Safar - 14 in Gujarati Novel Episodes by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 14

સફર-એક અનોખા પ્રેમની... - 14

(આગળના ભાગમાં જોયું કે વિરાજ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં તેનાં માતા-પિતા અને દીદીનાં મૃત્યુ બાદ સાવ ઉદાસ થઈ ગયેલ વિરાજ ફરીથી ખુશ રહેવા લાગે છે. પરન્તુ તેની ખુશી વધુ સમય રહેતી નથી. કારણકે થોડા સમયમાં તેનાં દાદા-દાદી પણ મૃત્યુ પામે છે. હવે તેનો એક માત્ર સહારો અજય અંકલ હોય છે પરન્તુ તેનાં દાદા દ્રારા વિરાજ માટે છોડી ગયેલ પત્રમાં બહુ મોટુ રહસ્ય બહાર પડે છે. જેથી વિરાજ અજયભાઈ સાથે બોલવાનું ઓછું રાખે છે. વર્તમાનમાં વિરાજ આ બધી વાત પ્રીતિને કરી રહ્યો હોય છે. આ બધુ સાંભળી પ્રીતી ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ..)

પ્રિતી આ બધું જાણી ચુપ રહેવાની નહતી, તેણે બીજા દિવસે એક પ્લાન બનાવ્યો અને તે વિરાજનાં ઘરે પહોંચી. વિરાજ તેને સવાર-સવારમાં પોતાના ઘરે જોઇને નવાઈ પામ્યો. તેણે પ્રિતીને પુછ્યું, "પ્રિતી, સવાર - સવારમાં અહિં?! કાઈ કામ હતું!"

"કેમ,સર તમારાં ઘરે કોઈ કામનાં બહાનેજ આવી શકાય?" પ્રીતિ મજાકમાં બોલી.

વિરાજે કહ્યું, "ના,એવું કાઈ નથી."

પ્રિતી બોલી, "મારે પેલા બ્રિજનાં ટેન્ડરની ફાઇલ જોઇએ છે."

વિરાજ બોલ્યો, "એ ફાઇલ મે ઉપર રાખી છે. હું લઇ આવું. ત્યાં સુધી તું અહિ બેસીને કોફી પી."

વિરાજ કોફીનો કપ લઇને પ્રિતીને આપે છે, અને ઉપર પોતાના રૂમમાં જાય છે. ત્યાંજ ત્યાં હોલમાં અજય અંકલ આવે છે. અને પ્રિતીને જોઈને તે તેની પાસે આવે છે અને કહે છે, "આવ,પ્રિતી બેટા."

પ્રિતી હવે પોતાનાં પ્લાન મુજબ આગળ વધે છે.
તેણી પોતાના મોં પર ચિંતા દર્શાવતા અજય અંકલ પાસે જઇ ને ધીમા સ્વરે બોલી, "અંકલ, વિરાજને શું થયુ છે?"

અજય અંકલે સામો સવાલ કર્યો, "શું થયુ છે?"

પ્રિતી પોતાના કપાળે હાથ રાખતાં બોલી, "તમને નથી ખબર? હું આવી ત્યારે વિરાજ ઉધરસ ખાતો હતો અને તેનુ માથું પણ દુખતું હતું. તેને શરદી થઈ ગઈ છે. મેં મારી પાસે રહેલી આ દવા આપી તો ખાવાની ના પાડી દીધી. આ દવા હમેંશા હું મારી સાથેજ રાખું છું, જેથી શર્દી કે તાવ જેવું લાગે તો આ દવા લેવાથી તરત મટી જાય.પણ તેણે આ દવા લેવાની ના પાડી દીધી. પણ તમે કહેશો તો જરૂર માનશે. તમારી વાત તે નહીં ટાળે."

અને પછી પ્રીતિ અજયભાઈ સામુ જોઈને ભોળું મોં કરીને બોલી,"બરોબરને અંકલ, એ તમારૂ તો માનશે ને?"

અજયભાઈને હવે ચિંતા થવા લાગી અને તેમણે પ્રિતીનાં હાથમાંથી તે દવા લીધી અને પ્રિતીનાં સવાલનો ફક્ત હકારમાં માથું ધુણાવી જવાબ આપી અને ફટાફટ વિરાજનાં રૂમ તરફ ચાલ્યા. અહિં પ્રિતીએ કોઈ મોટુ કામ કરી નાખ્યું હોય તેવા સ્મિત સાથે મનમાં પોતાને જ શાબાશી આપતી હળવે પગે વિરાજનાં રૂમ તરફ ચાલવા મંડી. તે વિરાજનાં રૂમના બારણે કાન માંડી ઊભી રહીને એક ચિત્તે અંદરનો સંવાદ સાંભળવાં લાગી.

અજય ભાઈ બોલ્યા, "બેટા, વિરાજ ફાઇલ પછી પણ મળી જશે પણ પહેલા તું તારી તબિયતનું ધ્યાન રાખ. જેથી તારી તબિયત વધું ખરાબ નાં થઈ જાય."

વિરાજ ફાઈલ શોધતા-શોધતા જ બોલ્યો, "ના, ડેડ મને પહેલા ફાઇલ ગોતવા દો. પછી બીજી બધી વાત કરીશું."

અજયભાઈએ વિરાજનો હાથ પકડ્યો અને બોલ્યા,"વિરાજ, તું એક વાતમાં નહીં સમજે? પહેલા આપણું હેલ્થ અને પછી કામ."

વિરાજ પોતાના ડેડ પાસેથી હાથ છોડાવતો બોલ્યો, "ડેડ તમે મારી ચિંતા શું કામ કરો છો?"

"વાહ, મારા દિકરા, એક તો મને ડેડ કહે છે અને પાછો પૂછે છે કે તમે મારી ચિંતા શા માટે કરો છો?" અજયભાઇ ગળગળા અવાજે બોલ્યા.

"ઓહ, ડેડ હું તમને ડેડ એટલે કહું છુ કારણકે હું મારી સાચી માતાને પ્રેમ કરૂ છું, માન-સમ્માન આપું છું, તેણે મને જન્મ આપ્યો છે. હું તો મોટો થયો ત્યારે મને ખબર પડી કે એ મારી સાચી માઁ છે કે જેને હું આંટી કહેતો હતો. પણ આ બધું કોને કારણે? ફક્ત તમારે કારણે." વિરાજે પોતાનાં પીતા પર આરોપ મૂકતા કહ્યુ.

વિરાજ દ્રારા આપવામા આવતાં આવા આરોપોની ટેવ તો અજયભાઈને છેલ્લા થોડાક વર્ષથી પડી ગઇ હતી. પરન્તુ આજે વિરાજ કાંઇક વધું ગુસ્સામાં હતો કારણ એ કે હજુ કાલ જ તેને પોતાનો ભૂતકાળ તાજો થયો હતો.

અજયભાઇ સાવ શાંત હતાં. વિરાજ ફરી પોતાના કામે લાગી ગયો અને ફાઇલ લઇને રૂમની બહાર નીકળવા ગયો ત્યાં અજયભાઈએ તેમનો રસ્તો રોક્યો અને બોલ્યા ,"બેટા, દવા તો લઇ લે."

વિરાજને હવે ગુસ્સો આવતો હતો તે પોતાના માથા પર હાથ રાખતાં બોલ્યો,"ડેડ, મને જોઈને તમને એવું લાગે છે કે હું બીમાર છુ?તમને ભુલ થતી હશે."

અજયભાઈ બોલ્યા,"હા, તારી વાત સાચી છે બેટા. મને તારી ચિંતા થતી હતી એટલે.."અજયભાઈ આટલું બોલ્યા ત્યાં તેને અટકાવતા વિરાજ વચ્ચેથી જ બોલ્યો, "ચિંતા? ખોટા નાટક કરવાનું રહેવા દો ડેડ."

અજયભાઈને હવે ગુસ્સો આવવા લાગ્યો તે બોલ્યા, "હું કોઈ નાટક નથી કરતો. તને શું કામ એવું લાગે છે?"

વિરાજ પણ સામે દલીલ કરતા બોલ્યો, "કેમ?ડેડ,ભૂલી ગયા? મારા અંકલ બનવાનું નાટક તમે નહોતુ કર્યું? મને તમારાં પ્રત્યે કેટલો પ્રેમ હતો તે બધો ચકનાચૂર થઈ ગયો. તમે મને કદી પોતાનુ સંતાન માન્યું છે ખરાં?"

હવે વિરાજ દ્રારા બોલવામાં આવેલા કડવા વચનો અજયભાઈ માટે અસહ્ય થઈ પડ્યા હતાં તેઓ ગુસ્સાથી ભરેલી લાલ આંખોએ જોરથી બોલ્યા,"બસ..વિરાજ..બસ...ચુપ..ચુપ થા."

પોતે ત્યાંજ ચેર પર ઢળી પડ્યા અને થોડીક વાર મૌન રહ્યાં, પોતાના ડેડનો ગુસ્સો જોઈને થોડી ક્ષણ માટે વિરાજ પણ શાંત થઈ ગયો.

અજયભાઈએ ગુસ્સા, દર્દ, દુઃખ આ બધાં મિશ્ર ભાવો સાથે ભરેલી આંખોએ વિરાજ સામે જોયું, આ જોઇ થોડીક ક્ષણ વિરાજ પણ ડરી ગયો. અજયભાઇએ પોતાની વાત ચાલુ કરી.....

"મારા અને તારી મમ્મીનાં પ્રેમ લગ્ન થયાં હતાં. અમે બન્ને એક બીજાને કૉલેજ કાળથી અનહદ પ્રેમ કરતા હતાં. તારી માતા મધ્યમવર્ગીય કુંટુંબમાંથી આવતી હતી અને હું કરોડપતિ પિતાનો એક માત્ર સંતાન હતો. અમને બન્નેને અમારાં લગ્ન થવાની સંભાવના નહિવત દેખાતી હતી. છતાં અમે ડરીને પણ એકવાર પરિવારનાં લોકોને વાત કરી. અમારાં બંનેના પરિવાર તરફથી સંમતી આવી જેથી અમે ખુશ હતાં. અમારા બન્નેના લગ્ન થયાં. અમે બન્નેએ સાથે મળીને એક બિઝનેસ શરૂ કર્યો હતો. અમારું પરિવાર ખુબજ ખુશ હતું. પરન્તુ આ ખુશી વધું સમય ટકી નહીં, એક દીવસ મારા માતા-પીતા બન્ને જાત્રામાં ગયા હતાં. જેમા તેમની બસ ખાઇમાં પડી ગઇ અને તેઓ મૃત્યુ પામ્યા. અમારાં માટે આ ખુબજ દુઃખદાયક પરિસ્થિતિ હતી. પછી થોડા દીવસ બાદ ખબર પડી કે તારી માતા ગર્ભવતી છે, અમે તારી આવવાની ખુશીમાં બધુ ભૂલી ગયા. તારો જન્મ થયો પછી ઘરમાં ખુશી આવી ગઇ. પરન્તુ તે ખુશી પણુ વધું સમય ટકી નહીં... તારી મમ્મીની તબિયત બગડવા મંડી હતી, મેં તેની ઘણી સારવાર કરાવી પણ કાઈજ ફરક નાં પડ્યો. એક દીવસ અચાનક રાત્રે તેની તબિયત વધું બગડી હું તેને હોસ્પિટલે લઇ ગયો. તારા મામા-મામી એટલેકે તારા પાલક માતા-પીતા પણ ત્યાં પહોંચી ગયા.

થોડા સમય પછી ડૉક્ટરની પરવાનગી મેળવી હું તેને અંદર મળવા ગયો. તેની નજીક બેઠો. તેણે મારી તરફ હાથ ધર્યો અને મને કહ્યુ, " મારા હાથ પર હાથ રાખી વચન આપો." મે તેને કહ્યુ, "તારે જે જોઇએ તે માંગ, હું તને વચન આપુ છુ કે તારી બધીજ ઇચ્છાઓ હું પુર્ણ કરીશ."

તેણે મને કહ્યુ કે "વચન આપોકે તમે મારા ગયા પછી બીજા લગ્ન કરી લેશો."

મે તેનાં મોં પર હાથ રાખ્યો અને બોલ્યો,"આવું ના બોલ. તારે ક્યાંય નથી જવાનું."

તેણે તેનાં મોં પરથી મારો હાથ હટાવ્યો અને બોલી, "હવે મારી પાસે વધું સમય નથી, તમે મને બોલવા દો...... જુઓ, હું તો હમણાં તમને મુકીને ઉપર ચાલી જઈશ. પછી આવડી નાની ઉંમરે તમે સાવ એકલા અટુલા કેમ રહેશો?"

હું તેને અટકાવતા બોલ્યો, "પહેલી વાત કે તું ક્યાંય નહીં જઈશ. અને આવું કંઈ થયું તો હું કદી બીજા લગ્ન નહીં કરૂ. હું તને અનહદ પ્રેમ કરૂ છું, તારા સીવાય હું બીજા કોઈ સાથે લગ્ન કરવાનું વિચારી પણ નાં શકુ. હું એકલો ક્યાં છુ? વિરાજ છે ને મારી સાથે. હું વિરાજની માતાનાં સ્થાને તારા સીવાય બીજા કોઈને નહીં આવવા દઈશ. અને સાવકી માઁ દ્રારા વિરાજને પ્રેમ નહીં મળે તો?"

તેણે મારા ગાલ પર વ્હાલથી હાથ મુક્યો અને બોલી,"તમારી આ ચિંતા પણ દુર થઈ જશે. બસ હું કહું એટલું કરો. તમે ભાઈ-ભાભીને અહિં બોલાવી લો."

હું તેનાં કહેવા પ્રમાણે રાજીવ ભાઈ અને રોહિણી ભાભીને બોલાવી લાવ્યો. શાલિનીએ તે બન્નેને તેની બાજુમાં બેસાડ્યા અને હું ત્યાં સાઈડ પર બેસી ગયો. શાલિનીએ પોતાની વાત શરૂ કરી,"ભાઈ-ભાભી હવે મને લાગે છે કે, મારો જવાનો સમય આવી ગયો છે."

તેને વચ્ચેથી અટકાવતા ભાઈ-ભાભી બોલ્યા,"અરે, શાલિની તું આવુ શું કામ બોલે છે?"

શાલિની સ્મિત સાથે બોલી, "ભાઈ-ભાભી હકીકતનો અસ્વીકાર કરવાથી તે આપણાં માટે બદલાતી નથી. હકકીત એજ છે કે મારી પાસે વધું સમય નથી અને મારે એક કામ પુરૂ કરવાનું છે.....જેમાં મારે તમારાં બન્નેની મદદ જોઇશે."

"હા, બોલ, તું કહે એ કામ અમે કરીશું." રોહિણીભાભી બોલ્યા.

શાલિનીએ પોતાની વાત શરૂ કરી, "જુઓ, અજયની ઉંમર વધું નથી, અને આવડી ઉંમરે તે આ દુનિયામાં એકલા-અટુુલા થઈ જશે. મેં તેમને બીજા લગ્ન માટે કહ્યુ તો તેમણે મને નાં પાડી. કારણ તે ફક્ત મને જ પ્રેમ કરે છે. પરન્તુ તેમને બીજી વાર સાચો પ્રેમ મળી શકે છે. હવે તેમને સાચો પ્રેમ મળી જાય, તેઓ લગ્ન પણ કરી લે પરન્તુ..વિરાજ. જે નવી સ્ત્રી ઘરમાં લગ્ન કરીને આવે અને તે જો વિરાજને સરખી રીતે નાં સાચવે તો? તે જો વિરાજને મારા જેટલો પ્રેમ ન કરે તો? આવા બધાં પ્રશ્ન અજયનાં મનમાં ઉદ્દભવે છે, આથી હવે તમેજ આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકશો."

શાલિની ને વચ્ચેજ અટકાવતા ભાભી બોલ્યા , "શાલિની તું ચિંતા નાં કર, તારા દિકરા વિરાજને હું સાચવીશ. હું તેને મોટો કરીશ. હું અમારાં ઘરે તેને લઇ જઈશ."

શાલિનીની આંખોમાં હર્ષનાં આસું આવી ગયા, તે બોલી, "હું કેટલી ખુશનસીબ છુ કે મને આવા સારા ભાભી મળ્યા. તમે મારી વાત કેટલી સરળતાથી સમજી ગયા, અને તેનો સ્વીકાર લીધો, તમારો આભાર ભાભી."

મને તો કાઈ બોલવાનો મોકોજ નાં મળ્યો. હું કાંઇ બોલવા જાઉ તેની પહેલા શાલિનીએ મને તેના સમ આપી દીધા અને હું મૂક બનીને આ બધુ દ્રશ્ય જોવા ફરીથી સોફા પર બેસી ગયો.

શાલિનીએ પોતાની અધૂરી વાત શરૂ કરી, "જુઓ, ભાઈ-ભાભી તમે ભલે વિરાજનો ઉછેર કરો પરન્તુ જ્યારે તે મોટો થાય ત્યારે તમારે વિરાજને બધી હકીકત જણાવવી અને તેને કોની પાસે રહેવું છે તે નક્કી કરવા દેવું, અને અજય માટે સારી સ્ત્રી શોધી તેમનાં લગ્ન કરાવવાની જવાબદારી તમારી."

"હા, શાલિની વિરાજ મોટો થશે ત્યાંરે અમે તેને અજયભાઈને પરત સોંપી દઈશુ. અને અજયભાઇનાં લગ્નની ચિંતા તું ના કર,એ અમારી જવાબદારી છે." રાજીવ ભાઈ બોલ્યા.

હું ઉભો થયો અને શલિની પાસેથી બોલવાની પરવાનગી માંગી. અને મે સાફ શબ્દોમાં કહી દીધું, "હું, કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન નહીં કરૂ. તું ગમે એટલાં પ્રયત્નો કર."

અને શાલિનીએ પણ કહ્યુ કે ,"કાઈ વાંધો નહીં, વિરાજનાં ગયા પછી તમે એકલા પડશો એટલે બધુ સમજી જશો."

અને પછી તેણે તને થોડીકવાર હાથમાં લીધો.તારી સાથે રમી, અને ભાઈ-ભાભીના હાથમાં તને મુક્યો અને ત્યાંજ.....તેનાં હાર્ટ-બીટ મશીનમાં વાંકિચુંકિ લાઈનો સીધી થઈ ગઇ. તે આપણને મુકીને ચાલી ગઇ.... ( વિરાજના રૂમમાં વાતાવરણ શાંત થઈ ગયું. થોડીવાર બાદ અજયભાઈએ વાત આગળ વધારી)

હું તારી મમ્મીના વિરહની વેદના સહન કરી શક્તો નહતો. હું આ દુનિયામાં સાવ એકલો પડી ગયો. ન તે મારી પાસે હતી કે ન તુ. હું તને તારા મામાનાં ઘરે અવાર-નવાર મળવા આવતો અને તેમાંજ ખુશ રહેતો. મે શાલિનીને ખોટી પાડી. કારણકે હું કોઈ અન્ય સ્ત્રીને મારા જીવનમાં શાલિનીની જગ્યા ન આપી શકું. આથી મે બીજા લગ્ન ના કર્યા અને એકલુંજ રહેવાનું પસંદ કર્યું.

જ્યારે તું સોળ વર્ષનો થયો, ત્યારે તારા મામા-મામી તો તેનુ વચન પુરુ કરવા ઇચ્છતા હતાં, પરન્તુ મેજ તેમને નાં પાડી અને તેમને કહ્યુ કે વિરાજ તમારોજ પુત્ર છે. આ સાંભળી પરિવારના દરેક સભ્યના ચહેરા પરની એ ખુશી મને હજું યાદ છે. પરન્તુ એ પછી તારા મામા-મામીને બહાર જવાનું થયુ અને તેનુ એક્સિડન્ટ થઈ ગયું. થોડા સમયમાં તારા દાદા-દાદી પણ ચાલ્યા ગયા. તે તારા દાદાનો લખેલ જે લેટર વાંચ્યો હતો, તેમાં અધૂરી વાત હતી કારણકે તે દિવસે હૉસ્પિલનાં બંધ રૂમમાં થયેલી અમારી વાતોથી તારા દાદા-દાદી પણ અજાણ હતાં. તેણે તને જેટલી વાત કરીને બસ અમે તેટલીજ વાત તેમને કહી હતી. તું હમેશા મારી સાથે આવુ વર્તન કરે છે ત્યારે મને કેટલું દુખ થાય છે તે તું ક્યારેય નહી સમજી શકીશ. તું તો આ વાતથી અજાણ હતો આથી તારો વાંક નથી પણ કોઈ વાતની હકીકત જાણ્યા વગરજ તમે ગમે તેવું વર્તન કરો તો તે અયોગ્ય કહેવાય.

તને યાદ છે એક દીવસ તું નાનો હતો અને હું પૂરા પરિવાર સહીત તમને આ ઘરે લઇ આવ્યો હતો ત્યારે તે ફોટામાં હું, મારી બાજુમાં તારી મમ્મી અને તેના ખોળામાં તું હતો. મેં એક વાત સાચી કરી હતી કે તારી મમ્મી આ દુનિયામાં નથી, પણ તું જીવતો હતો અને મારી સામે હોવાં છતા ભારે હ્રદયે મે એમ કહ્યુ કે તું....? કારણ? કારણ માત્ર એજ કે હું તને તારા મામા-મામીથી મારા સ્વાર્થના કારણે છૂટો પાડવા માંગતો નહતો. કારણકે તારા માટે એજ તારા સાચા માતા-પીતા હતાં, તેની સાથે તારે સ્નેહનો સંબંધ બંધાયેલો હતો જે હું તોડવા નહતો માંગતો. તને એમ કે હું સ્વાર્થી છું. બેટા,જો પોતાના દિકરાની ખુશી ખાતર એક બાપે ઘણું બધું બલિદાન આપ્યું હોય તે જો તે બાપનું સ્વાર્થીપણું કહેવાતું હોય તો હું છું સ્વાર્થી.. હા, હું છુ સ્વાર્થી.. તારી પાસે તો સારો પરિવાર હતો. શાલિની ઉપર ચાલી ગઇ અને હું? હું તો આ વિશાળ દુનિયામાં એકલો પડી ગયો. હું રોજ રાત્રે શાલિની અને તારા ફોટાને જોઈને રડતો. પોતાના નસીબને દોષ દેતો. જ્યારે બધાં લોકો અકાળે મૃત્યુ પામ્યા ત્યારે હું ખુબ રડ્યો, પડી ભાંગ્યો પરન્તુ હું જ્યારે-જ્યારે તને જોતો ને બેટા, ત્યારે હું બધુ ભૂલી જતો, કારણકે મને એમ હતુ કે તું મને સમજીશ. મને એવું લાગતું હતુ કે મને મારો પુત્ર મળી ગયો, પરન્તુ મને ધીરે રહીને ખબર પડવા લાગી કે હું ખોટો હતો. કારણકે તે તો મને પહેલાં ભૂતકાળમાં કે પછી વર્તમાનમાં પણ પોતાનો પીતા માન્યો જ નથી. બસ, કહેવા ખાતરજ ડેડ શબ્દથી મને બોલાવે છે. હું જ્યારે પણ તારી સાથે પ્રેમથી વાત કરવા બેસું છું ત્યારે તારી પાસે હજારો બહાનાં તૈયારજ હોય. તે કદી એ વિચાર્યું છે કે તારા આવા વર્તનને કારણે મારી હાલત શું થતી હશે?"

આટલું બોલી અજયભાઈ થૉભ્યા. ટેબલ પર મુકેલ પાણીનો ગ્લાસ એકજ શ્વાસે ગટગટાવી ગયા.અને પોતાની આંખોમાંથી ખારા પાણીનાં ઝરણાને વહેવા દીધાં.

ક્રમશઃ....

નીચે આપનો પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.

જય સોમનાથ🙏

Rate & Review

Abhishek Patalia

Abhishek Patalia 2 years ago

Daksha

Daksha 2 years ago

divyesh mehta

divyesh mehta 2 years ago

Rutvi Chaudhari

Rutvi Chaudhari 2 years ago

Nirali

Nirali 2 years ago