DESTINY (PART-29) books and stories free download online pdf in Gujarati

DESTINY (PART-29)


સમય જાણે થોભી ગયો હોય એવું લાગે.....! પણ હકીકત જોઈએ તો સમય ક્યારેય કોઈની માટે થોભતો નથી અને થોભશે પણ નહીં એ હકીકત સ્વીકારવી રહી. એવું કાંઈક નેત્રિ અને જૈમિકની વાતમાં પણ થયું.

જૈમિક નેત્રિની યાદમાં જાણે ગાંડો થઈ ગયો હોય એ રીતના એના વર્તન થવા લાગ્યાં. એક દિવસ એ બેઠો હતો ને એના એક મિત્રના ફોન પર ફોન આવવા લાગ્યાં. જૈમિકે સામાન્ય રીતે કોઈની પણ સાથે વાત કરવાનું ટાળ્યું હતું પણ વારંવાર આવતાં ફોનથી કંટાળીને એને થયું કાંઇક કામ હશે લાવ ઉપાડી લઉં.

ફોન ઉપડતા જ મિત્ર કહે છે કેવો માણસ છે ભાઈ તું તો સુરત છોડ્યા પછી યાદ પણ નથી કરતો ને હું યાદ કરું તો ફોન પણ નથી ઉઠાવતો.

સુરત છોડ્યા પછી તને ઘણીવાર ફોન કર્યાં છે પણ તું ભૂલી ગયો લાગે છે ને મિત્રને યાદ કરતાં રહેવું મને પણ ગમે જ છે પણ અત્યારે થોડાં કામમાં વ્યસ્ત હતો માટે ફોન નહોતો ઉઠાવી રહ્યો જૈમિક મિત્રને કહે છે.

હા ભાઈ......! ચાલ છોડ એ બધું એમ કે શું ચાલે છે .....? મિત્ર જૈમિકને પૂછે છે.

બસ ભાઈ શાંતિ જ છે એમ જૈમિક જણાવે છે.

શાંતિ હોય તો તો ખુબજ સારું ભાઈ....! ને શું કરે છે નેત્રિ.....? મિત્ર ફરીથી પૂછે છે.

ભાઈ તો સીધે સીધું તારે એમ કહેવું હતું ને કે મેં તારી માટે ફોન નથી કર્યો તમારી વાતના લીધે કર્યો છે. મને યાદ કરવાના ખોટા બહાના કેમ કાઢે છે જૈમિક એને જવાબ આપે છે.

હા ભાઈ.....! એ વાત કરવાં માટે જ ફોન કર્યો હતો ને હું જાણું છું કે એ માટે જ તું ફોન નહોતો ઉપાડી રહ્યો મિત્ર જણાવે છે.

તું જાણતો હતો તો પછી કેમ ફોન પર ફોન કર્યાં.....? જૈમિક મિત્રને પૂછે છે.

ભાઈ એટલું કહેવા માટે કે આ છોકરી તારા પ્રેમને લાયક જ નથી. તારી અને એની જોડી આમ પણ બરાબર નહોતી. એ છોકરી મને ખુબજ ઘમંડી લાગતી હતી. તને તો એનાથી સારી મળશે. એ એની જાતને વધારે પડતી હોશિયાર સમજતી હતી. એણે તારો ઉપયોગ કર્યો ખાલી સમય પસાર કરવા માટે, તારી લાગણીઓ સાથે રમવા ખાતર માટે તું હવે એને ભૂલીને આગળ વધી જા ભાઈ એમાંજ તારી ભલાઈ છે મિત્ર કહેતા કહેતા ઘણું બધું કહી જાય છે.

શાંતિ ભાઈ શાંતિ......! હું જાણતો જ હતો કે કોઈની સાથે વાત કરીશ તો આવીજ વાત હશે માટે જ હું વાત નથી કરતો કોઈ સાથે ને મારો એ નિર્ણય ખુબજ સાચો નીકળ્યો. પહેલી વાત કહી દઉં તને એજ કે તું મિત્ર છે માટે હું તને કાંઇ ખરાબ નહીં બોલું કેમ કે એ મારા સંસ્કાર કે સ્વભાવમાં નથી.

ને બીજી વાત એ કે તું નેત્રિ વિશે જાણે છે શું......? ફક્ત એટલું જ જેટલું મારી સાથેની વાતચીતથી તને એના વિશે જાણવા મળ્યું એટલું જ ને.....? તો તું એને કઈ રીતે ઘમંડી કહીં શકે.....? કઈ રીતે તું એને વધારે પડતી હોશિયાર કહીં શકે.....?

શું તું જાણે છે કે હું નેત્રિ પાછળ હતો કે નેત્રિ મારા પાછળ.....? તો તું કઈ રીતે કહી શકે એને મારી લાગણીઓ સાથે રમત કરી છે....? ને મારી અને એની જોડી વિશે તારે કઈ કહેવું જોઈએ એવું મને તો નથી લાગતું.....!

હા હું સમજુ છું કે તને મિત્રતાના લીધે મારી કદર છે માટે તે મને ફોન કર્યો પણ સાંભળ મિત્ર આપણી મિત્રતા જેવી હજાર મિત્રતા નેત્રિના પ્રેમ પર કુરબાન છે કારણ કે એને હું જાણું છું, હું સમજુ છું તમે બધાં નહીં. માટે આ પહેલીવાર તે આવી વાત કરી છે જેથી હું કાંઈ કહેતો નથી. બસ બીજીવાર ભૂલ ના થાય નહિતો તને મિત્ર કહેતાં મને ઘણી શરમ થશે. બીજીવાર આવું થશે તો મારા સંસ્કાર અને સ્વભાવમાં પણ પરિવર્તન આવશે આમ મિત્રની કહેલી વાત પર ગુસ્સે થઈને જૈમિક એને ઘણું બધું કહી દે છે.

ભાઈ મને માફ કરજે......! હું તો સમજતો હતો તું પણ બધાં જેવો જ હોઈશ માટે મને એમ કે તને એને ભૂલી જવામાં મદદ કરી શકું તો કરું માટે મેં ઘણું બધું કહીં દીધું પણ તું તો બધાથી અલગ જ નીકળ્યો મિત્ર જણાવે છે.

ભાઈ હું કોઈ જેવો કે કોઈથી અલગ નથી બસ સત્યની સાથે છું. નેત્રિ મારી સાથે નથી એનો એ અર્થ તો ક્યારેય નથી થતો કે હું એને જ્યાં ત્યાં બદનામ કરું. એ જેવી નથી એવી એની છાપ મૂકું. હું એને પ્રેમ કરતો હતો ને કરતો રહીશ. એ સારી હતી, સારી છે અને સારી જ રહેશે ભલે એ મારી સાથે રહે કે નહીં એમ કહીં જૈમિક ફોન રાખી દે છે.