Thakur aaje pan haajar chhe - 2 books and stories free download online pdf in Gujarati

ઠાકુર આજે પણ હાજર છે - 2


દિવ્ય અનુભવ પણ 1974 નો છે. મને આજે પણ એમ લાગે છે કે 1974 નું આખું વર્ષ મારા માટે દિવ્ય અનુભવો નું હતું.

ઓખા ના દરિયા કિનારે રોજ રમણભાઈ પટેલ સાથે ફરવા જવાનું અને એમની દિવ્ય વાતો સાંભળવાની. બસ માત્ર ઠાકુર ની વાતો !! વચ્ચે વચ્ચે ભજનો ની પણ રચના કરે !

એક દિવસ રમણભાઈ એ મને શ્રી શ્રી રામકૃષ્ણદેવ ના જીવન ચરિત્ર નું એક પુસ્તક આપ્યું અને કહ્યું કે આ જીવન ચરિત્ર તમે શાંતિ થી વાંચી જાઓ એટલે તમને ઠાકુર નો સાચો પરિચય થશે.

મે અગાઉ કહેલું એમ મારી નોકરી ઓખા પોસ્ટ ઓફિસ માં હતી અને મારું કામ ટેલીગ્રામ મોકલવાનું અને ઉતારવાનું હતું. જે પણ ટેલીગ્રામ આવે એ ડિલિવરી ચલણ બનાવી મારા મેસેન્જર બાબુભાઈ ને 12 વાગે હું આપી દઉં અને બાબુભાઈ આ ટેલીગ્રામ ઓખા પોર્ટ માં જે તે પાર્ટી ને વહેંચવા નીકળે અને ડિલિવરી કરી ને 4 વાગે ઓફિસ માં પાછા આવે.

બાબુભાઈ ની ઉંમર 50 વર્ષ ની. મારી 24 ની. એ મને રાવળભાઈ કહીને બોલાવે. મારી જોબ 7 થી 12 અને 4 થી 7 રહેતી.

જે ઘટના બનેલી એની ચોક્કસ તારીખ તો યાદ નથી પણ May મહિના ના દિવસો હતા. એ સમયે મારી વાઇફ અમદાવાદ આવેલી અને હું એકલો રહેતો અને 12 વાગે ઘરે જઈને જાતે રસોઈ બનાવતો. 2 થી 3.30 આરામ કરતો.

ઓખા માં દરિયા ના કારણે પવન નું જોર ખૂબ રહેતું. તે દિવસે જમી ને હું 2 વાગે આડો પડ્યો અને સુતા સુતા ઠાકુર નું જીવન ચરિત્ર હું વાંચવા લાગ્યો. પવન ના કારણે ક્યારે આંખ મળી ગઈ એ ખબર ના રહી. 4 વાગ્યે મારે ઓફિસ પહોંચવાનો ટાઈમ.

લગભગ 4 માં 5 મિનિટ બાકી હતી અને બાબુભાઈ એ ઘર માં પ્રવેશ કરી મને ઢંઢોળ્યો.

" રાવળભાઈ ઉઠવું નથી ? 4 વાગ્યા. ક્યાં સુધી સુતા રહેશો ? ચાલો હું ચા બનાવી દઉં. જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. "

અને બાબુભાઈ એ ચા બનાવી અને અમે બંને એ સાથે ચા પીધી અને રૂમ બંધ કરી બહાર નીકળ્યા.

બહાર આવીને બાબુભાઈ કહે " આ છેલ્લો તાર બાકી છે એ આપીને હું આવું છું. "

બાબુભાઈ બીજા રસ્તે ફંટાઈ ગયા અને હું ઓફિસ માં આવ્યો.

કલાક પછી બાબુભાઈ ઓફિસ માં આવ્યા ત્યારે મેં એમનો અભાર માન્યો.

"બાબુભાઈ તમે આજે ઘરે આવીને મને જગાડ્યો એ બહુ સારું કર્યું. નઈ તો આજે ખૂબ મોડું થઈ જાત."

"રાવળભાઈ હું ક્યારે વળી તમારા ઘરે આવ્યો ? હું તો હજુ પોર્ટ કોલોની માં થી તાર વહેચી ને સીધો હાલ્યો આવું છું. તમને કોઈ સપનું આવ્યું કે શું ? "

"અરે બાબુભાઈ તમે તો આપણા બેઉ ની ચા બનાવી. કેમ આમ કહો છો ?"

બાબુભાઈ એ આશ્ચર્ય થી કહ્યું કે " હું ખરેખર તમારા ઘરે નથી આવ્યો. તમારા સમ. આજે તમને કંઇક ભ્રમ થયો છે. "

હું સાવ મૂઢ જેવો થઈ ગયો. બાબુભાઈ એ 4 વાગે મારા ઘરે મને ઢંઢોળ્યો. ચા બનાવી. અમે સાથે ચા પીધી. અમારા બંને ની કપ રકાબી ધોઈ નાખી. શું આ બધો ભ્રમ હતો ? મારી અક્કલ કામ નહોતી કરતી. આવું કેવી રીતે બની શકે ? અને બાબુભાઈ એ ચા કેવી રીતે બનાવી ? એમણે તો ચા ખાંડ દૂધ નું પણ મને પૂછ્યું નહોતું. ના, એ બાબુભાઈ તો નહોતા જ.

એ આખી રાત હું વિચારો માં રહ્યો. મારી ઉંમર 24 વર્ષ ની અને આવો વિચિત્ર અનુભવ મને ક્યારે પણ થયો નહોતો. હું થોડો ડરી પણ ગયો.

બીજા દિવસે સવારે 7 વાગે હું ઓફિસ પહોંચી ગયો. લગભગ 8 વાગે રમણભાઈ નો ફોન આવ્યો.

" કેમ છો રાવલભાઈ ? ઠાકુર નાં દર્શન કરી લીધાં ? મને તો સવારે ઠાકુરે કહ્યું કે તારા ભાઈબંધ ના ઘરે કાલે ચા પી આવ્યો. "

મારા મન માં એ સમયે જે અનુભૂતિ થઈ એનું શબ્દો માં વર્ણન થઈ શકે એમ નથી. જીવન ચરિત્ર વાંચતા વાંચતા શું બધાને આવા દિવ્ય અનુભવો થતા હશે ?

અશ્વિન રાવલ