Amasno andhkar - 1 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 1

આ નવલકથા એક એવા સમયની ઝાંખી કરાવનારી વાર્તા છે જ્યાં વિધવા હોવું એટલે એક અસહ્ય વેદના અને માથે લઈને પણ ન ફરી શકાય એવો પાપનો ભારો હતો. એ સમયની સ્ત્રીઓએ વેઠેલી વ્યથા અને સંતાપને લઈને હું આપની સમક્ષ આ નવલકથા લાવી છું. આ વાર્તામાં શ્યામલી એ મુખ્ય પાત્ર છે. શ્યામલીનુ સરળ, ગમતીલું અને મોજીલું જીવન કયારે એના માટે અભિશાપ બની જાય છે. એ જોવા અને જાણવા માટે આપે આ નવલકથા વાંચવી રહી. હાં, એ જ અબળા શ્યામલી એક એવો નિર્ણય લઈ તમામ વિધવા સ્ત્રીઓને એક અનેરી આઝાદી બક્ષે છે. પોતાનો રસ્તો ખુદ બનાવે છે.

સળવળતી સાંજ ઊગીને આથમવા આવી..ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં ભુરી ભગરીનાં દુધ દોવાય છે ને દુધના શેરડાનાં અવાજ સાથે વીસ વર્ષની કમનીય કાયાની ધણીયાણી ઓઢણાને સરખું ગોઠવવા જાય છે કે ફડફડાટ કરતો પવન ઓઢણીને ધરતી પર ઢાળી દે છે ને એક લાંબો , કાળો અને કમરથી નીચે ઝોલા ખાતો વાળનો ગુંથાયેલ ચોટલો ધરાધુળને સ્પર્શે છે..

આ સાથે જ ભગરીને ડચકારા કરતી એ રમણી હળવેથી કહે છે.."ધોળી તો હું તારા દુધડા જેવી જ છું.." એમ કહી હસતી હસતી પગની પાયલની ઘુઘરીઓને સંબોધીને કહે છે..કે" રૂપલે મઢેલું આ રૂપ કોઈ શામળિયાને જ ફળશે..." આમ કહી એ પોતે શરમાઈ જાય છે...

આવી આ રમણીના સપનાને કાળો દાગ ન લાગે એટલે જ કદાચ એનું નામ શ્યામલી હતું. શ્યામલી હરેક રંગે નિખરી ઊઠતી..પણ વ્હાલો તો એક જ રંગ કાળો જ હતો.. માવતરની એકની એક છોડી... જબરીને સ્વમાની પણ ખરા. એનું મનમાનીતુ ન મળે ત્યાં સુધી હૈયે શાંતિ ન વળે..

આખા ગામમાં એના રૂપની ચર્ચા થતી. પણ, આ શ્યામલીનો સાવરિયો તો કેડે પાતળિયો, મુંછે વાકડીયો અને સમરાંગણમાં લડવૈયો...હોવો જોઈએ એવું એ સપનું સેવતી..એ પણ અજોડ વિરાંગના સમી ઘોડેસવારી અને તલવારબાજીમાં કુશળ હતી.

જ્યારે જ્યારે એ સખીઓ સાથે પાણી ભરવા જાતી.. ત્યારે બધાની એક આડી નજર શ્યામલી ભણી મંડાતી જ...ગામના પાદરનો એ કુવો એ સહિયરનો જાણે અપ્સરાનો ઊતારો હોય એવો લાગતો..

આ જમાનામાં જમીનદારોનું વર્ચસ્વ ચાલતું..એનો વટહુકમનો અનાદર કાચાપોચા ન કરી શકે. જમીનદાર પણ રાજાશાહી ભોગવતા. રાજાને ગમે એ રાણી...એ ન્યાયે આ જમીનદાર જ્યાં પોતાની તલવારને જે ઘડીએ ધરતીમાં ધરબે એ ઘડીએ મનમાનીતી માનુની એ જમીનદારની...આવા જમીનદારો પણ એક કરતા વધુ પત્નીઓ ધરાવતા..આ જમીનદારને પણ સારા ખાનદાનની બે પત્નીઓ તો હતી જ. પણ સતા, શરાબ અને શબાબ એ જ આ જમીનદારનો જન્મજાત નિયમ.. સુંદર કાયા અનૈ મોહની માયા ભલભલાને વિચલિત કરી દે એમ જ આ જમીનદારનો હુકમનો અનાદર એટલે જીવથી હાથ ધોવો.

શ્યામલીના રૂપની ચર્ચા એવા જ એક એવા જમીનદાર સુધી પહોંચી જે એકવીસ ગામનો ધણી હતો. એ જમીનદાર ભારે પ્રપંચી, લાલચુ અને સુંદરતાનો શિકારી હતો.. એ જમીનદારે એના સગા મોટાભાઈનું વર્ચસ્વ ખતમ કરવા કંઈક કાવતરા ઘડયા હતા..અંતે પોતાના હાથમાં સતા લાવી મોટાભાઈનું કાસળ કાઢતા એ જરા પણ અચકાયો ન હતો..

જમીનદારની મોટાભાઈની વિધવા રૂકમણીબાઈ અને એનો એક યુવાન પુત્ર વીરસંગ આ વાતથી સાવ અજાણ હતા. એ બેય એના શરણે જીવન વ્યતીત કરવા લાચાર અને મજબુર હતા.રૂકમણીબાઈનો સગો 'મા જણ્યો' ભાઈ પણ આ વાતને જાણતો હોવા છતા એ એની બહેન સમક્ષ આ વાત પહોંચાડી શકતો ન હતો.

એ સમયમાં વિધવા હોવું એટલે એક શ્રાપ ને ધરતી પરનો બોજ.. જીંદગીભર એક કાળું ઓઢણું કાળી છાંયા બની આખી જીંદગી તડપવા મજબુર કરતું. એ અંધારી રાત અમાસના અંધકાર સમાન જીંદગી દોજખથી બદતરને બદહાલત લાગતી..

.

.............. ક્રમશઃ.................

લેખક : શિતલ માલાણી

૨૩/૯/૨૦૨૦

બુધવાર