોઈ એટલે...’’

‘‘હા.’’ જાનકીએ શબ્દો ગોઠવવા માંડ્યા, ‘‘અમે જરા...’’

‘‘મેં ગઈ કાલે જ નાસ્તાના ટેબલ પર કહ્યું હતું કે હવે પેપર્સ ના આવે ત્યાં સુધી આ વિશે કોઈ ચર્ચા નહીં થાય...’’

‘‘હા મા, પણ...’’ જાનકીએ આગળ દલીલ કરવાનું છોડીને રસોડા તરફ જવામાં બધાની ભલાઈ છે એમ માની લીધું. વસુમા જાનકીને જવા દઈને ક્ષણેક દરવાજા પાસે જ થોભ્યાં. પછી અજયના ઓરડામાં દાખલ થયાં.

અજય એવી રીતે વર્તી રહ્યો હતો જાણે વસુમા ત્યાં ઊભાં હતાં એની એને ખબર જ નથી. એને પણ સમજાયું હતું કે એમની વાચચીતના છેલ્લા કેટલાક અંશો વસુમાને કાને પડ્યા જ હશે, પણ એણે વાતને ટાળી જવાનું મુનાસિબ સમજ્યું.

‘‘બેટા, તું શું માને છે એની સામે કોઈ સફાઈ નથી આપવી મારે, પણ મારે નહોતી સાંભળવી છતાં તારી થોડી વાતો સાંભળી છે મેં, અને એના જવાબમાં મારે ફક્ત એક જ વાક્ય કહેવાનું છે, તારે સાંભળવું હોય તો.’’ વસુમા જાણે અજયનો જવાબ સાંભળવા માટે ક્ષણભર થોભ્યાં.

થોડીક ક્ષણો માટે અજયના ઓરડામાં વજનદાર મૌન છવાઈ ગયું. અજય પોતાની માની સામે જોઈ રહ્યો. ઢીલો અંબોડો, લેમન યલો કલરની કલકત્તી સાડી, બંધ ગળાનો આખી બાંયનો બ્લાઉઝ. ત્રીસ-પાંત્રીસની કોઈ યુવતીને શરમાવે એવી ત્વચા...

એમની આંખોમાં કોઈ એવી પીડા હતી જે અજયને છેક ઊંડે સુધી ખૂંપી ગઈ.

‘‘સાંભળવું છે, બોલ.’’ અજયે કહ્યું તો ખરું, પણ એને ખબર હતી કે વસુમા જે કંઈ કહેશે તે એટલું સત્ય હશે કે એની પીડા કદાચ પોતે સહી નહીં શકે.

‘‘બેટા, કોઈ પણ માણસ વિશે ન્યાય તોળવા બેસવા પહેલાં કે એના વિશે અભિપ્રાય આપતા પહેલાં જાતને એક વાર એની જગ્યાએ મૂકી જોવી. એનાથી બે ફાયદા થશે. એક, કદાચ તમે એ માણસની પરિસ્થિતિ સમજી શકો અને બીજો, એ માણસને એટલો વિશ્વાસ રહેશે કે તમે એનો ન્યાય તોળતા પહેલાં એની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ તો કર્યો જ છે...’’

‘‘મા, આ જ વાત હું તને પણ કહી જ શકું ને ?’’

વસુમા હસી પડ્યાં, ‘‘કહી જ શકે, જો હું તારા વિશે કોઈ ન્યાય તોળવાનો પ્રયાસ કરું.’’ અજય ભોંઠો પડી ગયો. વસુમાની વાત તો સાચી હતી. એમણે ક્યારેય કોઈના વિશે અભિપ્રાય ઉચ્ચારવાનું પસંદ નહોતું કર્યું. આજે પણ અજયની વાત સાંભળીને એમણે અજયને પોતાના વિશે કશું કહેવાના બદલે એક સાદી ફિલોસોફીની વાત કહી હતી.

‘‘મા, તું બાપુ સાથે જે રીતે વર્તી એ મને નથી ગમ્યું.’’ અજયે હિંમત કરીને વસુમાની આંખમાં જોયા વિના કહી નાખ્યું.

‘‘જાણું છું. તને જ શું કામ, અભયને, અને કદાચ અંજલિને પણ નથી ગમ્યું...’’

‘‘તો મા, અમને કોઈને ના ગમે એવું શું કામ કર્યું તેં ? બાપુ આપણા સૌના માટે છેક ત્યાંથી અહીં આવ્યા અને તેં એમની સાથે...’’ અજય એકદમ લાગણીશીલ થઈ ગયો. એનું ગળું ભરાઈ આવ્યું.

‘‘બેટા, મેં એમની સાથે કંઈ નથી કર્યું. ખૂબ સલુકાઈથી અને સ્નેહથી વર્તી છું હું, એવું તો તારા બાપુ પણ સ્વીકારશે.’’

‘‘આ એમનું ઘર છે. એમને એક મહેમાનની જેમ ગેસ્ટરૂમમાં...’’ અજયે ફરી એક વાર હતી એટલી હિંમત ભેગી કરીને કહ્યું, ‘‘તારા ઓરડામાં પણ રાખી શકી હોત તું.’’

‘‘કેમ નહીં ?’’ વસુમાનો અવાજ હજી પણ એટલો સ્નેહાળ અને હેતાળ હતો. ચોકલેટ માટે જીદ કરતા આઠ વર્ષના અજયને મનાવતા હોય એટલું વહાલ અને મક્કમતા એમના અવાજમાં હતા.

‘‘કેમ નહીં ? રાખી જ શકી હોત, પણ બેટા, મહામુશ્કેલીએ મને એ ઓરડામાં એકલા રહેવાની ટેવ પડી છે. એક મહિના પછી, બે મહિના પછી કે છ મહિના પછી તારા બાપુ જ્યારે પાછા જવાની વાત કરત ત્યારે માંડ માંડ ગોઠવેલી જિંદગી ફરી એક વાર ઊથલપાથલ થઈ જાત એનું શું ? ત્યારે કોણ ગોઠવી આપત મારી વીખરાયેલી જાતને !’’

‘‘તું અમેરિકા પણ જઈ શકી હોત. એમણે તને અહીં એકલા રહેવાનું કહ્યું નથી.’’

‘‘જરાય નહીં, ઊલટાનો એમણે તો આગ્રહ કર્યો સાથે જવા માટે.’’ વસુમાએ અજયની નજીક જઈ એના બંને ગાલ ઉપર હાથ મૂકીને એનો ચહેરો પોતાના તરફ ફેરવ્યો, ‘‘અહીં જે પરિસ્થિતિ છે એને આમ જ મૂકીને ચાલી જાઉં? અભય અને વૈભવી, અલય અને શ્રેયા જે સ્થિતિમાંથી પસાર થાય છે એમાં મા તરીકે મારી કોઈ જવાબદારી નથી? બેટા, હું પત્ની પછી ને મા પહેલા રહી છું આખી જિંદગી.’’ હવે એમનું ગળું ભરાઈ આવ્યું હતું, ‘‘મને એમ હતું કે કાન્તના આવ્યા પછી એ રોલ રિવર્સ થશે. હું પત્ની પહેલાં અને મા પછી થઈશ...’’

‘‘મા...’’ અજયને જાણે આંખ સામેથી ધુમ્મસ હટવા લાગ્યું. કેટલું વિચારી શકતી હતી આ સ્ત્રી ! અને છતાંય કોઈને કશું કહ્યા વિના ચૂપચાપ પોતાની જવાબદારી સમજીને પોતાના અંગત સુખનું બલિદાન એવી રીતે આપતી હતી જાણે એને માટે રમત હોય !

‘‘બેટા, અભય એટલો મોટો હતો કે એની સાથે મેં ઘરની જવાબદારીઓ વહેંચી, ખાસ કરીને આર્થિક જવાબદારીઓ. એ બિચારો કમાવામાંથી ઊંચો આવે તો મારી સામું જુએ ને ? અલય અને અંજલિ એટલા નાનાં હતાં કે એ કશું સમજે એવી આશા રાખવી જ વ્યર્થ હતી... પણ તું તો મારી સાથે રહ્યો છે. મારાં આંસુ અને ઉજાગરાનો સાક્ષી...’’ વસુમાના હાથ હજીયે અજયના ગાલ પર હતા.

‘‘મા, કોણ જાણે કેમ મારાથી ભૂલ થઈ ગઈ.’’

‘‘બેટા, કાન્તે જે નિર્ણય લીધો એમાં એ પિતા પહેલાં અને પતિ પછી હતા... મારા પક્ષે પણ એમ જ કરવું હિતાવહ હતું. એ વાતની ચર્ચા અમે બંનેએ ના કરી, પણ અમે બંને સમજી શક્યા.’’ વસુમાએ અજયના ગાલ થપથપાવીને હાથ છોડી દીધો, ‘‘એવું હું માનું છું.’’

‘‘મા, તું કેમ આવી છે ?’’

‘‘કારણ કે હું મા છું દીકરા.’’

અજય વસુમાને ભેટીને રડી પડ્યો, ‘‘મારે આવું નહોતું કહેવું જોઈતું.’’

‘‘તને જે લાગ્યું તે તેં કહ્યું. મને એમાં કોઈ મનદુઃખ નથી બેટા, પણ હા, જાનકીની સાથે કોઈ પણ વર્તન કરતા પહેલાં એક વાર એટલું વિચારજે કે એ છોકરી માટે આપણે જ એનું કુુટુંબ, સગાંવહાલાં કે પરિવાર છીએ.’’ વસુમા આટલું કહીને ઓરડાની બહાર નીકળી ગયાં. અજય ત્યાં જ ઊભો રહ્યો. ટેબલ પર પડેલા પાસપોર્ટની ફોટોકોપી, હૃદયનું બર્થ સર્ટિફિકેટ અને બીજાં કાગળિયાં પંખાની હવામાં ફરફરતાં હતાં.

અમેરિકા જવા માટે બધું જ છોડવા તૈયાર થઈ ગયેલો અજય ફરી એક વાર મૂંઝવણમાં પડી ગયો.

કેપ્રિઝ અને ખુલ્લા ખભાના ઓફ શોલ્ડર ટાઇટ ટી-શર્ટમાં અનુપમા ખરેખર અનુપમ દેખાતી હતી. લાંબા વાળનો એણે એક ચોટલો વાળ્યો હતો. આંખોને સન ગ્લાસિસથી ઢાંકી હતી. એની મસમોટી બેગને રોલ કરીને અને વેનિટી કેસ ઊંચકીને એની હેરડ્રેસર એની પાછળ પાછળ ચાલતી હતી. એની જોડે ચાલતો સંજીવ પોતાના હાથમાંનાં કાગળિયાં બતાવીને એને કંઈક સમજાવતો હતો, પણ એમાં અનુપમાનું ધ્યાન નહોતું. એની નજર ચારે બાજુ અલયને શોધતી હતી.

અલય અભયની ગાડીમાંથી ઊતર્યો. બેગ લીધી, ખભે ભરાવેલો હેન્ડ લગેજ લીધો અને આવજો કરીને ડિપાર્ચર તરફ આગળ વધ્યો.

‘‘હાય હેન્ડસમ.’’ અનુપમાએ અલયના ખભે ધબ્બો માર્યો અને ગળે વળગી પડી.

‘‘મહેરબાની રાખ.’’ અલયે એને સહેજ છૂટી પાડી, ‘‘અહીંયા યાદવાસ્થળી થઈ જશે.’’

‘‘યાદવાસ્થળી ? વ્હોટ ઇઝ ધેટ ?’’ અનુપમાએ સનગ્લાસિસ માથે ચડાવ્યા.

‘‘બધા એકબીજાને મારવા મંડી પડશે. એ જાણવા માટે કે અનુપમા ઘોષ કોના ગળે પડી છે.’’

‘‘યુ આર વેરી મીન...’’

‘‘આઈ મીન ઇટ...’’ અલયે અનુપમાનો ગાલ થપથપાવ્યો, ‘‘ચલ ચેક-ઇન કરીએ. બાકી બધા ક્યાં છે ?’’

‘‘મને શું ખબર ? હું ને તું જઈએ છીએ. હવે કોઈ આવે કે નહીં, મારે શું ?’’ અનુપમા ખડખડાટ હસી. મોતીના દાણા જેવી એની દંતપંક્તિ ઝળકી ઊઠી. એટલી વારમાં તો ત્યાં ટોળું થઈ ગયું. ઓટોગ્રાફ લેવાવાળા, એની સાથે હાથ મિલાવવાવાળા અને ફોટો પાડવા માટે આતુર ફેન્સ ધક્કામુક્કી કરવા લાગ્યા. અનુપમા ઘેરાઈ ગઈ. સંજીવ લોકોને રોકવાનો પ્રયાસ કરતો હતો, પણ હવે ટોળું એના કાબૂમાં નહોતું. જોતજોતામાં અઢીસો-ત્રણસો માણસની ભીડ થઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા અને ભીડમાંના કેટલા માણસો અનુપમા સાથે છેડખાની કરવા લાગ્યા.

‘‘અલય...’’ અનુપમાએ બૂમ પાડી. દૂર ઊભેલો અલય સેલફોન પર કોઈની સાથે વાત કરતો હતો. એણે જેવું અનુપમા સામે જોયું, બરાબર એ જ સમયે કોઈકે અનુપમાનું ઓફ શોલ્ડર ટી-શર્ટ પાછળથી ખેંચ્યું. ટી-શર્ટ આગળથી પણ નીચે ઊતરી ગયું. ભરી ભીડની વચ્ચે અનુપમાનું ટી-શર્ટ લગભગ પોણો વેંત જેટલું નીચે સરકી આવ્યું. અનુપમા કંઈ સમજે તે પહેલાં એનું ઓફ શોલ્ડર અંડર ગાર્મેન્ટ ઉઘાડું થઈ ગયું. અડધો ઇંચ પણ જો ટી-શર્ટ નીચે સરકે તો અનુપમા માટે શરમથી મરવા જેવી સ્થિતિ હતી. અનુપમાએ ચીસો પાડવા માંડી. એ કંઈ કરે તે પહેલાં કોઈકે અનુપમાનું અંડર ગાર્મેન્ટ ખેંચ્યું. એ પણ ચીરાઈ ગયું. અનુપમા લગભગ ટોપલેસ જેવી દશામાં આવી ગઈ. એણે બે હાથ જાતને ઢાંકવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એની આંખોમાંથી આંસુ ગળતાં હતાં. અનુપમા ચીસાચીસ કરવા લાગી. ટોળાએ સંજીવને ધક્કે ચડાવ્યો. એરપોર્ટ પોલીસ ભીડને કન્ટ્રોલ કરે એ પહેલાં કોઈકે કેમેરાના ફ્લેશ કર્યા. અનુપમા બંને હાથથી પોતાનું ખુલ્લું થઈ ગયેલું સૌંદર્ય ઢાંકતી અલયના નામની બૂમો પાડવા લાગી.

અલયે સેલફોન ખિસ્સામાં મૂક્યો અને ભીડને ધક્કા મારતો પલકવારમાં અનુપમા સુધી પહોંચી ગયો. થરથર ધ્રૂજતી અનુપમાને એક હાથે એણે પોતાના બાહુપાશમાં લપેટી લીધી અને બીજા હાથે પોતાના શર્ટના બટન ખોલીને શર્ટ કાઢી નાખ્યું. કાઢેલું શર્ટ અનુપમાને લપેટતા અલયે ભીડમાંથી રસ્તો કરવા માંડ્યો.

કોઈ કંઈ સમજે તે પહેલાં અનુપમા અને અલય ભીડની બહાર હતા.

‘‘બોડીગાર્ડ તો અચ્છા રખા હૈ... પૂરી બોડી કો ગાર્ડ કરતા હૈ ક્યા?’’ ભીડમાંથી કોઈ બોલ્યું. અલય પાછળ ફર્યો. એણે બોલનારની સામે જોયું. પછી અનુપમાને ત્યાં જ છોડીને એ ફરી ભીડ તરફ આગળ વધ્યો. પેલા માણસને કોલરમાંથી પકડીને એણે એક મુક્કો જડી દીધો. બોલનારના નાકમાંથી લોહી વહી નીકળ્યું.

‘‘બીવી હૈ ક્યા તેરી ? ઇતના તેવર ક્યૂં દિખાતા હૈ ?’’ ભીડમાંથી ફરી કોઈ બોલ્યું. અલયે ફરી બોલનારને કોલરમાંથી પકડ્યો અને ધક્કો મારીને એનું માથું ભીંતમાં અફાળ્યું.

શર્ટ વગરનો અલય એરપોર્ટ ઉપર અઢીસો માણસની ભીડ સામે એકલો ઊભો હતો. ભીડ ગમે ત્યારે એની પર તૂટી પડે એવી સ્થિતિ હતી. સંજીવને અત્યારે અનુપમાને અહીંથી લઈ જવાનું વધારે યોગ્ય લાગ્યું, ‘‘મેડમ, તમે ચલો.’’

‘‘અલયને આવી સ્થિતિમાં મૂકીને ?’’

‘‘એ મેનેજ કરશે. તમે ચલો પ્લીઝ.’’ એણે અનુપમાનો ખભો પકડીને જરા ખેંચી. અનુપમાએ ઝટકો મારીને જાતને છોડાવી અને એ અલય સામે જોઈ રહી. ભીડમાં દાખલ થઈને બહાર નીકળતા થઈ ગયેલો પરસેવો, ઉઘાડી પીઠ, સિંહ જેવી કમર, વીખરાયેલા વાળ અને આંખોમાં ગજબનું ઝનૂન...

અનુપમાને વારી જવાનું મન થતું હતું.

‘‘ઇતના પ્યાર હૈ તો શાદી ક્યૂં નહીં કર લેતા ?’’

‘‘કે પછી ઘરનું માટલું તો ગાળીને જ ભરવું એવું માને છે ?’’ ભીડ હસી પડી.

‘‘આવા આશિક તો કેટલાયે હશે.’’

ભીડમાંથી જાતજાતની કમેન્ટ આવતી હતી. અલય મગજ ગુમાવીને બોલનારાઓને મુક્કો, લાફો કે ધક્કો મારતો હતો. અલયનો માર ખાનારો ફરી ઊભો નહોતો થઈ શકતો એ જોઈને ભીડ ધીમે ધીમે વીખરાવા લાગી.

ત્યાં સુધીમાં એરપોર્ટ પોલીસ હાજર થઈ ગઈ.

આખી રમત માંડ પાંચ-સાત મિનિટ ચાલી હશે, પણ સંજીવને એવું લાગ્યું કે જાણે કલાકો વીતી ગયા. પોલીસને જોઈને એણે નિરાંતનો શ્વાસ લીધો. અનુપમા દોડીને અલયને ભેટી પડી. એ હજીયે ધ્રૂજતી હતી. ક્યારનું રોકી રાખેલું એનું રડવું હવે ધ્રૂસકું બનીને છૂટી ગયું.

‘‘અનુ, ઇટ્‌સ ઓ.કે.’’ અલય એની પીઠ પર હાથ ફેરવતો હતો અને અનુપમા પોતાને આ રીતે સન્માનથી ભીડની બહાર કાઢનાર, પોતાને માટે આટલી મોટી ભીડ સામે ઉઘાડી છાતીએ ધસી જનાર પૂર્ણપુરુષના પ્રેમમાં એક પગથિયું વધુ ઊંડી ઊતરી ગઈ હતી. શર્ટ વગરના અલયની છાતી પર વળગીને રડતી અનુપમા માટે એના જીવનની આ એક ધન્ય પળ હતી !

અલયને એરપોર્ટ ઉતારીને પાછો ફરેલો અભય આખી રાતના ઉજાગરા સાથે સીધો પોતાના રૂમમાં ગયો.

વૈભવી એની રાહ જ જોતી હતી.

‘‘ક્યાં હતા આખી રાત ?’’

અભયને માની વાત યાદ આવી ગઈ. એણે વૈભવી સામે જોયું, ‘‘સાચું કહી દઉં ? સહન થશે ?’’

‘‘મને નથી ખબર એમ નહીં માનતા.’’

‘‘તો શા માટે પૂછે છે વૈભવી ?’’

‘‘એ જોવા કે મને કહેતા તમારી આંખમાં કોઈ અફસોસ કે શરમ આવે છે કે નહીં ?’’

‘‘વૈભવી, તને નથી લાગતું કે આ ચર્ચા જરૂરથી વધારે લંબાઈ ગઈ છે ?’’ પછી હસીને ઉમેર્યું, ‘‘તું રોજ જુએ છે એવી ડેઇલી સોપ નથી આ. જેમાં એકની એક વાત પર સાત-આઠ એપિસોડ ખેંચવા જ પડે.’’

‘‘તમને મજાક સૂઝે છે ?’’ વૈભવીએ અભયની સામે જોયું. પછી નજીક આવી. એનો હાથ પકડીને એની આંખોમાં આંખો નાખી, ‘‘તમને સમજાય છે ? આપણાં બાળકો યુવાન થઈ રહ્યાં છે ત્યારે તમે આ બધું...’’

‘‘શું બધું વૈભવી ?’’ કહેતો અભય પલંગમાં સૂઈ ગયો, ‘‘મારે થોડી વાર ઊંઘી જવું છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ.’’

‘‘આખી રાતનો ઉજાગરો હશે.’’ વૈભવીએ એક એક શબ્દ દાઢમાંથી કહ્યો.

‘‘હા, પણ આ ઉજાગરો મારી મા, કે મારો ભાઈ, કે મારાં ભાઈ-ભાભી કેટલા ખરાબ છે અને તું એમની સાથે કેટલું એડજસ્ટ કરે છે એ સાંભળવા માટેનો કે મને પરણીને તું કેટલી દુઃખી થઈ છે એ સંભળાવવા માટેનો નહોતો...’’

‘‘તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અભય.’’

‘‘એમ જ હશે.’’ અભયે તકિયો માથા પર મૂક્યો.

વૈભવીએ તકિયો ખસેડી નાખ્યો, ‘‘સવારના પહોરમાં શું વાત કરતા હતા મા સાથે ? આટલી બધી...’’

અભય હસી પડ્યો, ‘‘આટલી બધી...’’ એને ખૂબ હસવું આવતું હતું, ‘‘વૈભવી, હું મારી સાથે વધારે વાત કરું એમાંય તને વાંધો છે ?’’ પછી અચાનક જ સિરિયસ થઈ જતા એણે જાણે કોઈ નિર્ણય કર્યો હોય એમ વૈભવીની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘‘હું સિંગાપોર જાઉં છું. પરમ દિવસે રાત્રે. સાડા બારની ફ્લાઇટ છે.’’

‘‘એકલા ?’’ જે સવાલનો ભય હતો એ જ પુછાયો.

‘‘ના.’’

‘‘પેલી આવવાની હશે.’’

‘‘હા.’’

‘‘શરમ નથી આવતી ?’’

‘‘ના.’’

‘‘તમારાં મા જાણે છે ?’’

‘‘હા.’’

‘‘તો પછી હુંય મારા મા-બાપને કહેવાની છું.’’

‘‘પ્લીઝ...’’ અભય હજી વૈભવીની સામે જોઈ રહ્યો હતો, ‘‘જે વાત હું એમને નથી કહી શકતો એ તું કહીશ તો સારું એવું મેં તને પહેલાં પણ કહ્યું છે.’’

વૈભવી થોડી ક્ષણ અભયની સામે જોતી રહી. પછી એકદમ જ એના પર તૂટી પડી. એણે એના વાળ ખેંચ્યા, નખ માર્યા અને એને હલબલાવી મૂક્યો. અભય ધીરજથી વૈભવીનો આ આક્રોશ સહેતો રહ્યો.

પછી વૈભવીએ બાજુમાં પડેલો અભયનો ફોન ઉઠાવ્યો, અભય જોતો રહ્યો.

‘‘બોલો ડાર્લિંગ.’’

‘‘વૈભવી બોલું છું.’’

‘‘જી મેડમ !’’

‘‘એક વાત કાન ખોલીને સાંભળી લે... અભય મારો છે અને તું કંઈ પણ કરીશ, તું અભયને નહીં પામી શકે...’’

‘‘મેડમ ! હું અભયને પામી ચૂકી છું. મારે માટે એમની પત્ની બનવાનું સદભાગ્ય આ જનમમાં મારા નસીબમાં નથી... ખબર છે મને. હું એમની સાથે ક્યારેય નહીં જીવી શકું કદાચ, એની પણ ખબર છે મને. પણ મારા માટે પત્નીત્વ એ પ્રેમનું પરિણામ નથી.’’

‘‘કઈ હિન્દી ફિલ્મનો ડાયલોગ છે આ ? મૈં તુલસી તેરે આંગન કી?’’

‘‘મેડમ, તમને આ ડાયલોગ જ લાગશે, કારણ કે તમે આ વાત સમજી શકો એમ નથી, પણ મારા માટે પ્રેમ એ અભયના સુખની કામના છે. એના સુખની કામના છે. મારું સર્વસ્વ એમને સમર્પી દેવું અને બદલામાં કશુંયે ના માગવું... એ પ્રેમ છે મારા માટે.’’

‘‘એમ કે ? તો પછી સિંગાપોર શું કામ જાય છે એની સાથે ? અહીં તો રોજેરોજ સર્વસ્વ સમર્પે જ છે ને ? કે બાકી રહી જાય છે કંઈ ?’’ પછી ખૂબ કડવાશથી ઉમેર્યું, ‘‘મારાં લગ્નને વીસ વર્ષ થયાં છે છોકરી, એનાં બે સંતાનની મા છું હું...’’ અવાજમાં શક્ય તેટલો ગર્વ ઉમેરીને એણે કહ્યું, ‘‘મિસિસ વૈભવી અભય મહેતા નામ છે મારું...’’

‘‘ને છતાંય તમને એમને સમજી ન શક્યા. આટલો સરળ, આટલો લાગણીશીલ, આટલો પ્રેમાળ, આટલો સહનશીલ અને આટલો વફાદાર પતિ તમને મળ્યા છતાં તમે વીસ-વીસ વર્ષ તમારા એ સુખથી અજાણ રહ્યા વૈભવીબેન... આજે જ્યારે તમારું એ સુખ તમને હાથમાંથી છૂટતું લાગે છે ત્યારે ડરી ગયાં છો...’’ વૈભવીનો ચહેરો પીળો પડી ગયો. અભય ધ્યાનથી એની સામે જોઈ રહ્યો હતો. એ સમજી શકતો હતો કે પ્રિયાએ કંઈક એવું કહ્યું છે જે વૈભવીની આરપાર નીકળી ગયું છે.

પ્રિયા હજી કહી રહી હતી, ‘‘મારે માટે મને અભય જેટલો સમય અને જે રીતે મળે છે એ જ પૂરતું છે... સુખથી છલકાવી દે છે એ મને... મને માત્ર એક જ વિચાર આવે છે કે આટલો વખત આ સુખ તમારી પાસે જ હતું, સાવ તમારું પોતાનું.’’ પછી ખૂબ વજનથી કહ્યું, ‘‘મિસિસ વૈભવી અભય મહેતા, તમે આ સુખ ન ભોગવી શક્યાં એ તમારું અને માત્ર તમારું દુર્ભાગ્ય છે.’’

સામે છેડે ફોન મુકાઈ ગયો હતો અને વૈભવી હજીયે સ્તબ્ધ થઈને, ફોન કાને ધરીને, પહોળી આંખે એમ જ બેઠી હતી !

સૂર્યકાન્ત મહેતા જ્યારે જે.એફ.કે. એરપોર્ટ પર ઊતર્યા ત્યારે મધુભાઈ લેવા આવ્યા હતા. મધુભાઈને ચહેરો જોઈને સૂર્યકાન્તને કોણ જાણે કેમ પણ ઊંડી ફાળ પડી.

‘‘મધુભાઈ, બધું બરાબર છે ને ?’’

‘‘કશુંયે બરાબર નથી ભાઈ... રોહિતબાબા...’’ મધુભાઈ સૂર્યકાન્તના ખભે માથું ઢાળીને રડી પડ્યા.

લક્ષ્મીએ મધુભાઈને પકડીને હલબલાવી નાખ્યા, ‘‘શું થયું રોહિતને ?’’ મધુભાઈની આંખો છલકાતી જતી હતી. એમના ગળામાંથી શબ્દો નીકળતા નહોતા. એમણે સૂર્યકાન્તની છાતી પર માથું મૂકીને એ જ સ્થિતિમાં ફરી કહ્યું, ‘‘ભાઈ... રોહિતબાબા...’’

હવે સૂર્યકાન્તે મધુભાઈને ચહેરો પકડીને એમને છાતીથી અળગ કર્યા. પછી એમના ચહેરા પર છવાયેલા શોક અને આતંક જોઈને આહત અવાજમાં પૂછ્‌યું, ‘‘શું થયું છે રોહિતને, મધુભાઈ ?’’

‘‘ભાઈ, રોહિતે જેલમાં...’’

‘‘મધુભાઈ, મને ખૂલીને વાત કરો, મને ગભરામણ થાય છે.’’

‘‘ભાઈ...’’ મધુભાઈને એક એક શબ્દ જાણે છાતી ચીરીને લોહીમાં ઝબોળાઈને આવતો હતો. બોલતી વખતે એમની આંખોમાંથી આંસુ અટકતાં નહોતાં. ગળું રૂંધાઈ જતું હતું.

એમણે રોહિતને પોતાના હાથમાં ઝુલાવીને મોટો કર્યો હતો. એમને માટે રોહિત દીકરા જેવો જ હતો. આજે જે સમાચાર લઈને એ એરપોર્ટ પર આવ્યા હતા એ કહેવાની એમનામાં શક્તિ નહોતી અને છતાં કહ્યા સિવાય છૂટકો નહોતો.

‘‘ભાઈ, રોહિતે જેલમાં... સંત્રીની પિસ્તોલ ખેંચીને... પોતાના જ માથામાં...’’ એ ત્યાં ફસડાઇ પડ્યા, ‘‘આપણો રોહિત હવે નથી રહ્યો ભાઈ.’’

સૂર્યકાન્ત જાણે આ સમાચાર માની ના શકતા હોય એમ મધુભાઈ સામે જોઈ રહ્યા. એમની આંખોમાં શોક કરતાં વધારે અવિશ્વાસ હતો. લક્ષ્મીએ મધુભાઈને માંડ માંડ ઊભા કર્યા. લક્ષ્મીની આંખોમાંથી પણ આંસુ વહેવા માંડ્યાં હતાં. પિતાની કોરી આંખો અને પથ્થરવત થઈ ગયેલો ચહેરો જોઈને લક્ષ્મી વધારે ગભરાઈ ગઈ.

બબ્બે જણાને સંભાળવા એને માટે અઘરા તો હતા જ. તેમ છતાં એ મહામુશ્કેલીએ બંનેને સામાન સાથે ગાડી સુધી લઈ આવી.

ઘર સુધી સૂર્યકાન્ત એક શબ્દ બોલ્યા વિના બારીની બહાર જોતા રહ્યા. મધુભાઈ આખા રસ્તે રડતા રહ્યા. સમાચાર જાણતો ડ્રાઈવર અબ્દુલ પણ વારેવારે આંખો લૂછતો રહ્યો.

ને લક્ષ્મી ઘડીમાં પિતાને જોતી તો ઘડીકમાં ભાઈ રોહિતને યાદ કરીને આંસુ વહાવતી થોડી ચિંતામાં, થોડી શોકમાં અને થોડી આવી પડનારી જવાબદારીના ભાર હેઠળ મૂંઝાતી રહી.

(ક્રમશઃ)