Dasi Farak 'Zikdi' books and stories free download online pdf in Gujarati

શૌર્યનાં સ્વાંગને સજાવી : દાસી ફારક ‘ઝીકડી’

ત્યાગની પરમસીમા છે જે, મમતાની મૂરત છે જે, દાસી ધર્મનો બેમિશાલ ઉદાહરણ કહી શકાય જેને- તેની આજે વાત કરવાની છે. ભુજ તાલુકામાં હબાય ડુંગર પાસે આવેલ ઝીકડી ગામ જામ ફૂલે પોતાની પાલક માતાના નામથી વસાવ્યું હતું. જેનો ઇતિહાસ કદાચ ગામનાં લોકો જાણતા હશે કાં તો ઈતિહાસકારો, જેણે વત્તા - ઓછાં અંશે ભૂતકાળને ટટોરવાની કોશિશ કરી હશે. રાજકુમાર ફૂલની રક્ષા ખાતર પોતાના પુતરની કતલ થતાં જોઇ અને ચીંથરેહાલ અવસ્થામાં ગામડિયણ મજૂરણ દાસીબાઈ ઝીકડી ફુલને તેડી બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ ગઈ. આમ તેને દેશપ્રેમ કહો કે પછી સ્વામીભક્તિ, દાસી ઝીકડીએ તેને નિભાવીને ઇતિહાસના અમરપાત્રોમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે.

ઈ.સ. ૮૪૩માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચણાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડ્યો. કંથકોટ હવે રમણીય ગિરિદુર્ગ બની ગયો. ત્યાં જૈન લોકોએ એક ભવ્ય જૈનમંદિર બાંધ્યું. ધરણે જોયું કે સાડની સત્તા વધતી જાય છે. તેને ધરમસંકટ ઊભો થયો. એક તરફ પોતાની બહેન તો બીજી તરફ પોતાનું રાજ્ય- કોને રાખવું? જામ સાડની ચડતી જોઇને તેનો સાળો, ધરણ વાઘેલા ઇર્ષાની આગમાં શેકાવા લાગ્યો. તેણે સાડને મારી નાખવાનો નિર્ણય કર્યો અને એક ભયંકર રાત્રે તે સાડના મહેલે જઈ તેને પથારીમાં જ ફેંસી નાખ્યો . સાડની દાસી ફારક આ બધું જોઈ ગઈ. તેણીને સમજાઈ ગયું કે ધરણ હવે સાડના પુત્ર ફૂલને પણ મારી નાખશે. તેથી તેણી પોતાના પુત્ર તથા ફૂલને લઈ તરત જ નાસવા લાગી. ધરણે સાડને તો મારી નાખ્યો હવે તેને સૂઝયું કે તેના પુત્ર ફૂલને પણ મારી નાખવો જોઈએ તેથી પોતાના સિપાહીઓને ફૂલને ગમે ત્યાંથી પકડીને મારી નાખવો એવો હુકમ આપ્યો. જામ સાડના મૃત્યુ સમયે પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. ત્યારે ફારક દાસી તેને લઈ, સિંધ તરફ ભાગી નીકળી. ધરણ વાઘેલા પાછળ જ હતો. એને બચાવવા માટે ગમે તેવું બલિદાન આપવું પડી શકે છે, તેથી તેણીએ પોતાના પુત્રનાં કપડાં રાજ કુમારને અને રાજકુમારનાં પોતાના પુત્રને કપડાં પહેરાવી દીધાં. ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો. દાસી ફારક અવાક્ થઈ ગઈ પોતાના પ્રિય પુત્રનું આવું કારમું મૃત્યુ જોઈને તેણીનું હૃદય ફાટફાટ થવા લાગ્યું પણ તેણીને સંતોષ હતો કે મારા પુત્રના ભોગે પણ રાજકુમારને બચાવી લીધું છે. ફારક દાસી નિમકહલાલી નિભાવી તેને બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ ગઈ. ત્યાં તે મોટો થયો. દાસીએ રાજાને બધી સાચી વાત કરી. દાસીની સ્વામીભક્તિથી ખુશ થઈને પાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા. થોડા વર્ષ પછી પોતાના પિતાનો વેર વાળવા અને મામાનો વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો. કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો. કચ્છમાં એક ડુંગર પર સુંદર સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણાવવાનું શરુ કર્યું અને નામ રાખ્યું ‘બોલાડીગઢ’. જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે ફૂલકુમારે પોતાના માટે પોતાના પુત્રનો ભોગ આપનાર અને પોતાને રાજ્યપદ અપાવનાર દાસી ફારકનું નામ અમર કરવા એક નવું ગામ વસાવ્યું અને તેનું નામ દાસી ફારકના બીજા નામ ઝીકડી પરથી ‘ ઝીકડી ’ ગામ વસાવ્યું. આમ ફૂલકુમારે પોતાની માતા સમાન ફારકને દાસી નહીં પણ પોતાની સગી માતા હોય તેમ રાખતો અને તેટલું જ માન આપતો. તેને રાજી રાખવા તમામ પ્રયત્નો કરતો. રાજ્યના મોટા - મોટા નિર્ણયો પણ તેણીની સલાહથી લેતો.

રાજા રામ, કૈકેયીમાતા અને તેની દાસી મંથરા તથા અકબર અને તેની દૂધમાતા માહમ અનગાની વાતો સૌ કોઈને ખબર હશે પણ આ દરેક કિસ્સાઓમાં દાસી નમકહરામી કરતી અથવા ક્રૂર હ્રદયી બતાવાઇ છે, જ્યારે દાસી ફારક ઝીકડી અને જામ ફૂલના પાત્રો પવિત્રતાને સ્પર્શ કરાવે છે, વાત્સલ્યની મહિમા રજૂ કરે છે. તો આ સકારાત્મક ઉદાહરણ પૂરું પાડનારું ઇતિહાસ કચ્છના જ ખુણે ધરબાયેલું કેમ રહે? નારીની મહત્તા તેના પ્રેમ, હુંફ, ત્યાગ, કરુણા, સહનશક્તિ અને શીલતા સાથે વણાયેલી હોય છે. સમાજમાં બની ગયેલાં આવા અલૌકિક કિસ્સાઓને યાદ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

માણસ અને દેશ ઘડવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા અવતારી અજુબાઓ જ જોઈશે. દાસી ઝીકડી પણ એક અવતારી અજાયબી હતી. ધન્ય છે આવી વીરનારીને કે જેણે પોતે દાસી હોવા છતાં પોતાના રાજા ખાતર અને પોતાના વતન ખાતર પોતાની રાજ્યભક્તિ બતાવી. પોતાના પુત્રનું બલિદાન આપી અને ફૂલકુમારના પ્રાણ બચાવ્યા, મોટા કર્યા અને આખરે રાજ્ય અપાવ્યું. તેના બલિદાનને લીધે આજે પણ ભુજ તાલુકામાં હબાય ડુંગર પાસે “ઝીકડી” ગામ હયાત છે અને એ વીરાંગના દાસીની યાદગીરી કાયમ રાખી રહ્યું છે.



કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન
તારીખ: 09/06/2020