Koobo Sneh no - 50 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 50

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 50


દિક્ષાને સતત એક જ ફફડાટ રહ્યાં કરતો હતો કે, 'નતાશા આવી જશે તો વિરાજનું પ્રેમ પ્રકરણ અમ્માને ખબર પડી જશે.' આટલાં સમયથી આવી નથી એના માટે વારંવાર મનોમન ઈશ્વરનો પાડ માની રહી હતી. સઘડી સંઘર્ષની....


❣કૂબો સ્નેહનો❣


વિરિયા નામના સંબોધનથી વિરાજના કાન એકાએક સરવા થઈ ગયા ને કેટલાય સમય પછી આજે એનું સ્મિત વેરાયું હતું..


"તું જાણે છે? મારા ને તારા હૈયા વચ્ચે કેટલું અંતર છે? બસ એટલું જ અંતર.. સપનું તું જોવે, ને એનો હિસાબ અમે રાખીએ.."


"લે હવે શું ચૂપચાપ રહેવાનું,

આટલું બધું બોલ્યા પછી..??

શબ્દોના સાથિયા પુરાયા

એમા સુગંધ ચોક્કસ ભેળવીશું..

આંખોનું આયખું ને

વ્હાલ ઝરમરતું સોણલું,

નખશિખ સ્નેહમાં ભીંજાઈ ગયાં

બસ એક હળવા સ્મિત સાથે

સ્નેહનો ભાર હળવો કર્યો તેં."


''વિરાજ.. તને બંધ આંખે કંઈક તો લાગણીઓ મહેસૂસ થતી હશેને!? તું બોલે નહીં ને ખુલ્લી આંખે ખાલી સ્મિત આપે એટલે ખબર પણ શું પડે કે તું શું મહેસૂસ કરે છે. !!"


નિત એની એજ વાતો કરીને અને રમતો રમીને વિરાજ કેમ કરીને બોલે એ જ ફિરાતમાં અમ્મા રહેતાં હતાં.


ને ત્યાંજ ઊંચો ને ઘેરો અવાજ પડઘાયો.


"હાય..વિરાજ કૈસા હૈ તું.."


દિક્ષાનો રુંવેરું કંપી ઊઠ્યો. હૈયું ફડફડ થઈને થંભી ગયું. મનમાં બબડી. 'આ ચિબાવલી ક્યાંથી ટપકી પડી અહીં અત્યારે.. અમ્મા આગળ ન બોલવાનું આ બોલશે! હું અમ્માને શું કહીશ.?'


અમ્મા ઘડીક દિક્ષા સામે અને ઘડીક નતાશા સામે તીગી રહ્યાં.


"વિરાજ..ચલો ઊઠો અબ કિતના સોઓગેં? સ્ટાર બક્સના ટેબલ પર ખાલી કપની કોરની સુકાયેલી કૉફી, તારા ટેરવાઓની પ્રતિક્ષામાં થીજી ગઈ છે.."


દિક્ષા એનું બોલેલું સાંભળી રહી હતી, અમ્મા માટે એ નવાઈની વાત હતી !


અમ્મા હડફ દઇને ઊભા થઈ ગયાં. અડધા કાળા ને અડધા ધોળા રહી ગયેલા વાળનો લચકી રહેલો અંબોડો અને નાકની દાંડીએ ચડાવેલા જાડા કાચના ચશ્મામાંથી અમ્માની લાલઘુમ આંખો પહોળી થઈ ગઈ, ચહેરા પરની ભમરની પણછ ખેંચાઈ ગઈ હતી. જોકે પહેલા તો એ કંઈ બોલ્યાં નહીં. આ દેશ ને વેશ વિશે થોડું ઘણું અમ્માય જાણતા તો હતાં. પણ એમને મનમાં થયું, 'આ તો આપણા દેશની છે છતાં!!?' એમને અજુગતું લાગ્યું હતું. નતાશાને હડસેલો મારીને એ દિવસની જેમ જ વિરાજની આગળ દિવાલ થઈ ઊભા રહી ગયાં, એવી જ રીતે જ્યારે બાળપણમાં કાળિયો કૂતરો વિરાજને લૌવું ભરવા પાછળ પડ્યો હતો.


"તુમ કૌન હો..? હમારે બિચ મે મત આઓ.."


"વિરાજ.. બીના તેરે અબ નહી જીયા જાતા.."


"એય છોકરી પોતાના દેશની થઈને આટલી નફ્ફટાઈ ભર્યુ છિછોડું વર્તન કરે છે.. શરમ નથી આવતી તને?!"


રંગમંચ જેવો ચહેરો બધાં ભાવો ભજવી જાણતી નતાશાના ચહેરે તાણ આવ્યું અને એનું મ્હોં ખુલ્યું,


"શરમ કિસ બાત કી.?"


"વિરાજના દિલના સામ્રાજ્ય પર મારો હક્ક પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે.. એના પ્રણયનો સાથ મને છેલ્લા શ્વાસ સુધી મળે એવું હું ઇચ્છુ છું." આંખોના ડોળા દિક્ષા તરફ ઘુમાવીને નતાશા બોલે જતી હતી.


"ખરા સ્નેહના તાંતણે બંધાઈ ચૂક્યા પછી હક કે શક શબ્દની કોઈ જગ્યા ખાલી નથી બચતી. આવા બધા પ્રેમ પ્રકરણો બહુ જોયા. ચલ જા અહીંથી. આવો ખોખલો અધમ પ્રેમ નર્યો જૂઠો પૂરવાર થતો જોયો છે છોકરી.."


"અરે માજી.. આપ વિરાજ ઔર નતાશા કે પ્રેમ કો જાનતે હી કહા હો..?! આપ નાહી બોલે તો અચ્છા હૈ.." આંખોની ભમરો ચઢાવીને ગરુડ જેવી શાર્પ નજરો ફેરવી ફેરવીને બોલે જતી હતી.


દિક્ષા ગંભીર થઈ ધ્રુજી રહી હતી. ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી થઈ નીતરતું જતું હતું. આ જીવન સફરમાં દરેક કેડી અમ્માએ સ્વયં કંડારી હતી. એમના નસેનસમાં વિરાજ પ્રત્યેના સ્નેહના વહેતા પ્રવાહથી એ વાકેફ હતી. દિક્ષાએ અમ્માને ખભેથી પકડી સોફામાં બેસવા કહ્યું, "અમ્મા.. તમે બેસો, ઊંડે સુધી ખુંચતી આ ફાંસને આજે મારે જ કાઢવી પડશે.!!"


"તને ચાલી જવા માટે કાલાવાલા કરીને કરગરીશ નહીં.. તું સમજી જશે. હું પણ એક સ્ત્રી છું. સતી સાવિત્રી માફક કાળ સમા યમરાજની સામે પડીને પતિને સજીવન કરવાની ક્ષમતા છે.. રણચંડી બનીને રાક્ષસનો વધ કરવાની ક્ષમતા છે.."


"અચ્છા.. તુ ભી એક ઔરત હી હૈ ના.!! એક કામ કર વિરાજ કે સબ પૈસે તુ રખ લે.. વિરાજ મુઝે દેદે.."


ઝંઝોળી નાખતા શબ્દો સાંભળીને વેદના આંખોમાં સમાવીને દિક્ષા બોલી,


"આટલા વર્ષો ક્યાં હતી? કઈ ગુમનામ દુનિયામાં હતી? આમ અચાનક આટલા વર્ષો પછી વિરાજ સમક્ષ ટપકી પડી!!? ઔર ક્યા જાનોગી ઈતને હી મહિનો મે વિરાજકે બારે મે. એકબીજાના અભાવો કે અધુરપોને મેં અને વિરાજે લગોલગ અમે જાતેજ સ્વિકારી છે કેમકે, સ્નેહના સંબંધમાં ત્યાગ અને સ્વિકારથી મોટો કોઈ ધર્મ નથી, નતાશા.." દિક્ષા, ભરખમ અવાજ સાથે તાડૂકી ઊઠી હતી.


"ક્યા બાત હૈ..આજ તો ચિભડી.. જીભ.. બહોત હી ચલ રહી હૈ!?"


"જો નતાશા, કાન ખોલીને સાંભળી લેં, વિરાજ મારો પતિ છે.. હું આકાશ પાતાળ એક કરીનેય મારાથી અલગ તો નહીં જ થવા દઉં.!!"


"ઓહ, તો તું નહિ માને એમને, ઠીક છે તો, ફરી પાછી તારી એ દુનિયામાં જવા તૈયાર રહેજે.. દેખ લેતે હૈ, કિસમે કિતના હે દમ!!"


છેલ્લું વાક્ય સાંભળતાં દિક્ષા આખે આખી ધ્રુજી ગઈ હતી. અસંખ્ય વાકબાણ ચલાવતી


ડરામણા હાસ્ય સાથે નતાશા ત્યાંથી નીકળી ગઈ.


"તું આટલું બધું સહન કરી રહી છે. ખુલ્લા પડી જવાની બીકે એ બીજું કંઈ કરી પણ શું શકવાની છે? "


"એક વખત જે એકબીજાનાં હૈયામાં ગુલમહોર બની વિકસ્યા હતાં, સાથે જીવવા મરવાના વાયદા કર્યા હતાં, એકમેકના હૃદયમાં વિશ્વાસ નામનું બીજ રોપીને, ઊગેલા સુંદર ફૂલની સુવાસ ફેલાવીને પ્રેમના અસ્ખલિત પ્રવાહમાં તરબોળ રહેતાં પ્રેમી પંખીડાઓ હતાં અમે.. નતાશાની એક જ થપાટથી વહેતાં પ્રવાહમાં નદીના બે અલગ અલગ કાંઠા સમાન હાલતમાં થઈ ગયાં છીએ."


"એણે જે કર્યુ છે એવાં ગંદા કામ કોઈ ન કરે.. પણ તું ચિંતા ન કર.. હું તારી પડખે જ છું, કોઈ તારો ને વિરુનો એક વાળ પણ વાંકો નહીં કરી શકે.. એના કારણે તમારા પ્રત્યેની ભાવના, એક રતીભાર પણ કંઈ ઓછી નથી થઈ જતી.."


"અને હા, હું સમજુ છું, દુઃખ તો થાય. પણ એ દુઃખ, પીડાને તારું હથિયાર બનાવ.. તને સંબંધ ખોવાનો ભય જરાપણ નથી?! આ ભયંકર ઘટનાએ તને આટલી તોડી નાખી? અને મને ભણક પણ ન પડવા દીધી.."

એટલું બોલીને અમ્માએ, દિક્ષાને છાતી સરખી ચાંપી દીધી હતી.


"અમ્મા, આપણે એકબીજાના ટેકે એવી રીતે ચપોચપ ગોઠવાયેલા છીએ કે, અમને એક સોય વાગેને તોયે તમે સ્નેહની સરવાણીમાં લોહીલુહાણ થઈ તરબતર થઈ જાઓ.!! મારાથી એ નથી જોવાતું અમ્મા.." વહેતી ગંગા જમના સાથે બેઉં બોલે જતાં હતાં.

"બીજું કશુંય હોય કે ન હોય પણ અમ્મા.. 'તમે છો ને !' એ વિશ્વાસે મારી દરેક નવી સવાર ઊગે છે.. પડવાનો કે વાગવાનો તો ભય જ નથી રહ્યો મને હવે.. તમારી સ્નેહ નિતરતી આંખોની આછેરી ઝલક પણ ગંગાની ભીનાશ અને હિમાલયનો છાંયો પ્રાપ્ત થયા જેટલો રાજીપો છે.."


"મને યાદ છે, હું તને પહેલીવાર મળી ત્યારે તારામાં કેટલી હિંમત અને ઉત્સાહથી તરબતર હતી તું! ડર નહીં.! સામનો કર! એ તારું કંઈજ બગાડી નહીં શકે.."


"અમે હવે વ્યક્તિ મટીને એકબીજાના સામસામેના રસ્તા બની ગયા છીએ અમ્મા.. એક એવો રસ્તો જ્યાં અવરજવર તો થતી હોય પણ કદી ભેગા ન થતાં હોય.."


"ગાડીઓ દોડતી તો હોય પણ હૈયું થંભી ગયું હોય, આ સમય પણ વીતી જશે એવી હૈયાધારણા સાથે હું દોડતી રહું છું, ચારેય પૈડા સાથે સામે છેડે પહોંચવા. કોઈકવાર ભેળા થઈ પણ જઈએ તોયે ઘડિયાળના કાંટા માફક પાછાં છૂટા પડી જઈએ, ત્યારે બાકી રહી ગયેલી ને અધૂરી રહી ગયેલી વાતો એકાંતની આંગળી પકડી મનના ટોળામાંથી સતત ઉલેચ્યા કરું છું."


"ની:સહાય પંખેરું માફક હું પાંખો ફફડાવતી હતી, પણ હવે મને કોઈ બીક જ નથી. કેમકે તમે છો ને !!''


વિતેલી ક્ષણોને યાદ કરીને જાણે સદીઓનું અંતર પાંચ મિનિટમાં કપાઈ ગયું હતું. દિક્ષા ક્યાંય સુધી વિરુને એકિટસે તાકી રહી.


'વિરુ..હજીય તારા પ્રથમ સ્પર્શની યાદ રગે રગમાં લખલખું પસાર કરી જાય છે..સહજ એ યાદ હજી આજેય કંપન કરાવી જાય છે. હળવેથી દાબેલી એ હથેળીની યાદ મારા જ હાથે મારું હૈયું દાબી જાય છે.. સોનાનાં બુટિયાંનાં ઝુમ્મરને રમાડતી તારી આંગળીઓની યાદ, એ અનુભૂતિ મારા મુખ પર અનોખું એક સ્મિત લાવી જાય છે. પ્રથમ યાદો હતી, ને કદાચ અંતિમ પણ.!!'


એકાંતમાં આવી


અમને છાના રાખે


સો ટચના એવા સંબંધો..


ને સ્વપ્ન જોવા ઊંઘી જાઉં..


એક નહીં પણ..


ઘૂઘવતા ઘેરા


સાગર જેવા


અસંખ્ય તું સવાલો..


ભીતર એવો ઘેરાય


આંખોમાં આખે આખો બેસે


જાણે મહીં તો બેઠું'તુ ચોમાસું..!


-આરતીસોની©રુહાના


"મને ખબર છે તમે સાંભળી રહ્યાં છો..હવે વધારે દર્દ સહન નથી થતું વિરાજ.. જલ્દી ઠીક થઈ જાઓ.."


''પ્રકૃતિ તકો વહેંચવા બેઠી છે. એની સામે ભીની આંખે સ્મિત કરી હું હાથ જોડી ઊભી છું..''©


વધુ ક્રમશઃ આવતા પ્રકરણ : 51 માં


સ્નેહના સંબંધોમાં ઈશ્વરને ફરિયાદો કરવાનું બંધ થાય તો પછી બીજી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઉભી થઈ જાય. એટલેજ ઈશ્વર પ્રત્યે ફરિયાદ હોવી એમાં કંઈ ખોટું નથી જ.. સારું માગવું આપણો હક્ક છે..


-આરતીસોની©