VEDH BHARAM - 19 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 19

રિષભે ફોન પર હેમલની વાત સાંભળી પછી કહ્યું “ઓકે, પણ હવે તું પેલી શ્રેયાની ઓફિસ પર પણ જતો આવ અને તેને ખબર ન પડે તે રીતે તેના એકાઉન્ટસના પણ સ્ટેટસ લેતો આવજે. નવ્યા અને નિખિલ સાથે જમવામા બીજી છોકરી હતી તે શ્રેયા જ છે. તેના પર પૂરી વોચ રખાવજે." આ સાંભળી ફોન પર હેમલ પણ ચોંકી ગયો અને સામે બેઠેલા વસાવાસાહેબ પણ અચંબામા પડી ગયા. પણ વસાવા આજે કંઇ પૂછવાની હિંમત કરી શક્યા નહી. વસાવાસાહેબ ફાઇલ શોધવા બહાર નીકળ્યા એટલે રિષભ ફરીથી ભુતકાળના વિચારમાં ખોવાઇ ગયો.

"અનેરી સાથેની પહેલી મુલાકાત બાદ તે તેના રેગ્યુલર રુટીનમાં ગોઠવાઇ ગયો હતો. વિદ્યાનગરની લાઇફ અત્યાર સુધી તે જે શહેરમાં રહેતો હતો તે જુનાગઢ કરતા ઘણી ફાસ્ટ હતી. આમપણ તે અને ગૌતમ બંને અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા અને હવે ક્લાસમાં પ્રોફેસર અંગ્રેજી સિવાય વાત નહોતા કરતા. પહેલા એક મહિનો તો રિષભ અને ગૌતમને ક્લાસમાં કઇ ટપ્પો જ ના પડ્યો. તે લોકો તો ક્લાસમાં માત્ર નોટ્સ લખતા અને પછી રુમ પર જઇને નોટ્સ વાંચી સમજવાનો પ્રયાસ કરતા. તેમા જ તેનો આખો દિવસ નીકળી જતો. એક મહિનાની સખત મહેનત પછી તે લોકોને હવે ક્લાસમાં ટપા પડતા થયા હતા. સૌરાષ્ટ્રથી આવેલા એક બે છોકરા તો મહિનામા જ ભણવાનુ છોડીને જતા રહ્યા હતા પણ રિષભ અને ગૌતમ તેની મહેનતને લીધે ટકી રહ્યા હતા. ધીમે ધીમે નવા નવા મિત્રો પણ બની રહ્યા હતા. અભ્યાસનુ થોડુ ભારણ ઘટતા હોસ્ટેલમાં પણ એક મહિના પછી મીત્રો બન્યા હતા. હવે મિત્રોની યાદીમાં જયેશ અને પ્રતિકનો સમાવેશ થયો હતો. આ બંને હોસ્ટેલમાં રિષભના ફ્લોર પર જ રહેતા હતા. જયેશ અને પ્રતિક બંને અંગ્રેજીમાં એમ.એ કરતા હતા. જયેશ ફર્સ્ટ યરમાં હતો જ્યારે પ્રતિક ફાઇનલ યરમાં હતો. આ ઉપરાંત રિષભની બાજુના રુમમાં રહેતા પી.એચ.ડી સ્ટૂડન્ટ્સ અજીતભાઇ, રવિ અને અમિતભાઇ સાથે પણ મિત્રતા વધી ગઇ હતી. હવે શનિવારે રાત્રે રિષભ, ગૌતમ, જયેશ, પ્રતિક અને રવિ વચ્ચે પત્તાની મહેફીલ જામતી. પતાની રમી જેવી જુદી જુદી ગેમ મોડી રાત સુધી રમતા. રિષભ અને ગૌતમ ધીમે ધીમે વિદ્યાનગરના રંગે રંગાઇ રહ્યા હતા. અને હા, પ્રશાંત ઉર્ફે પક્યો તો રહી જ ગયો. આ પક્યાની યાદ આવતા જ રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ. આ પક્યો એક એન્ટીક પીસ હતો. તે આમ તો બરોડા એમ.એસ યુનીવર્સિટીમાં પી.એચ.ડી કરતો હતો પણ અહી હોસ્ટેલમાં અનઓફિસિયલી રહેતો હતો. આ પક્યાની વાત પહેલા એક વાત તો કરવાની રહી ગઇ. આ બી.એસ.સી બી.એડ હોસ્ટેલના રુમની વ્યવસ્થા એવી હતી કે બે રુમ વચ્ચેના પેસેજના સંડાસ બાથરુમ બંને રુમ વચ્ચે કોમન આવતા. બંને રુમમાંથી ત્યાં દરવાજો પડતો. આ પક્યો જ્યારે લેટ્રીન ગયો હોય ત્યારે ભુલથી પણ કોઇ દરવાજો ન ખખડાવે. એક વાર આ પક્યો લેટ્રીન કરવા ગયો હતો અને ગૌતમે બહારથી દરવાજાને ધકો માર્યો એ સાથે જ ખુલી ગયો અને પક્યાએ અંદર બેઠા બેઠા જ કહ્યું "આવતો રહે અંદર ચાલ." આ જોઇ ગૌતમતો સીધો રુમમાં જ જતો રહ્યો. થોડીવાર બાદ પક્યો રુમમાં આવ્યો અને ગૌતમને જોઇને બોલ્યો "એલા, એટલી બધી શું ઉતાવળ હતી. ટ્રેન તો રોજ મારે પકડવાની છે અને ઉતાવળ તને છે." આ સાંભળી ગૌતમ કહે "શું પક્યાભાઇ તમે પણ દરવાજો તો બંધ કરાઇ કે નહી?" આ સાંભળી પક્યો હસતા હસતા બોલ્યો "અંદર શું ખજાનો દાટ્યો છે કે દરવાજો બંધ કરીને રાખુ." આ સાંભળી ગૌતમ તો બોલતો જ બંધ થઇ ગયો. આ પક્યો રોજ સાંજે બરોડાથી આવે એટલે તેની પાસે બે વાતો હોય એક દાવ થવાની અને બીજી મજા આવવાની. રાત્રે જ્યારે બધા બેસે ત્યારે પક્યો કહે "યાર આજે એક દાવ થઇ ગયો અને એક મજા આવી" પહેલા દિવસે ગૌતમ અને રિષભ બેઠા હતા ત્યારે પક્યાએ કરેલી વાત રિષભને આજે પણ યાદ હતી. પક્યાએ વાતની શરુઆત કરતા કહ્યુ હતુ "ચાલો પહેલા દાવ થયો તે જ કહી દઉં. આજે સવારે હું ટ્ર્રેઇનમાં જતો હતો અને દરવાજે બેઠો હતો. થોડીવાર બાદ પગમાંથી અચાનક મારુ એક ચપલ ચાલુ ટ્રેઇનમાં નીચે પડી ગયુ. પછી મે તો થોડીવાર બાદ બીજુ ચપલ પણ ફેંકી દીધુ કેમકે એક ચપલનુ હવે કંઇ કામ નહોતુ. પણ જ્યારે બરોડા પ્લેટફોર્મ પર ટ્રેઇન ઊભી રહી અને નીચે ઊતરી મે જોયુ તો મારુ જે ચપલ હું પડી ગયુ છે એમ સમજતો હતો તે ચપલ પગથિયા વચ્ચે ફસાઇને પડ્યુ હતુ પણ હવે મે બીજુ ચપલ ફેંકી દીધુ હતુ એટલે તે કંઇ કામનુ નહોતુ." આ સાંભળીને બધા જ હસી પડ્યા પછી અજીતભાઇએ પૂછ્યુ હવે મજા કઇ વાતમાં આવી એ બોલ. આ સાંભળી પક્યાએ કહ્યું "હું રીટર્નમાં આવતો હતો ત્યાં બરોડા બસ સ્ટેશન બહાર મુખ્ય રસ્તા પર એક બસ ઊભી હતી. તેની પાછળ એક સરદારજી બાથરુમ કરવા ઊભા રહી ગયા પણ એજ સમયે બસ જતી રહી અને તે બધાની સામે આવી ગયા. અને પછી તો ત્યાં ઊભેલા બધાએ તે સરદારજીને બરાબરના લીધા." આ સાંભળી બધા હસી પડ્યા. રિષભના ચહેરા પર અત્યારે પણ આ વાત યાદ આવતા સ્મિત આવી ગયુ. એજ સમયે વસાવા હાથમાં ફાઇલ લઇ ઓફિસમાં દાખલ થયા એટલે રિષભે ભુતકાળની યાદોને સમેટી લીધી. વસાવાએ રિષભને ફાઇલ આપતા કહ્યું "સાહેબ આ પેલા કેસની ફાઇલ છે." રિષભે ફાઇલ હાથમાં લેતા કહ્યું "હું થોડીવાર આ ફાઇલનો અભ્યાસ કરી લઉ છું પછી આપણે આ ફાર્મહાઉસ પર ફરીથી એક રાઉન્ડ મારવા જવુ છે. તમે તૈયાર રહેજો."

"ભલે સર." એમ કહીને વસાવા બહાર નીકળી ગયો.

તેના ગયા પછી રિષભે ફાઇલ ખોલીને કેસનો અભ્યાસ કર્યો પણ કેસમાં વધુ કોઇ વિગત નહોતી માત્ર ડોક પર અને ફાર્મ હાઉસમાં મળેલા પગલાની નોંધ કરેલી. એ સિવાય અનેરીનું બયાન હતુ. આ બયાન તો રિષભને અનેરીએ કહ્યુ હતુ એ મુજબ જ હતુ. બીજા થોડા ફાર્મહાઉસના ફોટો ગ્રાફ્સ હતા. તે રિષભે જોયા અને પછી ફાઇલના દરેક કાગળના રિષભે મોબાઇલથી ફોટા પાડી લીધા. ફાઇલ વ્યવસ્થિત બંધ કરી, ટેબલ પરથી મોબાઇલ લઇ તે બહાર નીકળ્યો ત્યારે વસાવા તેની રાહ જોઇને જ ઊભા હતા. રિષભ બહાર આવ્યો એટલે તે રિષભની સાથે થઇ ગયા. બંને જીપમાં બેઠા એટલે વસાવાએ ડ્રાઇવરને કહ્યું "ડુમસ ફાર્મહાઉસ પર લઇલે." આ સાંભળી ડ્રાઇવરે કારને ડુમસ તરફના રસ્તા પર જવા દીધી. જીપ આગળ વધતા રિષભે વસાવાને કહ્યું "આ જે ગુમ થઇ ગયેલ વ્યક્તિ છે તે દર્શનનો મિત્ર છે. એટલે મને લાગે છે કે આ બંને કેસને એકબીજા સાથે સંબંધ છે. આપણે આ બંને કેસ એક સાથે સોલ્વ કરવા છે." આ સાંભળી વસાવા મનોમન બોલ્યો સાહેબને મેડલ મેળવવાનો અભરખો થયો લાગે છે. તેના મેડલ પાછળ અમારો દમ નીકળી જશે. પણ વસાવાને ક્યા ખબર હતી કે આમા વાત મેડલની નહી પણ લાગણીની હતી. વસાવા મનોમન ઉકળાટ કાઢતા બેઠા રહ્યા ત્યાં સુધીમા જીપ ફાર્મહાઉસમાં દાખલ થઇ ગઇ હતી. જીપ ઊભી રહેતા સામે એક કોન્સ્ટેબલ આવીને ઊભો રહ્યો. રિષભ જીપમાંથી ઉતર્યો એટલે તે કોન્સ્ટેબલે સેલ્યુટ મારી. વસાવાએ રિષભને કોન્સટેબલની ઓળખાણ કરાવતા કહ્યું “સાહેબ આ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ વાજા છે.” રિષભે ફાર્મહાઉસ તરફ આગળ વધતા પૂછ્યું “આટલા દિવસોમા કોઇ અહીં આવેલુ?”

“ના સાહેબ, એક સફાઇવાળી બાઇ આવી હતી પણ મે તેને ના પાડી દીધી હતી.” કોન્સ્ટેબલે જવાબ આપતા કહ્યું. રિષભે ફાર્મ હાઉસ સીલ કરાવ્યુ હતુ એટલે એન્ટ્રેસ પર પટ્ટી મારી હતી. રિષભે વસાવાને કહ્યું એટલે વસાવાએ કોન્સ્ટેબલની મદદથી બધી જ પટ્ટી હટાવી દીધી. રિષભ ફાર્મ હાઉસના પોર્ચમાં દાખલ થયો અને ત્યાંથી સ્વીમીંગ પુલ તરફ આગળ વધ્યો. સ્વિમિંગ પુલના ફરતે રિષભે એક રાઉન્ડ માર્યો અને પછી સ્વીમીંગ પુલ પછી આવતા ગાર્ડન તરફ ગયો. રિષભની આંખો અત્યારે આખા વિસ્તાર પર સ્કેનરની જેમ ફરી રહી હતી. સ્વીમિંગપુલથી આગળ ગાર્ડન આવે અને ગાર્ડન પુરુ થતા ફાર્મ હાઉસની દિવાલ હતી . આ ફાર્મ હાઉસ દરિયાની સપાટીથી આઠ દશ ફુટ ઊંચા લેવલ પર બનાવેલુ હતુ. દીવાલ પર ચડવા માટે એક સીડી બનાવી હતી. રિષભ આગળ વધતા ત્યાં સુધી પહોંચ્યો. આ સીડી પાસે આવીને તેણે પાછળ જોયુ તો આ અંતર ફાર્મ હાઉસથી ઘણુ દૂર હતુ. રિષભ બધુ જ મનોમન નોંધતો ગયો. ત્યારબાદ તે પગથિયા ચડી દીવાલની ઉપર ગયો અને પાછળની બાજુ જોયુ એ સાથે જ તે મંત્રમુગ્ધ થઇ ગયો. આ દિવાલથી જ દરિયાની શરુઆત થઇ જતી હતી. દિવાલ પર ઊભી દરિયાનો જે નજારો દેખાતો હતો તે અદભૂત હતો અને તેનાથી પણ અદભૂત હતો આ દિવાલથી દરિયામા જવા માટે બનાવેલો એક લાકડાનો ડૉક (લાકડાનો પુલ જે દરિયામાં અંદર સુધી જતો હોય). આ ડૉક દરિયામા દશ પંદર મીટર અંદર જતો અને જ્યા પુરો થતો ત્યાં ડૉક પર એક પહોળી જગ્યા બનાવેલી હતી. જેથી ત્યાં બે ત્રણ જણા ખુરશી નાખી બેસી શકે અને દરિયા વચ્ચે બેસી વાતો કરવાનો આનંદ લઇ શકે. રિષભના પગ આપો આપ આ ડોક પર ચાલવા લાગ્યા. દરિયો જાણે રિષભને ખેંચતો હોય તેમ રિષભ ડૉક પર ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા રિષભ ડૉકના છેડે રહેલ પહોળા ભાગ પર પહોંચી ગયો. ત્યાં ઊભી રિષભે ચારે બાજુ નજર ફેરવી. અફાટ જળરાશી અને આ જળરાશી પરથી ફેંકાતો એકદમ ઠંડો પવન અહ્લાદક વાતાવરણ સર્જતો હતો. રિષભ થોડીવાર માટે કેસ અને તપાસને ભુલી ગયો અને આ પ્રકૃતિના અપ્રતિમ સોંદર્યને માણતો ત્યાં જ ઊભો રહ્યો. રિષભે પાછળ ફરી જોયુ તો દિવાલ દૂર જતી રહી હતી અને તે જાણે દરિયા પર ઊભો હોય તેમ એકદમ દરિયાની વચ્ચે આવી ગયો હતો. આ ફાર્મહાઉસનુ લોકેશન અને આ નજારો જોયા પછી રિષભને વિચાર આવ્યો કે આટલુ અઢળક સુખ હોવા છતા આ માણસ ભોગવી શક્યો નહી. આ પ્રકૃતિના સોંદર્યનો લાભ લેવાની જગ્યાએ દર્શને આ સ્થળને તેની વાસના પૂર્તિ માટે જ વાપર્યુ. આ ફાર્મહાઉસ પર પ્રકૃતિ જાણે મહેરબાન હોય એટલા નયનરમ્ય દૃશ્યો હોવા છતા આ જ સ્થળ પર બે ગુનાઓ થયા. શું કામ માણસને આવા સ્થળોએ આવીને પણ શાંતિ નથી મળતી. આ સ્થળ પર જ બે ગુના શુ કામ બન્યા આ વિચાર આવતા જ રિષભનું મન ફરીથી કેસ પર પાછુ ફર્યુ અને તે ડોક પરથી પાછો ફરવા જતો હતો ત્યાં ડૉકની નીચે લાકડાના આધાર સાથે એક દોરડુ બાંધેલુ હતુ તેના પર રિષભની નજર પડી. આ જોઇ રિષભે વસાવાને બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું “જુઓ આ દોરડુ દેખાય છે તે બહાર કઢાવો.” અને પછી રિષભ ફરીથી ફાર્મ હાઉસ તરફ પાછો ફર્યો. અત્યારે રિષભ અહી અનેરીના પતિ વિકાસના કેસ માટે આવ્યો હતો. પણ આ કેસ ત્રણ વર્ષ જુનો હોવાથી શરુઆત ક્યાંથી કરવી તે સમજાતુ નહોતુ. તે વિચારતો હતો ત્યાં વસાવા હાથમા પેલુ દોરડુ લઇને રિષભ પાસે આવ્યા. દોરડુ જોઇ રિષભ વિચારમાં પડી ગયો કે આ દોરડુ શેનું હશે. અને પછી થોડીવાર વિચાર્યા બાદ રિષભે વસાવાને કહ્યું “આજુબાજુ જેટલા લોકો બોટ રાખે છે તેની તપાસ કરો. કોઇની બોટ એક રાત માટે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય ભાડે ગઇ હતી કે નહીં તે તપાસ કરો. અને આ દોરડા વિષે જે પણ માહિતી મળે તે મેળવો.” આ સાંભળી વસાવા મનોમન બોલ્યા હવે આ દોરડામાં શુ બાળ્યુ છે? આ ઓફિસરોના મગજમાં પણ કોણ જાણે શું ભૂત ભરાઇ જાય છે? આજ વખતે રિષભના વિચારો બીજી દિશામાં કામ કરતા હતા. રિષભ વિચારી રહ્યો હતો કે જો આ બે ગુના જોડાયેલા હોય તો બંને ગુના માટે આ ફાર્મ હાઉસ જ કેમ પસંદ કરવામાં આવ્યુ? કે પછી આ કોઇ અકસ્માત છે. આ બંને ગુના જો જોડાયેલા હોય તો મારે આ દર્શન અને વિકાસ વિશે વધુ તપાસ કરવી પડશે. પણ આ વિચારતી વખતે રિષભ જાણતો નહોતો કે આ ફાર્મહાઉસ હજુ તેને વધારે ઝટકા આપવાનું છે.

----------***********------------**********---------------********-------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM