Yog-Viyog - 47 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 47

યોગ-વિયોગ - 47

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૭

ત્રણ દિવસ પછી વસુમાનો અવાજ સાંભળીને સૂર્યકાંતનું ગળું ભરાઈ આવ્યું. એ, ‘‘વસુ...’’થી આગળ કશું બોલી જ ના શક્યા.

‘‘શું વાત છે કાન્ત ? બધું બરાબર તો છે ને ? રોહિત...’’

‘‘રોહિત નથી રહ્યો વસુ.’’ આટલું કહેતાં તો સૂર્યકાંતની આંખમાંથી પાણી વહેવા માંડ્યું હતું, ‘‘ એ છોકરાએ જીવનભર મને યાદ કરાવ્યું કે હું મારી ફરજ ચૂક્યો છું અને જતાં જતાં મારા કપાળે કાળી ટીલી ચોડતો ગયો. મને કંઈ સૂઝ નથી પડતી.’’

‘‘લક્ષ્મી કેમ છે ?’’

‘‘મારા કરતાં ઘણી સ્વસ્થ છે. અહીં બધું એણે જ કર્યું. ડેડ બોડીનો કબજો લેવાથી શરૂ કરીને લીગલ પેપર્સ કરવા સુધીની બધી જવાબદારી એ છોકરીએ પૂરી કરી વસુ.’’

‘‘એને પણ તમે જ ઉછેરી છે ને કાન્ત, એની સામું જુઓ. જે ગયું છે એનો અફસોસ છોડી દો.’’

‘‘એ દીકરો હતો મારો વસુ, ભલે મારું લોહી નહોતું...’’

‘‘સમજું છું કાન્ત, પણ આ પરિસ્થિતિમાં જાતને સાંત્વના આપવા માટે એકમાત્ર રસ્તો આ જ રહે છે કે આપણે જે થયું તેને ભૂલીને આગળ જોવાનો પ્રયાસ કરીએ.’’

‘‘વસુ, મારે દીકરાની જરૂર છે... આટલો મોટો વ્યવસાય મારાથી એકલા હાથે હવે નહીં સંભાળાય. મારા ઘૂંટણ ભાંગી ગયા વસુ, આ છોકરાએ મને ક્યાંયનો ના રાખ્યો.’’

‘‘કાન્ત, એ મુક્ત થઈ ગયો અને તમને મુક્ત કરતો ગયો. એ જેલમાં હોત અને વર્ષો જેલમાં કાઢત તો તમારો જીવ કેટલો બળતો હોત, એનો વિચાર કર્યો છે કાન્ત ? એનાથી પણ નહીં સહેવાતું હોય ત્યારે આવું પગલું ભર્યું હશે. એને માફ કરી દો કાન્ત...’’ વસુમાના અવાજમાં એ જ સંયમ અને સ્થિરતા હતા. સામે છેડે સૂર્યકાંતનું આખું અસ્તિત્વ હચોમચી ગયું હતું. અત્યારે એમને ચીડ ચડી રહી હતી, ‘‘મારા દીકરાની વાત છે એટલે આટલી શાંતિથી કરાય છે. એનો એકાદ દીકરો હોત તો આટલી સ્વસ્થ રહી શકી હોત વસુ? ’’ એમને વિચાર આવ્યો, પણ તરત જ એમના મને જ જવાબ આપી દીધો, ‘‘અંજલિને થયેલા અકસ્માત વખતે કે વૈભવીને નસ કાપી નાખી ત્યારે વસુ તો સ્વસ્થ જ હતી...’’

વસુમા સામે છેડે કહી રહ્યાં હતાં, ‘‘તમે અજયના પેપર્સ મોકલવાના હતા એનું શું થયું ?’’

‘‘મેં મધુભાઈને કહ્યું છે. એ બધી વ્યવસ્થા કરી રહ્યા છે... અલય, અભય...’’

‘‘અલય ગોવા ગયો છે શૂટિંગમાં, અને અભય કોન્ફરન્સમાં સિંગાપોર જાય છે. અમે બધા તમારી ચિંતા કરતા હતા. મને થયું કે ત્રણ ત્રણ દિવસ ફોન ના આવે તો...’’

‘‘વસુ, અજયની સાથે તારા પણ પેપર્સ મોકલાવું. તું અહીંયા આવી જા. હું બહુ એકલો પડી ગયો છું.’’

‘‘કાન્ત, આ હમણાંની લાગણી છે. થોડા વખત પછી તમને આવું નહીં લાગે. સમયથી મોટું કોઈ ઔષધ નથી. અજય આવશે, હૃદય આવશે ને કદાચ જાનકી પણ આવશે. ઘર ભરાઈ જશે. પરિસ્થિતિ થાળે પડી જશે કાન્ત, જાનકી બહુ ડાહી છોકરી છે.’’

આખીય વાતચીત દરમિયાન સૂર્યકાંતને લાગ્યું કે વસુંધરા ફરી એક વાર એમનાથી દૂર થઈ ગઈ છે. આ હજારો કિલોમીટરના અંતરને કારણે હશે કે વસુમાના સ્વભાવને કારણે એનો નિર્ણય એ ન કરી શક્યા, પરંતુ એમને વસુમાના અવાજમાં એક દૂરી, એક અંતર સંભળાયું એ સાચી વાત...

ખાસ્સી વાર સુધી એમની સાથે વાત કરતાં વસુમાને જોઈ રહેલી વૈભવી એમની આગળ-પાછળ આંટા મારતી હતી. વૈભવીને વસુમા સાથે વાત કરવી હતી. એ જાણતી હતી કે આજે પ્રિયાને લઈને સિંગાપોર જઈ રહેલા અભયને જો આ દુનિયામાંથી કોઈ એક જણ રોકી શકે એમ હોય તો એ વસુમા હતાં. આજે એણે નક્કી કયુર્ં હતું કે એ પગે પડીને, હાથ જોડીને પણ અભયને જતો રોકશે.

વસુમા સાથે વાત કરતા સૂર્યકાંતને છાતીમાં હળવો દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ આ જે કંઈ બન્યું એના કારણે હશે એમ માનીને એને બહુ સિરિયસલી ના લીધો અને વાત ચાલુ રાખી. વાતચીતમાં વચ્ચે એમણે વસુમાને કહ્યું ય ખરું, ‘‘મુંબઈ છોડીને નીકળ્યો ત્યાં સુધી નહોતું લાગતું, પણ અહીં આવીને સમજાય છે કે મારી ઉંમર થઈ ગઈ છે વસુ, હવે શરીર જવાબ આપી દે છે. મનમાંયે પહેલાં જેટલી સહન કરવાની શક્તિ નથી રહી. હવે જાણે પગ વાળીને બેસવું છે, નિરાંતે. થોડો સમય જાત માટે કાઢવો છે. વરસના અંતે જેમ બેલેન્સશીટ કાઢીએને એવું જિંદગીનું બેલેન્સશીટ કાઢવું છે વસુ.’’

વસુમા હસી પડ્યાં હતાં. એમના હાસ્યનો રણકો સૂર્યકાંતના હૃદયની આરપાર ઊતરી ગયો, ‘‘કેમ હસે છે ? તને આવું નથી થતું?’’

‘‘કાન્ત, મારી પાસે એટલી મોટી ખાતાવહી જ નથી કે વરસના અંતે બેલેન્સશીટ કાઢવી પડે. મારે તો રોજ કમાઈને રોજ ખાવાની નાનકડી હાટડી છે. સાંજના છેડે હિસાબ થઈ જ જાય કાન્ત! ને ખરું તો હવે ઉધારનું ખાતું તો કોરું જ રહી જાય છે... જે બને છે એ બધું જમા જ થાય છે કાન્ત, બધું જ મારું પોતાનું ને બધું જ સારું...’’

‘‘વસુ, મારે તારા જેવા થઈ જવું છે. જિંદગીને તારી જેમ સાવ છાતીસરસી ચાંપીને જીવવું છે.’’

‘‘મેં છાતીસરસી નથી ચાંપી કાન્ત, હું તો કાગળની હોડી બની ગઈ છું જિંદગીની નદીમાં. ક્યાંય પહોંચવું નથી. હલેસાનીય જરૂર નથી. તરાય ત્યાં સુધી તરતી રહીશ ને પછી જ્યાં હોઈશ ત્યાં જ ડૂબી જઈશ કાન્ત, નથી મારી અંદર કોઈ મુસાફર કે નથી કોઈ જવાબદારી. બસ, વહેવું જ એ જ ધર્મ છે મારો અને એ પણ પ્રવાહની સાથે. પ્રવાહની દિશામાં ને પ્રવાહની ઝડપે.’’

વૈભવીનું મગજ છટકતું હતું, ‘‘ફિલોસોફી ઝાડવામાંથી ઊંચી નથી આવતી. ફોન મૂકે તો કંઈ વાત થાય.’’ એની ધીરજ ખૂટવા લાગી હતી. પણ વસુમા નિરાંતે સૂર્યકાંત સાથે વાત કરી રહ્યાં હતાં. એમણે જોયું કે વૈભવી એમની આસપાસ ફરે છે, ફોન પર વાત કરતાં કરતાં જ એમના મગજે વિચારે લીધું કે વૈભવીને શું કામ હોઈ શકે ? આજે અભય જવાનો હતો એ યાદ હતું એમને. એટલે વૈભવી એ જ કારણે એમની આસપાસ ફરતી હશે એવું એમણે ધારી લીધું.

હવે વૈભવી લગભગ ચીડાવાની તૈયારીમાં હતી, પણ એણે જાત ઉપર મહાપરાણે કાબૂ મેળવ્યો અને સ્મિત કરીને વસુમાને કહ્યું, ‘‘મારે તમારી સાથે વાત કરવી છે મા.’’

‘‘બોલ બેટા.’’ વસુમાએ પણ એટલી જ શાંતિથી કહ્યું, ‘‘મારો ફોન ચાલુ છે, પતી જાય પછી વાત કરીએ.’’

‘‘હું ક્યારની રાહ જોઉં છું, પણ તમારો ફોન તો પતતો જ નથી. મારી વાત અગત્યની છે. તમારી જેમ ફિલોસોફી નથી, અભય આજે જાય છે...’’ વૈભવીને સમય નહોતો બગાડવો એટલે સીધી જ પોઇન્ટ પર આવી.

‘‘ખ્યાલ છે મને.’’ વસુમાએ હળવેથી કહ્યું.

‘‘અને છતાં તમે એને જવા દેશો ખરું ?’’ વૈભવીનો અવાજ પહેલાં ક્યારેય નહોતો થયો એટલો ઊંચો થઈ ગયો. સૂર્યકાંત સામે છેડે આખી વાત સાંભળી રહ્યા છે એ વૈભવી ભૂલી ગઈ હતી, ‘‘આ ઘરમાં આવા વ્યભિચારને માન્યતા મળશે એવું મેં નહોતું ધાર્યું.’’

‘‘મારે એને જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે.’’ કહીને વસુમા ફોનકાને લગાડવા જતાં હતાં ત્યાં અચાનક વૈભવી જાણે પોતાના કાબૂની બહાર થઈ ગઈ. વસુમાનો લાંબો ફોન અને પછી એક વાક્યનો જવાબ એને પાગલ કરી ગયો.

એણે વસુમાના હાથમાંથી કોડલેસનો હેન્ડ સેટ ઝૂંટવીને છૂટો ફેંક્યો, ‘‘હું એને નહીં જવા દઉં... મારી નાખીશ એને, પણ જવા નહીં દઉં એટલું નક્કી...’’ વૈભવી ગળું તરડાઈ જાય એટલા ઊંચા અવાજે બૂમો પાડતી હતી, ‘‘તમે ઓળખતા નથી મને, હું એને નહીં છોડું... એ મારો નથી તો એને કોઈનોય નહીં જ થવા દઉં. દીકરો ખોશો તમે એટલું યાદ રાખજો.’’ વૈભવી ત્યાં જ જમીન પર ફસડાઈ પડી અને જમીન પર માથું પછાડવા લાગી...

સૂર્યકાંત સામે છેડે વૈભવીનો અવાજ સાંભળી રહ્યા હતા. એમને ભયાનક ટેન્શન થઈ ગયું. રોહિતના આઘાતમાંથી તો હજી એ મુક્ત નહોતા થયા અને આ વૈભવી જે બોલી રહી હતી એ જો કરે તો શું થાય એ વિચારે જાણે એમનાં હાડકાં ગળી ગયાં. એમણે ‘‘હેલ્લો... હેલ્લો’’ની ઘણી બૂમો પાડી, પણ દસ ફૂટ છેેટે પડેલા ફોનમાંથી અવાજ પહોંચે એમ નહોતો.

સૂર્યકાંતને છાતીમાં ભયાનક દુખાવો થઈ આવ્યો. રોહિતનું શબ એમને નજર સામે દેખાવા લાગ્યું. લમણાની આરપાર નીકળી ગયેલી ગોળી પછી એનો ચહેરો લોહીથી કેવો રંગાયો હશે એ એમણે જોયું તો નહોતું, પણ એ કલ્પના એમને ઘડી ભર આંખ મીચવા દેતી નહોતી.

વૈભવી જે અવાજે બૂમો પાડતી હતી અને જે કંઈ બોલતી હતી એ સાંભળતા સૂર્યકાંતને કોઈ કારણ વગર રોહિતની જગ્યાએ અભયનો ચહેરો દેખાવા માંડ્યો... મોર્ગમાં સૂતેલો શાંત, નિશ્ચેષ્ટ અભય... આંખો બંધ... ચહેરા ઉપર અજબ પ્રકારના આતંકના ભાવ અને કાનની બરાબર ઉપર લમણા પાસે રૂ મૂકીને મારેલી પટ્ટીઓ. સૂર્યકાંતનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એમને લાગ્યું કે કોઈકે એમની છાતીની આસપાસ કચકચાવીને દોરડું લપેટ્યું છે... એ છૂટવા તરફડવા માંડ્યા.

ફોન હજી એમના કાને જ હતો. વૈભવીનો અવાજ એમને હજીયે સંભળાતો હતો. એ ચીસો પાડીને બોલતી હતી, સાથે સાથે રડતી હતી. વસુમા શાંતિથી સામે સોફા પર બેસી ગયાં. વૈભવીની બૂમાબૂમ સાંભળીને કોલેજથી હમણાં જ આવેલી જાનકી અને ઓફિસથી અંજલિને મળવા આવેલો રાજેશ ડ્રોઇંગરૂમમાં આવી ગયા. રાજેશની પાછળ અંજલિ પણ ત્યાં આવીને ઊભી રહી ગઈ.

વસુમાએ વૈભવીને રોકી નહીં. એમણે વૈભવીના મનમાં જે ચાલતું હતું એ નીકળી જવા દીધું. વૈભવીની ચીસો એમણે પ્રમાણમાં ઘણી શાંતિથી સાંભળી. જમીન પર પડી પડી વૈભવી ખાસ્સી વાર સુધી એના મનમાં જે આવ્યું તે બોલતી રહી, રડતી અને એક સ્કિઝોફ્રેનિક જેવું વર્તન કરતી રહી...

વૈભવી ખાસ્સી વાર સુધી એમ જ જમીન પર સૂઈને રડતી રહી. રાજેશ, અંજલિ અને જાનકીએ એને ઊભી કરવાનો, સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અંજલિએ બધાને ધક્કા માર્યા. એ જાણે પાગલપનથી પીડાતી મનોરોગી હોય એમ એકલી એકલી બબડી રહી હતી. એના વાળ વીખરાઈ ગયા હતા. આંખોમાંથી અવિરત આંસુ જઈ રહ્યાં હતાં. એ ઘડીકમાં હસતી, ઘડીકમાં રડતી, ઘડીકમાં જોરજોરથી બૂમો પાડતી તો ઘડીકમાં હાથ જોડીને કરગરવા લાગતી. આ બધું ખાસ્સા સમય સુધી ચાલ્યું. પછી રાજેશે એને બે હાથમાં ઊંચકીને એના ઓરડામાં લઈ જઈને સૂવડાવી. વૈભવીને જાણે પોતાના શરીરનું ભાનજ નહોતું...

એને એના રૂમમાં મૂકીને નીચે આવ્યા પછી રાજેશે વસુમાને કહ્યું, ‘‘સાઇકિયાટ્રિસ્ટને બોલાવવા જોઈએ, ભાભીની તબિયત ખરેખર સારી નથી.’’

‘‘તમે કોઈને ઓળખતા હો તો ફોન કરો.’’ વસુમાએ કહ્યું, ‘‘મને પણ લાગે છે વૈભવીને ટ્રીટમેન્ટની જરૂર છે.’’

પછી એમણે અભયને ફોન જોડ્યો, ‘‘અભય... ઘેર આવી જા બેટા, વૈભવીની તબિયત સારી નથી.’’

‘‘ફરી શું થયું ?’’ અભયના અવાજમાં પહેલાં ક્યારેય નહોતી સાંભળી એવી બેફિકરાઈ હતી.

‘‘એણે માનસિક સંતુલન ગુમાવ્યું છે.’’

‘‘નાટક છે બધા, આપઘાત જેવા જ...’’

‘‘આ વખતે એ સાચી છે બેટા, હું જોઈ શકું છું કે એ પારાવાર તકલીફમાંથી પસાર થાય છે. કમ હોમ ઇમિડિયેટલી.’’ અને એમણે ફોન મૂકી દીધો.

અભય વિચારમાં પડી ગયો. માએ આવી રીતે ક્યારેય વાત નહોતી કરી...

ગાડીમાં બેસીને અભયને પહેલો વિચાર પ્રિયાનો આવ્યો, ‘‘જો વૈભવીની આ જ સ્થિતિ રહી તો સિંગાપોર જવું અઘરું પડશે... ઘરે જઈને ગમે તેમ કરીને એને પટાવી લેવી પડશે... મારે જવું જ છે, કોઈ પણ હિસાબે !’’ અભયે ગાંઠ વાળી અને સેલફોન કાઢ્યો.

‘‘બોલો !’’ પ્રિયાના અવાજમાં વહાલનો નશો છલકાતો હતો.

‘‘બોલવા જેવો ક્યાં રાખ્યો છે તેં ?’’ અભયે રોમેન્ટિક અવાજે કહ્યું.

‘‘ઘરેથી બોલો છો ?’’ પ્રિયાને સતત વૈભવીનો ડર રહેતો.

‘‘ના, ઘરે જઈ રહ્યો છું.’’

‘‘અત્યારે ? ઓફિસ નથી આવવાના ?’’ અભય પોતાની સરકારી ઓફિસથી સાંજે એના બિઝનેસની ઓફિસ પર જતો.

‘‘ના. તું જોઈ લેજે, માનો ફોન હતો. વૈભવીની તબિયત ખરાબ છે.’’

‘‘શું થયું છે ?’’ પ્રિયાના અવાજમાં સાચે જ ચિંતા ઊતરી આવી, ગઈ કાલે એ બે જણા વચ્ચે જે કંઈ થયું એ પછી પ્રિયાને થોડું ગિલ્ટ અને થોડો ભય લાગી જ ગયો હતો. એમાં અભયે આ સમાચાર આપીને એને સહેજ વધુ ડરાવી.

‘‘નથિંગ યાર ! તું તો જાણે છે વૈભવીને, આજે આપણે જવાના છીએ એટલે કંઈ ને કંઈ થશે એવી મને ખબર જ હતી.’’ અભયે મક્કમ અવાજે ઉમેર્યું, ‘‘પણ આપણે જઈએ છીએ એ નક્કી છે, બાય ઓલ મીન્સ...’’

‘‘હેન્ડ્‌સ ફ્રી છે ?’’

‘‘નથી, પણ અત્યારે રસ્તો સાવ ખાલી છે.’’

પ્રિયા અને અભય વાતે ચડી ગયાં. અભય પ્રિયાની સાથે જાણે ટીનેજર છોકરા જેવો બની જતો. હજી હમણાં જ છૂટા પડ્યા હોય તોય ફોન કરવો, વાતો કરવી... અમસ્તો અમસ્તો ફોન કરીને, ‘‘આઇ લવ યુ’’ કહેવું !

ચાળીસી વટાવી ગયેલા અભયને ધોળા વાળ સાથે પોતાની જાતને અરીસામાં જોઈને ઘણી વાર નવાઈ લાગતી. આ છોકરીએ જાણે એને ફરી જુવાન કરી દીધો હતો. જુવાનીનાં જે વર્ષો એણે ઘર અને કુટુંબની જવાબદારીમાં કાઢ્યાં એ વર્ષો આ છોકરીએ એને પાછાં આપ્યાં હતાં.

‘‘સ્વીટ હાર્ટ ! હું તો સિંગાપોરના વિચારે જ થ્રીલ થઈ ગયો છું. એક મિનિટ માટે પણ દૂર નહીં જવા દઉં...’’

‘‘હું શું કામ દૂર જાઉં તમારાથી ? અભય, તમારી સાથે આમ રાત-દિવસ રહેવાનું સપનું છે મારું. આંખ ઊઘડે ત્યારે અને મીંચુ ત્યારે તમારા પડખામાં હોઉં એનાથી વધારે હું નસીબ પાસે શું માગી શકું ?’’

વાતો ચાલુ હતી અને બેધ્યાન અભય અચાનક જ ખ્યાલ આવ્યો કે એની ગાડી ડાબી બાજુ ખેંચાઈ રહી હતી. ગાડીમાં પંક્ચર હતું કદાચ. અભય સ્ટિયરિંગ કન્ટ્રોલ કરે અને બ્રેક મારે ત્યાં સુધીમાં તો ગાડી ડાબી બાજુ આવેલી ઝૂંપડપટ્ટીની સાવ નજીક પહોંચી ગઈ હતી. એ કંઈ સમજે એ પહેલાં ઝૂંપડપટ્ટીની બહાર બેઠેલા એક માણસની ઉપર ગાડી ચડી જવાની તૈયારીમાં હતી.

અભયે હતી એટલી તાકાતથી બ્રેક મારી. માણસ તો બચી ગયો, પણ અભયની ગાડી આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગઈ. ડાબી બાજુ ખેંચાતી ગાડી ડામરના પીપ સાથે અથડાતી, બે ગાડીઓને પડખામાં ગોબા પાડતી, સીધી જઈને ઇલેક્ટ્રિકના થાંભલામાં ઘૂસી ગઈ. વિન્ડ સ્ક્રીન તૂટીને ગાડીની અંદર પડ્યો. સ્ટિયરિંગ અભયની છાતીમાં એટલા જોરથી વાગ્યું કે એ ત્યાં જ બેભાન થઈ ગયો. અભયનું માથું ગાડીના હોર્ન પર પડ્યું અને હોર્ન વાગવા લાગ્યું. પ્રિયાનો ફોન હજુ ચાલુ જ હતો...

અભયના મોઢામાંથી નીકળેલું, ‘‘ઓહ શીટ’’... ધડાકાઓ, ગાડીની બ્રેકનો અવાજ અને હોર્નનો અવાજ સાંભળીને પ્રિયાએ ફોનમાં ઘણી બૂમો પાડી, પણ અભય બેભાન થઈ ગયો હતો.

પ્રિયા ઓફિસમાંથી બેબાકળી બહાર નીકળી.

એ ઘરના રસ્તે અભયને શોધતી પહોંચી ત્યારે ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઈકે અભયને ગાડીમાંથી બહાર કાઢ્યો હતો. એની પાંસળી તૂટી ગઈ હતી. નાકમાંથી લોહી વહી રહ્યું હતું અને બેભાન અભયને રસ્તા પર સૂવડાવ્યો હતો. પોલીસ હાજર થઈ ગઈ હતી. અભયના સેલફોનનો પત્તો નહોતો. એના પાકિટમાંથી મળેલા લાઇસન્સ પરથી પોલીસ પંચનામું કરી રહી હતી.

પ્રિયા ગાડી પાર્ક કરીને હાંફળી-ફાંફળી ત્યાં પહોંચી.

અભયને જમીન પર સૂતેલો જોઈને એના નકમાંથી વહીને સુકાઈ ગયેલું લોહી જોઈને પ્રિયાનો જીવ ઊડી ગયો. એણે દોડીને અભયનું માથું ખોળામાં લીધું. પોતાના હાથમાંની પાણીની બોટલમાંથી અભય પર પાણી છાંટ્યું.

‘‘તમે ઓળખો છો, આમને ?’’

પ્રિયાએ ડોકુ હલાવીને હા કહી. એને ડૂમો ભરાઈ ગયો હતો.

‘‘કેવી રીતે ઓળખો ?’’ હવાલદારે કાગળમાં વિગતો નોંધવા માંડી. પ્રિયાને રડતી જોઈને એણે પૂછ્‌યું, ‘‘શું થાય તમારા ?’’

‘‘સર્વસ્વ.’’ પ્રિયાએ સ્વગત કહ્યું અને હવાલદારની સામે જોઈને કહ્યું, ‘‘મારા બોસ છે.’’

‘‘ખાસ ચિંતા જેવું નથી. એમને હોસ્પિટલ લઈ જાવ. મેં બધું નોંધી લીધું છે.’’

‘‘જી.’’ પ્રિયાએ મદદ માટે આસપાસ જોયું. ભેગી થયેલી ભીડમાંથી બે-ત્રણ જણા આગળ આવ્યા. બેભાન અભયને પ્રિયાની ગાડીમાં પાછળ સૂવડાવ્યો.

હોસ્પિટલમાં પહોંચીને અભયની સારવાર શરૂ થઈ ગઈ. પ્રિયાનું રડવું કોઈ રીતે અટકતું નહોતું. ડોક્ટરે એના ખભે હાથ મૂકીને આશ્વાસન આપ્યું, ‘‘ડોન્ટ વરી, રિબમાં ક્રેક છે. એનાથી વધારે કંઈ નથી થયું.’’

અભય ભાનમાં આવી ગયો હતો.

પ્રિયા નજીક જઈને એને વળગી પડી.

‘‘આહ !’’ અભયને પાંસળીની ક્રેક દુઃખી આવી, ‘‘થેન્કસ પ્રિયા!’’

‘‘સ્ટૂપીડ ! મેં પહેલાં જ કહ્યું હતું, હેન્ડ્‌સ ફ્રી વિના ગાડી નહીં ચલાવવાની. તમને કંઈ થઈ જાત તો ?’’

‘‘તારી સાથે વાતો કરતા કરતા આંખ મીચાય એનાથી વધારે શું જોઈએ મને ?’’

‘‘નેવર સે ધેટ.’’ પ્રિયા હજી રડી રહી હતી.

‘‘ઘરે જણાવ્યું ?’’

પ્રિયાએ ડોકું ધુણાવીને ના પાડી.

‘‘લેન્ડલાઇન પર ફોન કરીને માને કહી દે.’’

પ્રિયા પોતાના સેલથી ફોન લગાડવા લાગી, પણ લેન્ડ લાઇન સતત એન્ગેજ હતી.

ઘણી વાર થઈ છતાં અભય ના પહોંચ્યો એટલે વસુમાને સહેજ ચિંતા થઈ હતી. રાજેશ ક્યારનો અભયના સેલ પર ફોન કરતો હતો. પણ એ બંધ મળતો હતો.

હવે વૈભવી પ્રમાણમાં સહેજ શાંત થઈ હતી. ડોક્ટરે આવીને એને ઇન્જેકશન આપ્યું હતું. એની આંખો ઘેરાવા લાગી હતી, ‘‘અભય આવ્યા ?’’ એણે પૂછ્‌યું.

વસુમાએ રાજેશની સામે જોયું.

‘‘ફોન બંધ મળે છે.’’ રાજેશે ખૂબ ધીમેથી કહ્યું.

‘‘પેલીની સાથે જ હશે. હું મરું કે જીવું, હવે એમને નથી પડી.’’ વૈભવીનો આક્રોશ ફરી ભભૂકી ઊઠ્યો.

વસુમા એક ક્ષણ માટે વૈભવી સામે જોઈ રહ્યા. પછી કોણ જાણે શું વિચારીને એમણે અજયને કહ્યું, ‘‘પ્રિયાનો ફોન લગાડ અજય ! ’’

વૈભવીના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવી ગયું.

રાજેશે ડાયરીમાં જોઈને પ્રિયાનો ફોન લગાડ્યો, ‘‘હું ક્યારની ઘરે ટ્રાય કરું છું.’’

‘‘અમે અભયભાઈને ટ્રાય કરીએ છીએ.’’ પછી સહેજ અચકાઈને રાજેશે પૂછ્‌યું, ‘‘અભયભાઈ તમારી સાથે છે ?’’

‘‘અભયને એક્સિડેન્ટ થયો છે. એ અહીં સાન્તાક્રૂઝ ખારાવાલા ક્લિનિકમાં છે. જોકે િંચતા જેવું નથી. હી ઇઝ ફાઇન નાઉ...’’

‘‘ઓહ માય ગોડ ! અમે હમણાં જ પહોંચીએ છીએ.’’ પછી ફોન મૂકીને વસુમાને કહ્યું, ‘‘અભયભાઈને એક્સિડેન્ટ થયો છે.’’

‘‘મને ખબર જ હતી. આ છોકરી મારા અભયનો જીવ લેશે.’’ વૈભવીએ મોટી પોક મૂકી.

પહેલા દિવસનું શૂટ પૂરું થઈ ગયું હતું.

ધાર્યા કરતા ઘણું વધારે કામ થયું હતું. અલય જુદા જ મૂડમાં હતો.

રાત્રે અનુપમાએ અલયનો રૂમ નોક કર્યો ત્યારે અગિયાર વાગ્યા હતા. અનુપમાએ ખાસ્સી વાર રાહ જોઈ કે કદાચ અલય એના રૂમમાં આવે. બીજા દિવસના સીન ડિસ્કસ કરવા, કોશ્ચ્યુમની ચર્ચા કરવા કે બીજા કોઈ પણ કારણસર... પણ જ્યારે અલય ના જ આવ્યો ત્યારે અનુપમાની ધીરજ ના રહી. એ અલયના રૂમ પાસે આવી પહોંચી.

‘‘કમ ઇન.’’ અલયનો એ જ બેફિકર, બેધ્યાન અવાજ સાંભળીને અનુપમાને રોમાંચ થઈ ગયો.

‘‘બિઝી કે બીજી ?’’ અનુપમાએ દાખલ થઈને પૂછ્‌યું.

‘‘બે તો છે, હવે તો ત્રીજી કહેવાય.’’ અલયે અનુપમાની સામે જોઈને સ્મિત કર્યું, ‘‘આવ. હું રાહ જ જોતો હતો.’’

અનુપમાને પગથી માથા સુધી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. ‘‘...તો અલય મારી રાહ જોતો હતો !!’’ એ આવીને અલયના ખભા પર હાથ મૂકીને ફાઇલમાં ઝૂકી, ‘‘શું કરે છે ?’’

‘‘કાલની તૈયારી. મજૂર બીજું શું કરે ?’’

‘‘મને આવો મજૂર બહુ ગમે.’’ અનુપમાએ કહ્યું અને તોફાની નજરે અલય સામે જોઈને પૂછ્‌યું, ‘‘મજૂર સ્કોચ પીશે ?’’

‘‘મેડમ પીવડાવશે તો પીશે.’’ અલયે કહ્યું અને પાછો ફાઇલમાં ખોવાઈ ગયો. દરમિયાનમાં અનુપમાએ સ્કોચ અને મન્ચિંગ ઓર્ડર કર્યું. બધું આવી ગયું અને ગોઠવાઈ ગયું ત્યાં સુધી અલય કામ કરતો રહ્યો. પછી અનુપમાએ જઈને એની પાસેથી ફાઇલ ખેંચી લીધી.

‘‘ટનનનનન... ઇન્ટરવલ.’’

‘‘અરે, બાર વાગી ગયા! ’’ અલયે ઘડિયાળ જોઈ, ‘‘ખબર જ ના પડી !’’

‘‘મારી સાથે રહીશ તો સમય ક્યાં વીતી જશે એ ખબર જ નહીં પડે...’’ અનુપમાએ અવાજમાં હસકીબેઇઝ ઉમેરીને કહ્યું. એની લાંબી પાંપણો એની આંખો પર ઝૂકી આવી હતી. ચહેરા પર ફરી એવો જ ઉન્માદ છવાયો હતો, જે શૂટિંગના પહેલા દિવસની સાંજે એના ઘરમાં હતો.

અલયના રૂમની ચૌદ ફૂટ લાંબી-પહોળી એક એવી ત્રણ ગ્લાસ વિન્ડોમાંથી સીધો દરિયો દેખાતો હતો... કાળા અંધકારમાં જાણે દરિયાનું પાણી પણ કાળું થઈ ગયું હતું. બીચ પર લાગેલા લેમ્પપોસ્ટના અજવાળાનાં ચકરડાં પડતાં અને રેતી સોનેરી દેખાતી હતી. અનુપમાએ ઊભા થઈને સ્લાઇડિંગ વિન્ડ ખોલી નાખી. દરિયાનો ખારો, ફફરાટ કરતો પવન ઓરડામાં ધસી આવ્યો.

‘‘અલય, થેન્ક્સ ફોર એવરીથિંગ.’’

‘‘કેમ અચાનક ? ’’

‘‘ગઈ કાલ સવારથી આજના દિવસ સુધી તેં જે કંઈ આપ્યું અને કર્યું એ બધું જ અદભુત હતું !’’

‘‘આ બંધબારણે ચાલતી વાતચીત કોઈ બહારથી સાંભળે તો રંગીન કલ્પનાઓ કરવા માંડે, અનુપમા ઘોષ, મેં કઈ જ કર્યું નથી. ઇનફેક્ટ, તેં મારા મનમાં જે કેરેક્ટર હતું એને જીવતું કરી બતાવ્યું છે. મને એવી ખબર હતી કે તું સારી એક્ટ્રેસ છે. પણ આટલી સારી એક્ટ્રેસ છે એવી ખબર નહોતી.’’

‘‘અહં...’’ અનુપમા હજીયે ઉન્માદી તોફાની આંખે જોઈ રહી હતી, ‘‘કર કર, મારા વખાણ કર. મને ગમે છે...’’

‘‘તું લાયક છે એને...’’ અલયે કહ્યું, ‘‘આજના બે સીન આ ફિલ્મની હાઇલાઇટ બની જશે ! કેટલું પેશન અને સમર્પણ હતું તારી આંખોમાં. તેં અભિષેક સાથે દરિયા કિનારે જે ફિઝિકલ સિકવન્સ કર્યો એ કેટલો રિયાલિસ્ટિક હતો એ ખબર છે તને ?’’ અલયના અવાજમાં ઉત્સાહ છલકાતો હતો.

‘‘ખબર છે મને, પણ કેમ હતો એની તને ખબર છે ?’’ જાણે ચાવી દીધેલું પૂતળું હોય એમ અનુપમા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને અલયની પાસે આવીને ઊભી રહી ગઈ, ‘‘ત્યાં અભિષેક નહોતો, તું હતો અલય.’’

‘‘વ્હોટ રબીશ...’’ અલયને લાગ્યું કે જાણે એનો પોતાનો અવાજ ધ્રૂજી ગયો. એણે ધાર્યું નહોતું કે આ છોકરી આમ આવી રીતે પોતાની વાત કહી દેશે. અનુપમાનું એના માટેનું આકર્ષણ એનાથી અજાણ્યું નહોતું જ. પણ આજે જે અનુપમાની આંખોમાં હતું એ સાવ જુદું, સાવ અજાણ્યું લાગ્યું એને. એણે પોતાની ખુરશીમાંથી ઊભા થઈને ખસી જવું હતું. કોણ કાણે કેમ એને લાગ્યું કે એ પોતાની જાત પરનો કાબૂ ખોઈ રહ્યો છે.

‘‘હું સાચું કહું છું અલય...’’ અનુપમાએ અલયને ઝૂકીને બે ગાલથી પકડી લીધો. એના અને અલયના હોઠ વચ્ચે ફક્ત એક આંગળી પસાર થઈ શકે એટલું જ અંતર હતું, ‘‘હું અભિષેકની જગ્યાએ તને, માત્ર તને કલ્પી રહી હતી...’’

‘‘મૂરખ છે તું.’’ અલય ઊઠવા ગયો, પણ એના હોઠ અનુપમાના હોઠ સાથે અથડાઈ ગયા. અનુપમાએ આંખ મીંચીને અલયને એક ઊંડું પ્રગાઢ ચુંબન કરવા માંડ્યું. અલયે અનુપમાના બે હાથ વચ્ચેથી પોતાનો ચહેરો છોડાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ અનુપમાના મનમાં એ એરપોર્ટ ઉપર પોતાને સાચવીને ભીડમાંથી લઈ જતો અલય એવો તો છવાઈ ગયો હતો કે જે માણસે પોતાનું સન્માન બચાવ્યું એને સર્વસ્વ સમર્પિત કરવાના દૃઢ ઇરાદાથી એણે અલયને પીગળાવવા માંડ્યો હતો...

સૂર્યકાંતનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એમને લાગ્યું કે કોઈકે એમની છાતીની આસપાસ કચકચાવીને દોરડું લપેટ્યું છે... એ છૂટવા તરફડવા માંડ્યા...

અચાનક જ એમની સામે યશોધરા આવીને હસવા લાગી, એની બાજુમાં ઊભેલો શૈલેષ સાવલિયો બઘવાઈ ગયો હતો. મૂછનો દોરોય નહોતો ફૂટ્યો, પણ ગળામાં સોનાનો દોરો ને હાથમાં દસ આંગળીએ વીંટીઓ હતી. યશોધરા એના ખભે હાથ મૂકીને ઊભી હતી. એના ચહેરા પર નફ્ફટાઇ અને બેશરમી હતી.

સ્મિતાએ એના ફોટામાંથી બહાર નીકળીને સૂર્યકાંતની આંખોમાં આંખો પરોવી, ‘‘સૂર્યકાંત, શું થયું મારા દીકરાને ? સોંપ્યોને તમને ? વચન આપ્યું હતું તમે...’’

દેવશંકર મહેતા અને ગોદાવરી એકબીજાના ટેકે આવીને સૂર્યકાંતના ઓરડામાં ઊભાં રહી ગયાં, ‘‘મને તો ખબર જ હતી, તારાથી શેક્યો પાપડેય ભંગાય એમ નથી. એક છોકરાને મારી નાખ્યો, હવે બીજાનોય જીવ લઈશ ?’’

‘‘ઊઠ મારા દીકરા... જા, તારો પરિવાર તારી રાહ જુએ છે... ક્યાં સુધી ભાગતો ફરીશ તારી જવાબદારીઓથી ?’’ ગોદાવરીની આંખોમાં ઝર ઝર આંસુ વહેતાં હતાં.

સ્મિતાએ સૂર્યકાંતને પકડીને હચમચાવી નાખ્યા, ‘‘મારો દીકરો... સૂર્યકાંત, ક્યાં છે મારો દીકરો ?’’

યશોધરા સૂર્યકાંતની સામે ખડખડાટ હસતી ખુલ્લા ફગફગતા વાળે ઊભી હતી. ચણિયાચોળીમાં ઊભેલી યશોધરાની ચોળીનાં બે-ચાર બટન ઉઘાડાં હતાં, ‘‘તેં શું માન્યું હતું ? હું પ્રેમના નામે જીવ આપી દઈશ ? જા, જા... મને તો દેવશંકર મહેતાના દીકરામાં રસ હતો. ફતનદેવાળિયા, લાખોનું દેવું માથે લઈને યશોધરાનું રૂપ ભોગવવું છે તારે ?’’ યશોધરાની બાજુમાં ઊભેલો શૈલેષ થરથર ધ્રૂજતો હતો...

શ્રીજી વિલાના ઓટલે બેઠેલી વસુંધરા અને પાછળ ઊંઘી ગયેલો અભય, ખોળામાં માથું મૂકીને ઊંઘતો અજય અને ખભે માથું નાખીને રડતો અલય... અચાનક જ જાગીને જોરથી રડવા લાગ્યા હતાં... વસુની આંખોમાં એમને જે દેખાતું હતુંં એ નાભી સુધી વલોવી નાખતું હતું...

યશોધરા, શૈલેષ, દેવશંકર, ગોદાવરી, અજય, અભય, અલય, વસુંધરા, સ્મિતા, રોહિત... વારાફરતી એની સામે આવતાં હતાં અને કાન ફાડી નાખે એવા અવાજે એને સવાલો પૂછતા હતા...

સૂર્યકાંત છાતી પર ડાબી તરફ હાથ દબાવતા ઊભા થવા ગયા, પણ જમીન પર ફસડાઈ પડ્યા...

(ક્રમશઃ)

Rate & Review

Dilip Pethani

Dilip Pethani 2 days ago

Chhotalal

Chhotalal 1 month ago

Hemant Sanghvi

Hemant Sanghvi 2 months ago

Sukesha Gamit

Sukesha Gamit 3 years ago

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 months ago