sundari chapter 25 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૨૫

પચીસ

જ્યારે વરુણ સુંદરીનો જવાબ સાંભળીને એકદમ નિઃશબ્દ થઇ ગયો. તેને અતિશય ગમતી, ગમતી નહીં પરંતુ એ જેને મનોમન લખલૂટ પ્રેમ કરે છે એ વ્યક્તિ તેના માટે આટલા ઉચ્ચકક્ષાના વિચારો ધરાવે છે અને એ પણ તેને ખાસ મળ્યા વગર એ વરુણને ગળે ઉતરતું ન હતું. પરંતુ સુંદરીના પોતાના માટેના વિચારો અત્યંત હકારાત્મક હોવાનો એને અંદરથી ખૂબ આનંદ પણ થતો હતો. આમ આવી મિશ્ર લાગણીને તે કેવી રીતે વ્યક્ત કરે અને કોની સામે વ્યક્ત કરે એ મૂંઝવણમાં વરુણને કોઇપણ પ્રકારનું રીએક્શન આપવાનું ન સુઝતા એ મૂંગો થઇ ગયો.

“હું તમારો કૉચ રહીશ પરંતુ મિસ્ટર વરુણ તમારા કેપ્ટન હશે. એટલે મોટાભાગના નિર્ણયો એ જાતેજ લેશે હું અને મેડમ શેલત તેમને એ નિર્ણયો લેવામાં મદદ કરીશું અથવાતો તે નિર્ણયો આપણને તમામને તકલીફ ન આપે એવા રહે તે કન્ફર્મ કરીશું. રાઈટ કેપ્ટન?” અચાનક જ પ્રોફેસર શિંગાળાએ વરૂણનું ધ્યાનભંગ કર્યું.

“રાઈટ સર.” વરુણે તરતજ જવાબ આપ્યો.

“તો આવતીકાલથી આપણા કૉલેજના ગ્રાઉન્ડમાં પ્રેક્ટીસ શરુ કરીએ. મારા ખ્યાલથી સવારે બધા વહેલા આવી જાવ અને કલાક પ્રેક્ટીસ કરો તો સ્ફૂર્તિમાં સરસ પ્રેક્ટીસ થઇ શકે છે.” સુંદરીએ સૂચન કર્યું.

“નો મેડમ!” વરુણ આ સૂચન સાંભળતા જ બોલી ઉઠ્યો.

“કેમ?” સુંદરીની ભ્રમરો તંકાઇ.

આ જોવાની સાથેજ વરુણને લાગ્યું કે તેણે સુંદરીના સૂચન સાથે અસહમતી વ્યક્ત કરી છે જે તેને ગમ્યું નહીં પરંતુ તેને વિશ્વાસ હતો કે ટીમના ભલા માટે સુંદરીનું આ સૂચન યોગ્ય નથી અને તે સુંદરીને એ બાબતે મુદ્દાસર સમજાવી શકશે.

“મેડમ, સવારે સ્ફૂર્તિ હોય એ તમારી વાત બિલકુલ સાચી. પરંતુ સવારના સમયમાં એટલેકે આપણી કોલેજનું પહેલું લેક્ચર જ સાડાસાતે શરુ થાય છે એટલે આપણે જો દરેક ખેલાડીઓને પ્રેક્ટીસ પત્યા પછી વોર્મ ડાઉન થવા માટે પંદર મિનીટ પણ આપવી હોય તો આપણી પ્રેક્ટીસ આપણે સવારે સવા છ વાગ્યે શરુ કરવી પડે.

હવે આમાં બે તકલીફ છે. એક તો એ કે બધા જ ખેલાડીઓ સમયસર એટલેકે મોડામાં મોડા સવારે છ વાગ્યે પહોંચી પણ ન શકે કારણકે આમાંથી ઘણા બહુ દૂરથી આવતા હશે. બીજું એ કે હવે શિયાળો જામવા માંડ્યો છે એટલે સવારે સવા છ એ પણ પ્રેક્ટીસ કરવા જેવું અજવાળું ન હોય.” વરુણે એક સ્મિત સાથે સુંદરીનું સૂચન કેમ અયોગ્ય છે તે સમજાવ્યું.

“વાત તમારી બિલકુલ સાચી છે, વરુણ. આ પોઈન્ટ પર તો મારું ધ્યાન જ ન ગયું. તો હવે શું કરીશું? મારે એકાદ દિવસમાં પ્રેક્ટીસ ટાઈમ નક્કી કરીને સ્પોર્ટ્સ કમિટીને કહેવાનું છે અને એ પણ રાઈટીંગમાં.” સુંદરીએ પોતાની સમસ્યા જણાવી.

પોતાનું નામ સુંદરીના મુખેથી સાંભળતાની સાથેજ વરુણ કોઈ બીજી દુનિયામાં જતા રહેવાની તૈયારી કરવા લાગ્યો પરંતુ તેને સમય અને સંજોગોનું ભાન હતું એટલે તેણે પોતાની જાતને કાબુમાં રાખી.

“આપણે દરરોજ કોલેજ પત્યા પછી એક કલાક પ્રેક્ટીસ કરી શકીએ, કારણકે એ સમયે બધાજ પ્લેયર્સ હાજર જ હોય. સાડાબારે લગભગ બધાના જ લેક્ચર્સ પૂરા થઇ જાય છે. જો એકથી વધુ પ્લેયર્સ પણ મોડા આવે તો પણ બાકીના પ્લેયર્સ ત્યાં સુધી બેટિંગ કે બોલિંગ અથવા ફિલ્ડીંગ પ્રેક્ટીસ કરી શકે છે. બાકી આપણે ટુર્નામેન્ટ સુધી દર રવિવારે સવારે પ્રેક્ટીસ કરી જ શકીએ.” વરુણ પૂરેપૂરા આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો.

કારણકે વરુણ બહુ નાની ઉંમરથી જ ક્રિકેટની પ્રેક્ટીસ કરતો હતો એટલે એને પ્રેક્ટીસનું મેનેજમેન્ટ તેના કૉચ કેવી રીતે કરે છે તેનું બરોબર જ્ઞાન હતું જેનો ઉપયોગ તેણે અહીં કર્યો.

“મને લાગે છે શેલત મેડમ, કે મિસ્ટર વરુણ ભટ્ટને કેપ્ટન બનાવીને આપણે કોઈજ ભૂલ નથી કરી.” વરૂણનું સૂચન સાંભળીને પ્રોફેસર શિંગાળાએ સુંદરીને કહ્યું.

સુંદરીને પણ હસીને પ્રોફેસર શિંગાળા સમક્ષ પોતાનું ડોકું હલાવ્યું જ્યારે નિર્મલ પાંડે પોતાના સ્થાનેથી આ ત્રણેય સામે ગુસ્સાથી ભરેલી નજરે જોઈ રહ્યો હતો.

“પણ વરુણ, મને તમારા આ ટાઈમટેબલથી જરા તકલીફ પડશે.” થોડીવાર વિચાર કર્યા બાદ સુંદરીએ વરુણ સામે જોઇને કહ્યું.

એક તો સુંદરીનો મધથી પણ મીઠો અવાજ અને એમાંય એ હવે એ જ અવાજથી વારંવાર તેનું નામ લઇ રહી હતી જે વરુણ માટે આમ તો અસહ્ય જ હતું પરંતુ તેને સહન કરવા સિવાય વરુણ પાસે અન્ય કોઈજ વિકલ્પ ન હતો.

“શું તકલીફ મેડમ?” વરુણે મેડમની જગ્યાએ સુંદરી કહેવાથી પોતાની જીભને રીતસર પકડી રાખી.

“મારે દરરોજ ઘરે જઈને રસોઈ કરવાની હોય છે એટલે હું એટલા મોડે સુધી ન રહી શકું.” સુંદરીએ પોતાની સમસ્યા જણાવી.

“પણ તમારે દરરોજ હાજર રહેવાની જરૂર પણ નથી, બરોબરને સર?” વરુણે પ્રોફેસર શિંગાળા સામે જોઇને કહ્યું.

“એબ્સોલ્યુટલી. તમારે તો તમારા ટાઈમ પર ઘરે જતું રહેવાનું. કશું હશે તો મિસ્ટર વરુણ તમને સવારે કોલેજ શરુ થાય તે પહેલા તમને ઇન્ફોર્મ કરી આપશે. બલ્કે હું તો એમ કહીશ કે આવતીકાલથી પ્રેક્ટીસ શરુ કરીએ તો પરમદિવસ સવારથી મિસ્ટર વરુણ ફરજીયાત તમને રિપોર્ટ આપે. શું કહો છો મિસ્ટર ભટ્ટ?” પ્રોફેસર શિંગાળાએ સુંદરી અને વરુણ બંનેની સામે વારાફરતી જોતા કહ્યું.

“હા... હા... કેમ નહીં હું દરરોજ સવારે જ મેડમને આગલા દિવસનો રિપોર્ટ આપી દઈશ.” દરરોજ હવે સુંદરીને મળવાનું થશે અને એ પણ વહેલી સવારે એ વિચારે જ વરુણને આનંદિત કરી દીધો જે એના અવાજમાં પડઘાઈ રહ્યું હતું.

“તમે લોકો આટલું એડજસ્ટ કરો છો તો હું પણ દર રવિવારે તમારી પ્રેક્ટીસ વખતે હાજર રહીશ.” સુંદરીએ કહ્યું.

એટલે હવે રોજ સુંદરીને મળવાનું થશે અને તેની સાથે વગર કોઈ રોકટોક વાતો પણ થશે એ જાણીને વરુણ તો જાણેકે હવામાં જ ઉડવા લાગ્યો.

“તો પછી આવતીકાલથી પ્રેક્ટીસ શરુ કરીએ?” પ્રોફેસર શિંગાળાએ તમામ ખેલાડીઓ સામે જોઇને કહ્યું.

“સર, એક રીક્વેસ્ટ છે, આજે કોલેજ પત્યા બાદ આપણે પંદર વીસ મિનીટ રોકાઈને એકબીજાનો પરિચય લઇ લઈએ તો? અને કયો પ્લેયર કઈ ખૂબી ધરાવે છે એ પણ હું જાણી લઉં તો? એનાથી આપણને જ આવતીકાલથી પ્રેક્ટીસ કરાવવાની ખબર પડે” વરુણે પ્રોફેસર શિંગાળાને ઉદ્દેશીને પૂછ્યું.

“ગ્રેટ આઈડિયા. ટીમનું બોન્ડીંગ મજબૂત કરવા માટે આ સરસ આઈડિયા છે. તો આજે કોલેજ ગ્રાઉન્ડમાં સાડાબારે મળીએ.” પ્રોફેસર શિંગાળાએ વરુણના આઈડિયા પર સ્ટેમ્પ મારી દીધો.

“આજે મારે રોકાવું પડશે?” સુંદરીએ વરુણ અને પ્રોફેસર શિંગાળા એમ બંને સામે વારાફરતી જોતાંજોતાં પૂછ્યું.

“રોકાવ તો સારું.” વરુણ પોતાની ઈચ્છા વ્યક્ત કરે એ પહેલાં જ પ્રોફેસર શિંગાળાએ તેની ઈચ્છા પોતાના શબ્દોમાં વ્યક્ત કરી દીધી.

“મારે પપ્પાને લીધે ટાઈમસર જવું જરૂરી હોય છે. હું ઘરે જાઉં, રસોઈ બનાવું પછી જ એ જમી શકે છે.” સુંદરીને કોલેજ પત્યા પછી પ્રમોદરાયની બીકે બિલકુલ રોકાવું ન હતું તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

“પણ મેડમને આજે રોકાવાની જરૂર જ ક્યાં છે?” વરુણ સુંદરીની મૂંઝવણ ઓળખી ગયો અને તરતજ બોલી પડ્યો.

“આજે, ટીમનું ઇન્ટ્રોડક્શન છે. કો-ઓર્ડીનેટર તરીકે મેડમ પણ આપણા ખેલાડીઓને ઓળખે એ જરૂરી છે ને?” પ્રોફેસર શિંગાળાએ યોગ્ય દલીલ કરી.

“સર, પરમદિવસે રવિવાર જ છે અને મેડમ રવિવારે તો આવવાના જ છે ને? આપણે એમની સાથે પ્લેયર્સનો ઇન્ટ્રો રવિવારે ફરીથી કરાવી આપીશું પ્રેક્ટીસ બાદ?” વરુણ સુંદરી સામે જ બોલતાં બોલતાં કહી રહ્યો હતો અને પોતાના કહેવાથી સુંદરીના ચહેરાના હાવભાવમાં આવી રહેલા ફેરફારને ધ્યાનથી નોંધી રહ્યો હતો.

“હા... આ આઈડિયા બરોબર છે. હું સન્ડે તો આવવાની જ છું ને?” સુંદરીના ચહેરા પરની ગૂંચવણ અચાનક જ ખુશીમાં બદલાઈ ગઈ.

“તો મને વાંધો નથી.” પ્રોફેસર શિંગાળાએ પોતાનો અંગુઠો ઉંચો કરીને વરુણના સૂચનને મંજૂરી આપી દીધી અને સ્પોર્ટ્સ રૂમમાં આવેલા પોતાના ડેસ્ક તરફ ચાલવા લાગ્યા.

“થેન્ક્સ, તમે મને પ્રોબ્લેમમાંથી સરસ રીતે બહાર કાઢી દીધી.” સુંદરીએ વરુણની સામે હાથ લંબાવતા કહ્યું.

“અરે! એમાં શું? પણ મેડમ તમે મને તમે કહો એ...” વરુણે સુંદરી સામે જોતાં પોતાના મનની પહેલી ઈચ્છા વ્યક્ત કરી કે એ પણ પોતાને તુંકારે બોલાવે.

“એ શક્ય નથી વરુણ, હું મારા બધા જ સ્ટુડન્ટ્સને તમે જ કહું છું, તમે તો નોટ કર્યું જ હશે લેક્ચર્સમાં.” સુંદરીએ સ્મિત આપતા કહ્યું. એનો હાથ હજી લંબાયેલો જ હતો.

“ધેન ઇટ્સ ઓકે!” વરુણે હવે હસીને સુંદરીનો લંબાવેલો હાથ પકડી લીધો અને તેની આસપાસ તેણે મજબૂત પકડ બનાવી.

વરુણ સુંદરીને કેવી રીતે કહે કે તે સુંદરીના લેક્ચર્સમાં તેને જ સતત જોતો રહેતો હોય છે એ કોને શું કહીને બોલાવે છે તેના પર તેનું ક્યાં ક્યારેય ધ્યાન જ હોય છે?

==::==

“તું? કેપ્ટન? અને એ પણ આપણી કોલેજની ટીમનો?” વરુણે કૃણાલને જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે એ વિશ્વાસ જ નહોતો કરી શકતો.

“હા ભાઈ, તને કેમનો વિશ્વાસ થાય કે તારો આ ખાસ દોસ્ત કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે? તને તો એમ જ હોયને કે વરુણીયો બસ છોકરીઓ જ જોવે છે અને છોકરીઓ જોવા માટે જ કોલેજ આવે છે, બાકી તો એનામાં કોઈ આર્ટ છે જ નહીં? અને આવા સાવ યુઝલેસ છોકરાને કેપ્ટન અને તે પણ સાવ અચાનક જ આપણી કોલેજની ટીમનો કેપ્ટન કોઈ કેમનો બનાવી લે? હુહ!” પોતાની વાત પૂરી કરતા વરુણે છણકો કર્યો.

“બસ માર ટોણા, તને બીજું આવડે છે પણ શું? અલ્યા મને ખુશી સાથે આશ્ચર્ય થયું એટલે આમ બોલાઈ ગયું. તું આગળ વધે એમાં મને આનંદ ન થાય? એવું બને ખરું? અને તું બોર્ન ક્રિકેટર છે એ આ કોલેજમાં મારા સિવાય બીજું કોણ જાણે છે?” કૃણાલે આટલું કહીને વરુણને ગળે વળગાડી દીધો.

“તને વધુ આનંદ થાય એવા સમાચાર પણ છે મારી પાસે.” કૃણાલને ભેટેલી અવસ્થામાં જ રહીને વરુણે કહ્યું.

“શું વાત છે? આજે તો તો એક પછી એક સરપ્રાઈઝ આપે છે? બોલ બોલ!” કૃણાલે કહ્યું અને બંને છુટા પડ્યા.

“ટીમના એક કો-ઓર્ડીનેટર પણ છે.” વરુણે ગંભીર થઈને કહ્યું,

“અચ્છા કોણ છે?” કૃણાલે ઉત્સુકતા દેખાડતાં પૂછ્યું.

“સુંદરી!” વરુણે માત્ર સુંદરીનું નામ લીધું, આગળ પ્રોફેસર કે પાછળ મેડમ લગાડ્યા વગર.

હવે કૃણાલના ચહેરા પર આઘાતની લાગણી જોઈ શકાતી હતી અને વરુણના ચહેરા પર મસ્તી!

==:: પ્રકરણ ૨૫ સમાપ્ત ::==