Pavanchakkino Bhed - 5 books and stories free download online pdf in Gujarati

પવનચક્કીનો ભેદ - 5

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૫ : ભેદમાં ભેદ ખંડેરનો ભેદ

વળતી સવારે ઊઠતાં વેંત રામે મીરાંને કહ્યું, “આજે બપોરે આપણે રખડવા નીકળીશું. તને યાદ છે, ગયે વરસે તું પેલી પુરાણી પવનચક્કી જોવા આવવાની હતી, પછી ત્યાં જવાયું જ નહિ ? એટલે આ વરસે આપણે એમ કરીએ, પવનચક્કીથી જ શરૂઆત કરીએ.”

“અને ભરતનું શું ?” મીરાંએ પૂછ્યું.

રામે કહ્યું, “એને અહીં કેપ્ટન બહાદુર પાસે રાખી જઈશું. આજે હમણાં જ અહીં ખેતરમાં અહીંતહીં થોડેક ફેરવીશું એટલે એ માની જશે. આપણી પાછળ નહિ પડે.”

એટલે સવારનાં દાતણપાણી અને દૂધ-નાસ્તો પતાવીને ત્રણે છોકરાં ખેતર ઉપર ઘૂમવા લાગ્યાં. ખેતીનાં ઓજારો, બળદની જોડી, ટ્રેક્ટરની પાછળ જોડવાનું ટ્રેલર, ખેતરના શેઢા અને ત્યાં ઊગેલાં આંબા-આંબલી, મહુડા અને રાયણો બતાવીને એમણે ભરતને ખુશ કરી દીધો. ખેતરને એક છેડે નદી હતી. નદીને કાંઠે એક હોડી બાંધેલી હતી. એ જોઈને ખુદ રામ અને મીરાંને પણ નવાઈ લાગી. નર્મદા અને તાપી સિવાયની ગુજરાતની કોઈ નદીઓમાં હોડીઓ ચાલતી હશે એની એમને પણ ખબર નહોતી. ત્યારે આ પહાડી ઝરણા જેવી નદીમાં હોડી ક્યાંથી ? એમણે વિચાર કર્યો કે કદાચ અહીં થોડા પહાડી વિસ્તારમાં નદી ઊંડી હશે અને ત્યાં માછલીઓ થતી હશે, એટલે કોઈકે માછીમારી માટે હોડી રાખી હશે.

ત્રણે જણાં જયામાસીની હવેલીમાં પાછાં આવ્યાં. ભોજન ખૂબ ઉત્સાહથી પતાવ્યું. કેપ્ટન બહાદુરે લશ્કરી ભોજનનાં વખાણ કર્યે રાખ્યાં. વચ્ચે વચ્ચે એ લશ્કરી ભોજન વિશે ટુચકા પણ કહેતો જતો હતો. ભરતને પણ આ અપંગ બુઢ્ઢો ગમવા લાગ્યો હતો. રામ અને મીરાં એને ‘તું’ જ કહેતાં, કારણ કે એ છોકરાંઓ સાથે એમના દોસ્તની જેમ જ વર્તન કરતો.

ભોજન પતી ગયા પછી રામ અને મીરાંને માટે શોકના સમાચાર જાહેર થયા. કેપ્ટન બહાદુરે કહ્યું કે મારે બહાર જવું પડશે. ચોમાસું વહેલું આવી રહ્યું છે અને બિયારણની તો હજુ સગવડ જ નથી થઈ. એટલે પોતાને જવું પડશે.

આનો અર્થ એ કે રામ અને મીરાંએ ભરતનો હવાલો સંભાળી રાખવો પડશે. પોતે ફરવા જાય અને ભરતને અહીં અજાણી હવેલીમાં એકલો રાખી જાય એવું તો બની જ ના શકે ને ?

કેપ્ટન બહાદુરે પણ કહ્યું, “ભરતને તો તમારે તમારી પૂંછડીએ જ બાંધી રાખવો પડશે. એ પાછો એકલો એકલો ડરી જાય. પણ તેમને એક આનંદની વાત કહું. કાલ સવાર સુધીમાં તો કદાચ કમળા મોટી બહેનને ઘેરથી આવી જશે. એ પછી ભરત એની પાસે રહી શકશે.”

રામ અને મીરાંએ કબૂલ કર્યું કે પોતે ભરતને પોતાની સાથે ફરવા લઈ જશે. એ બંને હવે ઠીક ઠીક ઉત્સાહમાં આવી ગયાં હતાં. ગઈ સાંજના વરસાદમાં દોડધામ, બારીએ દેખાયેલો ડૂબી ગયેલા માણસનો ચહેરો અને કૂતરા જેવા પ્રાણીનાં અજનબી પગલાં હવે લગભગ ભુલાઈ ગયાં હતાં. બાળપણમાં બીક પણ કેવી જલદી ભુલાઈ જતી હોય છે !

વાતાવરણ પણ મઝાનું હતું. ગઈ કાલનાં વાદળાં કોણ જાણે કયા દેશની સફરે ઊપડી ગયાં હતાં. આકાશમાં સૂર્ય ઝળહળ તેજે પ્રકાશી રહ્યો હતો. વગડામાં પહેરવાનાં ટૂંકા અને જાડાં વસ્ત્રો એક જાતનો ઉત્સાહ અને સ્ફૂર્તિ પ્રેરતાં હતાં. ભરત પોતાની સાથે આવશે અને એ ઢીલાશંકર પોચીદાસ કદાચ થાકી જશે, કદાચ એને મધમાખીઓ કરડી જશે, કદાચ એને સૂરજના તાપમાં ચકામાં થઈ આવશે કે કદાચ એ હાડકાં ભાંગી બેસશે, એવો ડર હતો. છતાં રામ અને મીરાં એ બધાં જોખમો ખેડવા તૈયાર હતાં.

હવેલીમાંથી નીકળીને એમણે ફરી વાર ખેતર વીંધ્યું. નદીને કાંઠે આવી પહોંચ્યાં. નદીને કાંઠે ગીચ ઝાડી ઊગેલી હતી. પરંતુ કાંઠે કાંઠે સાંકડી કેડી પણ હતી. એકની પાછળ એક જણ જ ચાલી શકે એવી એ કેડી પર ત્રણે જણ ચાલ્યાં. ભરત આ વેળા પણ પાછળ પડી ગયો.

આ કેડી પર તો રામ અને મીરાં ઘણી વાર ચાલ્યાં હતાં. ઘણી જગાઓ એમની જાણીતી હતી. નદી ઉપર ઝળુંબી રહેલી એક શિલા, જે પડું પડું થઈ રહી હતી, છતાં પડતી નહોતી. વડનું એક ઝાડ, જેણે અડધી નદી સુધી પોતાની વડવાઈઓ ફેલાવી હતી. અહીં જ, નદીમાં ઝૂકેલી એક વડલાની ઝાડી પર એક કલકલિયો બેસી રહેતો હતો અને માછલી જોતાં જ ઝડપ મારતો હતો. અત્યારે પણ એ જ ડાળી પર એક કલકલિયો બેઠો હતો. આ પેલો જ કલકલિયો હતો કે એનો દીકરો હતો, એ કોણ જાણે. અહીં જ દેશી બોરડીનું એક ઝાડ હતું, જેના પર આ મોસમમાં બોર ન થતાં, છતાં કોઈ કોઈ પાકાં બોર હજુ લટકતાં દેખાતાં હતાં. અને હજાર હજાર કાંટાનું જોખમ ખેડીને પણ એ બોર ખાવાની મઝા પડતી હતી.

નદીના દરેક વળાંક, દરેક ઝાડ અને દરેક શિલા સાથે પાછલાં વરસોની યાદો સંકળાયેલી હતી. એ જોતાં ને વાતો કરતાં રામ અને મીરાં આગળ ને આગળ ચાલ્યાં જતાં હતાં. અને એમનું પૂંછડું હનુમાનજીના ચમત્કારિક પૂંછડાની જેમ લંબાતું જતું હતું. એટલે કે, ભરત એમનાથી વધુ ને વધુ પાછો પડતો જતો હતો. રામ અને મીરાં એને માટે વારંવાર ઊભા રહી જતાં.

સાંજ પડવા લાગી હતી. હવે અહીંતહીં એક પુરાણા પથ્થરના રસ્તાની નિશાનીઓ દેખાવા લાગી હતી. રામ ઇતિહાસની વાતો કહેતો જતો હતો, “મહંમદ બેગડા અને બીજા સુલતાનોના વખતમાં આ પ્રદેશનું ભારે મહત્વ હતું. મહંમદ બેગડાએ તો ખાસ મહેનત લઈને પાવાગઢ પાસેનું ચાંપાનેર જીત્યું હતું. પહેલાંના વખતમાં ગુજરાતથી દિલ્હી જવાનો આ જ મારગ હતો. એ વખતે આ પ્રદેશની ભારે જાહોજલાલી હતી. સુલતાનો પછી મોગલ સૂબાઓ, મરાઠાઓ અને અંગ્રેજોના અમલમાં પણ ચાંપાનેર, પાવાગઢ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર ઘણાં મહત્વનાં હતાં. પણ પછી રેલવે આવી. દક્ષિણમાંથી આવતી રેલવે ભરૂચ અને વડોદરા થઈને અમદાવાદ ભણી પશ્ચિમમાં વળી ગઈ. ગુજરાતનો આ પૂર્વ તરફનો મુલક પછાત રહી ગયો. અહીંનાં શહેરો પડી ભાંગ્યાં. રસ્તા ઉજ્જડ બની ગયા. અહીં ઊભાં થયેલાં કારખાનાં અને ઉદ્યોગો પણ પડી ભાંગ્યાં.”

“ઉદ્યોગો ?” ભરતે પૂછ્યું, “અહીં વીજળી કે કોલસો તો છે નહિ, પછી ઉદ્યોગો ક્યાંથી વિકસે ?”

“આ વાત વીજળી કે કોલસાથી નહિ, પણ પાણીથી ચાલતા ઉદ્યોગોની છે.” રામે કહ્યું, “વરાળ અને વીજળીથી ચાલતાં યંત્રો નહોતાં શોધાયાં ત્યારે લોકો પાણી અને પવનચક્કીથી ઉદ્યોગો ચલાવતા. જુઓ...“

રામે આંગળી ચીંધી. એ લોકો નદીને કાંઠે જરા કોરી જગાએ આવી પહોંચ્યાં હતાં. ત્યાં નદીના પટ ઉપર લાકડાનો એક તૂટેલ ફૂટેલ પુલ હતો. એની સામે પાર પથ્થરનું બાંધેલું ત્રણ માળનું એક મકાન હતું. એની બાજુમાં જ એક પવનચક્કી ખડી હતી. મકાનને એકે બારીબારણું નહોતું અને પવનચક્કીનો એકે પંખો સાજો નહોતો. બધું જાણે મરી ગયેલું દેખાતું હતું. મકાન નહિ પણ મકાનનું હાડપિંજર !

રામે કહ્યું, “આ જૂની પવનચક્કી છે ! લાગે છે ને કોઈ રાજાના જૂના કિલ્લા જેવી ? છે પણ ગજબની જગા !”

અહીં નદીનો પટ તદ્દન શાંત જણાતો હતો. એની ઉપર જૂના પુલ અને ખંડિયેર પવનચક્કીની છાયા પડતી હતી. પવનચક્કી બરાબર નદીની ધાર ઉપર જ બાંધવામાં આવી હતી. એની છેક નીચેની દીવાલ તો નદીમાં જ ડૂબી ગઈ હતી.

ખંડિયેરનું છાપરું ક્યારનુંય ભાંગી ચૂક્યું હતું. દીવાલો પણ જાણે એકબીજીને અઢેલીને માંડ માંડ ઊભી હતી. ફેરફુદરડી ફર્યા પછી છોકરીઓ એકબીજીને વળગીને હાંફતી હાંફતી ઊભી રહે તેમ.

ખંડિયેરની બાજુમાં જ નદીમાં થઈને વહેતી એક ખાળ કરવામાં આવી હતી. મૂળે પવનચક્કીના નીચેના દાંતાળા ચક્ર ઉપર એ ખાળનું પાણી પડતું હશે અને એનાથી ચક્કી ફરતી હશે. પણ આજે તો એ ખાળ ભાંગેલીતૂટેલી હતી અને એની અંદરના પાણીમાં ગંદી લીલ બાઝી ગઈ હતી.

ત્રણે છોકરાં અવાચક બનીને પવનચક્કીનું આ ખંડિયેર જોઈ રહ્યાં.

***