Pratishodh - 2 - 19 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ દ્વિતીય અંક: - 19

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-19

તારાપુર, રાજસ્થાન

"તારા દાદાજી પંડિત શંકરનાથ હવે બ્રહ્મરાક્ષસને ખતમ કરી દે એવી અમને આશા હતી પણ જ્યારે પંડિતજીએ આંખો ખોલીને બ્રહ્મરાક્ષસ તરફ સસ્મિત જોયું ત્યારે અમને અમારી એ આશા ઠગારી નીવડી હોય એવું લાગ્યું." બ્રહ્મરાક્ષસ જોડે પંડિત શંકરનાથે શું કર્યું એ અંગેની વિગત આદિત્યને આપતા તેજપ્રતાપે કહ્યું.

"તો શું દાદાજીએ એ ભયાનક બ્રહ્મરાક્ષસને જીવિત છોડી દીધો..?" વિસ્મય પૂર્વક તેજપ્રતાપ સામે તકતા આદિત્યએ પૂછ્યું.

"હા." તેજપ્રતાપપ્રતાપે ટૂંકમાં પ્રત્યુત્તર આપતા કહ્યું

"પણ કેમ?" આદિત્યના અવાજમાં આશ્ચર્ય હતું.

"કેમકે એમને એ ભયાવહ બ્રહ્મરાક્ષસમાં પણ સારપ દેખાઈ." તેજપ્રતાપે આટલું કહી ઊંડો શ્વાસ ભરી પોતાની વાત આગળ ધપાવી.

"એમના મતે ભગતલાલ જેવા સંતપુરુષને આવા ભયાવહ રૂપમાં આવવું પડ્યું એનું કારણ એ પોતે નહીં પણ ગામના દુષ્ટ લોકો અને મારા પિતાજી હતાં. પ્રતિશોધની ભાવનામાં અંધ બનેલ મનુષ્ય જો સારા-ખોટાનો વિચાર નથી કરતો ત્યારે આ તો દૈત્ય જ છે; તો એના મન સારું શું અને ખોટું શું?"

"જો આપણે પણ એના જેવું કરીશું તો આપણા અને એનામાં ફરક જ શું રહી જશે? હકીકતમાં આપણે રાક્ષસને નહીં પણ એની અંદર રહેલી રાક્ષસવૃત્તિનો અંત કરવાનો છે. આ માટે દયા, કરુણા, પ્રેમ અને લાગણીની આવશ્યકતા છે નહીં કે ક્રોધ, દ્વેષ અને નફરતની.!"

એમના આ શબ્દોની જાદુઈ અસર સ્વરૂપે બ્રહ્મરાક્ષસ ધીરે-ધીરે મનુષ્ય અવતારમાં આવવા લાગ્યો..એ બ્રહ્મરાક્ષસ મટીને ભગતલાલ બની ગયો.

"મતલબ કે દાદાજીએ એ બ્રહ્મરાક્ષસને મુક્ત કરી દીધો.?" આદિત્યએ અધીરાઈ સાથે પૂછ્યું.

"ના પણ અને હા પણ.!"

"તાત્પર્ય?"

"એમને પોતે બનાવેલા શક્તિશાળી વર્તુળમાંથી તો બ્રહ્મરાક્ષસને મુક્ત કરી દીધો પણ એને બીજી જગ્યાએ કેદ કરી રાખ્યો." આટલું કહી તેજપ્રતાપે આદિત્ય ભણી જોયું, એના ચિંતિત મુખને ધ્યાનથી જોયા બાદ તેજપ્રતાપપ્રતાપે કહ્યું.

"આદિત્ય, તારા દાદાજીએ એ બ્રહ્મરાક્ષસને એટલા માટે જીવિત રાખ્યો કેમકે ભવિષ્યમાં એની મદદની આવશ્યકતા પડશે એવું એમની છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા એમને પ્રતીત થયું. અને તું જાણે છે એ જ્યારે મને છેલ્લી વખત મળવા આવ્યા ત્યારે એમને મને શું કહ્યું."

આદિત્યના પ્રતિભાવની રાહ જોયા વિના તેજપ્રતાપે પોતાની વાત આગળ કહેવાનું ચાલુ રાખ્યું.

"એ ઘટનાના અમુક દિવસ બાદ મારી પત્ની સ્વર્ગ સિધાવી ચૂકી અને એના ક્રિયાકર્મ બાદ મારો પુત્ર રુદ્ર મારા આગ્રહનું માન રાખી વિદેશ ચાલી ગયો. રુદ્રના ગયા બાદ હકીકતથી અજાણ ગામલોકો એવું માનવા લાગ્યા કે મેં મારા પુત્રનો જીવ બચાવવા બ્રહ્મરાક્ષસ સામે નમતું જોખી લીધું છે."

"પોતાનો પુત્ર જીવિત રહી જાય એ માટે મેં નિર્દોષ ગામલોકોની હત્યા માટે જવાબદાર બ્રહ્મરાક્ષસને કંઈ ના કર્યું. ગામમાં ત્યારબાદ બીજી કોઈ હત્યા તો ના થઈ પણ અમારા પરિવાર પ્રત્યે ગામલોકોનો અણગમો વધી ગયો."

"લોકો પોતપોતાની રીતે જાતજાતની કાલ્પનિક વાર્તાઓ કરીને અમારા પરિવારની સાથે ગામની છબી ખરડવા લાગ્યા. આમને આમ વર્ષો વીતી ગયા અને હું સત્યને મનમાં ધરબીને દિવસો પસાર કરતો રહ્યો. બ્રહ્મરાક્ષસ જ્યાં કેદ હતો એ સ્થળ અંગે હું ફક્ત તને જ જણાવીશ એવું વચન હું પંડિતજીને આપી ચૂક્યો હોવાથી હું એ રાતે શું બન્યું હતું એ અંગે કોઈને કંઈપણ જણાવી શકું એમ નહોતો."

"તું અને પંડિતજી અબુનાથી પાછા આવ્યા એના પંદર દિવસ પછી પંડિતજી મને મળવા આવ્યા. એ દિવસે મેં પ્રથમ વખત એમને એટલા ચિંતિત અને વ્યગ્ર જોયા."

"પંડિતજી, તમારી તબિયત ખરાબ હોય એવું પ્રતીત થાય છે?" મેં એમનો થાકેલો ચહેરો જોઈને પૂછ્યું.

"એવું નથી...હકીકત કંઈક અલગ જ છે." આટલું કહી પંડિતજીએ મને અબુનામાં જે કંઈપણ બન્યું એ અંગે જણાવી દીધું. અબુનાની વિતક જણાવ્યા બાદ એમને મને કહ્યું કે નજીકમાં એમનું મૃત્યુ થવાનું છે અને એમના મૃત્યુની સાથે જ કાળી શક્તિઓ એકત્રિત થઈને એક એવા શૈતાનનું સર્જન કરવાની છે જે સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવા જવાબદાર હશે, જેનું નામ હશે કાલરાત્રી.

એમની આ વાત સાંભળી મારુ મગજ તો કામ આપતું બંધ થઈ ગયું. આખરે પંડિતજી પોતાની ખુદની મૃત્યુ અંગેની ભવિષ્યવાણી કેમ કરી રહ્યા હતા? અને એ કઈ કાળી શક્તિઓની વાત કરી રહ્યા હતા? શું આ બધી વાતોનો છેડો ઇલ્યુમિનાટી સાથે લાગે-વળગતો હતો? એ જાણવાની ઉત્સુકતા સાથે મેં એમને આ અંગે ઘણીવાર પૂછ્યું પણ એમને આ અંગે એક હરફ પણ ના ઉચ્ચાર્યો. શાયદ એમના મૌનમાં જ સારપ હશે એમ સમજી મેં એ સવાલો મનમાં જ ધરબી દીધા.

એમને મારા હાથમાં એક સોનાનું કડું આપીને એ કડાને મને હાથમાં પહેરવા જણાવ્યું. આ કડું એમને મને કેમ પહેરવા આપ્યું એ અંગે પૂછતા એમને મને જણાવ્યું કે જ્યારે શૈતાની શક્તિઓ એકત્રિત થઈને કાલરાત્રી નામક શૈતાન પેદા કરવાની હશે એ ઘડીએ તું મને મળવા આવીશ. તારા આગમનની અગમચેતી રૂપે આ કડું આપમેળે ગરમ થઈ જશે, જેથી હું સમજી શકું કે હકીકતમાં મને મળવા આવેલ વ્યક્તિ પંડિતજીનો સાચો પૌત્ર જ છે. મારે સામે ચાલીને તારી શોધ કરવાની અને એમના મૃત્યુ બાદ મયાંગ આવવાની પંડિતજીએ મને સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી.

તું જ્યારે અહીં આવે ત્યારે મારે તને બ્રહ્મરાક્ષસની હકીકત જણાવી એને ક્યાં કેદ કરવામાં આવ્યો એ સ્થળની માહિતી આપવી એવું પંડિતજીએ મને છેલ્લી મુલાકાત વેળા કહ્યું હતું. બસ એ મુલાકાતના પાંચેક મહિના પછી પંડિતજીના મૃત્યુના સમાચાર મને મળ્યા, હું ઈચ્છવા છતાં પણ મયાંગ જઈને એ દિવ્યવિભૂતિના અંતિમ દર્શન ના કરી શક્યો.

આટલું કહીને તેજપ્રતાપ ગળગળા થઈ ગયા. આદિત્યએ એમને પાણી ભરેલો ગ્લાસ ધર્યો જેમાંથી બે ઘૂંટ ભરી એમને ગ્લાસને પુનઃ ત્રિપોઈ પર રાખી દીધો.

"તો કૃપયા આપ મને જણાવશો કે આખરે દાદાજીએ એ બ્રહ્મરાક્ષસને ક્યાં કેદ કરીને રાખ્યો છે.? તેજપ્રતાપના સ્વસ્થ થતા જ આદિત્યએ આતુરતા સાથે પૂછ્યું.

"બ્રહ્મરાક્ષસ ક્યાં કેદ છે એ હું તને અવશ્ય જણાવીશ પણ એ પહેલા મારે તને અહીંથી સાતસો કિલોમીટર દૂર આવેલા માધવપુર સામ્રાજ્યના પતન અંગેની માહિતી આપવાની છે." તેજપ્રતાપે કહ્યું.

"માધવપુર સામ્રાજ્ય..?" તેજપ્રતાપની વાત સાંભળી આદિત્યને આંચકો લાગ્યો હોય એવું એના શબ્દોમાં જણાતું હતું. "પણ કેમ?

"કેમકે તારા અસ્તિત્વ અંગેના જે સવાલો તારા મનમાં વર્ષોથી ઘુમરી લઈ રહ્યા છે એ સવાલોનો જવાબ તને માધવપુરના પતનની વિતકમાં જાણવા મળશે." તેજપ્રતાપ એક પછી એક નવા ઘટસ્ફોટ કરી રહ્યા હતા.

આખરે પોતે કોણ છે અને દાદાજી કેમ પોતાને એક દિવ્યાત્મા માની રહ્યા હતાં એ જાણવાની પેદા થયેલી ચટપટી આદિત્યના મગજને વ્યાકુળ બનાવી રહી હતી. આવા સંજોગોમાં એને સિગરેટ પીવાની તલપ ઉપડતા એને રાજા તેજપ્રતાપ જોડે સિગરેટ પીવાની અનુમતિ માંગી.

"તું મારી સામે ધૂમ્રપાન કરવામાં શરમ અનુભવતો હોય તો બાલ્કનીમાં જઈને ધૂમ્રપાન કરી આવ." તેજપ્રતાપે હસીને આમ બોલતા જ આદિત્ય પોતાની જગ્યાએથી ઊભો થઈને બાલ્કનીમાં આવ્યો અને સિગરેટના પેકેટમાંથી સિગરેટ નીકાળી, એને બે હોઠ વચ્ચે રાખીને લાઈટરથી સળગાવ્યા બાદ સિગારેટના કશ મારવા લાગ્યો.

મનની વ્યાકુળતાને શાંત કરવા આદિત્ય ઉપરાઉપરી બે સિગરેટ પી ગયો અને ત્યારબાદ બે-ચાર ઊંડા શ્વાસ છોડી પોતાના જીવનના ઉદ્દેશ અને પોતાના અસ્તિત્વ અંગેની સચ્ચાઈ જાણવા મન મક્કમ કરીને તેજપ્રતાપ સામે આવીને ગોઠવાઈ ગયો.

"આદિત્ય, શું તું હવે સત્યથી વાકેફ થવા તૈયાર છે ને?" આદિત્યના ચહેરા પર મોજુદ વ્યગ્રતાને જોઈને રાજા તેજપ્રતાપે પૂછ્યું.

"હા, હું તૈયાર છું એ સત્યથી રૂબરૂ થવા જેના લીધે હું વર્ષોથી શાંતિથી ઊંઘી નથી શક્યો. મારે જાણવું છે એ સત્ય જેને જાણવું આ સમગ્ર સૃષ્ટિને બચાવવા આવશ્યક છે." આટલું કહી આદિત્યએ પોતાના બંને હોઠને મક્કમતા સાથે બીડી દીધા.

આદિત્ય હવે એના જીવન સાથે જોડાયેલા સત્યથી વાકેફ થવા તૈયાર છે એવો અંદાજો આવી જતા રાજા તેજપ્રતાપપ્રતાપે માધવપુર સામ્રાજ્ય સાથે આદિત્યને શું સંબંધ છે એ જણાવવાનું શરૂ કર્યું.

"માધવપુર સામ્રાજ્ય અહીંથી સાતસો કિલોમીટર દૂર આવેલી એક સમયની સમૃદ્ધ અને સુખી રિયાસત. જેની સમૃદ્ધિ આજથી બસો વર્ષ પહેલા મહારાજ વિક્રમસિંહના સમયે એની પૂર્ણ ઊંચાઈ પર હતી."

આ એ જ વિતક હતી જે વિતક કાલી સરોવર નજીક આવેલી ગુફામાં સમીરને શોધવા દુબઈથી આવેલા આધ્યા, રાઘવ, જુનેદ, યુસુફ રેહાનાની સાથે આધ્યાની બહેન જાનકી, મોહનગઢના મુખ્ય પોલીસ અધિકારી ગુજરાલ અને કોન્સ્ટેબલ ગણપતને ભંડારીબાબા જણાવી રહ્યા હતા.

વિક્રમસિંહનું પુષ્કર જવું, તલવારબાજીની સ્પર્ધા, અંબિકા અને વિક્રમસિંહના વિવાહ, જોરાવરનો જન્મ, જોરાવરનું દુર્ભાગ્યપૂર્ણ ભવિષ્ય, વિક્રમસિંહના પદ્મા સાથે થયેલા દ્વિતીય વિવાહ અને પદ્માના ગર્ભવતી થતા જ અંબિકાની માં રેવતીના મનમાં પદ્મા અને એની આવનારી સંતાન માટે પેદા થયેલો દ્વેષ આ બધી વિગતો જણાવ્યા બાદ આખરે માધવપુરનું પતન કેવા સંજોગોમાં થયું એ અંગે રાજા તેજપ્રતાપપ્રતાપે આદિત્યને જણાવવાનું શરૂ કર્યું.

કાલી સરોવરમાં મોજુદ સમીરની શોધમાં માધવપુર આવેલા લોકોની માફક આદિત્ય પણ તારાપુરના રાજવી તેજપ્રતાપના મુખેથી માધવપુર સામ્રાજ્યનું પતન કઈ રીતે થયું અને એનો કાલરાત્રી શૈતાનની ઉત્તપત્તિ સાથે શું સંબંધ હતો એ સાંભળી રહ્યો હતો.

આખરે ભવિષ્યના ગર્ભમાં કોના માટે કયું રહસ્ય ધરબાયેલું હતું એ તો ફક્ત સમય જ જાણતો હતો..!

***********

ક્રમશઃ