VEDH BHARAM - 20 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 20

રિષભ અને વસાવા જ્યારે સ્ટેશન પર પહોચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો એટલે રિષભે બધા માટે ટીફિન મંગાવવાનુ કહ્યુ પણ, સ્ટાફમાં બધા ટીફીન લઇને જ આવતા હતા. માત્ર હેમલ રિષભની જેમ ટીફીન લીધા વિના આવતો હતો. એટલે રિષભે બે જણનુ ટીફીન મંગાવ્યુ. રિષભ અને હેમલ ટીફીન ખાવાની શરુઆત કરતા હતા ત્યારે રિષભે અભય અને વસાવાને પણ તેની સાથે બેસવા કહ્યું. વસાવા તો જમવા સાથે બેસી ગયા પણ અભય ન આવ્યો. આ જોઇ રિષભે પુછ્યુ “અભય કેમ ના આવ્યો?”

આ સાંભળી હેમલ અને વસાવા બંને હસી પડ્યા. રિષભને નવાઇ લાગી એટલે હેમલે ખુલાસો કરતા કહ્યું “સર, આ અભય એક નંબરનો ખાઉધરો છે. તેને ખાવામા બાર તેર રોટલી જોઇએ એટલે તે શરમાઇ છે તમારી સાથે બેસતા.” આ સાંભળી રિષભ હસી પડ્યો. હેમલની વાત સાંભળતા જ રિષભને તેના ખાસ મિત્ર ગૌતમની યાદ આવી ગઇ. આ ગૌતમ પણ એક નમૂનો હતો.

રિષભ ગૌતમ અને કપિલ ત્રણેય કોલેજ કાળથી મિત્રો હતા. રિષભ અને ગૌતમ એમ.એસ.સી કરવા માટે વિદ્યાનગર આવ્યા અને કપિલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગયો. આ ગૌતમને તમે જોવો તો એકદમ દુબળો પાતળો અને લાંબો. તેને જુઓ તો એમજ લાગે કે આ તો સુકલકડી છે પણ આ સુકલકડી જ્યારે ખાવા બેસે ત્યારે તેનામાં ભીમનો આત્મા આવીને બેસી જાય. રિષભ અને ગૌતમ બંને સાથે જમવાનુ ચાલુ કરે અને રિષભ જમીને ઊભો થઇ જાય પછી આખુ છાપુ વાંચીલે તો પણ ગૌતમ હજુ જમતો જ હોય. એકવાર મેસમાં પરોઠા સેવ ટામેટાનુ શાક અને વધારેલ રોટલીનુ શાક હતુ. આ ગૌતમ જમવા બેઠો અને તેર પરોઠા બે વાટકા સેવટામેટાનુ શાક જાપટી ગયા પછી પણ એક થાળી ભરીને વધારેલ રોટલીનુ શાક તે ખાઇ ગયો. આ જોઇ સહજાનંદ મેસના માલિક કમલેશભાઇની ભૂખ મરી ગઇ હતી. રિષભને કોળીયો હાથમાં પકડી વિચારમાં ખોવાઇ ગયેલો જોઇને હેમલે કહ્યું “સર શુ વિચારમાં ખોવાઇ ગયા.” આ સાંભળી રિષભ વર્તમાનમાં પાછો આવી ગયો અને બોલ્યો “આ અભયની વાત સાંભળી મારા એક જિગરી દોસ્તની યાદ આવી ગઇ. તે પણ આ અભયની જેમ ખાઉધરો છે.” ત્યારબાદ બધાએ જમી લીધુ એટલે રિષભે કહ્યું “ચાલો પંદર મિનિટ પછી મળીએ.” એમ કહી રિષભ તેની રીવોલ્વીંગ ચેરને ટેકો દઇ બેઠો અને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરતા જ સામે વિદ્યાનગરનુ દૃશ્ય ઊભુ થઇ ગયુ. રિષભ અને અનેરીની પહેલી મુલાકાત થઇ હતી તેને લગભગ એકાદ મહિના જેવો સમય થઇ ગયો હતો. રિષભ અને ગૌતમ પોતપોતાની સાઇકલ ગામથી લઇ આવ્યા હતા જેથી વિદ્યાનગરમાં ફરવામાં થોડી સરળતા રહે. રિષભ અનેરીને લગભગ ભૂલી ગયો હતો. ત્યાં એક દિવસ ડીપાર્ટમેન્ટથી છુટીને રિષભ અને ગૌતમ સાઇકલ પર મોટા બજાર તરફ જતા હતા. તે શાસ્ત્રી મેદાનના ખૂણે પહોંચ્યા ત્યાં અચાનક રિષભની સાઇકલની સામે એક છોકરી આવીને ઊભી રહી ગઇ. રિષભે આમ અચાનક સામે આવેલ વ્યક્તિને જોઇને સાઇકલની જોરદાર બ્રેક મારી. તે માંડ માંડ પડતા બચ્યો. તેને એટલો બધો ગુસ્સો આવ્યો કે તે સામેની વ્યક્તિને ગાળ દેવા જતો હતો ત્યાં જ તેની નજર સામે ઊભેલી છોકરી પર પડી. તે છોકરી જોતા જ તેનો બધો જ ગુસ્સો ગાયબ થઇ ગયો. સામે ઊભેલી છોકરી રિષભ સામે જોઇને હસી રહી હતી. આ છોકરીને જોઇને રિષભ બોલી ઉઠ્યો “અરે અનેરી તું.”

આ સાંભળી અનેરી પાસે આવીને બોલી “હા, હું. તને મારુ નામ યાદ છે તે સારુ છે. મને તો એમ કે તુ મને ભૂલી જ ગયો હશે. મે તને બે દિવસ પહેલા પણ અહીંથી જતો જોયો હતો અને બૂમ પણ પાડી હતી. પણ તુ તો રોકાયા વિના જ જતો રહ્યો. આજે જ્યારે મે તને દૂરથી આવતો જોયો એટલે મે નક્કી કરી લીધુ કે તને આમ ચોંકાવીને જ રોકવો છે. કેમ કેવી લાગી મારી સરપ્રાઇઝ?”

રિષભતો અનેરીને બોલતા સાંભળતો જ રહ્યો.

“હવે સરપ્રાઇઝ વાળી. હમણા હું તારા પગ સાથે સાઇકલ ઠોકી દેત અને પછી આ વિદ્યાનગરના છોકરા આટલી સુંદર છોકરીનો પગ ભાંગી નાખાવાના ગુનામાં મારા હાડકા ભાંગી નાખત.” રિષભે મજાક કરતા કહ્યું.

આ સાંભળી અનેરી જોરથી હસી પડી અને પછી બોલી “તુ આમ કઇ બાજુ જાય છે?”

“અહી એક બુકસ્ટોરમાંથી બુક લેવાની છે એટલે જાવ છું.” તે લોકો વાત કરતા હતા ત્યાં ગૌતમ પાસે આવ્યો એટલે રિષભે અનેરીને ગૌતમની ઓળખાણ કરાવી. પછી રિષભે અનેરીને પૂછ્યું “તુ ક્યાં રહે છે?”

આ સાંભળી અનેરીએ કહ્યું “અહી મોટા બજારમાં જ રહુ છું.” રિષભે કહ્યું “તુ ક્યારે ફ્રી હોય છે? આપણે કાલે મળીએ શાંતિથી.” આ સાંભળી અનેરી હસીને બોલી “ઓકે, હું આ સમયે ફ્રી જ હોવ છું. અને રસ્તા પર જનારા લોકોની સાઇકલ સામે આવીને ઊભી રહું છું.” આ સાંભળી રિષભ પણ હસી પડ્યો અને બોલ્યો “ઓકે, તો હું કાલે આ જ સમયે અહી સાઇકલની બ્રેક મારીશ. ઓકે?” આ સાંભળી અનેરી પણ હસી પડી અને બોલી “ઓકે, બાય.” ત્યાં ઓફિસનો દરવાજો ખુલ્યો અને હેમલ, અભય અને વસાવા દાખલ થયા એટલે રિષભે આંખો ખોલી અને વર્તમાનમાં પાછો ફર્યો. રિષભને આમ આરામ કરતો જોઇને હેમલે કહ્યું “સર, તમારે આરામ કરવો હોય તો અમે થોડીવાર પછી આવીએ.” આ સાંભળી ખુરશીમાં વ્યવસ્થિત બેસતા રિષભે કહ્યું “ના ભાઇ આરામ નહોતો કરતો પણ મારા જિવનની સુંદર પળોને યાદ કરતો હતો. આવો આવો ચાલો કામ કરીએ.” આ સાંભળી ત્રણેય અંદર આવ્યા અને ખુરશીમા બેઠા. રિષભે વાતની શરુઆત કરતા વસાવાને કહ્યું “વસાવા સાહેબ હવે તમારે પેલા બોટવાળા માણસને શોધવાનો છે. આપણી આ મિટીંગ પૂરી થાય એટલે તમે તે કામમાં લાગી જાવ.” આ સાંભળી વસાવાએ કહ્યું “ઓકે સર.”

રિષભે અભયને કહ્યું “હા, બોલ અભય દર્શનની ઓફિસમાંથી શું જાણવા મળ્યુ છે? માહિતી મેળવવામાં કોઇ તકલીફ તો નથી પડીને ?”

આ સાંભળી અભયે રિષભને પેપર આપતા કહ્યું “ના સર. તે લોકોએ સારો સહયોગ આપ્યો. સર, તમારો શક સાચો છે. દર્શને અઢાર તારીખે બેન્કમાંથી વિસ લાખ રુપીયા ઊપાડ્યા છે. જુઓ મે સ્ટેટમેન્ટમાં તે એન્ટ્રી હાઇલાઇટ કરી છે.”

“આ પૈસા કદાચ કોઇ બિઝનેસના કામમાં વાપર્યા હોય એવુ પણ બની શકે ને?” રિષભે કાગળમાં જોતા જોતા પુછ્યું.

“ના. મે ગૌરવ અને કિરીટભાઇની પૂછપરછ કરી, તેના પરથી જાણવા મળ્યુ છે કે આ વિસ લાખ રુપીયા બિજનેસના કોઇ કામ માટે ઉપાડ્યા નહોતા. આ જે એકાઉન્ટમાંથી પૈસા ઊપાડ્યા છે તે એકાઉન્ટ દર્શનના પર્સનલ ખર્ચ માટેનુ હતુ.” અભયે ચોખવટ કરતા કહ્યું. આ સાંભળી રિષભે કહ્યું “ઓકે ગુડ જોબ. બીજી કોઇ માહિતી મળી છે ત્યાંથી?”

“ના સર. આટલી જ માહિતી મળી છે?” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તુ હજુ રિષભની પત્નીને મળી તપાસ કરી લે જે કે આ પૈસા વિશે તેને કંઇ ખબર છે કે નહીં?”

આ સાંભળી અભયે કહ્યું “ઓકે સર.”

ત્યારબાદ રિષભે હેમલ સામે જોઇ કહ્યું “હા, બોલ હેમલ તું શું માહિતી લાવ્યો છે?”

આ સાંભળી હેમલે પણ પેપર રિષભને આપતા કહ્યું “સર, મારા પણ એવા જ સમાચાર છે. તમારો શક સાચો છે. નિખિલ અને નવ્યા બંનેના એકાઉન્ટમાં તે રાત્રે સી.ડી.એમ.એ મશીન વડે એક એક લાખ જમા થયા છે. તેની એન્ટ્રી આ સ્ટેટમેન્ટમાં બતાવે છે. પણ એનાથી પણ ચોંકાવનારી બીજી વાત છે.” એમ કહી હેમલે સ્ટેટમેન્ટનું આગળનુ પેજ બતાવતા કહ્યુ “આ જુઓ તેના આગળના દિવસે એજ સી.ડી.એમ.એ મશીન વડે નિખિલ અને નવ્યાના ખાતામાં ચાર ચાર લાખ રુપીયા જમા થયા હતા.”

આ સાંભળી રિષભે સ્ટેટમેન્ટ જોયુ અને પછી બોલ્યો “ઓહ તો આનો મતલબ તો એમ થાય કે તે લોકો આગળના દિવસે પણ મળ્યા હતા. શું આગળના દિવસે શ્રેયા હતી તેની સાથે?”

“ના આગળના દિવસે શ્રેયા તેની સાથે નહી હોય કેમકે તે રાત્રે શ્રેયાના એકાઉન્ટમાં પૈસા જમા થયા નથી.”

“ઓકે, શ્રેયાના સ્ટેટમેન્ટમાંથી બીજુ શુ આવ્યુ?”

આ સાંભળી હેમલ બોલ્યો “સાહેબ, એનુ સ્ટેટમેન્ટ થોડુ વિચિત્ર છે.” આ સાંભળી રિષભે તેની નજર કાગળ પરથી હટાવી હેમલ તરફ ફેરવી અને કહ્યું “કેમ, શુ વિચિત્ર છે?” આ સાંભળી હેમલે બીજો એક કાગળ હેમલને આપ્યો અને કહ્યું “આ સ્ટેટમેન્ટમાં જે એન્ટ્રી હાઇલાઇટ કરી છે તે જુઓ.” રિષભે કાગળમાં જોયુ એટલે હેમલે કહ્યું “શ્રેયાના એકાઉન્ટમાં 19 અને 20 તારીખે રાત્રે એક પણ એન્ટ્રી પડી નથી. પણ 21 તારીખે શ્રેયાના એકાઉન્ટમાં એક સાથે બે મોટી એન્ટ્રી છે. બંને એન્ટ્રી પાંચ પાંચ લાખની છે.” આટલુ બોલી હેમલ રોકાયો એટલે રિષભે કહ્યું “ કદાચ શ્રેયા પાસે એટીએમ કાર્ડના હોય અથવા બીજા કોઇ કારણે તેના એકાઉન્ટમાં પૈસા જમા ના થઇ શક્યા હોય. એટલે બીજા દિવસે શ્રેયાએ બેંકમાં કેસ નાખ્યા હોય એવુ પણ બની શકે ને?” રિષભે કારણ સમજાવતા કહ્યું. આ સાંભળી હેમલે દલીલ કરતા કહ્યું “હા સર, કદાચ એવુ હોય તો આ બીજી પાંચ લાખની એન્ટ્રી અલગ કેમ છે. જો તેણે દશ લાખ જમા કરાવવા હોય તો એક સાથે પણ કરાવી શકી હોત ને? અને ખાસ વાત તો એ કે માત્ર શ્રેયાના એકાઉન્ટમાં જ આ વધારાની એન્ટ્રી શુ કામે? નવ્યા કે નિખિલના એકાઉન્ટમા આવી એન્ટ્રી કેમ નથી.”

આ સાંભળી રિષભે કહ્યું “જો તારી વાતને અભય જે માહિતી લાવ્યો છે તેની સાથે જોડીએતો. એક ચિત્ર ખડુ થાય છે કે દર્શને તેના ખાતામાંથી 20 લાખ રુપીયા ઉપાડ્યા અને નિખિલ નવ્યા કે શ્રેયાને આપ્યા. આ 20 લાખામાંથી તે લોકોએ ત્રણ ભાગ એ રીતે પાડ્યા કે પાંચ પાંચ લાખ નિખિલ અને નવ્યાને મળે અને બાકીના દશ લાખ શ્રેયાને મળે. એવી રીતે ભાગ શું કામ પાડ્યા તે આપણે જાણતા નથી. છતા આ ભાગ પ્રમાણે જ પૈસા જમા થયા છે. પણ મને એ નથી સમજાતુ કે બે એન્ટ્રી શુ કામે કરી હોય. જો તેને એક સાથે આટલી મોટી રકમ જમા કરાવવાથી નજરમાં આવી જવાનો ડર હોય તો તે જ દિવસે બીજી એન્ટ્રી શું કામ કરે?” રિષભે વિચાર કરતા કરતા કહ્યું.

અને પછી હેમલ સામે જોઇને બોલ્યો “તને શુ લાગે છે આમાં?”

આ સાંભળી હેમલે કહ્યું “સર, પહેલા તમે મને એ કહો કે તમને એવુ કેમ લાગે છે કે નિખિલ અને નવ્યા સાથે તે રાત્રે શ્રેયા જ હતી. સી.સી.ટીવી ફુટેજમાં તો ક્યાંય તેનો ચહેરો દેખાતો નથી.”

આ સાંભળી રિષભે તેનુ લેપટોપ ચાલુ કર્યુ અને હોટલનુ ફુટેજ બતાવતા કહ્યું “ આપણે તે દિવસે શ્રેયાને મળ્યા હતા. ત્યારે મે શ્રેયાનુ અવલોકન કર્યુ હતુ. તે પરથી મને ખબર પડી હતી કે શ્રેયાને વાત કરતી વખતે થોડી થોડી વારે તેની વાળની લટને કાન પાછળ લઇ જવાની ટેવ છે. અને આ લટ કાન પાછળ લઇ જવાની તેની સ્ટાઇલ પણ અલગ જ છે. જો આ ફુટેજમાં તે જોઇ શકાય છે.” એમ કહી રિષભે લેપટોપ સ્ક્રીનને હેમલ તરફ ફેરવ્યુ. સ્ક્રીન પર વિડીયો જોઇને હેમલને પણ શ્રેયાની તે સ્ટાઇલ યાદ આવી ગઇ અને તેને સમજાઇ ગયુ કે રિષભનુ અનુમાન સાચુ છે.” વિડીયો જોઇ હેમલ બોલ્યો “સર, મને એવુ લાગે છે કે શ્રેયાને નિખિલ પાસેથી તો પૈસા મળ્યા છે પણ, બીજા કોઇ વ્યક્તિએ પણ શ્રેયાને પૈસા આપ્યા છે.” આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો અને બોલ્યો “એક કામ કર તુ બેન્ક્માં જા અને પૈસા જમા કરતી વખતે જે સ્લીપ ભરવામાં આવે છે, તે ચેક કર. જો બંને પર હેન્ડ રાઇટીંગ એક જ હોય તો સમજવાનુ કે પૈસા જમા કરનાર એક જ છે, નહીતર પછી તારો શક સાચો માનીશુ.”

આ સાંભળી હેમલે કહ્યું “ઓકે સર.”

ત્યારબાદ રિષભે ત્રણેય તરફ જોયુ અને કહ્યું “ઓકે, તો તમે ત્રણેય તમારા કામ પર લાગી જાઓ. આજે હું અહી જ છુ તમારે કંઇ પણ જરુર હોય તો મને કોલ કરજો.”

આ સાંભળી ત્રણેય ઊભા થયા અને પોતપોતાના કામ માટે બહાર જતા રહ્યા.

સાંજે છ વાગે બધા ફરીથી રિષભની ઓફિસમાં બેઠા હતા. વસાવાએ જ વાતની શરુઆત કરી અને કહ્યું “સર, આજે થોડા લોકો સાથે વાત થઇ છે તેમાથી તો કોઇ આ વિશે જાણતુ નથી. હવે કાલે બીજા લોકોને મળીશું.” આ સાંભળી રિષભે કહ્યું “ઓકે, પણ કાલે તો તમારે બધાને મળી જ લેવાનુ છે. કદાચ તે બોટવાળો પણ આમા સામેલ હોઇ શકે. જો તેને ખબર પડશે કે પોલીસ તેને શોધી રહી છે તો તે ગાયબ થઇ જશે.” આ સાંભળી વસાવાએ કમને કહ્યું “ઓકે સર.”

ત્યારબાદ હેમલ અને અભયની વાત સાંભળી રિષભે જે કહ્યુ તે સાંભળી ત્રણેય ચોંકી ગયા. ત્રણેયને સમજાઇ ગયુ કે સાચી ગેમ હવે જ ચાલુ થશે.

----------***********------------**********---------------********-------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM