sundari chapter 28 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૨૮

અઠ્યાવીસ

“ચલ ચલ ઠીક છે. ગોટીને તારું એડ્રેસ આપી દે. હવે તને અને તારી બેનને કોઈ હેરાન નહીં કરે. એ બંને ગુંડાઓ રાજીવ નગરની આસપાસ દસ કિલોમીટર સુધી નહીં દેખાય. આ શામભાઈનું વચન છે તને.” રવિ સામે જોયા વગર શ્યામે હાથના ઈશારેથી તેને જતા રહેવાનું કહ્યું.

રવિના ત્યાંથી જતા રહ્યા બાદ શ્યામે પોતાની બંને આંખ લુછી અને પાછળ ફર્યો.

‘ગોટી, કાલે સાંજે જ આ કામ થઇ જવું જોઈએ. તારી સાથે જેટલા માણસોને લઇ જવા હોય લઇ જા, પણ રવિ હવે ફરીથી અહીંયા ફરિયાદ લઈને ન આવવો જોઈએ... સમજ્યો?” શ્યામે કડક શબ્દોમાં ગોટીને કહ્યું.

“જી શ્યામભાઈ. રવિ હવે અહીં પાછો નહીં આવે.” ગોટી શ્યામને સલામ મારીને રૂમની બહાર જતો રહ્યો.

“તમે બધા પણ બહાર જાવ.” શ્યામે તેના બાકીના માણસોને પણ જતા રહેવાનો હુકમ કર્યો.

માણસો બહાર ગયા બાદ શ્યામે પોતાનું વોલેટ પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યું અને તેને ખોલ્યું. વોલેટ ખોલતાની સાથેજ તેની નજર સીધી જ તેની બહેન સુંદરીના વર્ષો જુના પાસપોર્ટ સાઈઝના ફોટા પર પડી. શ્યામે પોતાના જમણા હાથની પહેલી આંગળી સુંદરીના ચહેરા પર ફેરવી.

“સુના, મને માફ કરી દે. તે મને ઘણો સમજાવ્યો પણ હું... પપ્પા જીદ્દી છે, તને તો ખબર જ છે ને? મારાથી એમનો ગુસ્સો એમનું જક્કીપણું સહન નહોતું થતું. મારાથી કાંઇક આડું અવળું થઇ જશે એ બીકથી હું તને એકલી ઘરે મુકીને ભાગી ગયો હતો. મારે બહુ ઉપર જવું હતું પણ બની ગયો એક ગુંડો! બધા મને શામભાઈ શામભાઈ કહીને બહુ સન્માન આપે છે, પણ એ સન્માન પાછળ એમનો ડર પણ છુપાયેલો છે એની મને ખબર છે. મને આ બધું ગમતું નથી સુના, પણ માણસ જો એક ડગલું પણ ખોટું ભરેને તો એને આખી જિંદગી એ ભૂલની કિંમત ચૂકવવી પડતી હોય છે.

હું ગમે ત્યાં હોઈશ સુના, પણ તને તકલીફ નહીં પડવા દઉં. બસ બે દિવસ પછી મારી તડીપારની સજા પૂરી થાય છે. પછી મારે અમદાવાદ પાછું આવવું છે, બદલો લેવા. પણ એ બદલો લીધા પહેલાં તને હું એકવાર તો જરૂર મળીશ. તને એક વાર મળી લઉં પછી કમિશનર કિશનરાજ જાડેજા સાથે મારો બદલો પૂરો કરવાની મને તાકાત મળશે. ભલે મને ફાંસી થઇ જાય કે પછી આખું જીવન જેલમાં મારે કાઢવું પડે, પણ કમિશનર જાડેજાને તો હું નહીં જ છોડું. જામનગરમાં એણે જે રીતે મારા પર થર્ડ ડીગ્રી અજમાવી હતી એની પીડા મને આજે પણ તે આખા અઠવાડિયાની યાદ આપે છે.

પણ, એક વખત મારે તને જરૂર મળવું છે સુના... એકવાર...”

આટલું બોલતા બોલતા શ્યામ એકદમ ભાંગી પડ્યો અને ખૂબ રડવા લાગ્યો.

==::==

“બોલો અમીન, આમ અચાનક?” કિશનરાજે પોતાની કેબિનમાં ડી.વાય.એસ.પી અમીનના પ્રવેશતાંની સાથેજ તેમને સવાલ કર્યો.

“સર તમારી સાથે થોડી વાત કરવાની હતી, અરજન્ટ.” અમીન ઉભાં ઉભાં જ બોલ્યા.

“બેસો, બેસો.” ડી.વાય.એસ.પી અમીન કિશનરાજના ટેબલ સામે પડેલી ચાર ખુરશીઓમાંથી સહુથી છેલ્લી ખુરશી ખેંચીને તેમાં બેઠા.

“સર, પેલા શ્યામલ શેલતની તડીપારની અવધી કાલે પૂરી થાય છે.” અમીને ખુરશીમાં બેસતાંની સાથે જ કહ્યું.

“તો?” ફાઈલમાં જોતાં જોતાં જ કિશનરાજે સવાલ કર્યો.

“સર, જામનગરમાં એણે તમને ધમકી આપી હતી એટલે...” અમીનનું વાક્ય હજી પૂરું નહોતું થયું ત્યાંજ...

“એટલે હવે ગુજરાત પોલીસે ગુંડાઓથી ડરીને જીવવાનું છે?” ફાઈલમાંથી પોતાનો ચહેરો બહાર કાઢીને અમીન સામે પેનથી ઈશારો કરતા જરા કડકાઈથી પૂછ્યું.

“ના ના સર, એમ નહીં. મને લાગ્યું કે આપણે જો તમારી સિક્યોરીટી થોડી વધારી દઈએ તો? કારણકે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમદાવાદમાં આવતાની સાથેજ એ તમને તકલીફ પહોંચાડી શકે છે.” અમીને પોતાની ચિંતા વ્યક્ત કરી.

“ના, અમદાવાદના પોલીસ કમિશનર તરીકે મને જેટલી સિક્યોરીટી મળે છે એટલી મારા માટે પૂરતી છે. વધારાનો સ્ટાફ મારા માટે રોકીને શહેરના બીજા વિસ્તારમાં કોઈ તકલીફને એટેન્ડ ન કરી શકાય એ આપણા માટે સારું નહીં. અને એ શ્યામલ ઉર્ફે શામભાઈ એ નાનો મોટો ગુંડો છે એનાથી આટલું બધું ડરવાની જરૂર નથી. આવવા દો એને અમદાવાદમાં, જોઈ લઈશું.” છેવટે છેલ્લું વાક્ય બોલતા કિશનરાજના ચહેરા પર સ્મિત આવ્યું.

“ઠીક છે સર.” અમીને પણ સામે સ્મિત ફરકાવ્યું.

“એનીથિંગ એલ્સ?” કિશનરાજે પૂછ્યું.

“નો સર! હું તમારી રજા લઉં?” અમીને ખુરશીમાંથી ઉભા થતા પૂછ્યું.

“શ્યોર, યુ મેં ગો નાઉ.” કિશનરાજ બોલ્યા.

ડી.વાય.એસ.પી અમીન કિશનરાજને સલામ કરીને તેમની કેબીનમાંથી બહાર જતા રહ્યા.

==::==

આજે રવિવાર હતો. ટીમ પસંદ થયા બાદનો પહેલો રવિવાર. આજે સુંદરી પહેલી વખત ટીમ સાથે પ્રેક્ટીસમાં જોડાવાની હતી. વરુણને આ દિવસના આવવાની રાહ છેલ્લા બે દિવસથી હતી. રવિવાર હોવા છતાં વરુણ આજે વહેલો ઉઠી ગયો અને દરરોજની જેમ જ સવારે વહેલો કોલેજે પહોંચી ગયો.

વરુણ કોલેજે પહોંચ્યો ત્યારે સુંદરી તો શું ટીમનો એક પણ સભ્ય પહોંચ્યો ન હતો. એટલે વરુણ નિરાશ થઈને કૉલેજના ગ્રાઉન્ડના ખૂણે આવેલા એક બાંકડા પર બેસી ગયો અને બધાની નહીં પરંતુ ફક્ત સુંદરીની રાહ જોવા લાગ્યો. વરુણ સતત ડાબે જમણે જોઈ રહ્યો હતો જ્યાંથી ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવાના બે દરવાજા હતા. પ્રેક્ટીસનો સમય તો સાડાસાતનો હતો અને હજી તો ફક્ત સાતને પાંચ જ થઇ હતી.

વરુણની નજર ડાબે જમણે ફરતી ફરતી એકાએક જમણી તરફના દરવાજે ચોંટી ગઈ. દરવાજાની બાજુમાં જ્યાં વરુણે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું તેની બાજુમાં જ સુંદરી તેનું હોન્ડા પાર્ક કરી રહી હોવાનું તેણે જોયું અને તેના શરીરના તમામ રૂંવાડા ઉભા થઇ ગયા. સુંદરીએ હલકા પીળા એટલેકે લીંબુના રંગના શલવાર કમીઝ પહેર્યા હતા અને તેના પર સફેદ રંગનો દુપટ્ટો ઓઢ્યો હતો. અધૂરામાં પૂરું સુંદરીએ માથે કેપ પણ પહેરી હતી.

દરરોજ સુંદરીને અલગ અલગ સાડીમાં જોતો વરુણ પહેલીવાર સુંદરીને શલવાર કમીઝમાં જોઈ રહ્યો હતો. સુંદરીએ પોતાનું હોન્ડા પાર્ક કર્યું અને ગ્રાઉન્ડનો દરવાજો ખોલીને અંદર દાખલ થઇ. દાખલ થતાંની સાથેજ સુંદરીની નજર દૂર બાંકડા પાસે ઉભા રહેલા વરુણ પર પડી અને તેણે તેની સામે કાયમની જેમ હાથ હલાવ્યો. વરુણની નજર હવે સુંદરી પર સ્થિર થઇ ગઈ. તેણે પણ જવાબમાં હાથ હલાવ્યો પરંતુ કાયમની જેમ જ તેનું હ્રદય સુંદરીને જોતાંની સાથે જ જોરજોરથી ધબકવા લાગ્યું.

સુંદરીની ચાલ પણ અત્યંત આકર્ષક હતી જેના પર વરૂણનું આજ સુધી ધ્યાન ગયું ન હતું. સુંદરીની ચાલમાં ઉત્સાહ અને હકારાત્મકતા બંને સ્પષ્ટ દેખાતી હતી. કોઇપણ યુવતી જો સુંદરીની જેમ જો મલપતી ચાલે ચાલી રહી હોય તો વરુણ જેવા કેટલાય યુવાનો તો શું કોઇપણ ઉંમરના પુરુષને તે ઘાયલ કરી દેવા માટે સમર્થ હોય છે. એટલે વરુણ પણ સુંદરીના એક એક ડગલાં થકી ઘાયલ થતો રહ્યો.

વરુણને સમજણ નહોતી પડી રહી કે સુંદરી પાસે હજી કેટલી અદાઓ બાકી રહી છે જે તેના પ્રત્યે પ્રેમથી ભરપૂર એવા હ્રદયને આમ સતત નવીને નવી રીતે ઈજાઓ પહોંચાડતી રહેશે. વરુણની બીજી તકલીફ એ પણ હતી કે સુંદરી દ્વારા તે દર સેકન્ડે કોઈને કોઈ રીતે ઘાયલ તો થઇ જ રહ્યો હતો પરંતુ સામે તેણે એ પણ ધ્યાન રાખવાનું હતું કે સુંદરીને પોતે તેના વિષે શું વિચારે છે એ હજી થોડા સમય સુધી ખબર પડવા દેવાની ન હતી.

છેવટે સુંદરી વરુણની સાવ નજીક આવીને ઉભી રહી.

“ગૂડ મોર્નિંગ વરુણ... કેમ છો?” સુંદરીએ પોતાનો હાથ વરુણ સામે ધર્યો.

“ગૂડ મોર્નિંગ મે’મ. બસ મજામાં. હું બસ તમારી... આઈ મીન બધાની રાહ જ જોઈ રહ્યો હતો કે તમે દેખાયા.” વરુણના હાથમાં સુંદરીનો નાજુક હાથ હતો જેને તેણે બરોબર પકડી રાખ્યો હતો અને તેમ છતાંય તે પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો હતો.

“અને અમે પણ આવી જ ગયા...” વરુણના બોલવાની સાથે જ પ્રોફેસર શિંગાળા પણ તેની પાછળથી આવ્યા અને વરુણના ખભા પર પોતાનો હાથ મુકીને બોલ્યા.

વરુણને બે ઘડી પ્રોફેસર શિંગાળા પર ગુસ્સો આવી ગયો કે તે દસ મિનીટથી બધાની રાહ જોઈ રહ્યો હતો, એમાંય સુંદરીની તો ખાસ પરંતુ ત્યારે તો કોઈ આવ્યું નહીં પણ જ્યારે સુંદરી હજી તો આવી અને તેની સાથે તેણે હાથ મેળવ્યા કે તરત જ પ્રોફેસર શિંગાળા ટપકી પડ્યા!

“તમારાથી પાંચ-દસ મિનીટ મોડું નહોતું અવાતું?” જો કે વરુણ આમ મનોમન બોલ્યો પરંતુ જો પ્રોફેસર શિંગાળાની જગ્યાએ જો કૃણાલ હોત તો વરુણ આ વાક્ય એના કાનમાં જરૂર બોલ્યો હોત અને એ પણ ગુસ્સા સાથે.

“ક્યાં ગયા બાકીના ખેલાડીઓ?” પ્રોફેસર શિંગાળાએ પૂછ્યું.

“સર, ફર્સ્ટ સન્ડે છે, કદાચ ઉઠવામાં વાર લાગી હશે.” વરુણે જવાબ આપ્યો.

“પોસીબલ છે. પણ હજી તો દસ મિનીટ બાકી છે ને? આપણે રાહ જોઈએ. કેવી રહી તમારી બે દિવસની પ્રેક્ટીસ? અને ગઈકાલનો રિપોર્ટ?” સુંદરીએ વરુણ સામે જોઇને કહ્યું.

“અમમ... પ્રેક્ટીસ તો હજી એટલી જોરદાર નથી રહી કારણકે હજી બધાને ઓઈલીંગ કરવાની જરૂર છે. એકાદ-બે દિવસમાં બધું ટ્રેક પર આવી જશે. અરે હા આ રહ્યો ગઈકાલનો રિપોર્ટ.” વરુણે સુંદરીને પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને આપી દીધો પણ તે સતત સુંદરી સામે જોઈ ન શક્યો.

સુંદરી એ કાગળ હાથમાં લઈને વાંચવા લાગી અને જેવો કાગળ વાંચી લીધો કે તેણે તેને પોતાના ખભા પર લટકાવેલા પર્સમાં મૂકી દીધો.

પર્સમાં કાગળ મૂક્યા બાદ સુંદરીએ જેવી નજર ઉંચી કરી કે દૂર, ગ્રાઉન્ડના એક ખૂણામાં આવેલા લીમડાના મોટા વૃક્ષ નીચે કોઈ પુરુષ ઉભેલો તેને દેખાયો. આ પુરુષ દેખાવે ઉંચો-પહોળો હતો. દૂરથી સુંદરીને એવું લાગ્યું કે એ વ્યક્તિએ કાળા રંગનું ટીશર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું છે અને તે કાળા રંગના સનગ્લાસીસમાંથી સતત તેનેજ જોઈ રહ્યો છે.

પહેલાં તો સુંદરીને લાગ્યું કે એને કદાચ ભ્રમ થઇ રહ્યો છે એટલે એણે પોતાનું ધ્યાન એ વ્યક્તિમાંથી બહાર કાઢીને વરુણ અને પ્રોફેસર શિંગાળા સાથે વાતચીત કરવામાં પરોવ્યું. પરંતુ પાંચ મિનીટ બાદ પણ જ્યારે સુંદરીએ ફરીથી એ લીમડાના વૃક્ષ તરફ જોયું ત્યારે પણ એ વ્યક્તિ એ જ પોઝીશનમાં તેની જ તરફ જોઈ રહ્યો હોવાનું તેને લાગ્યું.

સુંદરીને હવે થોડો ડર લાગ્યો. એને હવે ખાતરી થઇ ગઈ હતી કે પેલો વ્યક્તિ સતત તેને જ જોઈ રહ્યો છે. સુંદરીએ વિચાર્યું કે જ્યાં સુધી પ્રેક્ટીસ ચાલે છે ત્યાં સુધી તો બરોબર છે, પરંતુ પ્રેક્ટીસ પત્યા પછી જ્યારે તે ઘર તરફ રવાના થશે ત્યારે પેલો વ્યક્તિ જો તેનો પીછો કરશે તો?

સુંદરી જબરી અસમંજસમાં મુકાઈ ગઈ હતી. તેનું ધ્યાન હવે વરુણ, પ્રોફેસર શિંગાળા અને થોડા સમય પહેલા ગ્રાઉન્ડ પર આવી પહોચેલા પાંચ-છ ખેલાડીઓની ચર્ચામાં બિલકુલ રહ્યું ન હતું. જો કે સુંદરીને પણ તેનું ભાન હતું જ અને એટલેજ તે વિચારી રહી હતી કે પ્રેક્ટીસ પત્યા બાદ એ ઘરે જાય ત્યારે તેને પેલો વ્યક્તિ હેરાન ન કરે તે માટે તે શું કરી શકે? અચાનક જ તેને એક વિચાર આવ્યો અને તરતજ તેના હ્રદય પર રહેલો મોટો ભાર અને મનની ચિંતા દૂર થઇ ગઈ અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

==:: પ્રકરણ ૨૮ સમાપ્ત ::==