Amasno andhkar - 8 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 8

શ્યામલી અને વીરસંગનું વેવિશાળ પાકું થાય છે. પણ વીરસંગના હૈયે એક જ વાતનો ખટકો છે..એ જોવા હવે આગળ વાંચો....

વીરસંગ એની. પ્રિયતમા શ્યામલી સાથે સંસારના અતૂટ બંધને બંધાવા પહેલા પગથિયે કદમ મૂકે છે. આ પ્રસંગમાં એની માતાની હાજરી નથી એનો અફસોસ ભારોભાર છે. એ કઠણ હ્રદયે એની ખોટને દિલમાં ધરબી રાખે છે. શ્યામલી તો હજી જાણતી જ નથી કે આ જમીનદારના નિયમો કેટલા ચુસ્ત છે. એ તો એક ઉત્તમ ખાનદાનની વહુ બનવાના સપના સેવી રહી હતી.

આ સગાઈનો પ્રસંગ પૂરો થતાની સાથે જ વીરસંગ ફરી એકવાર એના કાકા પાસે એકલો જઈ કંઈક કહે છે. જમીનદારે પોતાની મોટપ દેખાડવા સમાજની સમક્ષ હા પાડે છે. એ પોતે વીરસંગ અને શ્યામલીને ત્યાં જવા માટે બગીની વ્યવસ્થા કરાવે છે. શ્યામલી તો આ ભપકો અને રૂઆબ જોઈ રોમેરોમ હરખી પડે છે. વીરસંગની કાકીઓ શ્યામલીની માતા ચંદાને બધી હકીકત જણાવે છે રુકમણીબાઈની..જે વિધવા છે અને કાળહવેલીમાં રહે છે. શુભ પ્રસંગોએ વિધવાની હાજરીથી કાંઈ જ અશુભઘટના ન ઘટે એ માટે એ લોકો વિધવા સ્ત્રીઓને સામાજિક પ્રસંગોમાં આવનજાવનની છૂટ નથી આપતા એવું એ જણાવે છે. આ તો ખુદ વીરસંગની માતા હતા પણ નિયમો બધા માટે સરખા જ હતા એટલે વીરસંગની જનેતા હોવા છતા પણ એ જન્મદાત્રી દૂર જ રહી હતી.

આ બાજુ વાયુવેગે વીરસંગના વેવિશાળની વાત એ
હવેલીમાં પણ પહોંચે છે. શ્યામલીના ગુણગાન કરનારાને કાળિયાઠાકોરની પ્રસાદીથી મોં મીઠુ કરાવવામાં આવે છે. અંદરખાને આજ પહેલીવાર રૂકમણીબાઈને શાતા વળે છે કે એના પુત્રને સમજનાર કોઈ મળી જ ગયું. હવેલીના વડીલ એવા રળિયાત બા પણ વીરસંગના વેવિશાળના સમાચારથી ખુશ થાય છે અને ભગવાનને એ બેયના જીવનની મંગળકામના કરે છે. રૂકમણીબાઈ પોતાની પુત્રવધૂની એક ઝલક જોવા બેબાકળા બન્યા છે.

શ્યામલી તો વીરસંગ સાથે જવા તૈયાર થઈ ગઈ છે. આ વાત ચંદાને હૈયે ખટકે છે. એ શ્યામલી એકલી પડે તો એને કશુંક કહેવા ઇચ્છે છે. શ્યામલીને તો એના ગામની અને એ પ્રસંગમાં આવનાર મહેમાનોની અસંખ્ય વધામણીઓ મળે છે. ત્યાં જ ચંદા પોતે શ્યામલીને ઈશારાથી બોલાવી એકવાર ટકોર કરે છે કે " દીકરી, આજ તું એ કાળહવેલીએ જવાનું રહેવા દે. ફરી કોઈવાર મળી લે જે. આજ શુભ ઘડીમાં તારા માથે કાળો ઓછાયો ન પડે તો સારું."

શ્યામલી : "મા, જેની વાત તે કરી એ વીરસંગની માતા છે. આ જ જગ્યાએ શ્યામલીની માતા હોત તો?"

આટલા શબ્દો પછી વીરસંગ અને શ્યામલી સાથે નીકળે છે એ હવેલી તરફ. જ્યાં કાળી છાંયાએ કપરો ભરડો લીધો છે. ત્યાં રહેનારી સ્ત્રીઓ કમભાગી જ હશે કે જીવતાજીવ દોજખ ભોગવતી. તોતિંગ દરવાજાની અંદર કેટલાય જીવ મરવાના વાંકે જીવી રહ્યાં હતા. જીવન તો ત્યાં પણ હતું પણ નર્યા ખાલીપાથી ભરપૂર. કોઈ આશા કે અહેસાસ વગરનું નિરર્થક જીવન.

શ્યામલી અને વીરસંગ મનમાં મોટા ઉચાટ સાથે એ હવેલીમાં પગ મુકે છે કે અંદર નર્યો મુંગો ડૂસકો જ સંભળાતો હતો. કાળા રંગના ઘેરાયેલા આકાશ જેવાં દુઃખના વાદળ એ હવેલીની અંદર ઘર કરી વસતા હતા..સાવ શુષ્કતા અને સુકાયેલી સપના વગરની આંખોમાં ઘોર અંધકાર સિવાય કાંઈ જ નહોતું દેખાતું... ઊપર વાદળી આભ નીચે ધુળીયું આંગણું અને અંદરના ભાગે નર્યો ખાલીપો. જે જગ્યાનો ભાવિ ધણી શાસક હોય એ વીરસંગની માતા આવી જગ્યાએ હશે એવું એ નમણી વિચારી પણ નહોતી શકતી. કાળા ઓઢણા ને કાળી બે આંખો સિવાય શ્યામલીને ત્યાં વેદનાઓનો ઢગલો કણસતો હોય એવો આભાસ થયો. સપના તો દેખાયા એ આંખમાં પરંતુ, કાળી રાતના પડછાયા જેવા જ. પહેલીવાર એ હવેલીમાં બીજા કોઈ રંગનું આગમન થયું હશે એવું તમે માની શકો...

શ્યામલીને વિધવાઓ સાથે થતા અત્યાચારની જાણ હતી પણ જોયા પછી તો એ આંખો ફાડી જોઈ જ રહી કે શું આ જીવતા જીવનું નર્ક છે....કે શું ?? શ્યામલીને તો એ ક્ષણે ભરબપોરે પણ હવેલીમાં એક જ અહેસાસ થતો હતો....એ.....જ....જે ....... હું ને તમે બેય જાણીએ છીએ.....અમાસનો અંધકાર

----------- ( ક્રમશઃ) ----------

લેખક : શિતલ માલાણી

૬-૧૦-૨૦૨૦

બુધવાર