Nakshano bhed - 14 - last part books and stories free download online pdf in Gujarati

નકશાનો ભેદ - 14 - છેલ્લો ભાગ

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૪ : એ રાતે...

છોકરાંઓને માટે એ રાત અવિસ્મરણીય બની ગઈ.

રતનજી ભીમજી ઝવેરીની દુકાને બનાવટી લૂંટ થવાની હતી. એ લૂંટ રાતના નવ વાગ્યા પછી જ થાય એમ હતું. ચિઠ્ઠીમાં પણ રતનજીએ પોતાના સાગરીત તનસુખને લખ્યું હતું કે શનિવારની રાત લૂંટ માટે અનુકૂળ રહેશે. એટલે કે જે કાંઈ બનવાનું હતું તે રાતના નવ પછી બનવાનું હતું. પરંતુ ડિટેક્ટિવ મંડળીનો ઉત્સાહ અપાર હતો. બેલા, વિજય અને જ્ઞાન છેક આઠ વાગ્યાથી મિહિરની પ્રયોગશાળામાં પહોંચી ગયાં હતાં. અને સૌ મિહિરના ટેબલ ઉપર ગોઠવાયેલા પોલીસ બેન્ડ રેડિયો સામે તાકી રહ્યાં હતાં. એવી રીતે તાકી રહ્યાં હતાં જાણે એ કોઈ દૈવી ચીજ હોય અને એમાંથી દૈવી આકાશવાણી સંભળાવાની હોય.

મિહિરે રેડિયો સેટને બરાબર પોલીસ પ્રસારણની ખાસ ફ્રિકવન્સી ઉપર ગોઠવી રાખ્યો હતો. એને ચાલુ પણ રાખ્યો હતો, પરંતુ કશું પ્રસારણ આવતું નહોતું. એથી જાણે દિવાળીનાં તડતડિયાં ફૂટતાં હોય એમ, એની અંદરથી તડાતડ અવાજ જ આવતો હતો.

બરાબર આઠ ને ચાલીસ મિનિટે એની અંદરથી એક અવાજ સંભળાયો :

“પાર્ટી ઘેરથી નીકળી રહી છે. પોતાની લાલ મોટરસાયકલ ચાલુ કરે છે. એનો નંબર અમે નોંધી લીધો છે.”

તનસુખ બારોટના રહેઠાણે ચોકી રાખતા કોઈ પોલીસવાળાનો એ અવાજ હતો. બીજી જ ઘડીએ ઇન્સ્પેક્ટર કાચવાલાનો અવાજ સંભળાયો :

“પાર્ટીને શંકા ન પડે એવી રીતે પીછો કરો. જોજો. એ નજર બહાર જાય નહિ.”

બેલાએ બરાબર એ જ વખતે ઓરડામાં નજર ફેરવી. એ બોલી ઊઠી, “પોલીસનું એકેએક પગલું જાણવા મળશે, હેં ને ? કેવી મજા ! પણ હજુ મનોજ કેમ દેખાતો નથી ?”

એ બોલી ત્યારે જ સૌને ખ્યાલ આવ્યો કે મનોજ હજુ આવ્યો નહોતો. એ જરા અચરજની વાત તો હતી જ. કારણ કે ડિટેક્ટિવ કામના કોઈ મામલામાં એ ગેરહાજર રહે એવું તો બને જ નહિ.

આખરે જ્ઞાને અનુમાન કર્યું, “ચિંતા ન કર, બેલા. એ કદાચ ગુંચવાયો હશે. આજના આ મહત્વના પ્રસંગે કયાં કપડાં પહેરવાં એની પસંદગી કરતો હશે !”

બધાં મનોજના એ મિથ્યાભિમાનને જાણતાં હતાં એટલે હસી પડ્યાં. અને વળી પોલીસ રેડિયો તરફ ધ્યાન આપવા લાગ્યાં. બરાબર એ જ વખતે રેડિયો ઉપર સમાચાર આવ્યા કે, ‘પાર્ટી’ એટલે કે તનસુખ બારોટ ગાંધી રોડના ઊંચા ઢાળ તરફ આગળ વધે છે.

એ સંદેશો પૂરો થયો કે તરત વળી બેલાએ પૂછ્યું, “મિહિર, તને મનોજે કશું કહ્યું હતું – હું મોડો આવીશ કે એવું કશું ?”

પણ મિહિરને અત્યારે મનોજ કરતાં વધુ રસ પોલીસ રેડિયોમાં હતો. એ બોલ્યો, “શીસ્ ! સાંભળો ! હવે ખરાખરીનો ખેલ શરૂ થાય છે.”

ખેલ ખરેખર શરૂ થઈ રહ્યો હતો. તનસુખનો પીછો કરનાર પોલીસ વાનમાંથી સંદેશો આવ્યો : “પાર્ટી હવે રતનજી ભીમજીની દુકાને જ જઈ રહી છે...”

એટલામાં એક બીજો અવાજ આવ્યો :

“પોલીસ વાન નંબર ત્રણમાંથી હું ચિમન બેલીમ બોલું છું. પાર્ટીએ પોતાની મોટરસાયકલ ઝવેરીની દુકાનની પાછળની ગલીમાં ઊભી રાખી છે...”

બેલાનો અવાજ હવે તો રડવા જેવો થઈ ગયો. એ બોલી, “આ મનોજિયો આવે ત્યાં સુધીમાં તો અહીં ખેલ ખતમ થઈ જશે !”

પરંતુ ઓરડામાં બેઠેલા ત્રણેય છોકરાઓને બેલાનાં એ રોદણાં તરફ ધ્યાન ધ્યાન આપવાની ફુરસદ જ નહોતી. એમનું પૂરેપૂરું ધ્યાન રેડિયોમાં હતું. અને રેડિયો ઉપર હવે ઇન્સ્પેક્ટર કાચવાલાનો અવાજ સંભળાતો હતો :

“સાવધાનીથી દુકાનને ઘેરી વળો. પણ હું ન કહું ત્યાં સુધી કશું કરશો નહિ.”

ત્યાં તો સ્થળ પરના પોલીસવાળાએ અહેવાલ આપવા માંડ્યો : “સાહેબ ! પાર્ટી હવે દુકાનના પાછલા બારણા તરફ ચાલતી જઈ રહી છે. બારણું ખૂલ્લું રાખવામાં આવ્યું હોય એમ લાગે છે... એય ! અરે !!”

પોલીસવાળો જાણે કશુંક નવાઈભર્યું જોયું હોય, કશુંક અણધાર્યું જોયું હોય એમ ડઘાઈને ચૂપ થઈ ગયો.

કાચવાલાનો ચિંતાતુર અવાજ સંભળાયો : “શું થયું ? કશી મુસીબત ઊભી થઈ ?”

પોલીસવાળો બોલ્યો, “સાહેબ ! આ તો એક નહિ પણ બે લૂંટારા લાગે છે !”

કાચવાલાનો અવાજ ફાટી ગયો, “શું કીધું ?”

પોલીસવાળો કહે, “ખરેખર, સાહેબ ! પાર્ટી દુકાનની અંદર પેઠી છે અને હવે એક બીજી પાર્ટી નજીકના અંધારામાંથી ફૂટી નીકળી છે. અહીંથી બરાબર દેખાતું નથી... એ કોઈ ઠીંગુ છે... ચાર-સાડાચાર ફૂટની ઊંચાઈ... પાર્ટી જે બારણામાં પેઠી એમાં જ... અરે, આ તો કોઈ છોકરો છે ! એ બારણે ઊભો છે અને જાણે કશુંક સાંભળતો હોય એમ કાન માંડ્યા છે...”

બેલાની ચીસ ફાટી નીકળી : “છોકરાઓ ! તમે શું ધારો છો ? એ જ આપણો મનોજ...! ઓ ભગવાન, છોકરાઓ એટલે જ મૂર્ખતા !”

તનસુખની પાછળ અંધારામાંથી ફૂટી નીકળેલો છોકરો કોણ છે એ કાચવાલાને પણ સમજાઈ ગયું. એ ધૂંધવાઈ ઊઠ્યા : “ગધેડો ! ખોલકો ! મૂરખનો સરદાર ! એ છોકરો જો અંદર પેસશે તો બધો ખેલ ખતમ કરી નાખશે ! ગુંડો કદાચ એને બાન પકડે... કદાચ હથિયાર ચલાવે... નાલાયક મરી જશે ક્યાંક ! તમે પાર્ટીને વહેમ ન જાય એ રીતે એ છોકરાને ઝડપી લઈ શકશો ?”

પોલીસવાળાએ કહ્યું, “ના, સાહેબ ! એ છેક બારણામાં જઈને ઊભો છે.”

હવે ડિટેક્ટિવો બાઘા જેવાં બનીને એકબીજાંની સામે તાકી રહ્યાં. દરેકની આંખમાં પ્રશ્નો હતા :

- મનોજ ગુંડાને હાથે ઝડપાઈ જાય તો ?

- ગુંડા પાસે હથિયાર હોય તો ?

- મનોજ ગભરાઈ જશે ?

- કે ગુંડો ગભરાઈ જશે ?

- મનોજ મરી જાય તો પોલીસ ખાતાના માનમરતબા સહિત એની સ્મશાનયાત્રા નીકળે ખરી ? એને કેટલી તોપોની સલામી મળે ?

- મનોજ ન હોય તો પછી ડિટેક્ટિવ એજન્સીનું કામ કોણ આગળ ચલાવે ?

આવા અનેક અનેક સવાલો સાથે છોકરાંઓ બેસી રહ્યાં હતાં. ચિંતા કરતાં હતાં. એટલામાં વળી રેડિયો બોલ્યો : “ ઇન્સ્પેક્ટર સાહેબ ! અમે પાર્ટીને પકડી લીધી છે. એલાર્મ સીસ્ટમ ખોરવવાની કોશિશ દરમિયાન એની ધરપકડ કરી છે.”

પરંતુ ઇન્સ્પેક્ટર કાચવાલાના દિમાગ પર પણ એ સવાલ સવાર હતો જે ટાબરિયાંઓને પણ સતાવતો હતો. એમણે પહેલાં તો એ સવાલ પૂછ્યો :

“પેલા છોકરાનું શું થયું ?”

પોલીસવાળાનો જવાબ આવ્યો :

“એ સલામત છે. એક બારીના કાચમાંથી અંદર ડોકિયું કરતો એને અમે પકડી લીધો છે. એ કહે છે કે, મારું નામ મનોજ છે અને આ મારો કેસ છે. જરાક ખસેલી ખોપરીનો છોકરો લાગે છે. અને સાહેબ ! એ કહે છે કે, હું પોલીસ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છું. માળો સાવ ગાંડિયો લાગે છે. મને તો થાય છે કે એને બે અડબોથ મેલીને તગેડી મૂકું...”

ઇન્સ્પેક્ટર કાચવાલાનો ઉતાવળો અવાજ આવ્યો :

“ના, ના ! એને મારશો-ઝૂડશો નહિ. ગુનેગારની સાથે એને પણ અહીં લઈ આવો. આ છોકરો તો મારા માથાનો દુખાવો થઈ ગયો છે !”

બસ, એ પછી પોલીસ રેડિયો ચૂપ થઈ ગયો. તનસુખ બારોટને ઝડપી લેવાની પોલીસની કામગીરી પૂરી થઈ ગઈ હતી. પણ તનસુખની સાથે ઝડપાઈ ગયેલા મનોજનું શું ? ઇન્સ્પેક્ટર કાચવાલા એનું શું કરશે ? એને તમાચા મારશે ? એને હવાલાતમાં પૂરી દેશે ? ઇન્સ્પેક્ટર કાચવાલાએ એક વાર કહ્યું હતું કે પોલીસની કામગીરીમાં દખલ કરવી એ પણ એક ગુનો છે.

આવા અનેક વિચારો, શંકાઓ અને ભયોથી ઘેરાયેલાં બાળ-ડિટેક્ટિવો સૂનમૂન બેસી રહ્યાં. કોઈને એક અક્ષરેય બોલવાનું સૂઝતું નહોતું. પોતાનો આગેવાન આફતમાં હતો. એને છોડાવવો કેમ ?

એકાદ કલાક આમ વીત્યો હશે ત્યાં જ ઘરની બહાર એક મોટી મોટરગાડીનું હોર્ન સંભળાયું. મોટી ગાડીના મશીનનો અવાજ સંભળાયો. એ ચોક્કસ કોઈ પોલીસ વાન હતી. છોકરાંઓ બધાં હડુડુડુ કરતાં ઊઠ્યાં અને બહાર દોડ્યાં. પરંતુ તેઓ બંગલાને ઝાંપે પહોંચે તે પહેલાં તો પોલીસ વાન હમહમાટ કરતી ઊપડી ગઈ. એનો ધુમાડો દૂર થયો એટલે, જાણે ધુમાડાની અંદરથી અલાદીનનો જીન પ્રગટે એમ મનોજ... અં... સોરી... ડિટેક્ટિવ મનોજ પ્રગટ થયો ! પોલીસ વાન એને મૂકવા આવી હતી અને એને ઉતારીને જતી રહી હતી.

તરત જ સૌ છોકરાંઓ એને વીંટળાઈ વળ્યાં. બધાંને ભય હતો કે મનોજ વીલો પડી ગયો હશે. કદાચ રડતોય હશે, પોલીસ તમારી ધરપકડ કરે એ કાંઈ નાનીસૂની વાત છે ?

પણ મનોજ તો ખુશખુશાલ હતો, અભિમાની કૂકડાની જેમ છાતી ફુલાવીને ઊભો હતો, અને એની આંખો તો હમણાં જ આસમાનને હેઠું ઉતારી લાવવું હોય એમ ઊંચે મંડાયેલી હતી.

જ્ઞાને ચિંતા જાહેર કરી : “મનોજ ! તને કાચવાલાએ માર્યું-કારવ્યું તો નથી ને ?”

મનોજ કહે, “ના રે ! ઉલટાની શાબાશી આપી. ચા ને બિસ્કીટ ખવડાવ્યાં, અને છેક અહીં સુધી મૂકવા પોલીસ વાન મોકલી, બોલો !”

બેલાને આ વાત પૂરેપૂરી સાચી લાગી નહિ. એ બોલી, “રાતની વેળા તને મૂકવા પોલીસ વાન આવે એમાં શી નવાઈ ! પણ પહેલાં જરા એ તો કહે કે તું રતનજી ભીમજીની દુકાને કેમ ગયો ?”

મનોજ કહે, “મારે તો ગુનેગારને સપડાવવામાં સાથ આપવો જ જોઈએ ને ! આખરે આ મારો કેસ હતો અને મેં એને માટે કેટલી બધી મહેનત...”

બેલા તાડુકી ઊઠી, “તારો કેસ ? તારો એકલાનો ? તેં મહેનત કરી ? બીજાં સૌએ શું ઘાસ વાઢ્યું ? છી છી છી ! આ છોકરાનું અભિમાન તો જુઓ !”

મનોજ જાણે ઉદારતાથી કશુંક ઇનામ આપતો હોય એમ બોલ્યો, “અચ્છા, બાબા ! તમારીય સહેજ મદદ ખરી, બસ ?”

બેલાએ મોં મચકોડ્યું. “સહેજ મદદ ! છટ્ !”

હવે જ્ઞાને મનોજનો ઉધડો લેવા માંડ્યો, “અલ્યા મનોજ ! આપણને ઇન્સ્પેક્ટર કાચવાલાએ ગીતા ઉપર હાથ મુકાવીને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે આપણે એ દુકાન તરફ ન જવું, છતાં તેં એમની આજ્ઞા ઉથાપી, ખરું ને ? આપનાથી આવું કરાય ?”

મનોજ હસ્યો, “જ્ઞાન ! તું હજુ ડિટેક્ટિવ કામ માટે ઘણો કાચો છે. તને એજન્સીમાંથી ડિસમિસ કેમ ન કરવો, એ જ સવાલ છે. માળા મૂરખ ! જરા યાદ કર. દુકાન તરફ નહિ જવાની આજ્ઞા કાચવાલાએ ગીતાની પ્રતિજ્ઞા લેવડાવતાં પહેલાં કરી હતી. એટલે એ માનવાને બંધાયેલો તો હું નહોતો જ ને !”

મનોજે જ્યારે આમ કહ્યું ત્યારે સૌને સમજાઈ ગયું કે મનોજકુમાર મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના અવતાર હતા. પોતીકી બડાઈ હાંકવાનો એનો રોગ મોટી ઉંમરે કદાચ મટે તો મટે.

***

નકશાના ભેદનું આ પરાક્રમ આમ પૂરું થયું. એના બદલામાં એક દિવસના સ્પેશિયલ પોલીસ બનવાનું સૌને માન મળ્યું. એથી વિશેષ કશું ન મળ્યું. કારણ કે તનસુખ બારોટે એક તમાચાના બદલામાં ગુનો કબૂલી લીધો. રતનજી ભીમજીને ચાર તમાચાની જરૂર પડી. વીમા કંપનીને ઠગવાના એ બંનેના કાવતરાંના સમાચાર તો છાપાંઓમાં જરૂર છપાયા, પરંતુ ડિટેક્ટિવ મંડળીને કશો યશ ન મળ્યો. ખાલી એટલું લખવામાં આવ્યું હતું કે કેટલાંક સાવધ બાળકોએ ઇન્સ્પેક્ટર કાચવાલાને આપેલી માહિતી આ ગુનેગારોને પકડવામાં ઉપયોગી બની હતી.

બીજા દિવસની સાંજે મનોજના ઘરના ભોંયરામાં છાપાના સમાચારની વાત નીકળી. ત્યારે વિજયે કહ્યું, “હશે, સૌ સારું જેનું છેવટ સારું. બાકી, પેલા ભયંકર લૂંટારાની પાછળ તું પણ રતનજી ભીમજીની દુકાન તરફ જાય છે એવું સાંભળ્યું ત્યારે અમારા તો હોશ ઊડી ગયેલા. અમને થયું કે હવે મનોજનું અને એજન્સીનું આવી બન્યું !”

મનોજ વિજયી સેનાપતિની અદામાં મલકાયો અને બોલ્યો, “ચિંતા ન કર, વિજય ! હજુ તો મારે ઘણાંય પરાક્રમ કરવાનાં છે.”

(સમાપ્ત)