Man-Upavan - Dr. Smita Trivedi books and stories free download online pdf in Gujarati

મન - ઉપવન - ડૉ. સ્મિતા ત્રિવેદી

૧. મન-ઉપવન

મનનાં પ્રાંગણમાં

ઘૂમવા ગઇ,

વિચારોનું લીલુંછમ ઘાસ,

પ્રેમની ભીની ભીની માટી

લાગણીઓનું જળ

તન-મનને

શાતા સાથે

અજબની તાજગી આપી ગયાં.

સવારના ગુલાબી કિરણોમાં

ખિલેલા વિશ્વાસના ફૂલોને પૂછ્યું,

તને અવિશ્વાસના કાંટાં ક્યારે ઊગ્યા?

છોડની શંકાની કાંટાળી ડાળખી

વચ્ચેથી આવીને તરત જ ચૂંટણી ખણી ગઇ.

ચડતા સૂરજના તામ્રવર્ણી કિરણોમાં

ચમકતાં

પ્રેમના ઘટદાર વૃક્ષને પૂછ્યું

તું સ્વાર્થથી તો આટલું બધું નથી ઝૂકી ગયું ને?

અને

અસ્તિત્વની પરમ કૃપાનો અહેસાસ કરાવતા

મૂળિયા

પગને જડબેસલાક સ્પર્શી ગયાં.

હવાના સંગે ઝૂમતાં

અને પોતાની મસ્તીમાં

મદહોશ

ગુલાબના લાલ ગુલાબી રંગોને,

કેસૂડાંના કેસરી ખુમારને,

અને

રાતરાણીની યુવાન સુગંધને

ખૂબ ધીમેથી કાનમાં પૂછ્યું,

તમને પાનખરના પીળા રંગનો ડર નથી લાગતો ને?

એમણે

થોડું હસીને,

થોડું રડીને,

થોડું મજબૂરીથી,

ઇશારો આપતાં કહ્યું

પેલાં રંગબેરંગી પતંગિયાઓને પૂછો.

પતંગિયા જવાબમાં

પાંખો ફફડાવીને એવા પલાયન થઇ ગયા

અને

સમયની નિશ્ચિત ગતિ અને આધિપત્યનો

પરિચય કરાવતા ગયા.

ઢળતી સાંજે

અંધકાર પાથરતાં વાતાવરણમાં

આંખો જરાક ઝીણી કરીને જોયું તો

મોહની વેલ

વૈરાગ્યની વાડને

વીંટળાઇ વળી હતી.

નિષ્ફળતાના સૂસવાટા

અહંની વેલને હચમચાવે

ત્યારે

સમજનાં પાંદડાં થોડો

શોરબકોર કરી જતાં હતાં

રાત્રિના ગહન અંધકારમાં

વહેમથી સફાળા જાગીને

જરા સાવચેતીથી કાન માંડ્યાં

તો

કામણગારી કોયલ,

ગભરુ કબૂતર,

ચાલાક કાગડો,

ચપળ ચકલી,

ચૂલબૂલી કાબર,

પ્રેમ તરસ્યો મોર,

તમરાંનું અનંત ગૂંજન

વાતાવરણનો જ નિજી હિસ્સો બની રહ્યાં હતાં

સમગ્ર એક અને વૈવિધ્ય સભર!!!

વિવિધ રંગોનાં મિશ્રણમાં

ડૂબી જતાં સ્વરો

સ્ફૂરિત સ્પંદનો

રાતને ઓગાળતાં જતાં હતાં

અને

દૂર સુદૂર પૂર્વમાં

સૂર્યના કિરણોને

વધાવી રહ્યાં હતાં

અરે!!!

આ જ તો

સાચું

મન- ઉપવન!!!

સવારે

નજર ફેરવીને જોયું તો

ફ્લાવરવાઝમાં

સજાવેલાં

બનાવટી ફૂલો

મારી સામે

હસી રહ્યાં હતાં.

મન હંમેશાં એકથી બીજી અતિ પર ઝોલાં ખાયાં કરે છે. મનમાં અવિશ્વાસ, ઘૃણા, અશ્રદ્ધા, પ્રેમ, આનંદ બધું જ છે. પ્રકૃતિના વિધાયક તત્ત્વો આપણને પ્રતિ ક્ષણ આકર્ષે છે, પણ ફૂલદાન અને ફ્રેમમાં મઢાયેલાં ફોટાઓથી જ આપણે ટેવાઇ ગયાં છીએ. વિચારોની આપણી જ કેદમાંથી આપણે પોતે બહાર ક્યારે નીકળીશું?

૨. હૂકમની રાણી

સાગરના મોજાં, ફૂલોનું સદાબહાર નર્તન,

ને પક્ષીઓના કલરવમાં કોણે મજાને માણી છે?

તારી કૃપાનો અહેસાસ પળવાર પણ જો મળી જાય,

સમગ્ર અસ્તિત્વ મારું સદા પાણી છે.

‘હું’ ના ટંકારમાં જ જન્મો વીતી ગયા,

મીટી ગયો જ્યાં ‘હુંકાર’ કેવળ તેની વાણી છે.

સપનાંઓના ફેલાવમાં રેખાઓનું બજાર છે,

એક પછી એક દુઃખમાં પણ આશાઓ જ તાણી છે.

તેં તો ધરી દીધાં સૂરજ, ચંદ્ર ને તારાં,

શું કરું નજરું મારી સાવ કાણી છે.

હોય જ્યાં બે, ત્યાં વળી સંવાદ કેવો?

વાદ-વિવાદમાં ફટાફટ ફૂટતી ધાણી છે.

છે સફળતાના માપદંડો કેવા અહીં?

પૈસા, સત્તા ને વાહ વાહમાં તેને નાણી છે.

તાશના મહેલને પણ પવનનો ખૉફ નથી,

જ્યાં બાજીમાં મળી હૂકમની રાણી છે.

પ્રત્યેક જીવ બ્રહ્માંડની પ્રત્યેક બાબત સાથે સંયોજિત છે, એક છે. સાગર, ચંદ્ર, તારા અને ફૂલો માણસના અસ્તિત્ત્વના હિસ્સા છે, જો આ દ્રષ્ટિ મળી જાય તો જીવન પરમાત્માનો પ્રસાદ છે.

૩. તપસ્વી વૃક્ષો

તપસ્વી જેમ તપતાં વૃક્ષો,

તપીને વહેંચે ઠંડી છાયા.

નમ્રતાનો નથી પર્યાય,

ઝૂકાવે છે કેવી કાયા.

પોતાનાંને કરે અળગાં,

વળી લગાડે નહીં માયા.

કોયલ, સમડી કે ઘુવડ,

ભેદભાવ વગર સમાયા.

દરિયા સુધીની પહોંચ,

વાદળમાં નિર્મળ વરસાયા.

સ્પર્શની ભાષાને જ જીવે,

પવન સંગ રોમેરોમ લહેરાયા.

મૌનનો અદ્ભુત આવિર્ભાવ,

મૃત્યુ બાદ ઘરેઘર સજાયા.

વૃક્ષો મૌન રહીને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે. તેના મૃત્યુ બાદ ફર્નિચરના સ્વરૂપમાં પણ આપણી સેવા જ કરે છે.