Darkness of the moon - 4 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 4

આગળના ભાગમાં શ્યામલી એની સખીના કહ્યાં મુજબ વીરસંગને મળવા જશે કે નહીં એ વિચાર મુક્યો હતો..
હવે આગળ......

વીરસંગ ગામની બહારના ભાગે આવેલ તળાવ પાસે રાહ જોવે છે. સંધ્યા સમય થયો હતો. મંદિરની ઝાલર વાગતી હતી. બધા પોતપોતાના ઘરનાં મંદિરે અને બાળકો તેમ જ
વૃદ્ધ લોકો મંદિરે એકઠા થયાં હતા. શ્યામલીની સખી એને વીરસંગનો સંદેશો પહોંચાડે છે અને શ્યામલી તો આ વાત સાંભળીને એ પોતે ખુશ પણ થાય છે અને મુંઝાય છે. એ એની સખીને સાથે લઈ જવા મનાવે છે અને બેય સખીઓ છાનાપગલે ઘરના પાછળના ભાગેથી નિકળી જાય છે.
એ શ્યામલી એના માણીગરને મળવા જાય છે ત્યારે કેવી લાગતી હશે એ વિચારે વાયરો પણ વિચાર પ્રકટ કરે છે....

.
એક રૂપ રમણી
નાર નમણી
ડાબી ને જમણી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

લાલ ઘાઘરી
કમખે કાંગરી
ઓઢી ચુંદડી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

હાથે ખનકતી
પગે છનકતી
કટિ લચકતી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

આંખ કજરી
નાકે નમણી
કર્ણ ઝુમકી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

પિયુ બાવરી
સજી સાવલી
ઠંડી વાયરી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

હૈયે હરખતી
નેણે નિરખતી
હસતી હસાવતી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

ભાગી હરણી
ઊડી ડમરી
ક્યાંય ન રોકાણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

નદીએ નહાતી
ગીતો ગાતી
સુર રેલાવી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

ભાગી હરણી
જોબનવંતી
શ્યામલ વરણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

આવી તલાવડી
પિયુ ને ભાળી
થઈ ઉતાવળી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

જોયાને જાણી
ઘણી શરમાણી
રૂઠી એ રાણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

રાત એ કાળી
નયનને ઢાળી
વાત ન માની
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

અધરાતલડી
મધરાતલડી
ન ખુટે વાતલડી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

શ્યામલી અને વીરસંગની આ મુલાકાત અતુટ બંધને બનાવવા તલપાપડ હતી. વીરસંગે વચન આપ્યું કે મારા કાકાને આ વાત હું મારા મોંઢે જ કરીશ. આ ભુમિપુજનમાં
તું જરૂર આવજે. હું તારી રાહ જોઈશ. આમ આવી મુલાકાત પછી બેયની નિંદર હરામ થાય છે.

જુવાનસંગને કાને પણ શ્યામલીના રૂપની ચર્ચાઓ પહોંચે છે. એ આધેડવયનો લંપટ પણ આ ભુમિપુજનમાં શ્યામલીનું
રૂપ નિરખવા બેબાકળો થાય છે. આ જુવાનસંગને બે પત્નીઓ પહેલેથી જ હતી. પણ મધમાખી કયારેય એના મધની કદરદાન ન બની શકે એમ જ જુવાનસંગ પણ એ બેયને તલવારની ધારે જીવવા મજબુર કરતો.

જુવાનસંગે પોતાના ગામમાં એક આખી હવેલી વિધવાઓને નામે સમર્પિત કરી હતી. એ હવેલી સત્કર્મનું બાંધકામ જરૂર હતું પણ હવેલીની અંદરની જીંદગી તો એ બિચારી વિધવાઓ માટે દોજખ જ હતું. પોતાના કારસ્તાન છુપાવવા એ તમામ સ્ત્રીઓને સમ્માન આપવાનો ડોળ કરતો. વિધવાઓ પાસે એની તમામ માલ મિલકતોની સાફ સફાઈ, આંગણે આવનાર તમામની રસોઈ અને વિશિષ્ટ સરભરા કરાવતો. એ સવારે ઊઠે કે એના ખોબલે કોગળા કરવા પણ વિધવાના હાથનો જ પાણીનો કળશિયો હોય અને સુવે ત્યારે પગચંપી કરવા પણ વિધવાના જ ચુડી વગરના હાથ હોય..

એક મોટા ઓરડામાં કીડી મંકોડાની જેમ રહેવા લાચાર એ સ્ત્રીઓ કાળા ઓઢણામાં બાકીની જીંદગી વિતાવતી. ત્યાં એમની પાસે બીજા કોઈ સપના જોવાનો કે માંગણી કરવાનો હક છીનવી લેવાતો. જે વિરોધ કરે એને તો જુવાનસંગ પીંખી નાખતો.જુવાનસંગની તામસીવૃતિ અને ક્રૂરતા બધાને ડરવા મજબૂર કરતી.

...................... ક્રમશઃ ....................

લેખક : શિતલ માલાણી

૨૫/૯/૨૦૨૦

શુક્રવાર