VEDH BHARAM - 21 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 21

વસાવાએ વાત પૂરી કરી એટલે રિષભે અભયને પૂછ્યુ “બોલ અભય તુ શું સમાચાર લાવ્યો છે?”

આ સાંભળી અભયે કહ્યું “સર, હુ દર્શનની પત્નીને મળ્યો હતો. તેણે મને જણાવ્યુ છે કે આ રુપીયા વિશે તે કંઇ જાણતી નથી.”

આ સાંભળી રિષભ વિચારીને બોલ્યો “ઓકે, તો આપણો શક સાચો છે. આ પૈસા જ નવ્યા, નિખિલ અને શ્રેયાના ખાતામાં ટ્રાન્સફર થયા છે.”

ત્યારબાદ રિષભે હેમલ તરફ જોઇ પૂછ્યું “હા હવે તુ શું જાણી લાવ્યો છે?”

“સર, મારો શક સાચો હતો. બંને સ્લીપ પર જુદી જુદી વ્યક્તિના અક્ષર હોય એવુ લાગે છે.” એમ કહી હેમલે તે સ્લીપની ઝેરોક્ષ રિષભને આપી. આ ઝેરોક્ષને ધ્યાનથી જોઇને રિષભે કહ્યું “હેમલ એક કામ કર હેન્ડરાઇટીંગ એક્ષપર્ટને આ બંને સ્લીપ બતાવ. તે જ આપણને સાચી હકીકત કહેશે.”

અભય અને હેમલની વાત સાંભળી રિષભ ખુરશીને ટેકો દઇને બેઠો અને વિચારવા લાગ્યો. થોડીવાર વિચાર્યા બાદ રિષભે કહ્યું “એક કામ કરો હવે આપણી પાસે નવ્યા અને શ્રેયા વિરુધ્ધ પૂરતા સબૂત છે. એક કામ કરો તે બંને ને ઊઠાવી લો. બાકીના આપણા પ્રશ્નોના જવાબ તેની પાસેથી જ મળશે.”

આ સાંભળી ત્રણેય ચોંકી ગયા. ત્રણેયને લાગ્યુ કે હવે જ સાચી ગેમ ચાલુ થવાની છે. પણ થોડીવાર વિચાર કરી હેમલ બોલ્યો “સર, તમને ખોટુ ના લાગે તો એક વાત કહું?”

આ સાંભળી રિષભે કહ્યું “હેમલ અત્યારે આપણે એક ટીમ છીએ. ટીમમાં બધાના મંતવ્યોનું મહત્વ છે. તું તારે જે કહેવુ હોય તે કહે.”

આ સાંભળી હેમલે કહ્યું “સર, મને લાગે છે કે આપણે નવ્યા અને શ્રેયાની ધરપકડ કરવામાં ઉતાવળ કરવી જોઇએ નહી. કેમકે જો નિખિલને ખબર પડશે કે આપણે આ બંનેની ધરપકડ કરી છે તો તે હવે ક્યારેય આપણા હાથમાં નહી આવે. અને બીજુ જે વ્યક્તિએ બેંકમાં શ્રેયાના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે તેને પણ આ ખબર પડશે તો તે પણ નિખિલની જેમ ગાયબ થઇ શકે છે. એટલે મારા મત મુજબ તો આપણે શ્રેયા અને નવ્યા પર પૂરતી વોચ રાખવી જોઇએ પણ, હમણા ધરપકડ કરવી જોઇએ નહી. કદાચ તે લોકો કોઇ ભૂલ કરે અને આપણને જેકપોટ લાગી જાય. મારા ખ્યાલથી નિખિલ ટૂંક સમયમાં તે બંનેનો કોન્ટેક્ટ કરવો જ જોઇએ.”

આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો અને પછી તેણે અભય અને વસાવા સામે જોઇને પૂછ્યું “તમારા બંનેનુ આમાં શું મંતવ્ય છે?” વસાવા તો કંઇ બોલ્યા નહીં પણ અભયે કહ્યું

“સર, મને પણ હેમલની વાત સાચી લાગે છે. આપણે હજુ એકાદ દિવસ રાહ જોઇએ નહીતર પછી તે લોકોની ધરપકડ કરી લઇશુ.”

આ સાંભળી રિષભે કહ્યું “ઓકે તો આપણે હમણા તેની ધરપકડ કરતા નથી પણ મને લાગે છે કે આ શ્રેયાની પાછળ જે કોઇ વ્યક્તિ છે, તે દર્શનની એકદમ નજીકની વ્યક્તિ હશે.” આટલુ બોલી તે થોડીવાર રોકાયો અને પછી હેમલ સામે જોઇને બોલ્યો “તું એક કામ કર દર્શનની નજીકની જે પણ વ્યક્તિ છે તે બધાના હેન્ડરાઇટીંગના સેમ્પલ લઇલે. ઓફિસ અને ઘરની બધી જ વ્યક્તિ એમા આવી જવી જોઇએ. આ સ્લીપ અને તે સેમ્પલ કોઇ સારા હેન્ડ રાઇટીંગ એક્ષપર્ટને બતાવ. જોઇએ કોઇના હેન્ડરાઇટીંગ આની સાથે મેચ થાય છે કે નહી.”

આ સાંભળી હેમલે કહ્યું “સર હું હમણા જ નીકળુ છું. અત્યારે ઓફિસમાં હજુ બધો સ્ટાફ હાજર હશે એટલે તે લોકોના સેમ્પલ અત્યારે જ કલેકટ કરી લઉ છું.”

“ઓકે, પણ યાદ રાખજે તે લોકોને એવો ખ્યાલ ના આવવો જોઇએ કે તુ તેના હેન્ડરાઇટીંગ સેમ્પલ લઇ રહ્યો છે.” રિષભે હેમલને સાવચેત કરતા કહ્યું.

“ઓકે સર, એ હું મેનેજ કરી લઇશ.” આટલુ બોલી હેમલ ત્યાંથી જતો રહ્યો.

“અભય કાલે તુ એક કામ કરજે. આ બંને રશીદ લઇ બેંકમાં જજે અને બેંકના કર્મચારી પાસેથી કંઇ વિગત મળે તો જાણી લાવજે. આ ઉપરાંત 21 તારીખનુ બેંકનું સી.સી.ટીવી ફુટેજ લઇ લેજે. અત્યારે હવે કંઇ કામ નથી તમે ઇચ્છો તો જઇ શકો છો અને બીજા સ્ટાફ મેમ્બરને પણ જવાનુ કહી દો. ચાલો હું પણ આજે હવે જઉં છું.” એમ કહી રિષભ ઊભો થયો અને ઓફિસની બહાર નીકળી ગયો.

પંદર મિનિટ પછી રિષભ તેના ક્વાર્ટર પહોંચ્યો અને કઇક યાદ આવતા તેણે અનેરીને ફોન જોડ્યો અને કહ્યું “અનેરી હું રિષભ બોલુ છું. તુ અત્યારે શું કરે છે?” આ સાંભળી અનેરીએ કહ્યું “કંઇ નહી જો ઓફિસથી આવીને ફ્રેસ થઇ બેઠી છું. બોલને શું કામ હતુ?”

આ સાંભળી રિષભ કઈ રીતે કહેવુ તેની વિમાસણમાં પડી ગયો કેમકે આ અનેરી હવે તેની પ્રેમિકા નહોતી પણ બીજા કોઇની પત્ની હતી. રિષભ થોડીવાર કંઇ બોલ્યો નહી એટલે અનેરીએ સામેથી જ કહ્યું “રિષભ તુ ફ્રી હોય તો આપણે સાથે ડીનર લઇએ.” આ સાંભળી રિષભને થયુ આજે પણ તેનુ અને અનેરીનુ ટ્યુનીંગ તો એટલુ જ જોરદાર છે કે કહ્યા વિના જ અનેરી તેના દિલની વાત સમજી ગઇ. પણ તરતજ રિષભની અંદરથી અવાજ આવ્યો ભાઇ ટ્યુનીંગ એટલુ જોરદાર હતુ તો અનેરી બીજાની પત્ની કઇ રીતે બની ગઇ? અંદર ચાલતા દ્વન્દ્વ ને દબાવી રિષભે કહ્યું “હા, તુ કહે ત્યાં મળીએ.”

“એક કામ કર અવધમાં જમીએ. તે જોઇ છે અવધ હોટલ?” અનેરીએ પૂછ્યુ.

“મે તો નથી જોઇ પણ મારો ડ્રાઇવર અહીનો જાણીતો છે તેણે જોઇ હશે. બોલ કેટલા વાગે ત્યાં પહોંચું?” રિષભે પુછ્યું.

“બસ હું હમણા પાંચ મિનિટમાં નીકળુ છું.” અનેરીએ કહ્યું.

“ઓકે, ચાલ તો હું પણ હમણા જ નીકળુ છું.” આટલુ કહી રિષભે ફોન કટ કરી નાખ્યો.

રિષભે કહ્યુ તો ખરુ કે હું હમણા જ નીકળુ છું પણ તેને તૈયાર થતા ખાસ્સી દશ મિનિટ નીકળી ગઇ. તે એવી રીતે તૈયાર થયો જાણે તે અનેરીને પ્રપોઝ કરવા જતો હોય. તેના અંદરથી એક અવાજ તેને રોકી રહ્યો હતો પણ રિષભે તે અવાજનુ સાંભળ્યુ નહી. બ્લેક કલરના જીન્સ ઉપર લાઇટ યેલો કલરનુ વી નેક ટીસર્ટમાં રિષભ અત્યારે 25 વર્ષનો કોલેજીયન લાગતો હતો. રિષભનુ બોડી કસરતના કારણે આમ પણ પરફેક્ટ શેપમાં હતુ, તેમા આ આઉટફિટમાં તો તે એકદમ યંગ લાગતો હતો. રિષભ જ્યારે અવધમાં પહોંચ્યો ત્યારે કોર્નર ટેબલ પર અનેરી તેની રાહ જોઇને બેઠી હતી.

રિષભ અનેરી પાસે પહોંચ્યો એ સાથે જ તેને જોતો રહી ગયો. રિષભની જેમ જ અનેરી પણ અત્યારે વીસ બાવીસ વર્ષની યુવતી લાગતી હતી. અનેરીએ પીંક કલરના સ્કર્ટ પર બ્લેક કલરનુ લોંન્ગ ટોપ પહેર્યુ હતુ. ખુલ્લા વાળમાં અનેરી કોઇપણ જાતના મેકઅપ વગર પણ એકદમ સુંદર લાગતી હતી. મોટીને ભાવવાહી આંખો, તીણુ નાક સપ્રમાણ બોડીમાં અનેરી આજે પણ ખૂબ સુંદર લાગતી હતી. અનેરીને જોઇ રિષભ વિદ્યાનગરની તેની પહેલી મુલાકાતની જેમ જ મંત્રમુગ્ધ થઇ ગયો. રિષભ અનેરીને જોતા જોતા જ તેની સામેના સોફા પર બેઠો અને બોલ્યો “સોરી મારે આવવામાં થોડુ મોડુ થઇ ગયુ.” આ સાંભળી અનેરીએ કહ્યું “હવે આમ પણ તુ કયા દિવસે ટાઇમે આવ્યો છે?”

આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “હા હું તો હજુ પણ એવો જ છું.”

રિષભનો કટાક્ષ અનેરી સમજી ગઇ હતી પણ તેણે વાત બદલતા કહ્યું “બોલ સ્ટાર્ટરમાં શુ મંગાવવુ છે?”

આ સાંભળી રિષભના મો પર કટાક્ષ ભર્યુ સ્મિત આવી ગયુ આ સ્મિત જોઇ અનેરી સમજી ગઇ એટલે તેણે વેઇટરને બોલાવી “બે મન્ચાઉ સુપ અને એક ડ્રાઇ મન્ચુરીયનનો ઓર્ડર આપી દીધો.” અને બોલી હું પણ નથી બદલાઇ પણ સંજોગો બદલાઇ ગયા છે. આ શબ્દો સાંભળી રિષભ ચૂપ થઇ ગયો. તેને ઘણુ કહેવાનુ મન થઇ ગયુ પણ તે ચૂપ જ રહ્યો. વાતાવરણમાં ભાર વધી ગયો એ જોઇ અનેરીએ કહ્યું “બોલ સુરત કેવુ લાગ્યુ તને?”

આ સાંભળી રિષભે કહ્યું “સુરત તો મને પહેલે દિવસે જ ગમી ગયુ હતુ પણ સુરતમાં તુ મળી છો એટલે હવે વધુ ગમવા માંડ્યુ છે.”

રિષભે શબ્દો ચોર્યા વિના સીધુ જ કહી દીધુ એ સાંભળી અનેરી થોડી શરમાઇ ગઇ. અનેરીને પણ આ શબ્દો ગમ્યા હતા પણ તે અત્યારે જે હાલતમાં હતી તેમા તે કંઇ બોલી શકે એમ નહોતી. અનેરીને ચુપ જોઇ રિષભે વાત બદલતા કહ્યું “મે તારા પતિનો કેસ હાથ પર લઇ લીધો છે. હું ફાર્મ હાઉસ પર પણ જતો આવ્યો છું. તને બીજુ કંઇ યાદ આવે છે?” આ વાત આવતા જ અનેરીએ કહ્યું “તારા પ્રયત્ન માટે આભાર પણ મે તો હવે આશા છોડી દીધી છે. મને તો ક્યારેક એવુ લાગે છે કે વિકાસ જાતે જ મને છોડીને ચાલ્યો ગયો છે. બાકી આટલો સમય કેમ કોઇ સમાચાર ન મળે. હવે તે કઇ હાલતમાં હશે તે પણ હું જાણતી નથી.”

આ સાંભળી રિષભે કહ્યું “તમે ફાર્મ હાઉસ પર હતા ત્યારે ત્યાં તને કોઇ બોટ દરીયામા દેખાઇ હતી.” આ સાંભળી અનેરીને નવાઇ લાગી અને તે બોલી “ના બોટ તો મે ક્યાય જોઇ નથી. ”

તે લોકો વાત કરતા હતા ત્યાં વેઇટર સ્ટાર્ટરનો ઓર્ડર લઇને આવ્યો એટલે બંને વાત કરતા રોકાઇ ગયા. વેઇટર સર્વ કરીને જતો રહ્યો એટલે અનેરીએ વાતને આગળ વધારતા પૂછ્યું “કેમ બોટની શું વાત છે?”

આ સાંભળી રિષભે કહ્યું “તે મને કહેલુ કે તે રાત્રે તુ અને તારા હસબન્ડ ડોક પર જઇને બેઠા હતા એટલે આજે મે ફાર્મ હાઉસની વિઝીટ લીધી હતી ત્યારે ડૉક પર ગયો હતો. ત્યાં ડૉકના છેલ્લા સ્તંભની સાથે મને એક દોરડુ બાંધેલુ દેખાયુ. આ દોરડુ કોઇ બોટનુ હોય તેવુ હતુ. એનો મતલબ એવો થાય કે ત્યાં કોઇ બોટ આવી હતી અને રોકાઇ હતી.”

આ સાંભળી અનેરી વિચારમાં પડી ગઇ આ જોઇ રિષભે કહ્યું “આ તો ખાલી મારો શક છે. બાકી તારા હસબન્ડ ગુમ થયા પછી અથવા પહેલા પણ ત્યાં બોટ આવી હોઇ શકે.”

આ સાંભળી અનેરીએ કહ્યું “હા કદાચ એવુ પણ હોઇ શકે.”

“તને તે દિવસે ફાર્મહાઉસ પર કંઇ શંકાસ્પદ લાગ્યુ હતુ.” રિષભે અનેરીને પુછ્યુ.

“શંકાસ્પદ તો કંઇ નહોતુ. હું તો ત્યાં પહેલીવાર ગઇ હતી એટલે મારા માટે તો તે સ્થળ નવુ હતુ પણ એટલુ જરુર કહીશ કે તે ફાર્મ હાઉસમાં તે વખતે મને નેગેટીવ ઉર્જા હોય એવુ ફીલ થયુ હતુ. પણ પછી વિકાસની કંપનીમાં હું એ બધુ ભુલી ગઇ.” અનેરીએ કહ્યું. અને પછી આગળ બોલી “ઓકે, ચાલ હવે મેઇન કોર્સનો ઓર્ડર આપી દઇએ. બોલ હવે શુ ખાવુ છે? તારુ ફેવરીટ સેવ ટામેટાનુ શાક તો અહીં નહી મળે. બીજુ જે ખાવુ હોય તે ઓર્ડર આપી દે.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને પછી મેનુમાં જોઇ બંનેએ ઓર્ડર આપી દીધો. વેઇટર ઓર્ડર લઇને ગયો એટલે અનેરીએ કહ્યું “એલા તારા જેવો સેવ ટામેટાના શાકનો આશિક હજુ સુધી મે કોઇ જોયો નથી. તારી સાથે જમી જમીને મને તો તે શાક ભાવતુ બંધ થઇ ગયુ હતુ પણ, તુ તો દર વખતે જાણે સેવ ટામેટાનુ શાક પહેલી વાર જોતો હો એ રીતે તુટી પડતો હતો.”

આ સાંભળી રિષભે કહ્યું “સેવટામેટાના શાક માટે તો અમે પાર્ટી પણ છોડી દેતા. તને એક મસ્ત કિસ્સો કહુ એ સાંભળી તુ મને ગાંડો જ કહીશ.” આમ કહી રિષભે વાત કહેવાની શરુઆત કરતા કહ્યું “મે અને ગૌતમે એમ.એસ.સી પછી રાજકોટમાં આત્મિય કૉલેજમાં પાર્ટ ટાઇમ જોબ ચાલુ કરી હતી. એકવાર એવુ બન્યુ કે કૉલેજનાં એક મિત્રની બર્થડે પાર્ટીમાં અમારે હોટલમાં જમવાં જવાનું આમંત્રણ હતુ. સાંજે હું તૈયાર થઇને ગૌતમનાં ઘરે ગયો અને પછી અમે ત્યાંથી હોટલમાં જવા નીકળવાના હતા. અમે નીકળતા હતા ત્યાં ગૌતમના મમ્મી આવ્યા અને અમને બંનેને કહે “એલા તમારુ ફેવરીટ શાક છે ટેસ્ટ કરવુ હોય તો કરતા જાવ.” આ સાંભળી અમે બંને રોકાયા એટલે ગૌતમના મમ્મીએ અમને બંનેને એક પ્લેટમાં શાક અને પરોઠા ટેસ્ટ કરવા આપ્યા. શાક અને પરોઠા એટલા ટેસ્ટી હતા કે ગૌતમ બોલ્યો મમ્મી હજુ એક પરોઠુ અને થોડુ શાક આપને. તેના મમ્મી ફરીથી પરોઠુ અને શાક મૂકી ગયા. પછી તો આવુ બે ત્રણ વાર થયુ. જ્યારે અમે બંને ઊઠ્યા ત્યારે ગૌતમના મમ્મી પપ્પા માટે બનેલી આખી રસોઇ અમે ખાઇ ગયા હતા.” આ સાંભળી અનેરી ખડખડાટ હસી પડી. તેને હસતી રિષભ જોઇ રહ્યો. અનેરીને ખ્યાલ આવ્યો કે રિષભ તેને જોઇ રહ્યો છે એટલે તે બોલી “આજે વર્ષો પછી આ રીતે હસી છું.” કદાચ તારા જેવા સરળ છોકરાનું દિલ તોડવાની જ સજા મને મળી છે.” આ સાંભળી રિષભને પ્રશ્ન પૂછવાનુ મન થયુ પણ તેણે વિચાર્યુ કે મારે કંઇ પૂછવુ નથી. તેને ઇચ્છા થશે તો સામેથી કહેશે. થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહીં. વાતાવરણ એકદમ ભારે થઇ ગયુ એટલે રિષભે કહ્યું “તુ ચિંતા નહી કર હું તારા હસબન્ડને શોધી કાઢીશ.” આ સાંભળી અનેરી ફીકુ હસી અને બોલી “કાસ અત્યારની જેમ ત્યારે પણ બધા રસ્તા પર સી.સી.ટીવી ફુટેજ હોત તો વિકાસ અત્યાર સુધીમા મળી ગયો હોત.” આ સાંભળતા જ રિષભના મગજમા એકદમ ચમકારો થયો.

----------***********------------**********---------------********-------------

મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM