Thakur aaje pan haajar chhe - 1 books and stories free download online pdf in Gujarati

ઠાકુર આજે પણ હાજર છે - 1

1973 ની આ વાત. એ સમયે મારી ઉંમર 24 વર્ષ ની.; ઓખા પોસ્ટ ઓફિસ માં ટેલિગ્રાફ વિભાગ હું સંભાળતો હતો.; અમારી ઓફિસ ની બરાબર સામે ટેલિફોન એક્ષચેન્જ હતું . ટેલીગ્રામ ની લાઈન બંધ હોય ત્યારે ફોન થી ટેલીગ્રામ આવતા એટલે ટેલિફોન ઓફિસ સાથે મારો રોજ નો વ્યવહાર હતો.

ટેલિફોન એક્ષચેન્જ માં 3 ટેલિફોન ઓપરેટર હતા. એક્સચેન્જ 24 કલાક ચાલુ રહેતું એટલે દરેક ના સમય બદલાતા રહેતા. જો કે દિવસ ની પાળી માં મોટા ભાગે રમણભાઈ પટેલ નામના એક યુવાન ઓપરેટર આવતા હોવા થી મારે એમની સાથે વાતચીત વધારે થતી. 1973 માં તો અમારી વાતચીત માત્ર ટેલીગ્રામ પૂરતી જ રહી પણ 1974 શરૂ થતાં એમનો પરિચય વધતો ગયો.

ઓખા માં એ સમયે શ્રી રામ શર્મા આચાર્ય પ્રેરિત ગાયત્રી પરિવાર ખૂબ સક્રિય હતો અને એક નાગર તરીકે ગાયત્રી મંત્ર માં રસ વધારે હોવાથી હું પણ ક્યારેક ગાયત્રી યજ્ઞ માં ભાગ લેતો. ગાયત્રી પરિવાર માં ભદ્રકાંતભાઈ આચાર્ય મારી આધ્યાત્મિક પિપાસા વિષે જાણતા એટલે એમણે એક દિવસે મને રમણભાઈ નો એક જુદો પરિચય આપ્યો કે એ મળવા જેવા માણસ છે અને બહુ ઓછા લોકો એમને ઓળખે છે. એ શ્રી રામકૃષ્ણદેવ સાથે ક્યારેક વાતો પણ કરે છે.

એક વાર ઓફિસ છૂટ્યા પછી સાંજે 7 વાગે હું એક્સચેન્જ માં એમને મળવા ગયો. ત્યારે એ 'શ્રી રામકૃષ્ણ કથામૃત' વાંચતા હતા. મે એમને કહ્યું કે મેં તમારા વિષે ખૂબ સાંભળ્યું છે અને હું પણ આધ્યાત્મિક પંથ નો પ્રવાસી છું. એમણે હસી ને કહ્યું

" મને ખબર હતી કે તમે આજે મને મળવા આવશો." જો કે મને રમણભાઈ ની વાત સમજાઈ નહી. હું એમની સામે જોઈ રહ્યો.

" એક કામ કરીએ. કાલે સાંજે 7 વાગે આવી જજો. આપણે રોજ દરિયા કિનારે લટાર મારીશું. એ બહાને થોડો સત્સંગ થશે. "

અને બીજા દિવસ થી અમારી સત્સંગ યાત્રા ચાલુ થઈ. શ્રી રામકૃષ્ણ પરમહંસ ને એમના ભક્તો 'ઠાકુર' તરીકે ઓળખે. રમણભાઈ પટેલે રામકૃષ્ણ મિશન રાજકોટ માં મંત્ર દિક્ષા લીધેલી એટલે મારી સાથે રોજ એ ઠાકુર ની જ વાતો કહેતા. ગુરુ મહારાજ મારું કેટલું ધ્યાન રાખે છે. ગુરુ મહારાજે મારા માટે શું શું નથી કર્યું વગેરે વાતો કર્યા કરે.

એ મોટા ભાગે ભાવ અવસ્થા માં રહેતા અને ઠાકુર ની વાતો કરતાં એમની આંખમાં આંસુ આવી જતાં. ચમત્કારો વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ ચમત્કારો મેં એમના સત્સંગ માં અનુભવ્યા.

એક વાર અમે દરિયા કિનારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક એ ઊબ૊ રહી ગયા અને મને કહ્યું " રાવળ ભાઇ આજે આપણે અહીં અટકી જઈએ. મારા ઘરે કોઈ મહેમાન આવ્યા છે અને મારો દીકરો લાલો મને બોલાવવા દોડતો આવી રહ્યો છે." - 3 મિનિટ માં એમનો દીકરો દોડતો આવ્યો કે ઘરે મહેમાન આવ્યા છે.

એક વાર હું સાંજ ની બસ માં દ્વારકા જવા માટે બસ સ્ટેન્ડ જઇ રહ્યો હતો. રસ્તા માં એક્ષચેન્જ હોવાથી પટેલભાઈ ને મળવા ગયો. રમણભાઈ એ કહ્યું " તમે પાછા વળી જાઓ. કાલે જજો. બસ ને આજે પંક્ચર પડવાનું છે એટલે નહી આવે. " વિશ્વાસ નહોતો એટલે હું ડેપો માં ગયો. દોઢ કલાક બેસી રહ્યો પણ બસ ના આવી. કોઈક સમાચાર લાવ્યું કે બસ ના ટાયરને પંકચર થયું છે.

આવા અનેક અનુભવો થતા રહ્યા એટલે મને એમનામાં શ્રદ્ધા બેઠી અને મેં પણ શ્રી રામકૃષ્ણદેવ ને ગુરુ તરીકે સ્વીકારવાનો સંકલ્પ કર્યો.

એક બીજી વાત પણ કરી લઉં. રમણભાઈ ને શ્રી ઠાકુર એકદમ પ્રત્યક્ષ હતા અને એ એમની સાથે વાતો પણ કરતા. ઘણી વાર એ કહેતા કે આ ડોસો મને છોડતો નથી. સાચું કહું તો એમના આ ચમત્કારો થી હું ખૂબ અંજાઈ ગયેલો.

શ્રી ઠાકુર ને ગુરુ તરીકે સ્વીકારવા નો નિર્ણય મેં 4 એપ્રિલ 1974 ની સાંજે 7 વાગે રમણભાઈ ના ઘરે રામકૃષણદેવ ની છબી આગળ લીધો. મેં ઠાકુર ના ફોટા આગળ મસ્તક નમાવી મને શિષ્ય તરીકે સ્વીકારવા હૃદય પૂર્વક વિનંતી કરી.

બીજા દિવસે 5 એપ્રિલ ના રોજ મારા જીવન માં જે ઘટના બની એ યાદ કરતાં આજે પણ એક રોમાંચક અનુભવ થાય છે.

બન્યું એવું કે બીજા દિવસે એટલે કે 5 તારીખે સવારે 6 વાગે મેં મારી પત્ની પ્રભુતા ને ચા પીતાં પીતાં જસ્ટ વાત કરી કે મેં શ્રી રામકૃષ્ણ દેવ ને મારા ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને હવે હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ માં મંત્ર દિક્ષા લઈશ.

મારી પત્નીએ મારા આ નિર્ણય નો વિરોધ કર્યો. ખૂબ લાંબી ચર્ચા થઈ.

"ગુરુ કરવા જેવી બાબત માં આવા ઉતાવળા નિર્ણયો ના લેવા જોઈએ. આપણે નાગર છીએ. ગાયત્રી મંત્ર ની દિક્ષા તમે શ્રી રામ શર્મા આચાર્ય પાસેથી લઈ લો. રામકૃષ્ણ તો કલકત્તા માં મહાકાળી ના ઉપાસક હતા એટલી મને ખબર છે. એ આજે હયાત નથી. એમનો મંત્ર લેવાનો શું મતલબ ? તમે કોઈની વાતો માં બહુ આવી જાઓ છો. તમારે આવો કોઈ દિક્ષામંત્ર લેવો નથી. "

મારી પત્ની ની જોરદાર દલીલો સાંભળી મને પણ થયું કે ચમત્કારો થી અંજાઈ ને દિક્ષા લેવાનો મે ખોટો નિર્ણય લીધો છે. હું મુંઝાઈ ગયો. મેં તો રામકૃષ્ણ દેવ નું નામ પણ પટેલ ભાઈ પાસેથી પહેલી વાર સાંભળ્યું છે.

મને અચાનક રમણભાઈ એ કહેલી ઍક વાત યાદ આવી. " ગુરુ મહારાજ હંમેશા કહેતા કે મને માનતા પહેલા મારી કસોટી કરવી." શું કરવું હવે ? પરીક્ષા કેવી રીતે કરવી ?

અહીં એક વાત જણાવી દઉં કે રમણભાઈ પોર્ટ કોલોની માં રહેતા જ્યારે હું નવી બજાર એરિયા માં રહેતો. ઓખા માં આ બંને અલગ વિસ્તારો છે. અમે હંમેશા એક્ષચેન્જ માં મળતા કે ક્યારેક હું એમના ઘરે જતો. હું ક્યાં રહું છું એ એમણે મને ક્યારે પણ પૂછ્યું નહોતું.

મને બસ એ જ વિચાર આવ્યો કે અત્યારે સવારે રમણભાઈ મારા ઘરે આવે ? મારી પત્ની ને સમજાવે ? એમણે તો મારું ઘર પણ જોયું નથી. અને મેં અચાનક મારી પત્ની ને કહ્યું.

"ઠાકુરે પરીક્ષા કરવાનું કહ્યું છે તો ચાલો આપણે એક પરીક્ષા કરીયે. જો ઠાકુર આજે પણ હાજરા હજુર હોય તો રમણભાઈ ને આપણા ઘરે મોકલે. અત્યારે 6.25 થઇ છે. જો રમણભાઈ અત્યારે 15 20 મિનિટ માં આવે તો તું માનીશ ને કે મારો નિર્ણય ખોટો નથી ?"

એ વખતે મોબાઈલ ફોન નહોતા. મેં ઠાકુર નું સ્મરણ કરી સાચા દિલ થી પ્રાર્થના કરી કે દીક્ષા લેવાનો મારો નિર્ણય સાચો હોય અને તમે જો આજે પણ પ્રત્યક્ષ હો તો અત્યારે ને અત્યારે રમણભાઈ ને મારા ઘરે મોકલો.

૧૫ મિનિટ માં રમણભાઈ હાંફળા ફાંફળા મારા ઘરે દોડતા દોડતા આવ્યા. બરાબર સવારે 6.40 મિનિટે. અમારા બંને ઉપર ગુસ્સે થઈ ને બોલ્યા.

" તમને લોકો ને કંઈ ભાન છે ? મારી આજે રાત પાળી હતી. 5 વાગે ઘરે આવીને માંડ સૂતો છું ત્યાં ઠાકુરે મારી રજાઈ ખેંચી લીધી અને મને હચમચાવી નાખ્યો. મને કહે ચાલ, પેલાને મારી પરીક્ષા કરવી છે. અને મને ધક્કો મારી મારી ને તમારા ઘર સુધી દોડાવ્યો અને ઘર બતાવ્યું. સવારના પહોર માં ગુરુ મહારાજ ને હેરાન કરો છો બંને જણાં ? "

અમે બંને અવાચક બની ગયાં. બોલવા જેવું કંઈ હતું જ નહી. ઠાકુર શું આટલા બધા પ્રત્યક્ષ છે ?

(આ અનુભવ એકદમ સત્ય છે અને એમાં જરા પણ અતિશયોક્તિ નથી કરી. )

અશ્વિન રાવલ ( અમદાવાદ)