VEDH BHARAM - 15 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 15

વેધ ભરમ - 15

પાંચ વાગે રિષભની જીપ પોદ્દાર આર્કેડ તરફ દોડી રહી હતી. રિષભ અને હેમલ શ્રેયાને મળીને સ્ટેશન તરફ જઇ રહ્યા હતા, ત્યારે રિષભ પર દર્શનની વાઇફ શિવાનીનો ફોન આવ્યો હતો. શિવાનીએ દર્શનને કહ્યુ હતુ કે મારે તમને મળવુ છે. તમે મને પોદ્દાર આર્કેડમાં ઓફિસ પર મળવા આવશો? આ સાંભળી રિષભે કહ્યુ હતુ કે “સ્યોર, અમે તમને સાંજે પાંચ વાગે ત્યાં મળવા આવીશુ.” અત્યારે રિષભ અને હેમલ પોદ્દાર આર્કેડમાં શિવાનીને મળવા જતા હતા. શિવાનીનો ફોન આવતા રિષભને ખુશી થઇ હતી કેમકે તેના ઘરે શિવાની સાથે વધુ વાત થઇ શકી નહોતી. રિષભ આમપણ કોઇ અન્ય જગ્યાએ શિવાનીને મળવાનુ વિચારતો હતો. કેમકે તેને એવુ લાગતુ હતુ કે શિવાની કંઇક કહેવા માગે છે પણ ઘરના સભ્યોની હાજરીને લીધે ખુલીને વાત કરી શકતી નથી. દશેક મિનિટ બાદ રિષભ અને હેમલ દર્શનની ઓફિસમાં દાખલ થયા. તેને જોઇને રિસેપ્શનિસ્ટ પાસે આવી અને બોલી “સર તમે મારી સાથે ચાલો મેડમ તમારી જ રાહ જોઇ રહ્યા છે.” હેમલ અને રિષભ રિસેપ્સનિસ્ટની પાછળ એક ઓફિસમાં દાખલ થયા. ઓફિસમાં શિવાની કોઇ સાથે ફોન પર વાત કરી રહી હતી. તેણે રિષભને જોઇને ફોન કટ કરી નાખ્યો અને ઊભા થઇ હાથ મિલાવ્યા અને બેસવાનુ કહ્યું. રિષભ અને હેમલ બેઠા એટલે શિવાનીએ પૂછ્યુ “બોલો શું લેશો ચા, કૉફી કે કોલ્ડ્રીંક્સ?”

“અરે તેની કોઇ જરુર નથી.” રિષભે કહ્યું.

“એમ થોડુ ચાલે તે દિવસે ઘરે તો અમે તમને એમ જ જવા દીધા હતા. હવે અહીં તો તમારે કંઇક લેવુ તો પડશે જ.” શિવાનીએ આગ્રહ કરતા કહ્યું.

“કૉફી ચાલશે.” રિષભે કહ્યું.

રિષભને શિવાનીમાં આવેલ બદલાવ જોઇ નવાઇ લાગી. તે દિવસે ઘરે શિવાની એકદમ દુઃખી અને ટિપીકલ હાઉસ વાઇફ લાગતી હતી. જ્યારે અહી તે ખુશ ખુશાલ અને પરફેક્ટ બિઝનેસ વુમન લાગતી હતી. બે જ દિવસમાં શિવાનીમાં આવેલો આ ફેરફાર જોઇ રિષભને એકદમ નવાઇ લાગી. તેણે મનોમન વિચાર્યુ કે સ્ત્રીના કેટલા રુપ હોય છે. સ્ત્રી તેની જિંદગીમાં કેટલા અલગ અલગ પાત્ર ભજવતી હોય છે. જે સ્ત્રી ઘરમાં એક પ્રેમાળ મા અને પત્ની હોય છે તે બહાર પોતાના પ્રોફેશનના ક્ષેત્રમાં પહોંચતા જ એક કડક ઓફિસર કે બોસ બની જતી હોય છે. સ્ત્રી માતા છે, બહેન છે, પત્ની છે, વહુ છે. અને આ બધાજ રોલમાં તેની અલગ અલગ ભુમિકા તે ખૂબ જ સારી રીતે ભજવે છે. રિષભની વિચારયાત્રા હજુ ચાલુ રહી હોત પણ ત્યાં શિવાનીએ કહ્યું “સર, તમે મને મળવા માટે સમય કાઢ્યો એ બદલ તમારો આભાર.”

આ સાંભળી રિષભે કહ્યું “અરે, આતો અમારી ડ્યુટીનો ભાગ છે. અમે અત્યારે તમારા પતિના કેસ પર જ કામ કરી રહ્યા છીએ.”

“હા, તો શું કેસમાં કંઇ પ્રગતિ થઇ છે આગળ?” શિવાનીએ પૂછ્યું.

“હા ઘણી બધી માહિતી અમને મળી છે. અને ઘણા બધા લોકો પર અમને શંકા છે.” આટલુ બોલી રિષભ શિવાનીના હાવભાવ જોવા રોકાયો પણ તેના ચહેરા પર કંઇ ફરક પડ્યો નહીં એટલે રિષભે કહ્યું “એક અગત્યની વાત એ જાણવા મળી છે કે તમારા પતિનું ખૂન થયુ છે. અને આ ખૂન ઓશિકુ મો પર દબાવી, શ્વાસ રુંધી કરવામાં આવ્યુ છે.” આ સાંભળી શિવાની દુઃખી થઇ ગઇ અને તેની આંખમાં આંસુ ધસી આવ્યા. શિવાની ટેબલ પરથી ટીસ્યુ લઇ ઘસી આવતા આંસુને રોકતા બોલી “સોરી, હું લાગણીશીલ થઇ ગઇ.” શિવાની હજુ આગળ બોલવા જતી હતી ત્યાં એક છોકરી કૉફી લઇને આવી એટલે શિવાની બોલતી બંધ થઇ ગઇ. પેલી છોકરીએ કૉફી ટેબલ મૂકી એટલે શિવાનીએ કહ્યું “મયુરી, પૂનમને કહી દે જે હવે હમણા કોઇ ડીસ્ટર્બન્સ ન જોઇએ.” આ સાંભળી પેલી છોકરી “ઓકે મેડમ” કહી ઓફિસની બહાર નીકળી ગઇ.

તેના જતા જ શિવાનીએ કહ્યું “મે તમને એટલા માટે બોલાવ્યા છે કે તે દિવસે મારા ખરાબ મૂડને કારણે તમારી પૂછપરછ અધુરી રહી ગઇ હતી. જો તમારે કંઇ પૂછવુ હોય તો આજે પૂછી શકો છો.” આ સાંભળી રિષભને થોડી નિરાશા થઇ કેમ કે તેને તો એમ હતુ કે શિવાની તેને કંઇક નવુ કહેવા માંગે છે. રિષભ હવે વિચારવા લાગ્યો કે શિવાનીની પૂછપરછ ક્યાંથી અટકી ગઇ હતી. થોડીવાર વિચારી તે બોલ્યો “ઓકે, તો મેડમ તમે એ કહો કે 18 તારીખે સાંજે 7 થી રાતના 12 સુધી તમે ક્યાં હતા?”

આ સાંભળી શિવાનીએ થોડુ વિચારીને કહ્યું “તે સાંજે હું શોપીંગ કરવા ગઇ હતી અને લગભગ નવેક વાગે પાછી આવી ગઇ હતી. તે પછી હું ઘરે જ હતી.”

“તમે શોપીંગ કરવા ક્યાં ગયા હતા?” રિષભે પૂછ્યું.

“હું ડી-માર્ટમાં ગઇ હતી અને પછી થોડુ શાકભાજી લેવા શાકમાર્કેટમાં ગઇ હતી.” આટલુ બોલી શિવાની થોડુ રોકાઇને બોલી “પણ તમે મને શું કામ આ પૂછી રહ્યા છો? શું તમને મારા પર શક છે?”

આ સાંભળી રિષભ એકદમ ગંભીર થઇ ગયો અને બોલ્યો “જો આ એક અબજોપતિ બિઝનેસમેનના ખૂનનો કેસ છે હું કોઇ પણ સંભાવના છોડવા માંગતો નથી. સોરી, પણ તમે પણ અમારા શકમંદના લીસ્ટમા છો.”

આ સાંભળી શિવાનીના ચહેરાનો રંગ બદલાઇ ગયો તે એકદમ ગુસ્સે થઇને બોલી “શુ હું મારા પતિનુ ખૂન કરી નાખુ અને તે પણ પૈસા માટે? આ પૈસા તો આમપણ મારા જ હતા. મને જેટલા જોઇએ તેટલા પૈસા મળતા હતા પછી મારે દર્શનનું ખૂન કરવાની શું જરુર હોય. અને કોઇ સ્ત્રી કંઇ પૈસા માટે પતિનુ ખૂન કરી શકે?” આ સાંભળી રિષભ મનોમન ખુશ થઇ ગયો તે આજ ઇચ્છતો હતો કે શિવાની પોતાની સ્વસ્થતા ગુમાવે અને કઇક બોલે. શિવાની ગુસ્સે થઇ તો પણ રિષભ એકદમ ચૂપ બેઠો રહ્યો. રિષભ હંમેશા મૌનનો એક હથીયાર તરીકે ઉપયોગ કરતો તેને ખબર હતી કે ક્યારે ચૂપ રહેવાથી વધારે ઇજા પહોંચાડી શકાય છે. તેને ચૂપ જોઇને શિવાની વધુ ગુસ્સે થઇ ગઇ અને બોલી “મારે તમને એક વાત કહેવાની હતી પણ, તમે તો મને જ ગુનેગાર સમજો છો એટલે હવે મારે કંઇ કહેવુ નથી.” આ સાંભળી રિષભે કહ્યું “જેવી તમારી ઇચ્છા પણ, તમે કોઇ પણ વાત છુપાવીને તમારુ પોતાનુ જ નુકશાન કરી રહ્યા છો. તમે આ બધુ કરીને અમારો શક વિશ્વાસમાં બદલી રહ્યા છો.” રિષભના એકદમ ધીમા પણ મક્કમ સ્વરમાં કહેવાયેલા શબ્દો સાંભળી શિવાનીનો ગુસ્સો ગાયબ થઇ ગયો અને તેના સ્થાન પર ડર આવી ગયો. તેને સમજાઇ ગયુ હતુ કે આ ઓફિસર અલગ મિજાજ ધરાવે છે. તે થોડીવાર એમ જ બેસી રહી એટલે રિષભે કહ્યું “તમારા સાસુએ અમને એવુ કહ્યું હતુ કે તમે જ દર્શનને તેનાથી દૂર કરી દીધો હતો અને દર્શનને મારી પણ તમે જ નાખ્યો છે.”

આ સાંભળી શિવાનીએ કહ્યું “ઓહ, કમઓન ઓફિસર, મારી સાસુને તો મારી સાથે જરા પણ ફાવતુ નથી. તેને તો મારા સસરાને એટેક આવે તેમા પણ મારો જ વાંક દેખાય છે. તેને અને મારે પહેલેથી જ બનતુ નહોતુ એટલે હું અને દર્શન તેનાથી અલગ રહેવા આવતા રહ્યા.”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે મેડમ હવે તમારે જે પણ કહેવુ હોય તે કહો.”

આ સાંભળી શિવાનીએ કહ્યું “આ વાત કામની છે કે નહી તે મને ખબર નથી પણ, આ ફાર્મ હાઉસ સાથે જોડાયેલી છે એટલે તમને કહું છું.”

આટલુ બોલી શિવાની રોકાઇ પણ રિષભ અને હેમલની ઉત્સુકતા વધી ગઇ હતી. શિવાનીએ વાત આગળ વધારતા કહ્યું “આજથી લગભગ બે વર્ષ પહેલા દર્શનના એક મિત્ર મોહિત પણ આજ ફાર્મ હાઉસમાંથી ગાયબ થઇ ગયા હતા. તેનો હજુ સુધી પતો મળ્યો નથી.” આ સાંભળી રિષભ અને હેમલ ચોંકી ગયાં.

રિષભને લાગ્યુ કે તેની કઇક સમજવામાં ભુલ થઇ છે એટલે તેણે પૂછ્યું “એક મિનિટ તમે અમને શાંતિથી આખી વાત કહો.” આ સાંભળી શિવાનીએ કહ્યું “દર્શનના એક મિત્ર હતા વિકાસ દોશી તેની એક આઇ.ટી કંમ્પની છે. આજથી લગભગ બે વર્ષ પહેલા તે તેની પત્ની સાથે એક રાત રહેવા માટે ફાર્મ હાઉસ પર ગયા હતા અને ત્યાથી ગાયબ થઇ ગયા. હવે તેનુ અપહરણ થયુ કે તે પોતે ભાગી ગયા તે કંઇ ખબર પડી નથી. તેનો રિપોર્ટ પણ તેની પત્નીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં લખાવ્યો હતો પણ આજ સુધી તેના વિશે કંઇ ખબર પડી નથી.”

આ સાંભળી રિષભને નવાઇ લાગી કે આજ ફાર્મહાઉસમાંથી એક મિત્ર ગાયબ થઇ ગયો અને બીજાનુ ખૂન થઇ ગયું.

રિષભે થોડુ વિચારીને પૂછ્યું “તેની પત્ની અત્યારે શું કરે છે? અને ક્યાં છે?”

“તેની પત્ની અત્યારે તેનો આખો બિઝનેસ સંભાળે છે. તે પણ વિકાસની જેમ જ કોમ્પ્યુટર એન્જીનીયર છે. તેની ઓફિસ અહીં જ નીચેના માળે આવેલી છે.” આ સાંભળી રિષભને લાગ્યુ કે આ તો આ કેસનું એક અલગ જ પ્રકરણ ખુલી રહ્યુ છે. અત્યાર સુધી આ વિશે તો કંઇ સાંભળ્યુ જ નહોતુ. આ સાથે તેને વસાવા પર પણ ગુસ્સો આવી રહ્યો હતો કેમકે તેને તો ખબર જ હોવી જોઇતી હતી કે આ અગાઉ આ ફાર્મ હાઉસ પરનો એક કેસ આવ્યો હતો. તે વિચારતો હતો ત્યાં શિવાનીએ કહ્યું તમે તેને મળવા માંગતા હોય તો હું અનેરીને ફોન કરી અહી બોલાવી લઉં.”

રિષભે હા પાડતા શિવાનીએ ફોન લગાડ્યો અને વાત કરી. વાત પૂરી કરી શિવાનીએ કહ્યું “સોરી તે તો તેના ઘરે જતી રહી છે. પણ અનેરીએ કહ્યુ છે કે જો તમે ઇચ્છો તો તેના ઘરે તેને મળી શકો છો.”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તમે હેમલને તેનુ સરનામુ અને ફોન નંબર લખાવી દો.” અને પછી રિષભ શિવાની સાથે હાથ મિલાવી બહાર નીકળી ગયો. તે આજે પોતાના પર જ ગુસ્સે હતો. આટલી મોટી વાત તેના ધ્યાન બહાર કેમ જતી રહી. શું આ વાતને દર્શનના ખૂન સાથે સંબંધ હશે? કે પછી હું આ દિશામાં ખોટો વિચારી રહ્યો છું. જે પણ હોય મારે આ ગુમ થવાના કેસ વિશે તપાસ તો કરવી જ પડશે. તે વિચારતો હતો ત્યાં હેમલ આવી ગયો એટલે બંને નીચે ગયા. જીપમાં બેસતા જ રિષભે પૂછ્યું “એડ્રેસ ક્યાનુ છે?” અહી વરાછાનુ જ છે. મોટા વરાછાની સામેની દિશામાં કેનાલ રોડ તરફ જતા આશિયાના હાઇટ્સ ફ્લેટ્સ છે. ત્યાનુ એડ્રેસ છે. ઓકે ચાલ તો ત્યા જતા આવીએ. આ સાંભળી હેમલે કહ્યું “સર, તમને શુ લાગે છે? આ વિકાસવાળા કેસને દર્શનના ખૂન સાથે કોઇ સંબંધ હશે?”

“ખબર નથી. પણ આપણે આ શક્યતા પર વિચારવુ તો પડે જ. બની શકે કે એકસાથે બંને કેસ સોલ્વ થઇ જાય.એક જ ફાર્મ હાઉસમાં અપહરણ અને ખૂન થાય તેનો મતલબ કઇક ગડબડ તો છે જ. જોઇએ તો ખરા કે શુ મળે છે આમા”

આશિયાના હાઇટ્સ ફ્લેટ્સમાં જીપ એન્ટર થતા જ રિષભે કહ્યું “હેમલ તુ એક કામ કર આ ફ્લેટ્સના સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કર અને 18 તારીખનુ સી.સી.ટીવી ફુટેજ મેળવી લે ત્યાં હું ઉપર જઇને આવુ છું.”

આમ કહી રિષભ લીફ્ટ્માં દાખલ થયો અને ફીફ્થ ફ્લોર પર પહોચ્યો. લીફ્ટમાંથી નીકળી ડાબી બાજુ પર આવેલ ફ્લેટ નંબર 501ની ડોરબેલનું બટન દબાવ્યુ. એકાદ મિનિટ પછી દરવાજો ખુલ્યો અને સામેની વ્યક્તિને જોઇને રિષભ એકદમ ચોકી ગયો અને બોલી ઊઠ્યો “અરે તુ અહીં ક્યાથી?”

----------*************--------------************-------------------***********----------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Deboshree Majumdar
DEEPAK MODI

DEEPAK MODI 3 months ago

Vishwa

Vishwa 7 months ago

Nicky Mehta

Nicky Mehta 1 year ago

Nidhi

Nidhi 1 year ago