magajtari books and stories free download online pdf in Gujarati

મગજતરી

આજે ઉગેલા દિવસમાં કંઇક તો છે બાકી સવારે આવી રીતે દૂધ ઉભરાઈને અપશુકન ન થઈ ગયું હોય! ઉષા એના તણાવભર્યા મનમાં ઉચાટ લઈને સોફા પર આવી ને બેસી ગઈ. એના મનમાં ધ્રાસકો પડયો હતો એના તપેલીમાનું જે દૂધ ઉભરાઈને રેલો આવતાં! ઉમરની સાથે એમની પાકેલાં વાળ આજે વધારે પાકટ બની ગયા હતાં, એમના અનુભવોથી એમનો અંદાજો એમને ભયની ભીતિ સેવવા મજબૂર કરી રહ્યા હતા. જ્યારે જ્યારે એમને અજાણતાં આવા અપશુકન નજરે ચડ્યા ત્યારે ત્યારે એમને ક્યાંકથી અજુકતા અહેવાલ મળતા.


શું થશે? શું થવાનું છે? કોઈ નજીકના ભવિષ્યમાં મૃત્યુનાં સમાચાર આવશે? કે પછી સગાં સ્નેહીઓમાં ફૂટ પડ્યાના? જે થાય એ દુર્ઘટના નાની બનીને ટળી જાય એવી ઇસ્ટદેવ ને હાથ જોડીને વિનાવવા માંડ્યા. " હે પ્રભુ, હે મારા વા'લા, શ્રીનાથજી ઠાકોર, આજીજી કરું એ તલવારની ઘાત સોંય બની જજો!"


આવી પ્રાર્થના ચાલી રહી હતી ત્યાં જ એમના પડોશમાં રહેતા મંજુબા આવી ચડ્યાં, "શું થયું? શાને વીનવો વા'લા ને?"


" મંજૂબા શું કહું તમને?આજે તો સવારના પહોર માં દૂધનું વાસણ છલકાઈ ગયું.રામ જાણે શું થવા બેઠું છે?"


"અરેરે... આટલી વાતમાં તો જુઓ માથે દોષ લઈને બેસી ગયા છો! એમાં શું થયું? આમાં ક્યાં કશું લૂંટાઈ ગયું?"


"લૂંટાઈ તો કઈ નથી ગયું પણ લૂંટાઈ જશે એની બીક પેઠી છે. મારે જેટલી વાર અપશુકન થાય ત્યાં કઈ એવું બને જ છે જે અણધાર્યું હોય!"


"ઉષાબેન શું તમે પણ! કયા જમાનામાં જીવો છો? તમારાથી ઉંમરમાં હું મોટી છતાંય એવું નથી વિચારતી, શુકન અપશુકન એવું કશું ના હોય, એ તો જે બનવાનું હોય એ તો નિમિત્ત છે, એમની જોડે આવી વાતોને કોઈ નિસ્બત ના હોય!'


" પણ મારે દર વખતે એવું જ બને છે."


" એવું ના હોય, તમે મન થી એવું માનો છો એટલે, જ્યારે કઈ ખોટું થયું હોય તો તમે તરત જ આવી બાબતોને ધ્યાનમાં રાખીને વિચારવા માંડો એટલે તમને એવી નકારાત્મક વલણ જડી જાય, બાકી ઘણી વાર એવું પણ બનતું હોય છે એના લીધે કઈ સારું પણ બન્યું હોય પણ એ વખતે તમારું ધ્યાન જ ના ગયું હોય!"


" પણ આપણને ખોટું થઈ જાય પછી શું કરવાનું? દર વખતે એવું જ કેમ બને છે?"


" ઉષાબેન એક કામ કરો આજે તમે એવું વિચારો કે કઈ ખોટું નહિ થાય અને સારા સમાચાર જ મળશે આજે!"


" પણ એ શી રીતે બને?"


" હું કહું છું એટલું અજમાવી જુઓ આજે, તમને સારા સમાચાર મળ્યે છૂટકો જ નહિ આજે!"


મંજુબેન ની વાતોથી ઉષાબેન ના મનમાં તણાવ જરાં હલકો થયો, એમને મનને જરાં ટાઢક વળી, એમને હળવા મને વિચારવા માંડ્યું, આમ ને આમ દિવસ પસાર થઈ રહ્યો હતો, ને સાંજની સંધ્યાને ટાણે એમની મોબાઈલની રીંગ રણકી ઉઠી, એમને મંજુબેન ની વાતને ધ્યાનમાં લઈને ફોન ઉપાડ્યો, "હેલો....."


"હેલો... ઉષાફોઈ....હું લલિત."


" હા બોલ દીકરા, બધું કુશળ મંગળ તો છે ને?"


" હા ફોઈ , બધું સરવાને છે! એક શુભ સમાચાર માટે ફોન કર્યો હતો." ઉષાબેન હરખાઈ ગયા, એમને જે ડર હતો એ હવે સ્મિતમાં ફેરવાઈ ગયો. ઉતાવળા થઈને," શું સમાચાર?"
" મારે ઘરે નવું મહેમાન આવ્યું છે, લક્ષ્મી પધાર્યા છે! હમણાં ચાર વાગ્યે મારે બેબી આવી છે.!"
" અરે વાહ દીકરા, ચાલો મગજતરી પાક્કી તો તો! મગજતરી બંધાવી લાવું છું તો તો હમણાં સુવાવડી સાટુ! સૌ જુગ જુગ જીવો અને આવનાર લક્ષ્મી સૌનું કલ્યાણ કરો!"- ઉષાબેન ના દિલથી વરસતા આશિષ એટલા સકારાત્મક હતા કે સવારે થયેલા અપશુકન ને છેક નેવે મૂકી આવતાં હતા!