sundari - chapter 35 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૩૫

પાંત્રીસ

“કઈ વાતનો?” વરુણ અને સોનલબા બંને એકસાથે જ બોલી પડ્યા.

આ જોઇને સુંદરી પણ સ્મિત કરી બેઠી, વરુણે માંડ પોતાના પર કાબુ કર્યો.

“એ જ કે મને અને તમને જોડતી એવી તે કઈ કડી છે જેને કારણે એ વ્યક્તિ આપણા બંનેનો પીછો કરે છે? તમે આપણી કોલેજમાં એડમિશન લીધું એ પહેલાં આપણે એકબીજાને જાણતા તો શું પરંતુ મળ્યાં પણ નથી, તો પછી આ વ્યક્તિ...” સુંદરીએ એનું મનોમંથન જાહેર કર્યું.

“એક્ઝેક્ટલી મારી પણ આ જ ગૂંચવણ છે. તે દિવસે મોલમાં મેં તમને જોયાં અને દોડીને હું તમારી પાસે આવી ગઈ હતી એ પછી જ્યારે તમે અરુણા મેડમને કહ્યું કે એ પેલો જ વ્યક્તિ છે, ત્યારે મને પણ આ જ કન્ફયુઝન થયું હતું.” સોનલબાએ સુંદરી સાથે પોતાની મૂંઝવણ પણ શેર કરી.

“તમારા બંનેની વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે આનો એક જ ઉકેલ છે.” વરુણે પણ ઝંપલાવ્યું.

“શું?” સોનલબાએ પૂછ્યું જ્યારે સુંદરીએ ફક્ત વરુણ તરફ નજર ફેરવી.

સુંદરીની બંને આંખો પણ જો કે પ્રશ્નથી ભરપૂર હતી.

“તમારા પપ્પા આઈમીન અંકલ.” વરુણે સોનલબાને કહ્યું.

“એટલે?” સુંદરીને ખબર ન પડી.

“બેનબાના પપ્પા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે.” વરુણે સુંદરીને કહ્યું.

“શું?” વરુણની વાત સાંભળીને સુંદરીને ભારોભાર આશ્ચર્ય થયું.

“યસ મેડમ. એમનું નામ કિશનરાજ જાડેજા છે.” સોનલબાએ સુંદરીને કહ્યું.

“ઓહો! મને તો ખબર જ નહીં. હું ખોટેખોટી ડરતી હતી. હા, હવે તો મને પણ એવું લાગે છે કે આપણે એમની સાથે વાત કરવી જોઈએ.” સુંદરીને જાણેકે બહુ મોટો હાશકારો થયો હોય એમ બોલી.

“અમે એટલેજ અહીં આવ્યા છીએ. જો તમારા સન્ડેના અનુભવથી પેલા વ્યક્તિ વિષે કોઈ ક્લુ મળ્યો હોત તો એનો કોઈ ઉપાય કરત પણ હવે લાગે છે કે આપણી પાસે એવો કોઈજ ક્લુ નથી કે આપણે જાતેજ આ પ્રોબ્લેમને હેન્ડલ કરી શકીએ. બેટર એ જ રહેશે કે આપણે કિશન અંકલને મળીએ.” વરુણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું.

“પણ એક મિનીટ. આપણે પોલીસને કહીશું અને પેલાને એની ખબર પડી જશે તો...” સુંદરીએ શંકા વ્યક્ત કરી.

“અને મને બીજી બીક લાગે છે.” સોનલબાના અવાજમાં ડર હતો.

“શેની બેનબા?” વરુણે પૂછ્યું.

“પપ્પાને મેં આ વાત કરી નથી. આજે ત્રણ દિવસ થઇ ગયા. હવે આજે હું એમને કહીશ તો મારા પર બહુ ગુસ્સો કરશે.” સોનલબાનો ડર એમના અવાજમાં છલકાઈ રહ્યો હતો.

“તમારી વાત તો સાચી છે બેનબા, પણ હવે જો એમને નહીં કહીએ અને તમારી સાથે કે આમની સાથે પેલા વ્યક્તિએ કશું અજુગતું કરી દીધું તો પછી એમના ગુસ્સાની કલ્પના તમે અત્યારેજ કરી લ્યો. અને અમદાવાદના કમિશનરને આપણે કહીશું તો પેલાને ખબર પડી જાય તો પણ આપણને શું કરી લેવાનો છે એ?” વરુણે સોનલબા અને સુંદરી બંનેને કહ્યું.

“હા, મોડા વહેલો એમનો ગુસ્સો તો મારા પર તૂટી જ પડશે. જો કાલે નહીં તો ભલે આજે.” સોનલબા પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા હતા.

“તો પછી કૉલ કરો એમને અને પૂછો કે આપણે ક્યારે એમને મળી શકીએ.” વરુણે સોનલબાને કહ્યું.

“એમનું નક્કી નહીં. અત્યારે નવરાશ હશે તો અત્યારેજ બોલાવી લેશે. તમને ફાવશે જો આપણને અત્યારે બોલાવે તો?” સોનલબાએ સુંદરી સામે જોઇને પ્રશ્ન કર્યો.

પ્રશ્ન મહત્ત્વનો હતો. સુંદરીને પણ થોડો સમય વિચાર કરવો પડ્યો. સુંદરીને તકલીફમાંથી બહાર કાઢવા માટે અત્યારે સોનલબા, એમની સ્ટુડન્ટના પિતા જે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે, એ જ એક વિકલ્પ હતો. એ હકીકત પણ સુંદરી સમક્ષ સ્પષ્ટ હતી કે તેને આ માનસિક ત્રાસ લાંબો સમય ભોગવવો ન હતો. અને જો શહેરના કમિશનર કક્ષાના વ્યક્તિ એને મદદ કરી શકતા હોય તો આ તક તેણે જવા દેવા જેવી ન હતી. સહુથી મોટી વાત તો એ હતી આવતીકાલે પ્રમોદરાય મુંબઈથી ઘેરે પરત આવી જવાના હતા એટલે એ પહેલા જ સોનલબાને પિતાને મળી અને આ સમસ્યાનું સમાધાન એમને જ સોંપી દેવામાં પોતાની ભલાઈ હતી એવું સુંદરીને સમજાઈ ગયું હતું.

“મારા ખ્યાલથી આપણે આજે જ આ મુદ્દે એમને મળી લેવું જોઈએ. જેટલું વહેલું કહીશું એટલું આપણા બંને માટે જ સારું રહેશે. અને સોનલ તમે તમારા પપ્પાના ગુસ્સાથી ગભરાતા નહીં. એમને તમારી ચિંતા હોય એટલે આવા સમયે ગુસ્સે થાય. આવા ચિંતા કરતા પિતા બહુ નસીબવાળાને મળતા હોય છે.” સુંદરીએ સોનલબાને કિશનરાજને મળવાની હા પાડતી વખતે પોતાને પોતાની ચિંતા કરતા પિતા નથી મળ્યા તેનો અફસોસ પણ વ્યક્ત કરી દીધો.

“તો હું પપ્પાને કૉલ કરું?” સોનલબાએ સુંદરી અને વરુણ બંને સામે વારાફરતી જોઇને બંનેને પૂછ્યું.

“હા, હમણાં જ કરો.” સુંદરીએ એક પળની પણ રાહ જોયા વગર કહ્યું જ્યારે વરુણે ફક્ત હકારમાં પોતાનું માથું ધુણાવ્યું.

સોનલબાએ પોતાના પર્સમાંથી પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને પોતાના પોલીસ કમિશનર પિતા કિશનરાજ જાડેજાનો નંબર ડાયલ કર્યો.

“જય માતાજી પપ્પા. બસ મજામાં. હા, એ પણ મજામાં. હા કોલેજ પતી ગઈ. હા... એક વાત કરવી હતી... તમને મળવું છે... હા અત્યારે... ના એનો વાંધો નથી, પણ બને તેટલું જલ્દી... ના ના ટેન્શન નથી... બને તો અત્યારે? હું અને ભઈલો... અને અમારા એક પ્રોફેસર છે... હમમ... હા... ઓકે... ઠીક છે તો ઘરે પહોંચીએ છીએ... અત્યારે આંબાવાડી છીએ... હા એટલી વાર તો લાગશે... ઓકે...હા... જય માતાજી.” સોનલબાએ કૉલ કટ કર્યો.

સોનલબાએ જેટલો સમય તેમના પિતા સાથે કૉલ પર વાત કરી સુંદરી અને વરુણ સતત તેમની સામે જોઈ રહ્યા હતા.

“ક્યાં જવાનું છે?” સોનલબાએ જેવો કૉલ કટ કર્યો કે સુંદરી બોલી પડી.

“મારે ઘરે, એટલે કમિશનરના બંગલે, શાહીબાગ.” સોનલબાએ જવાબ આપ્યો.

“આપણે કેવી રીતે જઈશું?” સુંદરીએ પોતાના જમણા હાથની પહેલી આંગળી દાંત વચ્ચે દબાવી.

“એકબીજાના વેહીકલમાં? લકીલી આજે કૃણાલ નથી આવ્યો એટલે હું મારું બાઈક લઈને આવ્યો છું.” વરુણે આઈડિયા આપ્યો, સુંદરીની અદાથી નજર તરતજ હટાવીને.

“છેક શાહીબાગ?” સુંદરીના મરોડદાર ચહેરા પર ભરપૂર ભોળપણ છવાઈ ગયું.

“તો પછી ત્રણેય કેબમાં જઈએ. હું મારું બાઈક અહીં જ મૂકી દઉં છું. પછી અંકલ...એટલેકે બેનબાને ઘરેથી આપણે કેબમાં પાછા આવી જઈશું અને હું મારું બાઈક લઈને અહીંથી ઘરે જતો રહીશ.” વરુણ બોલ્યો.

“હમમ.. ઠીક છે તો હું તૈયાર થઇ જાઉં?” સુંદરી સોફા પરથી ઉભી થતાં બોલી.

“ઓકે મેડમ.” સોનલબા બોલ્યા.

સુંદરી ઝડપથી સીડી ચડીને ઉપરના રૂમમાં જતી રહી.

“હોપ, પપ્પા બહુ નહીં ખીજાય.” સોનલબા વરુણ સામે જોઇને બોલ્યા.

“ડોન્ટ વરી. એમણે કહ્યુંને, અંકલને તમારી ચિંતા હોય એટલે તમને કદાચ લડશે. મને પણ વઢશે કદાચ. પણ આમની જોડે હોઈશું એટલે એટલું નહીં ચિડાય.” વરુણે સોનલબાને સધિયારો આપતાં કહ્યું.

“હોપ સો.” સોનલબાએ ફિક્કું સ્મિત કર્યું.

“તમે કેબ બુક કરી દેજો.” ઉપરથી સુંદરીનો મીઠો અવાજ રણક્યો.

“ભઈલા...” સોનલબાએ તરતજ વરુણને ઈશારો કર્યો.

વરુણે પોતાનો ફોન ખિસ્સામાંથી કાઢ્યો અને કેબની એપમાંથી કેબ બુક કરી અને પછી ઇશાનીને પોતે ઘેર મોડો આવશે એવો મેસેજ પણ કરી દીધો.

“હું રેડી છું.” સીડી ઉતરતાં જ સુંદરી બોલી.

સુંદરીએ ઓરેન્જ કલરનો શોર્ટસ્લિવ ડ્રેસ પહેર્યો હતો જેના પર ઘેરા લીલા રંગનો દુપટ્ટો હતો. વરુણ તેને જોતાંની સાથેજ અડધો થવા લાગ્યો.

“તો ચાલો બહાર નીકળીએ, કેબ આવતી જ હશેને ભઈલા?” સોનલબાએ વરુણની સ્થિતિ સમજી લીધી હતી એટલે એમણે બાજી સંભાળી લીધી.

“હં... હા ચાલો.” વરુણ સોફા પરથી સફાળો ઉભો થયો અને ઝડપભેર ઘરના દરવાજા તરફ ચાલવા લાગ્યો.

વરુણની પાછળ પાછળ સુંદરી અને સોનલબા પણ આવ્યા. સુંદરીએ ઘરના મુખ્ય દરવાજાને તાળું માર્યું.

“કેબમાં આપણે આ વિષયની ચર્ચા ન કરીએ તો સારું. મારું સજેશન છે.” સુંદરીએ વરુણ અને સોનલબાને કહ્યું.

જવાબમાં બંનેએ હામાં પોતાના માથાં હલાવ્યા અને ત્રણેય જણા સુંદરીના બંગલાની બહાર આવ્યા અને ત્યાં ઉભા ઉભા કેબની રાહ જોવા લાગ્યા. વરુણ અછડતી નજરે સુંદરીને જોઈ લેતો હતો, જે સોનલબાની ધ્યાન બહાર જાય એમ ન હતું.

થોડા જ સમયમાં કેબ આવી ગઈ. સોનલબા ઝડપથી ડ્રાઈવરની બાજુની સીટનો દરવાજો ખોલીને બેસી ગયા. સુંદરી અને વરુણ બંનેને થોડો ખચકાટ થયો.

“બંગલાની બહાર સિક્યોરીટી ગાર્ડઝ ઉભા હશે એટલે...” સોનલબાએ વાત અધુરી જ રાખી.

કેબની પાછળની સીટમાં બેઠા સીવાય બીજો રસ્તો ન હતો એટલે સુંદરી અને વરુણ બંને તેમાં ગોઠવાયા. સુંદરીના ઘરથી કમિશનરના બંગલા સુધી ત્રણેય વચ્ચે ખાસ વાત થઇ નહીં. વરુણ પોતાના આંખના ખૂણેથી સુંદરીને આખા રસ્તા દરમ્યાન જોઈ લેતો હતો અને વરુણને એમ કરતાં સોનલબા ડ્રાઈવર સામેના કાચમાંથી જોઈ લેતા હતા અને મનોમન હસી પણ લેતા હતા. વરુણને સુંદરીના અત્તરની સુગંધ પણ તરબતર કરી રહી હતી.

લગભગ ત્રીસેક મિનીટ બાદ ત્રણેય કમિશનરના બંગલે પહોંચ્યા. ઉતરતાની સાથેજ સોનલબાએ સિક્યોરીટી ગાર્ડઝ સાથે વાત કરી. એક ગાર્ડે સુંદરી અને વરુણના આઈડી કાર્ડ્સ લઈને રજીસ્ટરમાં એમના નામની એન્ટ્રી કરી. ત્યારબાદ ત્રણેય મૂંગામૂંગા અને ચાલતાં ચાલતાં બંગલાના મુખ્ય દરવાજે ગયા અને ત્યાં ઉભેલા સિક્યોરીટી ગાર્ડે તેમના માટે દરવાજો ખોલી આપ્યો.

સુંદરી આ બધાંનું ધ્યાનથી નિરીક્ષણ કરી રહી હતી. ત્રણેય જણા અંદર પહોંચ્યા. સોનલબા ઘરથી પરિચિત હતા એટલે એ સહુથી આગળ હતા અને એમની પાછળ વરુણ અને પછી સુંદરી ચાલ્યાં આવતાં હતા. અંદર જવાની સાથે વરુણે સુંદરીને સોફા પર બેસવા માટે પોતાનો હાથ લંબાવીને વિવેક કર્યો. સુંદરીએ તરતજ પોતાનું ધારદાર સ્મિત આપ્યું.

“પપ્પા આવી ગયા છે અસ્લમભાઈ?” સોનલબાએ ત્યાં ઉભા રહેલા અસ્લમને પૂછ્યું.

“હા, રૂમમાં ફ્રેશ થવા ગયા છે. હમણાં જ આવ્યા. તમારા માટે શું લાવું?” અસ્લમે વળતો સવાલ કર્યો.

“ચ્હા અને થોડા કૂકીઝ. ચવાણું કે બીજું કોઈ નમકીન હોય તો એ પણ લેતા આવજો.” સોનલબાએ અસ્લમને કહ્યું.

અસ્લમ સોનલબા સામે થોડો ઝૂક્યો અને એક સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો.

“સોનલ, બહુ ધમાલ કરવાની જરૂર નથી.” સુંદરીએ સોફા પર બેઠાબેઠા કહ્યું.

“મેડમ, તમે પહેલીવાર મારે ઘેર આવ્યા છો, અને અત્યારે ઓલરેડી પોણા ત્રણ વાગી ગયા છે. આપણામાંથી કોઈએ લંચ પણ નથી કર્યું. અહીં તો લંચ ટાઈમ પતી ગયો હશે એટલે પછી મેં ચ્હા અને નાસ્તો જ મંગાવ્યો. થોડું પેટ ભરાશે તો સારું લાગશે.” સોનલબાએ વળતો જવાબ આપ્યો.

સુંદરીને સોનલબાનો જવાબ સાંભળીને ગર્વની લાગણી થઇ કે તેની વિદ્યાર્થીની અત્યંત મેચ્યોર છે અને તે જે વાત કરવા અમદાવાદના કમિશનરને કરવા આવી છે તેમ કરવાનો તેનો નિર્ણય જરાય ખોટો નથી.

“આવ આવ દીકરા.” અચાનક જ કિશનરાજનો અવાજ આવ્યો અને ત્રણેય એટેન્શનમાં આવી ગયા.

કિશનરાજ કમિશનરના ડ્રેસમાં હતા એમણે રૂમમાં આવવાની સાથેજ ત્રણેય તરફ નજર કરી.

“પપ્પા, આ મારા હિસ્ટ્રીના પ્રોફેસર છે. સુંદરી મેડમ.” સોનલબાએ વગર કોઈ રાહ જોતાં કિશનરાજ સાથે સુંદરીની ઓળખાણ કરાવી.

સુંદરીનું નામ સાંભળતાની સાથેજ કિશનરાજ ચમક્યા. તેમણે સુંદરી સામે ધ્યાનથી જોયું અને પછી વરુણ સામે જોયું અને સુંદરીને ખબર ન પડે એમ વરુણ સામે સ્મિત ફરકાવ્યું.

==:: પ્રકરણ ૩૫ સમાપ્ત ::==