Pishachini - 25 books and stories free download online pdf in Gujarati

પિશાચિની - 25

(25)

જિગર પલંગ પર સૂતેલી માહીની નજીક પહોંચ્યો, ત્યાં જ માહી એક ચીસ પાડતાં હવામાં-છ-સાત ફૂટ અદ્ધર ઊંચકાઈ અને પછી પાછી જોશભેર પલંગ પર પટકાઈ, એટલે જિગર ડરી-ગભરાઈ ગયો હતો.

‘..આ તે વળી શું થઈ ગયું હતું ? !’ તેના મગજમાં આ વિચાર દોડી ગયો હતો, અને એ સાથે જ અત્યારે ફરી માહીએ ચીસ પાડી અને જમીન પરથી હવામાં-અદ્ધર ઊંચકાઈ અને પાછી જોશભેર પલંગ પર પટકાઈ.

જિગર જડ બની ગયો. તેને આ દૃશ્ય જલદી પચે એમ નહોતું. ‘અચાનક તેની માહી સાથે આ શું બની રહ્યું હતું ? ! અને...અને આ બનતું રોકવા માટે તે કરે, તો શું કરે ? ! !’ તેનું મગજ બહેર મારી ગયું. તે માહી તરફ ફાટલી આંખે તાકી રહ્યો.

આ વખતે હવે માહી પલંગ પર જેમની તેમ પડી રહી. માહીની આંખો ખુલ્લી હતી અને છત તરફ તકાયેલી હતી.

‘મ...મ...માહી...!’ જાણે કોઈ ઊંડી ખાઈમાંથી નીકળતો હોય એવો જિગરના મોઢામાંથી અવાજ નીકળ્યો.

માહી એ જ રીતના પડી રહી.

‘માહી, આ તને શું થયું છે, માહી ?’ જિગરે પૂછયું.

પણ આ વખતેય માહીએ કોઈ જવાબ આપ્યો નહિ. તે એમ જ...લાશની જેમ પડી રહી.

‘માહીને...’, ને જિગરના મગજમાંથી હૃદયના ધબકારા બંધ કરી દે એવો વિચાર દોડી ગયો, ‘...માહીને કંઈ થઈ ગયું નથી ને ? એનો જીવ...એનો જીવ નીકળી તો નથી ગયો ને ? !’ અને આ સાથે જ જિગર માહીને હાથ લગાવવા ગયો, ત્યાં જ જાણે કોઈ મડદું એકદમથી બેઠું થઈ જાય એમ એ બેઠી થઈ ગઈ અને આંચકા સાથે ચહેરો ફેરવીને જિગર સામું જોયું.

માહીના ચહેરા પર નજર પડતાં જ જિગરનું હૃદય જાણે બેસી ગયું.

‘માહીના ચહેરા પરના ભાવ ભયાનક હતા. એની આંખોમાં જાણે ગુસ્સાનો લાવા ભભૂકી રહ્યો હતો. એની આંખો..., એની આંખો જાણે એની આંખો નહોતી, પણ..., પણ કોઈક બીજાની હતી. એની આંખો જાણે શીનાની આંખો...’ અને હજુ તો જિગરના મગજમાંનો આ વિચાર પૂરો થાય એ પહેલાં જ માહીએ જિગરના ગાલ પર એવી જોરદાર ઝાપટ મારી કે જિગર એક હળવી ચીસ સાથે પાછળની તરફ ધકેલાઈ ગયો.

ઝાપટ ને આઘાતની કળ વળતાં જ જિગરે ફફડતા જીવે માહી તરફ જોયું, તો માહીએ જાણે કોઈ સિંહણ પોતાના શિકારને જોઈને, ઘુર્રાર્ટી કરતાં પોતાનું માથું આમતેમ હલાવે એમ માથું હલાવ્યું અને એ સાથે જ એના વાળ વિખરાયા. કાચા-પોચા હૃદયના માણસનું હૃદય એક થડકારો ચૂકી જાય એટલી માહી વિક્રાળ બની ગઈ.

અને માહીનો આ દેખાવ જોતાં જ જિગરને અંગ્રેજી હોરર ફિલ્મનું દૃશ્ય યાદ આવી ગયું. એ ફિલ્મની કુમળી વયની હિરોઈનમાં પ્રેત પ્રવેશે છે, ત્યારે લગભગ એનો દેખાવ આવો જ થાય છે અને એનામાં આવી જ જબરજસ્ત શક્તિ આવી જાય છે.

અને એ ફિલ્મની આ યાદ તાજી થતાં જ જિગરના મગજમાં ઝબકારો થયો. ‘આ...આ શીનાનું કામ તો નથી ને ? !’

તેણે શીનાને માહીને ખતમ કરવાની ઘસીને ના પાડી દીધી હતી, એટલે શીના ‘‘...જો હવે હું શું કરું છું ?’ એવું કહીને ગઈ, એ પછી અણધાર્યો ચોકીદાર માહીને ખતમ કરવા માટે ધસી આવ્યો હતો. અણીના સમયે પાડોશી નવિનકાકા આવી પહોંચ્યા હતા ને ચોકીદાર ચાલ્યો ગયો હતો.

અને પછી ચોકીદારથી બચવા માટે બાથરૂમમાં છુપાયેલી માહી બહાર નીકળી હતી તો એની આવી હાલત હતી ! નક્કી એના શરીરમાં અદૃશ્ય શક્તિ શીના પ્રવેશી ગઈ હતી !

જિગર આ ગડમથલમાં હતો, ત્યાં જ માહી પલંગ પરથી ઊતરી અને ટટ્ટાર હાલતમાં, જાણે ચાલતી ન હોય પણ સરકતી હોય એવી ચાલે તેની તરફ આવવા માંડી.

જિગરે શું કરવું એ તેને સમજાયું નહિ. ‘માહીમાં અદૃશ્ય શક્તિ શીલા પ્રવેશેલી હતી એટલે માહીની આવી હાલત હતી અને માહી તેની પર હુમલો કરી રહી હતી. બાકી તે માહીના હુમલાથી ડરીને, એને અહીં આવી હાલતમાં મૂકીને થોડો ભાગી જઈ શકે ? !’ જિગરનો આ વિચાર પૂરો થયો, ત્યાં તો માહી તેની નજીક આવીને ઊભી રહી.

ધક્‌....ધક્‌....! ધક્‌....ધક્‌...!

ધક્‌....ધક્‌....! ધક્‌....ધક્‌...!

જિગરનું હૃદય એટલું જોરથી ધબકવા માંડયું કે, તેને જાણે ધબકારાનો અવાજ સંભળાતો હોય એવો ભાસ થવાની સાથે જ હૃદય છાતી ફાડીને બહાર નીકળી આવશે એવો ભય પણ લાગ્યો.

‘...તને વાગ્યું મારા, રાજ્જા !’ બોલતાં માહીએ જિગરનો ચહેરો પોતાના હાથમાં લીધો.

જિગરના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. આ અવાજ માહીનો નહિ, પણ શીનાનો હતો ! ! !

‘...તને મારી નાંખવાનું મને થોડું ગમે ? !’ માહીમાં પ્રવેશેલી શીના બોલી : ‘...પણ તું મારી વાત ન માને તો મારે બીજું કરવું શું ? !’ અને માહીએ તેના કપાળે ચૂમી ભરી : ‘હવે તો મારી વાત માનીશ ને ? !’

જિગર કોઈ જવાબ આપી શકયો નહિ.

‘ચાલ...,’ માહીમાં પ્રવેશેલી શીના હસી : ‘...હું માની લઉં છું કે, તેં મારી વાત માની લીધી છે.’ અને આ સાથે જ માહી એકદમથી જ પાછળની તરફ ખેંચાઈ ને બીજી જ પળે પીઠભેર જમીન પર પટકાઈ અને શાંત થઈ ગઈ.

જિગરને મોટેથી રડી પડવાનું મન થઈ ગયું. તેની માહીની આ શું હાલત થઈ રહી હતી ? ! તે મોટેથી રડી તો ન શકયો, પણ તેની આંખોમાંથી આંસુ તો વહ્યા વિના ન જ રહ્યા.

તેણે ભીનાશભરી આંખે જોયું, તો જમીન પર પડેલી માહી સહેજ હલબલી અને પછી બેઠી થઈ.

જિગર જોઈ રહ્યો.

માહીએ આસપાસમાં જોયું અને પછી જિગર તરફ જોયું.

માહીનો વિક્રાળ ચહેરો પાછો સામાન્ય થઈ ગયો હતો અને એની આંખોમાંનો લાવા પણ ઠરી ગયો હતો. જિગરે આ વાત નોંધી, ત્યાં જ માહીએ ઊભી થતાં પૂછયું : ‘જિગર ? ! હું બાથરૂમમાંથી અહીં કેવી રીતના આવી ગઈ ? ! અને...અને પેલો ચોકીદાર ગયો ? !’

‘હેં...હા...!’ જિગરને ખ્યાલ આવી ગયો. અદૃશ્ય શક્તિ શીના માહીનું શરીર છોડીને ચાલી ગઈ હતી.

જિગર માહીને શું જવાબ આપવો એ વિશે વિચારવા ગયો, ત્યાં જ ડોરબેલ વાગી ઊઠી. ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! !

માહીના ચહેરા પર એકદમથી જ ગભરાટ ધસી આવવાની સાથે જ એ જિગર પાસે દોડી આવી અને તેને વળગી પડી. ‘...એ...એ ચોકીદાર ફરી આવી ગયો કે, શું ? !’ ડરથી કબૂતરીની જેમ ફડફડતાં માહી કાંપતાં અવાજે બોલી.

‘તું ગભરા નહિ..., હું જોઉં છું.’ કહેતાં જિગરે માહીને અળગી કરી, પણ માહીએ જિગરનો હાથ છોડયો નહિ.

‘એક મિનિટ, તું અહીં જ ઊભી રહે.’ કહેતાં જિગર પરાણે માહીનો હાથ છોડાવીને દરવાજા તરફ આગળ વધી ગયો.

પાછલા અડધો-પોણો કલાકમાં જિગર સાથે જે કંઈ બની ગયું હતું, એનાથી તે ગભરાયો હતો અને થાકી પણ ગયો હતો. હવે વળી પાછી શીના તરફથી બીજી કોઈક ભયાનક હરકત જોવાની અને સહન કરવાની તેનામાં હામ-હિંમત રહી નહોતી. જોકે, બહાર કોણ ડોરબેલ વગાડી રહ્યું છે ? ! એ જોયા વિનાય છૂટકો નહોતો ને ? !

‘જમાઈરાજ...!’ જિગર બંધ બારણા પાસે પહોંચ્યો, ત્યાં જ ડોરબેલ વાગવાની સાથે જ બહારથી તેના સસરા દેવરાજશેઠનો અવાજ આવ્યો.

‘અરે...! આ તો પપ્પા છે.’ કહેતાં માહી જિગર તરફ ધસી, એટલે જિગરે ‘આઈહોલ’માંથી બહાર નજર નાખી. બહાર તેના સસરા દેવરાજશેઠ જ ઊભા હતા.

‘ખોલું છું, પપ્પા !’ કહેતાં માહીએ તેની નજીક આવીને સ્ટોપર ખોલી, એટલે જિગર એક બાજુ હટયો. માહીએ દરવાજો ખોલ્યો, એટલે દેવરાજશેઠ હાથમાં બ્રીફકેસ સાથે અંદર આવ્યા.

‘કેમ છે, બેટા ? !’ એમણે માહીને પૂછયું. ત્યાં જ એમની નજર માહીની બાજુમાં ઊભેલા જિગર પર પડી અને માહીનો જવાબ સાંભળવા રોકાયા વિના જ એમણે જિગરને કહ્યું : ‘માફ કરજો, જમાઈરાજ ! મેં અડધી રાતના તમારી ઊંઘ બગાડી.’

‘ના-ના, પપ્પાજી ! અમે જાગતા જ હતા.’ દેવરાજશેઠને પગે લાગીને એમના હાથમાંથી બ્રીફકેસ લેતાં જિગરે કહ્યું : ‘આવો, પધારો.’

દેવરાજશેઠ સોફા તરફ આગળ વધ્યા. માહીએ પાછો દરવાજો બંધ કર્યો અને સ્ટોપર ચઢાવી. જિગરે એક બાજુ પડેલા ટેબલ પર બ્રીફકેસ મૂકી.

દેવરાજશેઠે સોફા પર બેઠક જમાવી.

‘હું પાણી લઈ આવું.’ કહેતાં માહી રસોડા તરફ આગળ વધી ગઈ.

જિગર દેવરાજશેઠ સામે બેઠો. તેના સસરા દેવરાજશેઠના આગમને તેના મન-મગજને રાહત આપી હતી. દેવરાજશેઠની પધરામણીએ માહીના મન-મગજમાંથી શીનાએ મચાવેલી ધમાલને એકદમથી જ વિસરાવી દીધી હતી.

‘...સારું થયું, પપ્પા તમે આવ્યા !’ માહી પાણીનો ગ્લાસ લઈને દેવરાજશેઠની નજીક આવતાં બોલી : ‘પણ અત્યારે આટલી મોડી રાતે આમ અચાનક...’

‘...એક કામે આવ્યો હતો.’ દેવરાજશેઠ માહીના હાથમાંથી પાણીનો ગ્લાસ લેતાં બોલ્યા : ‘મિટિંગ લાંબી ચાલી એટલે અહીં આવવામાં મોડું થયું.’

‘કંઈ વાંધો નહિ !’ માહી બોલી : ‘તમારે શું જમવું છે !’

‘જમીને જ આવ્યો છું, બસ થોડુંક દૂધ આપી દે.’ પાણી પીને દેવરાજશેઠે કહ્યું : ‘વહેલી સવારની સાડા પાંચ વાગ્યાની ફલાઈટ છે, એટલે પહેલાં તો થયું કે, સીધો જ એરપોર્ટ ચાલ્યો જાઉં. પણ પછી થયું કે, આવ્યો જ છું તો તમને મળીને જ જાઉં.’

‘સારું કર્યું, પપ્પાજી !’ માહી બોલે એ પહેલાં જ જિગરે કહ્યું, એટલે માહી દૂધ લેવા માટે રસોડામાં ચાલી ગઈ.

દેવરાજશેઠે આસપાસમાં નજર દોડાવી, એટલે જિગરે કહ્યું : ‘બસ, પપ્પાજી, હવે એકાદ મહિનામાં નવા ફલેટનું પઝેશન મળી જશે, એટલે ત્યાં રહેવા ચાલ્યા જઈશું.’

‘હું પ્રાર્થના કરીશ કે, સમયસર ફલેટનો કબજો મળી જાય.’ દેવરાજશેઠ બોલ્યા, ત્યાં જ માહી દૂધ લઈને આવી.

પછી ત્રણેય વાતોએ વળગ્યા અને ચાર કયાં વાગી ગયા એની જ ખબર ન પડી.

માહીએ દેવરાજશેઠ માટે ચા-નાસ્તો બનાવ્યો અને ચા-નાસ્તો કરીને દેવરાજશેઠ જવા માટે ઊભા થયા એટલે જિગરે કહ્યું : ‘પપ્પાજી, હું ગાડીમાં તમને એરપોર્ટ પર મૂકી દઉં છું.’

‘ના-ના, જમાઈરાજ ! તમારે તકલીફ લેવાની જરૂર નથી.’ દેવરાજશેઠે કહ્યું, ‘તમને ઉજાગરો થયો છે, અને મને તો અહીંથી તુરત જ ટૅકસી મળી જશે.’ અને દેવરાજશેઠે બ્રીફકેસ લીધી અને મુખ્ય દરવાજાની બહાર નીકળ્યા.

જિગરને દેવરાજશેઠને ટૅકસી સુધી મૂકી આવવાનું મન થયું, પણ માહીને ઘરમાં એકલી મૂકવા માટે એનું મન માન્યું નહિ. અને એટલે એણે દરવાજેથી જ દેવરાજશેઠને વિદાય આપી.

માહીએ દરવાજો બંધ કર્યો.

જિગર પલંગ પર બેઠો.

માહી કપ-રકાબી અને નાસ્તા વગેરેની પ્લેટો મૂકીને પાછી આવી. એ જિગરની બાજુમાં, પલંગ પર લેટી. ‘મને તો ખૂબ જ ઊંઘ ચઢી છે.’ કહેતાં માહીએ આંખો મીંચી : ‘તું પણ હવે થોડીકવાર ઊંઘી જા.’

‘હા.’ કહેતાં જિગર આડો પડયો અને માહીને નીરખી રહ્યો.

તેણે શીના જેવી બલાને પામવાની જે જિદ્‌ કરી હતી, એ જિદ્દે આજે માહીને પરેશાનીમાં જ નહોતી મૂકી, પણ માહીનો જીવ-એની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી.

‘હવે માહીને શીનાથી બચાવવી કેવી રીતના ? !’ જિગર બેચેન થઈ ઊઠયો. તે ઊભો થયો, ત્યાં જ અચાનક જ તેના મગજમાં ઝબકારો થયો, ‘અરે ! તેણે બનારસીદાસે આપેલું માદળિયું તો માહીને પહેરાવ્યું નહોતું. માહીને પોતાની સાથે કલકત્તા નજીક આવેલી એક ટેકરી પરની ગુફામાં લઈ ગયેલા પંડિત ભવાનીશંકરે જ્યારે તેને માહીને પાછી સોંપી, ત્યારે તે માહીને એ માદળિયું પહેરાવવાનું ભૂલી જ ગયો હતો.

‘પણ...પણ એ માદળિયું ગયું કયાં ? !’ તેણે મગજને જોર આપ્યું. એ વખતે તે સાથે જે બેગ લઈ ગયો હતો એમાં તેણે એ માદળિયું મૂકયું હતું.

તેણે સામે પડેલા કબાટ તરફ જોયું. કબાટની ઉપર જ એ બેગ પડી હતી. તે ઝડપથી કબાટ પાસે પહોંચ્યો. તેણે કબાટ પરથી બેગ ઉતારી, જમીન પર મૂકી અને ખોલી. સામેના ખાનામાં તેણે હાથ નાખ્યો અને તેના હાથમાં માદળિયું આવી ગયું.

તેની આંખોમાં રાહત આવી ગઈ. બેગને ત્યાં જ પડતી મૂકીને તે માદળિયા સાથે માહી પાસે પહોંચ્યો. તેણે તકિયા પરથી માહીનું માથું સહેજ અદ્ધર કર્યું અને એના ગળામાં માદળિયું પહેરાવી દીધું.

માહી ભરઊંઘમાં હતી. જાગી નહિ.

જિગરે નિરાંતનો શ્વાસ લીધો, ત્યાં જ તેના કાને શીનાનો ખિલખિલ હસવાનો અવાજ સંભળાયો અને તેણે પાછું વળીને જોયું.

તેની બિલકુલ નજીકમાં જ શીના ઊભી હતી.

જિગર પૂતળાની જેમ ઊભો રહ્યો. તેનામાં ફરી પાછી આવી પહોંચેલી શીનાને સહન કરવાની શક્તિ બાકી રહી નહોતી. તે તન-મન-મગજથી ખૂબ જ થાકી ચૂકયો હતો.

‘જિગર ! હાલ પૂરતું મેં તારી પત્ની માહીનું લોહી પીવાનું માંડી વાળ્યું છે.’ શીના વળી હસી ને બોલી : ‘આજે હું તારા સસરા દેવરાજશેઠનું લોહી પીશ !’

‘તું...તું...,’ અને જિગર આગળ કંઈ કહે-કરે એ પહેલાં જ શીના ખિલખિલ હસતાં જાણે ધુમાડામાં ફેરવાઈ અને હવામાં વિખરાઈને અદૃશ્ય થઈ ગઈ.

જિગર ટાઢ ચઢી હોય એમ થરથર કાંપવા માંડયો. પળ બે પળ સુધી તો તેનું મગજ કંઈ જ વિચારી શકયું નહિ. પછી તેના મગજમાં વિચાર આવ્યો : ‘તેણે દેવરાજશેઠને બચાવવા માટે કંઈક કરવું જોઈએ ! પણ શું ?’ તેને જવાબ જડયો નહિ, ત્યાં જ તેને થયું, ‘પહેલાં તો તેણે મોબાઈલ કરીને એમને સાવચેત કરવા જોઈએ.’ અને તેણે ખિસ્સામાં હાથ નાખ્યો. ખિસ્સામાં મોબાઈલ નહોતો. મોબાઈલ પલંગની બાજુની ટિપૉય પર પડયો હતો. તેણે વાંકા વળીને મોબાઈલ લીધો. કાંપતા હાથે તેણે એમાં સેવ થયેલો દેવરાજશેઠનો મોબાઈલ નંબર લગાવ્યો અને મોબાઈલ કાને ધર્યો.

મોબાઈલમાં-સામેથી રીંગ વાગવા માંડી. એક-બે-ત્રણ-ચાર..., બાર પળો વીતી પણ સામેથી રીંગ વાગતી બંધ થઈ નહિ, દેવરાજશેઠનો અવાજ સંભળાયો નહિ.

જિગરે મોબાઈલ કટ્‌ કર્યો અને બીજી બે-ત્રણ વાર મોબાઈલ લગાવ્યો, પણ એ જ રીતના રીંગ વાગતી રહી અને દેવરાજશેઠે મોબાઈલ લીધો નહિ એટલે તેની ચિંતા બેવડાઈ.

‘શું આટલી વારમાં માહીએ પપ્પાજીને ખતમ...’ અને આગળના અણગમતા વિચારને અધવચ્ચે જ અટકાવી દઈને જિગરે પોતાની કારની ચાવી લીધી અને બહાર નીકળ્યો. તેણે મેઈન દરવાજાનું લેચ-કીવાળું લૉક વાસ્યું અને ગણતરીની પળોમાં જ કાર પાસે પહોંચ્યો.

તેેણે કારની ડ્રાઈવિંગ સીટ પર બેસીને એક આંચકા સાથે કારને એરપોર્ટ તરફ દોડાવી મૂકી. અને ત્યારે...

....અને ત્યારે તે પોતાના સસરા દેવરાજશેઠને શીનાથી બચાવી શકશે ? એ વાતમાં તેને જ શંકા હતી.

( વધુ આવતા અંક)