sundari chapter 30 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૩૦

ત્રીસ

“જમણી તરફ વાળી લ્યો.” પ્રાઈવેટ રોડ પૂરો થતાં અને મેઈન રોડ શરુ થતાં જ સુંદરીએ હોન્ડાના જમણી તરફના અરીસામાં જોતાં જોતાં કહ્યું.

“અરે, પણ આપણે તો સીધા...” વરુણ હજી બોલ્યો ત્યાં તો...

“શોર્ટકટ છે.” સુંદરી બોલી અને વરુણ બીજી કોઈ દલીલ કરે તે પહેલાં જ તેણે પોતાના હોન્ડાની સ્પિડ વધારી દીધી અને જમણી તરફ વળતા રસ્તા પર વળી ગઈ.

વરુણને પણ આશ્ચર્ય થયું કારણકે તે આ વિસ્તારનો પૂરો જાણકાર હતો અને તેને ખબર હતી કે સુંદરીએ જે રસ્તો પસંદ કર્યો છે પોતાના ઘેર જવાનો તે શોર્ટકટ બિલકુલ નથી ઉલટું તેને ઘરે પહોંચતા એ બંનેને દસેક મિનીટ વધુ થશે. પરંતુ સુંદરીને એ કશું કહી શકે એ સ્થિતિમાં ન હોવાથી તેણે મૂંગા રહેવાનું જ નક્કી કરી લીધું.

વરુણના બીજા આશ્ચર્ય વચ્ચે જમણી તરફ વળવાની સાથે જ સુંદરીએ પોતાના હોન્ડાની ગતિ પણ અસામાન્ય રીતે વધારી દીધી હતી એટલે તેની નજીક પહોંચવા વરુણને પણ પોતાની બાઈકની ગતિ ઝડપી બનાવવી પડી.

તો વરુણથી થોડે દૂર નીકળી ગયેલી સુંદરીનું હ્રદય ડરને કારણે ધીમું ધડકવા માનતું જ ન હતું. સુંદરી સતત તેના વાહનના બંને તરફના કાચમાં જોઈ રહી હતી અને તેને જમણી તરફના કાચમાં પોતાનાથી થોડે દૂર માત્ર વરુણ જ પોતાની બાઈક ચલાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું હતું નહીં કે પેલો અજાણ્યો વ્યક્તિ.

સુંદરીએ હજી પણ પોતાના વાહનની ગતિ વધારે ઝડપી બનાવી અને રસ્તાની ડાબી તરફ આવતી એક નાની ગલીમાં છેલ્લી ઘડીએ વળી ગઈ. વરુણને ફરીથી આશ્ચર્ય થયું પણ તેણે મૂંગા રહેવાનું નક્કી કરી લીધું હતું એટલે તે કશું બોલ્યો નહીં અને સુંદરીના વાહનથી સલામત અંતર રાખીને પોતાની બાઈક તેણે ચલાવે રાખી.

ડાબી તરફ વળ્યા પછી પણ થોડે દૂર ગયા બાદ જ્યારે સુંદરીને પેલો વ્યક્તિ ન દેખાયો ત્યારે તેને હાશ થઇ. અને તેણે પોતાનું વાહન ધીમું કર્યું અને તેની ગતિ ધીમી થતાં જ વરુણની બાઈક તેની વધુ નજીક આવવા લાગી. વરુણ નજીક આવશે ત્યારે પોતે તેને શું કહેશે એ સુંદરીએ અત્યારથી જ નક્કી કરી દીધું હતું.

“આપણે ઘરે પહોંચીને જ વાત કરીએ.” વરુણની બાઈક પોતાના વાહનની સમાંતર આવવાની સાથે જ સુંદરી બોલી એટલે વરુણને બીજો કોઈ સવાલ કરવાની તક જ ન મળી.

લગભગ પંદર મિનીટની ડ્રાઈવ બાદ સુંદરી અને વરુણ સુંદરીની સોસાયટીની ગલીમાં વળ્યાં અને સુંદરીના ઘરની બહાર બંનેએ પોતપોતાના વાહનો રોક્યા. સુંદરી પોતાના હોન્ડા પરથી નીચે ઉતરી અને પોતાના બંગલાનો ઝાંપો ખોલ્યો અને ખેંચીને પોતાનું હોન્ડા અંદર લઇ લીધું.

“તમે પણ તમારું બાઈક અંદર જ લઇ લ્યો.” સુંદરી હવે કોઈજ ચાન્સ લેવા નહોતી માંગતી.

સુંદરીને શંકા હતી કે ક્યાંક તેના ઘરની બહાર જો વરુણ પોતાનું બાઈક પાર્ક કરે અને પેલો અજાણ્યો વ્યક્તિ તેનો પીછો કરતો કરતો અહીં આવી જાય તો તેને તો સુંદરીનું ઘર ક્યાં છે તેની પણ ખબર પડી જાય કારણકે સુંદરી વરુણ સાથેજ કોલેજના ગ્રાઉન્ડથી ઘેર આવવા નીકળી હતી અને એટલે જ સુંદરીએ વરુણને તેનું બાઈક અંદર લઇ લેવાની તાકીદ કરી.

વરુણને તો આમ પણ સુંદરીની દરેક ઇચ્છા પૂરી કરવી હતી અને તેનો દરેક હુકમ માનવો હતો.

વાહન પાર્ક કરી સુંદરી ઘરનો ઓટલો ચડી અને પોતાના પર્સમાંથી તેણે ઘરની ચાવી બહાર કાઢી અને મુખ્ય દરવાજે લાગેલું તાળું ખોલ્યું. તાળું ખોલતાં સુંદરીને તરતજ વિચાર આવ્યો કે સારું થયું કે તેના પિતા પ્રમોદરાય ત્રણ-ચાર દિવસ માટે મુંબઈ ગયા છે નહીં તો તેને વરુણને પોતાના ઘરની ગલીની બહારથી જ જતું રહેવાનું કહી દેવું પડ્યું હોત અને જો એમ થયું હોત તો એ વરૂણનું અપમાન થયું હોત કારણકે તેણે વરુણને તે પોતે તેને કેવી રીતે મદદ કરી શકે તે જણાવવા બોલાવ્યો હતો.

“આવો.” દરવાજો ખોલતાં જ સુંદરીએ સ્મિત સાથે વરુણને ઘરમાં આવવાનું કહ્યું.

પોતે સુંદરીના ઘરમાં જઈ રહ્યો છે એ વિચારે જ વરુણને અભિભૂત કરી દીધો હતો. પોતે માની લીધેલી પ્રેમિકાના ઘરની અંદર સુધી તે આટલી જલ્દી પહોંચી જશે તેનો તો તેને જરા પણ અંદાજ ન હતો. અત્યારે થઇ રહેલી ઉત્તેજનાને કારણે વરૂણનું રૂંવાડે રૂંવાડું ઉભું થઇ ગયું હતું.

સુંદરીની પાછળ પાછળ વરુણ અંદર આવ્યો અને સુંદરી તરત પાછી વળી અને દરવાજાની બહાર તેણે જોઈ લીધું કે પેલો વ્યક્તિ ક્યાંક ત્યાં આવી તો નથી ગયોને? પણ બંગલાના ઝાંપાની બહાર કોઇપણ ન દેખાતાં સુંદરીને હાશકારો થયો.

“અરે! બેસોને... હું તમારી માટે પાણી લઇ આવું.” સુંદરીએ ફરીથી પોતાનું સ્મિત ફરકાવ્યું.

જવાબમાં વરુણે પણ સ્મિત આપ્યું અને તે સોફા પર બેઠો. સુંદરી સામે જ દેખાઈ રહેલા રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ લઇ આવી. વરુણે સુંદરીએ લાંબા કરેલા તેના હાથની અદભુત રચનાને ચોરીછુપે જોતાં એ ગ્લાસ લઇ લીધો અને પોતાના જીવનમાં અત્યારસુધીમાં સહુથી મીઠું લાગેલું પાણી તેણે પીધું.

“થેન્ક્સ...” વરુણે ગ્લાસ પરત આપતાં કહ્યું અને સુંદરી તેની સામે મલકી.

“હું ચેન્જ કરી લઉં? પછી આપણે નાસ્તો કરીએ અને નાસ્તો કરતાં કરતાં વાતો કરીએ તો?” સુંદરીએ કહ્યું.

“ના ના એની શી જરૂર છે?” વરુણે વિવેક કર્યો પરંતુ અંદરથી તો તેને પણ ઈચ્છા હતી જ કે સુંદરી તેને નાસ્તો કરાવે.

“હું બટાકા પૌંઆ ખૂબ સરસ બનાવું છું અને ચ્હા પણ. ત્યાં સુધી તમે ટીવી જુઓ... ટેબલ પર રિમોટ પડ્યું છે.” સુંદરી હસતાં હસતાં બોલી.

જવાબમાં વરુણે હકારમાં પોતાનું ડોકું હલાવ્યું કારણકે સુંદરીના એ હાસ્યના જવાબમાં ના પાડવાનો તો પ્રશ્ન જ ન હતો પરંતુ તેની પાસે હાલપૂરતો કોઈ શબ્દ જ ઉપલબ્ધ ન હતો.

સુંદરી તરતજ વરુણની પાછળ રહેલો દાદરો ચડી ગઈ અને વરુણે સામે ટેબલ પર પડેલું રિમોટ વાંકા વળીને લીધું અને ટીવી ઓન કર્યું. પણ વરૂણનું ધ્યાન ટીવીમાંથી અચાનક જ ટીવી પાછળની ભીંત પર ગયું જેના પર એક સ્ત્રીનો હાર ચડાવેલો ફોટો હતો. આ ફોટો જોઇને વરુણને તરતજ ખ્યાલ આવી ગયો કે સુંદરીએ તેનું એ અદભુત રૂપ તેની માતા પાસેથી જ મેળવ્યું હશે.

ત્યાંથી આંખો ફેરવતાં ફેરવતાં વરૂણનું ધ્યાન ટીવીની આસપાસ રહેલા કાચના બે શોકેસીઝમાં રહેલી સજાવટ તરફ ગયું જ્યાં કેટલાક ફોટોગ્રાફ્સ હતા. વરુણે સોફામાં બેઠાબેઠા જ પાછળ જોયું કે ક્યાંક સુંદરી કપડાં બદલીને નીચે તો નથી આવતીને? ખાતરી થયા બાદ વરુણ તરતજ સોફા પરથી ઉભો થયો અને ટીવીની ડાબી તરફ રહેલા શો કેસ પાસે ઉભો રહ્યો.

એક ફોટામાં બે બાળકો અને ઉપર જેના ફોટા પર હાર ચડાવ્યો હતો તે સ્ત્રી સાથે એક પુરુષ અને બંને વચ્ચે બે બાળકો ઉભા રહ્યા હતા તે જોયું. આ બંને બાળકોમાં એક છોકરો હતો અને છોકરી તો સુંદરી જ હતી તેવું વરુણને સ્પષ્ટ દેખાઈ આવ્યું અને તરતજ તેના ચહેરા પર એક તોફાની સ્મિત આવી ગયું. સુંદરીનું નાનપણ પણ ખૂબ ક્યુટ હતું તેમ વરુણ મનોમન બોલી ઉઠ્યો.

ત્યારબાદ વરુણે એ શો કેસમાં વ્યવસ્થિતપણે ગોઠવેલી વિવિધ વસ્તુઓ જોઈ અને પછી તે ટીવીની જમણી તરફના શોકેસ તરફ વળ્યો. અહીં પણ અલગ અલગ રીતે ગોઠવેલી વસ્તુઓ તેણે જોઈ અને એ શોકેસમાં સુંદરીના કોન્વોકેશનનો ફોટો હતો, કદાચ એની એમ.ફિલની ડિગ્રી સમયનો. સુંદરીએ કાળો કોટ પહેર્યો હતો માથે કોન્વોકેશનમાં પહેરાવવામાં આવે છે એવી હેટ હતી અને હાથમાં ડિગ્રીનું કાગળ હતું જેને ગોળ વાળવામાં આવી હતી આ ફોટોગ્રાફમાંથી પણ સુંદરીનું સુંદર રૂપ રીતસર નીતરી રહ્યું હતું.

“મને બધું ગોઠવીને રાખવાનું બહુ ગમે છે. મારો ફેવરીટ ટાઈમપાસ છે.” વરુણ સુંદરીના કોન્વોકેશનનો ફોટો મનભરીને જોઈજ રહ્યો હતો કે પાછળથી સુંદરીનો મીઠો મધુરો અવાજ આવ્યો.

“હેં? હા... સુંદર લાગો...આઈ મીન લાગે છે... બધુંજ...” વરુણની જીભ લપસતાં લપસતાં રહી ગઈ.

“થેન્ક્સ...” ચાલો હું પૌઆ બનાવું અને પછી આપણે ગરમાગરમ ચ્હા સાથે પીએ અને આવતા રવિવારનું પ્લાનિંગ કરીએ.” સુંદરીએ પોતાનું ડોકું ડાબી તરફ ઝુકાવીને વરુણ સમક્ષ એક અલગ જ અદા પ્રસ્તુત કરતાં કહ્યું અને વરુણથી કન્ટ્રોલ કરવો અશક્ય બની ગયું.

પરંતુ તેમ છતાં વરુણ પાસે અન્ય કોઈજ રસ્તો ન હોવાથી તેણે સોફા પર ફરીથી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને રિમોટથી એક પછી એક ચેનલો બદલવાનું શરુ કર્યું.

લગભગ પંદરેક મિનીટ બાદ રસોડામાંથી આવતી સુગંધ સહન કર્યા બાદ વરુણને તેમાંથી સુંદરી એક મોટી ટ્રેમાં નાસ્તો અને ચ્હાની કિટલી લઈને આવતી દેખાઈ.

“આ મારો બીજો મનગમતો ટાઈમપાસ, ખાવાનું બનાવવાનું અને ચ્હા બનાવવાની. લોકો કહે છે કે મારી ચ્હા બહુ સરસ બને છે.” સુંદરીએ ફરીથી પોતાનું ખાસ હાસ્ય ચમકાવ્યું.

ટેબલ પર ટ્રે મુક્યા બાદ સુંદરીએ કેસરોલ ખોલ્યું અને તેમાંથી ગરમાગરમ બટાકા પૌઆ એક ડીશમાં ભરીને વરુણ તરફ ડીશ મૂકી અને બીજી ડીશમાં બટાકા પૌઆ પોતાના માટે ભર્યા. ત્યારબાદ કિટલી માંથી ચ્હા બે મોટા મોટા મગમાં ભરી.

“સોરી! પણ મને આટલી ચ્હા તો જોઈએજ. તમને વધુ લાગે તો પણ ફરજીયાત પીવી પડશે.” સુંદરી હસતાં હસતાં બોલી.

“પી જ લઈશ, ક્યાંક ઇન્ટરનલમાંથી માર્ક ન કપાય.” વરુણે પહેલી વખત સુંદરી સામે મજાક કરી અને સુંદરી ખડખડાટ હસી પડી.

“ગુડ વન વરુણ...” ખડખડાટ હસતાં હસતાં જ સુંદરી બોલી.

ત્યારબાદ બંનેએ નાસ્તો કરવાનું અને ચ્હા પીવાનું શરુ કર્યું. સુંદરી પોતાની મજાક પર હસી પડી હતી એટલે વરુણને પણ થોડી હિંમત આવી.

“તમે મને આવતા સન્ડે કોઈ હેલ્પ કરવાનું કહ્યું હતું?” વરુણને હવે તાલાવેલી હતી.

“હા, જુઓ હું લગભગ પંદર-સત્તર લોકોનો અને એ પણ બધા જ યંગસ્ટર્સનો નાસ્તો બનાવું તો સહેજે મારે મોટા ટિફિન્સમાં તેને લઇ આવવા પડે. પ્લસ ચ્હા તો ખરીજ! આટલું બધું હું એકલી હોન્ડામાં ન લાવી શકું અને કેબમાં કદાચ કોઈ ડ્રાઈવર આડો ફાટે અને મને આટલું બધું કેરી કરવા ન દે તો તકલીફ થાય.” આટલું બોલતાં સુંદરી રોકાઈ.

વરુણ જે રીતે સુંદરી ચમચીમાં બટાકા પૌઆ લઈને ખાતી હતી તે જોવામાં વ્યસ્ત હતો પરંતુ તેને સુંદરી શું કહી રહી છે તેનું પણ ભાન હતું.

“એટલે જો તમે દર રવિવારે સવારે ઘરેથી કોલેજ જતાં, ઇફ યુ ડોન્ટ માઈન્ડ... અહીંથી મારી સાથેજ નાસ્તો લઈને મારી સાથેજ આવો તો? મને બહુ મોટી હેલ્પ થઇ જશે.” સુંદરીએ વરુણ સામે જોતાં જોતાં કહ્યું.

“ચોક્કસ, કેમ નહીં.” વરુણનો ના કહેવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો.

“તમને કદાચ આડું પડશે પણ...” સુંદરીએ વરુણની સમસ્યા પણ સમજી હતી.

“અરે ના, ના. આપણી ટીમ માટે તો એનીથિંગ! તમે ચિંતા ન કરતા. પણ હું પોણાસાતે આવી જઈશ. ત્યાં સુધી તમારું બધું રેડી થઇ જશેને?” વરુણે મુદ્દાની વાત કરી.

“હા, એનો તો કોઈજ પ્રોબ્લેમ નથી. આમ પણ હું સોમથી શનિ પાંચ વાગ્યે જાગી જ જાઉં છું. હવેથી રવિવારે પણ જાગી જઈશ.” સુંદરીએ કહ્યું.

“એક રવિવાર જ મળતો હશે કદાચ તમને આરામ માટે અને હવે એ પણ...” વરુણે વાક્ય અધૂરું મુક્યું અને પોતાને બહુ દુઃખ થયું હોય એવું મોઢું બનાવ્યું. જો કે એ વરુણનો કુદરતી પ્રત્યાઘાત હતો.

“તમે આપણી ટીમ માટે એનીથિંગ કરી શકો તો હું કેમ નહીં? કેમ એકલાં એકલાં પુણ્ય કમાવવું છે તમારે?” સુંદરીની વાત સાંભળતાની સાથેજ સુંદરી અને વરુણ બંને હસી પડ્યાં!

==:: પ્રકરણ ૩૦ સમાપ્ત ::==