Jatan books and stories free download online pdf in Gujarati

જતન..

આખા બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં માનવ જીવનનું અસ્તિત્વ શકય બન્યું છે. પણ અબજો વર્ષોથી તમામ જીવો માટે રહેઠાણ પૂરી પાડતી પૃથ્વી આજે તે જ મનુષ્યોને કારણે વિનાશના આરે આવીને ઊભી છે. વૈજ્ઞાનિકો ઘણાં સમયથી જાણી ચૂક્યા હતાં કે હવે નજીકનાં ભવિષ્યમાં જ પૃથ્વીનો નાશ થવાનો છે. સમગ્ર મનુષ્ય જાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાવાનું છે.

આ બધી જાણકારી મળતાં જ દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ સંકટમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવા લાગ્યાં હતાં. તેમણે ઘણાં જ સમય પહેલાં આકાશગંગાની બહાર એક એવો ગ્રહ શોધી કાઢ્યો હતો જ્યાં પૃથ્વી જેવું જ વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણી મહેનત કરીને એક સ્પેસક્રાફ્ટ ત્યાંની જમીન પર લેન્ડ પણ કરાવી શક્યાં હતાં. તેનાં દ્વારા તે ગ્રહ પરનાં વાતાવરણનો અભ્યાસ કરીને ખાતરી થઈ ગઈ હતી કે ત્યાં માનવ જીવન શક્ય બનશે. જે ગ્રહ બધાં માટે એક આશાનું કિરણ બનીને આવ્યો હતો તેનું નામ રાખવામાં આવ્યું.. 'પૃથ્વી-2'. તે પછી ખુબ મહેનત કરીને એવું સ્પેસશીપ બનાવ્યું હતું કે જે લોકોને પૃથ્વી-2 સુધી પહોંચાડવામાં સક્ષમ હતું.

800 મુસાફરોની ક્ષમતા ધરાવતાં બે સ્પેસશીપ તૈયાર થઈ ગયાં હતાં જેમાંનું એક ss-1 રવાના થઈ ગયું હતું જ્યારે બીજું ss-2 ગણતરીની મિનિટોમાં પૃથ્વી-2 પર પહોંચવા માટે રવાના થવાનું હતું.

પ્રથમ સ્પેસશીપ ગયાનાં બે દિવસ બાદ સવારે સાડા દસ વાગે બીજું સ્પેસશીપ ઉડાન ભરવાનું હતું. સવાં દસ વાગી ગયાં હતાં. ક્રુ મેમ્બર તથા મુસાફરોનો એક કાફલો નવા ગ્રહ તરફની ઉડાન ભરી ચૂક્યો હતો જ્યારે બીજો તૈયારીમાં હતો. સ્પેસશીપને પૃથ્વી-2 સુધી પહોંચવા ખાસ્સું એવું અંતર કાપવાનું હતું. માટે જ્યારે તે પૃથ્વીનાં વાતાવરણમાંથી બહાર નીકળે કે તરત જ તેની ગતિ પ્રકાશની ગતિ કરતાં ત્રણ ગણી વધારવામાં આવે ત્યારે તે બે વર્ષનાં અંતે પૃથ્વી-2 પર પહોંચી શકશે.

એકાએક ગતિમાં થતો આટલો મોટો ફેરફાર મનુષ્યનાં શરીર માટે હાનિકારક બની જાય તેથી તેનાં માટે સ્પેસશીપમાં ખાસ પ્રકારની ચેમ્બરો બનાવામાં આવી હતી કે જેમાં બધાં મુસાફરો તથા ક્રૂ મેમ્બર હાઈબરનેશનમાં રાખવામાં આવ્યાં. આ હાઈબરનેશન પ્રક્રિયામાં તેઓને એક લાંબી નિંદ્રામાં મોકલવામાં આવ્યાં. આ ચેમ્બર બે વર્ષ સુધી ઓક્સિજન પૂરો પાડી શકે તેમ હતી. એક વાર સુતેલા મુસાફરો હવે જ્યારે સ્પેસશીપ પૃથ્વી-2 ની કક્ષામાં પ્રવેશ કરશે ત્યારે જાગશે. ક્રૂ મેમ્બર્સ માટે ખાસ પ્રકારનું સ્પેસશુટ બનાવામાં આવેલ હતું જેથી તેઓને હાઈબરનેશનની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર ન પડે. કારણકે જો સ્પેસશીપમાં કોઈ ખરાબી સર્જાઈ અથવા તો બીજી કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેઓ તેને સંભાળી શકે.

ss-2 ઉડાન ભરવાની તૈયારીમાં હતું. સ્પેસશીપમાં 790 મુસાફરો તથા 10 ક્રૂ મેમ્બર ગોઠવાઈ ગયાં હતાં. તેઓ અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તેમની ચેમ્બરમાં ગોઠવાઈ ગયાં હતાં. તેઓએ હવે અંદાજીત પોણા બે વર્ષ સુધી હાઈબરનેશનમાં રહેવાનું હતું. પોતાનું જીવન ટકાવવાં, અમુક પૈસે ટકે સુખી સુખી લોકો તો ઘણાં પોતાની જીવનભરની કમાણી ખર્ચીને એક નવા ગ્રહ પર જીવન વસાવવા જઈ રહ્યાં હતાં.

સાડા દસ વાગતાં જ ss-2 એ બધાં મુસાફરોનાં સપનાઓ સાથે ઉડાન ભરી. જેવો તેણે પૃથ્વીનાં વાતાવરણમાંથી બહાર નીકળીને શૂન્યાવકાશમાં પ્રવેશ કર્યો કે તરત જ તેની ગતિ વધારી દેવામાં આવી. બધાં મુસાફરો તથા ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે આગળ વધી રહ્યાં છે તેની જાણ પૃથ્વી પરનાં કંટ્રોલરુમમાં કરી દેવામાં આવી.

એક તરફ ss-2 લોન્ચ થઈ ગયું હતું અને બીજી તરફ ss-1 ઘણું અંતર કાપી ચૂક્યું હતું પરંતુ છેલ્લી થોડી કલાકોથી કંટ્રોલરૂમ તેની સાથે સંપર્ક સાધી શકતું નહોતું. ઘણાં વધારે અંતરે તથા વધુ સ્પીડમાં જતું હોવાથી સંદેશો મોકલવા તથા મેળવવાં સામાન્ય કરતાં થોડો વધુ સમય લાગે, પરંતુ ઘણો વધારે સમય જતાં પણ સંપર્ક નહોતો થઈ શકતો.

ત્યાં જ કંટ્રોલરૂમનાં કમ્પ્યુટર પર એક મેસેજ આવ્યો જે ss-1 નો હતો. તે જાણીને બધાને નિરાંત થઈ પરંતુ જેવો તે મેસેજ વાંચ્યો કે તરત આખાં રૂમમાં હલચલ મચી ગઈ. તરતજ તેઓએ ss-2 નો સંપર્ક કરીને મિશન અબોર્ટનો ઓર્ડર આપી દીધો. અચાનક મિશન અબોર્ટનો ઓર્ડર મળતાં ss-2 ના ક્રૂ મેમ્બર્સ ચિંતામાં મુકાઈ ગયાં. કેમકે આટલી સ્પીડથી જતાં ss-2 ને એકાએક પૃથ્વી તરફ ફરીથી લેવું એ ખૂબ અઘરું કામ હતું. તરત જ ક્રૂ મેમ્બરનાં 62 વર્ષીય કેપ્ટન 'વિક્રમ સિંઘ' કે જે અને ખૂબ જ હોંશિયાર અને કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક તથા સચોટ નિર્ણય લેવામાં માહેર હતાં તેમણે સમય સૂચકતા વાપરીને ss-2 ગતિ ધીમી કરવાનો આદેશ આપ્યો અને એની સાથે જ કંટ્રોલરૂમ પાસેથી તેનું કારણ પૂછયું.

કંટ્રોલરૂમ તરફથી સંદેશો આવ્યો કે ss-1 જ્યારે આકાશગંગા ક્રોસ કરવાની તૈયારીમાં જ હતું કે ss-1 ની મેઈન ઓક્સિજન ચેમ્બર કે જ્યાંથી મુસાફરોની ચેમ્બર સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવતો હતો તેમાં એક મોટો ધડાકો થયો અને ફાટી ગઈ. તેને લીધે બધાં લોકોની ચેમ્બર સુધી ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. ઓક્સિજન ચેમ્બર માં મોટાં ધડાકાને લીધે તેની પાસે રહેલી ફ્યુઅલ ચેમ્બર પણ તૂટી ગઈ અને તેમાં ઓક્સિજન મિક્સ થવાથી ss-1 આખું સળગવાં લાગ્યું. લોકોને ઓક્સિજનની અછત જણાય એ પહેલાં જ બધાં ફ્યુઅલને લીધે ss-1 નાં સળગાવવાથી મૃત્યુ પામ્યાં. તેમનાં તરફથી જાણ કરવામાં આવી છે કે આકાશગંગા પૂર્ણ કરવાનાં એરિયામાં કશુંક એવું છે કે જેનાથી ગેસ ચેમ્બરનું પ્રેશર એકાએક વધ્યું અને ફાટયું. માટે ઓક્સિજન સહિત અહીંથી પસાર થવું એટલે મોતનાં મુખમાં ધકેલાવું. તેમણે ખાસ આ સંદેશો ss-2 માટે મોકલ્યો હતો કે જેથી તેને બચાવી શકાય. તેમનો સંદેશ પહોંચ્યો તેની પહેલાં સંપૂર્ણ ss-2 અને તેમાં રહેલાં 800 લોકો નાશ પામી ચૂક્યાં હતાં.

હવે ss-2 નવાં ગ્રહ તરફનો રસ્તો છોડી ફરીથી હેમખેમ પૃથ્વી પર પરત ફરવાં માગતું હતું. ss-1 ના અડધાથી વધુ મુસાફરો નિંદ્રામાં જ મૃત્યુ પામી ચૂક્યાં હતાં. કેપ્ટન વિક્રમ સિંઘ પૂરી મહેનતથી ss-2 ના લોકોનાં જીવ બચાવવામાં લાગી ગયાં હતાં. ss-2 ની ગતિ ધીમી પડી ગઈ હતી. હવે તે ફરીથી પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશવાનું હતું અને તે જ સૌથી અઘરું કામ હતું. કેપ્ટન વિક્રમ સિંઘની સુઝબુઝતાથી ss-2 સફળતા પૂર્વક પ્રવેશી ગયું પણ જ્યારે ss-2 ની ગતિ ઘટાડવામાં આવી હતી ત્યારે એક ક્રૂ મેમ્બરની લાપરવાહીથી એન્જિનનું ટેમ્પરેચર મેઈન્ટેનન કરવાનું રહી ગયું હતું. તેથી પૃથ્વીનાં વાતાવરણ સુધી પહોંચતાં તાપમાન ખૂબ વધી ગયું હતું અને તેથી એન્જિન ફાટયું અને હવામાં જ ss-2 ના બે કટકા થઈ ગયાં અને તેની નીચે રહેલ સમુદ્રમાં ss-2 સાથે બધાં મુસાફરોની જળ સમાધિ લેવાઈ ગઈ.

એક ક્રૂ મેમ્બરની લાપરવાહી સામે કેપ્ટન વિક્રમ સિંઘનો વર્ષોનો અનુભવ કાચો પડી ગયો. ss-1 તેનાં મુસાફરો સાથે અવકાશમાં જ નાશ પામ્યું જ્યારે ss-2 પૃથ્વી પર પહોંચવાની તૈયારીમાં હતું ને નાશ પામ્યું. તેની સાથે કરોડો લોકોની આશાઓ પણ મરી ચુકી હતી. હકીકતમાં લાપરવાહી ફક્ત એક ક્રૂ મેમ્બરથી નહોતી થઈ, દરેક મનુષ્યથી થઈ છે.. જેનાં કારણે કુદરતની સૌથી સુંદર રચનાને આપણે દિવસે ને દિવસે પોતાનાં લાભ ખાતર નુકશાન પહોંચાડી રહ્યાં છીએ. જો પહેલાથી જ આ સુંદર પ્રકૃતિને આપણાં પોતાનાં ઘરની જેમ સાચવી હોત તો બીજા ગ્રહ પર જવાની જરૂર જ ના પડત. કદાચ કુદરત જ નહીં ઈચ્છતી હોય કે મનુષ્યોએ જે રીતે પૃથ્વીને, પ્રકૃતિને નુકશાન પહોંચાડયું છે તેવી હાલત બીજાં ગ્રહ સાથે થાય અને એટલે જ વર્ષોની મહેનત અને તનતોડ મહેનત પછી પણ બીજાં નવાં ગ્રહો તો દૂર, આપણે આપણી જ આકાશગંગા ક્રોસ કરવામાં અસફળ રહ્યાં.

હજી પણ સમય છે.. જો લોકો આ ગંભીરતાને સમજીને ફરીથી પ્રકૃતિના જતન માટે પ્રયત્નો કરવા લાગે તો હજું માનવજીવનનું અસ્તિત્વ ટકાવી શકીશું નહીંતો ઉપર આકાશ હોય કે નીચે દરિયો.. તે તો આપણને સમાવી જ લેશે...

***

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર..
આપનાં અમુલ્ય પ્રતિભાવો જરૂરથી આપશો..

જય શ્રી કૃષ્ણ