Bullet books and stories free download online pdf in Gujarati

બુલેટ

કનકપુર ની ગણના ન તો ગામડા કે ન તો શહેર માં થાય એવી.
ગામડા થી શહેર તરફ સફર કરી આગળ વધતું મધ્યમ કદનું રળીયામણું સ્થળ.
આમ તો બધા સંપી ને રહેતા એકમેક ના દુઃખ માં સહભાગી થાય અને ઝઘડા,કંકાશ નહીંવત.
સોનાની થાળીમાં લોઢાની મેખ હોય એમ કનકપુર ના સોના જેવા વાતાવરણ માં પબુભા જાડેજા નામની એક મેખ હતી.
તીખો સ્વભાવ,ઊંચો કદાવર બાંધો,અણિયાળી મુંછ,કરડી આંખો, જોઈ બધા એમની સામે આવવાનું ટાળતા અને વખત આવે હા માં હા મેળવી સમય સાચવી લેતા.
પબુભા આમ ગુસ્સા વાળા પણ રીઝે તો રાજ આપી દે એવા.
પબુભા જાડેજા ના પુર્વજ એક વખત ના રાજા રજવાડા હતા અને એજ અકડ એમના સ્વભાવ માંથી જાતી ન્હોતી, પબુભા પોતાને બધાથી ઊપર માની એક વેંત ઊંચા ચાલતા. કોઈ એમની અડફેટે ચડી જાય તો એનું આવી બન્યુ.
રોજ કોઈ ન કોઈ બહાને કોઈને એક જણ ને ધીબેડે નહીં તો પબુભા ને શાંતી ન થાય, લોકો પણ ટેવાઈ ગયા હતા.
એક વખત એ બજાર માંથી નીકળ્યા અને એક માણસ એમની આગળ થી નીકળી રસ્તા ની સામે બાજુ ગયો, બસ મારો રસ્તો કેમ કાપ્યો બોલી પબુભા એ બે ચાર ઠપકારી દીધી.
એક દિવસ એમની પત્ની અને પડોશી સ્ત્રીઓ કોઈ વાત પર ધરનાં આંગણાં માં મજાક મસ્તી કરતી હસતી હતી અને અચાનક પબુભા આવી ચડ્યા, પબુભા એ ઘર માથે લીધુ બધી નવરી થઈ ને ખાખા ખીખી કરો છો કાંઈ કામ છે કે નહીં ?
આવીજ રીતે એક વખત છોકરા આંગણાં માં રમતા હતા અને અચાનક પબુભા આવી ચડતા બધાને એમના હાથની પ્રસાદી મળી.
હવે પબુભા ની આદત થઈ ગઈ ચુપચાપ અવાજ વગર ઘર માં આવી ચડે અને બધાને ઉંધતા ઝડપી હાથ સાફ કરી લેતા.
ઘર અને ગામવાળા બધા પબુભા થી હેરાન હતા પણ બિલાડી ના ગળે ઘંટ કોણ બાંધે વીચારી ચૂપ રહેતા.
એવામાં પબુભા નો લંગોટિયો મિત્ર જોરાવર આર્મી માં હતો એ ઘણાં વર્ષ પછી કનકપુર આવ્યો.
સાંજે પબુભા સાથે બજાર માં રખડવા નીકળ્યો અને એક દુકાનદારે જોયા વગર રસ્તા પર થૂંક્યો બસ પબુભા ને મોકો મળી ગયો, અમારી સામે થૂંકે છે બોલી એક અડબોથ જમાવી દીધી જોરાવર બોલ્યો અરે આ શું કરે છે ? આમ મરાતું હશે ?
પબુભા બોલ્યા આ લોકો સાથે તો આમજ વાત થાય લાતો ના ભૂત વાતો થી ન માને, સાંભળી કાંતી તો અવાચક જ થઈ ગયો.
પબુભા જોરાવર ને લઈ ઘરે ગયા અને જોયુ પાડોશી એમના આંગણા માં મીઠા લીમડા ના છોડ માંથી લીમડો તોડતો હતો, જોઈ પબુભા નો પીતો ગયો અને પાડોશી ને ધક્કો મારી બાર કાઢી ખાટલે બેસી પત્ની ને ચા બનાવવા કીધું. ચા નો ઘૂંટડો ભરતા જ પબુભા એ રાડ પાડી આટલી ગળી ચા તે પીવાતી હશે બોલી કપ નો ઘા કરી જોરાવર ની રાહ જોયા વગર ઘરની બહાર નીકળી ગયા. જોરાવર જોતો રહી ગયો અને બોલ્યો ભાભી આ બધુ શું?
પબુભા ની પત્ની બોલ્યા ભાઈ હમણાં હમણાં એમનો સ્વભાવ આવો જ થઈ ગયો છે વાત વાત માં છણકા કરે છે. બહાર થી આવે ત્યારે ચુપચાપ બિલ્લી પગે આવી અમને ઝડપી લે, હવે તો અમે ટેવાઈ ગયા છીએ.
સાંભળી જોરાવરે થોડી ઊલટતપાસ કરી અમુક માહિતી લઈ બહાર નીકળી ગયો.
આમજ બે ચાર દિવસ વિત્યા હશે અને સવાર સવાર માં બજાર માંથી ફટ ફટ અવાજ કરતી મિલિટરી કલર ની નવીનકોર બુલેટ બાઈક નીકળી બધાનું ધ્યાન ત્યાં ખેંચાયું ઉપર જોરાવર બેઠો હતો બુલેટ બાઈક પર એનો ઠસ્સો વર્તાતો હતો. બુલેટ લઈ જોરાવર પબુભા ના ઘરે ગયો.
પબુભા ખાટલે બેઠા હતા અચાનક જોરાવરે જોર થી બૂમ પાડી "હેપી બર્થડે" પબુ અને પબુભા ના ગળે વળગી પડ્યો. પબુભા બોલ્યા અરે જોરાવર તને મારો જન્મદિવસ યાદ છે ? હા મિત્ર એ થોડી ભુલાય બોલતા જોરાવરે બુલેટ ની ચાવી પબુભા ના હાથમાં આપી બોલ્યો તારી ગિફ્ટ બહાર રાહ જુએ છે.
પબુભા બહાર આવી બુલેટ જોઈ સપનું જોતા હોય એમ અવાચક ઊભા રહ્યા, ત્યાંજ જોરાવરે પબુભા ના પીઠ પર ધબ્બો મારી બોલ્યો કેમ છે ને હાઈક્લાસ ?
પબુભા સપના માંથી જાગ્યા અને બોલ્યા આ બુલેટ તો મારું સપનું હતુ પણ છોકરા ના મોંઘા ભણતર પાછળ લેવાતુ ન્હોતુ, પણ આટલી મોંઘી ગિફ્ટ મારાથી ન લેવાય.
જોરાવર બોલ્યો અરે ગાંડા મેં પણ ક્યા આના પૈસા આપ્યા છે, ગયા વર્ષે સરહદ પર લડતા મેં ચાર આતંકવાદ નો ખાતમો બોલાવી દીધો હતો એનું ઈનામ છે.
મારા પરિવાર માં તો બુલેટ ચલાવે એવુ કોઈ છે નહીં એટલે તને આપુ છું અને જ્યારે ઘરે આવીશ ત્યારે જરૂર પડશે તો લઈ લઈશ. પબુભા ની આંખમાં પાણી આવી ગયા અને જોરાવર ને ઉંચકી લીધો.
જોરાવર ની રજાઓ પુરી થઈ અને દેશસેવા માટે સરહદે પાછો ગયો, અહિંયા કનકપુર માં હવે પબુભા વટથી બુલેટ પર ફરે છે. બજાર માં નીકળે ત્યારે કોઈ વચ્ચે ન હોય બધા દુકાન ના ઓટલા પરથી પબુભા ને સલામ મારે, ઘરે પહોંચે ત્યારે દરેક વખતે છોકરા લેશન કરતા હોય પત્ની ઘરકામ માં વ્યસ્ત હોય પાડોશી પણ હાજર ન હોય.
આમ પબુભા ને ગુસ્સે થવાનો મોકોજ ન્હોતો મળતો.
કનકપુર માં શાંતિપૂર્ણ વાતાવરણ થઈ ગયું.
એક દિવસ પબુભા બુલેટ લઈ બહાર નીકળ્યા એટલે એમની પત્નીએ જોરાવર ને ફોન કર્યો ભાઈ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે તમારો આઈડિયા કારગત નીવડ્યો તમારા ભાઈ બુલેટ લઈ ને નીકળે એટલે એનો ભારી અવાજ ગણાં દૂરથી બધાને સાવધ કરી દે એટલે લોકો સાવચેત થઈ જાય અને ઘરે આવે ત્યારે અમે બુલેટ ના અવાજ થી સાવચેત થઈ સાવધ થઈ જઈએ.
જોરાવર બોલ્યો ભાભી તે દિવસે પુછતાછ માં તમે કીધુ પબુ ને બુલેટ નો બહુ શોખ છે પણ વસાવી શકતા નથી એટલે જ મને આઈડિયા આવ્યો બુલેટ મળતા પબુ પણ ખુશ અને બુલેટ ના અવાજ થી તમે બધા ખુશ.
પબુભા ની પત્નીએ ફરીવાર જોરાવર નો આભાર માની આંખના ભીના થયેલ ખૂણા સાડી ના પાલવ થી લૂછતા લૂછતા ફોન કટ કર્યો.
~ અતુલ ગાલા, કાંદીવલી, મુંબઈ.