Losted - 30 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 30

લોસ્ટેડ - 30

રિંકલ ચૌહાણ

"હું અમદાવાદ જવા નીકળું છું, મમ્મી-પપ્પા જોડે આધ્વી વીશે વાત કરવા. આધ્વી ને મળતો જઉં છું." રયાન તૈયાર થઈ બેગ લઈ નીકળવાની તૈયારી કરી રહ્યો હતો.
"ભાઈ આધ્વીકા અહીં નથી, એ સવારે વહેલા આવી હતી. તારા માટે આ લેટર આપીને ગઈ છે." રાહુલ એ આધ્વીકા એ આપેલી ચિઠ્ઠી રયાન ને આપી અને રૂમમાં જતો રહ્યો.
"ફરી કીધા વગર જતી રહી." રયાન ગુસ્સામાં ગણગણ્યો અને ચિઠ્ઠી ખોલી વાંચવાનું ચાલું કર્યું.

"ડિયર રયાન,
જાણું છું તું ગુસ્સામાં હસે કેમ કે હું કીધા વગર જઈ રહી છું. સમય અને સંજોગ જ એવા થયા કે મારે અચાનક નીકળવું પડ્યું, મને માફ કરી દેજે. તારા ગયા પછી એક પણ દિવસ એવો નહોતો ગયો જ્યારે મે તને યાદ ન કર્યો હોય, તારી શોધખોળ ન કરી હોય. એક એક ક્ષણ હું તને જોવા તારો અવાજ સાંભળવા તરસી છું પણ વિધિનું વિધાન તો જો, તું મને ત્યારે મળ્યો જ્યારે મે તારી રાહ જોવાનું બંધ કરી દીધું. મને બહું યાદ ના કરીશ અને તારું ધ્યાન રાખજે.
લિખિતંગ
આધ્વીકા રાઠોડ

"મારી રાહ જોવાનું બંધ કરી દીધું એટલે?" રયાન એ પોતાને પ્રશ્ન પુછ્યો. રયાનની આંખો ચમકી, બેગ પડતી મૂકી તે અંદર ની તરફ ભાગ્યો.
"રાહુલ જલ્દી ચલ મારી સાથે." રયાન દોડી ને આવ્યો એટલે હાંફી રહ્યો હતો.
"ક્યાં જવું છે ભાઈ? શું થયું છે તું આટલો ટેન્શન માં કેમ છે?" ૨યાન ને આ હાલત માં જોઈ રાહુલને આશ્ચર્ય થયું.
"આધ્વીકા તને શું કઈ ને ગઈ હતી કે તે ક્યાં જાય છે? એકલી ગઈ છે કે કોઈ સાથે ગઈ છે?"
"રયાન ભાઈ શું થયું છે? આધ્વીકા માઉંટ જવાનું કેતી હતી, પણ થયું છે શું?" રાહુલનું મન પણ હવે ગભરાવા લાગ્યું હતું.
"તું ચાલ મારી સાથે હું રસ્તામાં સમજાવું તને." રયાન ઝડપભેર ઘરની બહાર નીકળ્યો, એની પાછળ રાહુલ ઉતાવળા ડગલે બહાર આવ્યો, ઘર બંધ કર્યું, ગાડી ચાલું કરી બન્ને ભાઈ નીકળી પડ્યા આધ્વીકા ને શોધવા એ રસ્તા પર જ્યાં બન્ને ને આધ્વીકા સિવાય ઘણું મળવાનું હતું.

***

રાઠોડ હાઉસ માં હલચલ મચી ગઈ હતી, ચાંદની અને મીરા પોતાની સાથે ખરાબ સમાચાર લઈને ઘરે આવી હતી. મોન્ટી ને પોલિસ લઈ ગઈ હતી.
જીજ્ઞાસા મોન્ટી ને છોડાવવા ની મથામણમાં પડી હતી, જયશ્રીબેન હજી બીમાર હતા, જીવન ઓફિસ ગયો હતો અને આરાધના બેન હજી કઈ સમજે વિચારે એના પહેલા એમના પર બીજી મુસીબત આવી પડી.
વિરાજભાઈ મોન્ટી જેલ માં છે એ આઘાત સહન કરી શક્યા નઈ, એમને હૃદય રોગ નો હુમલો આવ્યો, તેમની હાલત કથળી. જીજ્ઞાસા એ તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવી. સવાર નો સમય હતો, નહિવત ટ્રાફિક ના કારણે એમ્બ્યુલન્સ જલ્દી આવી ગઈ પણ ત્યાં સુધી વિરાજભાઈ રાહ જોઈ શક્યા નહી.

ડૉં. એ વિરાજભાઈ નું ચેકઅપ કર્યું, તેમણે રાઠોડ પરિવાર સામે નિરાશાથી જોયું અને બોલ્યા," આઈ એમ સોરી મિસિસ રાઠોડ, હી ઇઝ નો મોર."
રાઠોડ પરિવાર પર આભ ફાટ્યું, ચાંદની અને મીરા વિરાજભાઈને વળગી ને રડવા લાગી. જયશ્રીબેન જ્યાં ઊભા હતા ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યાં, જિજ્ઞાસા ની આંખો માં ઝળઝળીયાં આવી ગ્યા પણ પરિસ્થિતિ અને જવાબદારી નું ભાન થતા એ સ્વસ્થ થઈ.

"ડૉં. આર યૂ આઉટ ઑફ યોર માઈંડ? શું બોલો છો તમને ભાન છે? જીજ્ઞા કોઈ બીજા ડોં. ને ફોન કર, આ ડોં. ને કઈ ખબર નથી પડતી. તમે જાઓ અહીંથી જાઓ હાલ જ..." આરાધના બેન એ ચીસ પાડી. જીજ્ઞાસા એ પરિસ્થિતિ સંભાળી લીધી. જીવન ને ફોન કરી ઘરે બોલાવ્યો અને સગાસંબંધીઓને ફોન કરવાનું ચાલુ કર્યું.

અડધા કલાક માં રાઠોડ પરિવાર માં સફેદ વસ્ત્રોમાં સજજ સ્ત્રી-પુરુષોની ભીડ જામી ગઈ. ઘરમાં રોકકળ મચી ગઈ હતી, માત્ર આરાધના બેન ચુપચાપ વિરાજભાઈ ને પકડીને બેઠા હતા. ચાંદની ની આંખો રડી રડીને સુજાઇ ગઇ હતી, જયશ્રીબેન પોતાનું દુખ દિલમાં દબાવી આરાધના બેન, ચાંદની અને મીરાને સાંત્વના આપી રહ્યા હતા. જીવન અને જીગર પિતાના અંતિમ સંસ્કાર ની તૈયારી કરી રહ્યા હતા. જીગર ને પિતા ના અંતિમ સંસ્કાર માટે ઘરે આવવાની મંજૂરી અપાઈ હતી.

"શું કરે છે આ છોકરી? આટલી બેદરકાર કઈ રીતે થઈ ગઈ છે, 24 ફોન કર્યા તોય નથી ઉપાડતી." છેલ્લા અડધા કલાક થી જીજ્ઞાસા આધ્વીકા ને ફોન કરી રહી હતી, પણ આધ્વીકા એ એકેય કોલ રીસિવ નહોતો કર્યો.
"જિજ્ઞા બેટા સોનું ને આવતા કેટલી વાર થશે? અંતિમ સંસ્કાર નો સમય થઈ ગયો છે." જયશ્રીબેન એ જીજ્ઞાસા જોડે આવી પુછ્યું.
"મા સોનું ફોન જ નથી ઉપાડતી, 24 ફોન કર્યા છે એને. શું કરીએ મા?" જીજ્ઞાસા નું અસમજંસ માં મુકાઇ ગઇ હતી. આધ્વીકા ની ગેરહાજરીમાં તે ઘરની સૌથી મોટી સંતાન હતી, દુખ સાથે જવાબદારી પણ આવી ગઈ હતી. પોતાના મામા ના મોત પર ખુલીને રડી પણ નહોતી શકી. અહીની પરિસ્થિતિ આધ્વીકા ને મેસેજ કરી જીજ્ઞાસા વિરાજભાઈ ની અંતિમયાત્રાની તૈયારી માં લાગી ગઈ.

***

"તમે મારી વાત કેમ નથી સમજી રહ્યા મિ. દેસાઇ, મારા માટે આ માહિતી ખુબ જ જરૂરી છે." આધ્વીકા છેલ્લી વીસેક મીનીટ થી હેવન વિકેન્ડ હોમ ની ઓફિસ માં બેઠી હતી.
"મિસ રાઠોડ મહેરબાની કરી ને તમે મારી મજબૂરી સમજાવા નો પ્રયત્ન કરો, અહીં કોણ ક્યારે આવ્યું એ માહિતી હું તમને ન આપી શકું. મેડમ પ્લીઝ મારી જોબ નો સવાલ છે." વિકેન્ડ હોમ ના મેનેજર મિ. રાજીવ દેસાઇ છેલ્લી વિસ મિનિટ થી આધ્વીકા ને સમજાવી રહ્યા હતા.
"તમે સમજી નથી રહ્યા મિ. દેસાઈ, મારા પરિવાર ને બચાવવાનો આ એક જ રસ્તો છે." આધ્વીકા એ ગુસ્સા માં ટેબલ પર હાથ પછાડ્યો અને ત્યાંથી બાર નીકળી ગઈ. ગાડી માં બેસી તેણે પોતાનો ફોન ખોલ્યો.
"જીજ્ઞાના 24 કોલ ને એક મેસેજ? શું થયું હશે?" મેસેજ જોયા વગર જ તેણે જીજ્ઞા ને ફોન લગાવ્યો. બીજી જ રિંગે ફોન રિસિવ થયો.
"ક્યાં હતી તું? હું છેલ્લા અડધા કલાક થી તને ફોન કરી રઈ છું. કઈ ભાન-બાન છે કે નઈ તને?" જીજ્ઞાસા ફોન ઉપાડતા જ ઊકળી ઊઠી.
"શું થયું જીજ્ઞા? તું મારી સાથે આવી રીતે કેમ વાત કરી રહી છે? ઘરે બધું ઠીક તો છે ને?" જીજ્ઞાસા ને આવી રીતે પોતાની સાથે વાત કરતાં જોઈ આધ્વીકા ને નવાઈ લાગી.
"વિરાજ મામા.... મામા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તું જલ્દી ઘરે આવી જા." સામે છેડેથી ફોન મુકાઇ ગયો.
"કાકા....." આધ્વીકા માંડ આટલું જ બોલી શકી. આંખો માંથી ધસી આવેલા આંસુ લુંછી આધ્વીકા એ ગાડી ચાલુ કરી ને અમદાવાદ તરફ લીધી.

આધ્વીકા જ્યારે ઘરે પહોંચી બપોર થઈ ચૂકી હતી, રાઠોડ હાઉસ માં લોકોની ભીડ જામી હતી. આધ્વીકાને જોઈ ને આરાધના બેન દોડતાં જઈને તેને વળગી પડ્યાં.
"બેટા જો ને બધા કેવું કે છે તારા કાકા વિશે. તું કે ને વિરાજ જી ને કે આ બધી મજાક બંધ કરે અને ઊઠી જાય. ક્યાર ના ઊંઘ્યા છે ઉઠતા જ નથી. તારી વાત માનશે તું કે ને બેટા." ક્યાર થી ચૂપચાપ બેઠેલા આરાધના બેન ની આંખો ભીની થઈ.
"માસી તમે રડો નહી, કાકા ને ખુશી ખુશી વિદાય આપવાની છે માસી. આપશો ને?" આધ્વીકા ની વાત પુરી થઈ અને આરાધના બેન એ પોક મૂકી.
"અંતિમ યાત્રા નો સમય થઈ ગયો છે, વધારે સમય સુધી શવ ને ઘરમાં રાખવું યોગ્ય નથી." એક વડિલ એ જીવન ને કીધું. જીવન અને જીગર ની સાથે આધ્વીકા અને જીજ્ઞાસા એ નનામી ને ખભો આપ્યો.
"બેટા છોકરીઓ શ્મશાનયાત્રા માં સામેલ નથી થતી." આધ્વીકા અને જીજ્ઞાસા ને નનામી ઉપાડતા જોઈ એક વડિલ એ કીધું.
"દિકરી ઓ પણ દિકરા ની જેમ પરિવાર ની સદસ્ય જ હોય છે. દિકરીઓને પણ હક છે ફરજ નિભાવવાનો." આધ્વીકા બોલી.
"આ બધું કઈ રીતે થયું જીજ્ઞા?" અંતિમ ક્રિયા પુરી થતાં જ આધ્વીકા એ જીજ્ઞાસા ને રૂમમાં લઈ જઈને પૂછ્યું.
"મોન્ટી ને પોલિસ લઈ ગઈ છે એ ખબર સાંભળી મામા ની તબીયત કથળી. એમ્બ્યૂલન્સ આવતાં સુધી મામા...." ક્યાંય સુધી રોકી ને રાખેલો ઉભરો બહાર નીકળ્યો અને આધ્વીકા ને ગળે વળગી જીજ્ઞાસા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. કંઈ બોલ્યા વગર આધ્વીકા એ જીજ્ઞાસા રડવા દીધી.
"જીજ્ઞા તું હમણા ચાંદની અને આરાધના માસી જોડે જા." આધ્વીકા એ જીજ્ઞાસા ને હળવેક થી પોતાના થી દુર કરી, જીજ્ઞાસા આંખો લુંછી રૂમની બાર નીકળી ગઈ.
"આ બધું તારા કારણે થયું છે મિતલ, હું તને છોડીશ નઈ." આધ્વીકા એ દાંત કચકચાવ્યા, તેણે કબાટ ટેબલ પર મુકેલી ફોટોફ્રેમ હાથમાં લીધી.
"આઈ એમ સોરી કાકા, તમારા છેલ્લા સમય માં હું તમારી સાથે ન રહી શકી. કોઈ ને ખબર હોય ક ન હોય પણ આપણે બન્ને જાણતા હતા કે તમે મને મારા પિતા જેટલો જ પ્રેમ કરતા હતા. તમારો ખાલીપો હવે ક્યારેય નહી ભરાય કાકા." વિરાજભાઈ ના ચહેરા પર હાથ ફેરવી ફોટોફ્રેમ છાતીએ લગાવી આધ્વીકા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

ક્રમશ: