Samayani Mosam - Dr. Smita Trivedi books and stories free download online pdf in Gujarati

સમયની મોસમ - ડૉ. સ્મિતા ત્રિવેદી

૧. સમયની મોસમ

મૃત્યુના સમાચાર ન આપો મને,

રોજે રોજ ટૂકડે ટૂકડે મરું જ છું

પાનખર પછી ભલે હોય વસંત,

સમયની મોસમમાં રોજ ખરું જ છું.

કિનારાને નથી હોતો કોઇ કિનારો,

કિનારેથી સામે છેડે રોજ તરું જ છું.

પળ પછીની પળે શું, તેથી શું

સિક્કા ગણવાનું કામ રોજ કરું જ છું.

ના બતાવો મારો પડછાયો મને

તેનાથી તો હવે રોજ ડરું જ છું

૨. કેટલું-તેટલું

અમથું અમથું હવે જાગવું કેટલું?

બે શ્વાસ વચ્ચેનો વિરામ કહે તેટલું.

અમથું અમથું હવે ઊઘવું ય કેટલું?

બે કીકીઓ જરીક જરીક ફરકે તેટલું.

નસીબથી આગળ કહો જીવાય કેટલું?

કદમ માંડોને સ્થિર થઇ જાય તેટલું.

સીધેસીધે રસ્તે તમે ચાલો કેટલું?

ફંટાય રસ્તો ને વળાંક મળે તેટલું.

આખેઆખા રણ પર વરસવું કેટલું?

મૃગજળની આશા મરે નહીં તેટલું.

અમૃતને સીંચવા પાણી ઉલેચવું કેટલું?

ગાગરમાં આખો સાગર છલકાય તેટલું.

ભીતરનું અંધારું પીવું કેટલું?

જીવન આખું ક્ષણ લાગે તેટલું.

તને મળવાને હવે છેટું છે કેટલું?

એક હાથ બીજાને મળે તેટલું.

૩. નિશાળ છું

જિંદગીની જ ભાષા સમજી શકાઈ નહીં,

આમ તો ખુદ આખેઆખી નિશાળ છું.

દર્દને ગાયા વિના જ રોયા કર્યું,

બુધ્ધિથી જ આમ કેવી આળપંપાળ છું.

ચહેરા પર આ કેવા ચહેરા પહેર્યા છે!

ખુદમાં ખુદથી જ એક પછી એક પાળ છું.

હસો નહીં મારી સામે આમ આવી રીતે,

સ્વપ્નમાં ય લાગે જાણે હોવાનું કોઇ આળ છું.

થાક લાગે કાંધને ય હવે તો પાંપણનો પણ,

દર્પણ પણ ચીસે, હું જ મારો કાળ છું.

ક્ષણોને કંઇક એવી રીતે ગૂંથી છે મેં,

મારી જ જાળમાં રચાયેલી જંજાળ છું.

૪. તળિયું

હવે કેવી રીતે મળે ક્યાંય ફળિયું?

જ્યાં પોતાને જ નથી કોઇ મળિયું!

સોનાના ભાવ ને શૅરનો છે દમામ!

ભાવનો ભાવ પૂછી પૂછીને શું દળિયું?

મઢેલા પ્રતિબિંબોની ચારેબાજુ વાહ વાહ!

અસલી ચહેરામાં કદી ય શું કળિયું!

કોરી આંખો ને કોરાં કોરાં સપનાં,

પ્રેમમાં ય નથી આવતું ઝળઝળિયું!

જિંદગીભરની ભાગંભાગી પછી,

ચિત્રગુપ્તના ચોપડે શું રળિયું!

મોજથી કરો જલસે જલસા,

પડોશીનું દિલ ભલેને બળિયું!

ઘડીક જરીક સંગ કરો કોઇનો!

ને છટ ને ફટ મળી આવે તળિયું!

૫. મહા-ઉત્સવ

મૃત્યુ અંતિમ મહા ઉત્સવ છે,

તારામાં જીવવું જ પ્રસવ છે.

સર્વ દુઃખોનો ત્યાં જ અંત છે.

તારામાં આનંદવું જ અનંત છે.

તારા મિલનની એ જ પળ છે,

તારામાં ન ડૂબવું જ છળ છે.

શ્વાસને ય પોતાનો ભાર છે,

તારામાં ઓગળવું જ આરપાર છે.

પરમ મુક્તિનો એ આહાર છે,

તારામાં વિહરવું જ આધાર છે.

૬. કૃપા

કૃપા વરસે અહર્નિશ અપરંપાર,

મઝધારે કરાવે સંસાર સાગરપાર.

રોમેરોમ છેડાય હ્રદયવીણાના તાર,

પથ્થરે ભેદાય ભવોભવના તાર.

નજર ઝૂકે ને છૂટે ‘હું’કાર,

કેન્દ્ર પર ગૂંજી રહ્યો ‘ૐ’કાર

ચારેકોર પડઘાય એ જ ઘંટનાદ,

કણકણમાં સંભળાય એ બ્રહ્મનાદ.

૭. વિતરાગ

તારી શાનો શૌકત તને મુબારક,

હું તો વતનમાં કરું મોતને વ્હાલું.

ભલે ચાલો, બે ઘડી અધ્ધર,

ક્યાંથી કહો, આશ્વાસન છે ઠાલું.

પરભાષાના પરભાવમાં ભાવને શોધે,

શમણામાં બોલી ઊઠે કાલું કાલું.

માઇલોના અંતર ને કાળી મજૂરી,

એકે આંસુ ન ધૂએ ભીતરનું છાલું.

જાણ્યા પછીનું ઝેર, ને માત્ર વલોપાત,

પાછાં બોલાવતાં હાથોને કેમ કરી ઝાલું!

દોરદમામનો ખાલી ખાલી ઠસ્સો,

ખેતરને શેઢે ક્યારે હવે તો ચાલું!

પાપ-પુણ્યમાં હવે અશ્રધ્ધા ક્યાં!

બીજે ખોળે આ જ માટીમાં મ્હાલું.

૮. વાણીને ફૂટે શબ્દો

મારી વાણીને ફૂટે શબ્દો,

શબ્દે શબ્દે સર્જાય કવિતા.

રોમેરોમ મહેંકે સ્પંદનો,

લહેરાઇ જાય સરિતા.

શબ્દ અને ભાવનો સંગમ,

રચે કેવી પારમિતા.

ભલે હોય અગડંબગડં,

ભીતરેથી લાગે લલિતા.

વાંસળીના સૂર ભળે તો,

શબ્દને મળી જાય ગીતા.