Pavanchakkino Bhed - 11 books and stories free download online pdf in Gujarati

પવનચક્કીનો ભેદ - 11

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૧૧ : ભોંયરામાં તો પડી ચીસ

ભરત અંધારામાં લપસી પડ્યો અને ઘણી વાર સુધી તો એ હોશહવાસ ખોઈને પડી જ રહ્યો. પછી જરા ભાનમાં આવ્યો. ધીમે ધીમે અંધારામાં એની આંખો ટેવાતી ગઈ. એણે ઊંચે જોયું. ઉપરનું એક પાટિયું તૂટી પડ્યું હતું અને પોતે એની સાથે નીચે ગબડી પડ્યો હતો. એ પાટિયાથી થોડેક છેટે એક ઉઘાડો ખાંચો હતો. એની નીચે સીડી મૂકીને નીચે ઊતરી શકાય એવું લાગતું હતું. પણ આસપાસમાં સીડી ક્યાંય દેખાતી નહોતી. આજુબાજુ પવનચક્કીની પથ્થરિયા દીવાલો ખૂબ ખરબચડી લાગતી હતી.

આવી ભૂંડી દશામાં પોતે આવી પડ્યો, એનો જ ભરત વિચાર કરી રહ્યો હતો ત્યાં તો દૂરના એક ખૂણામાંથી કશોક સળવળાટનો અવાજ આવ્યો. બે ચકળવકળ આંખો એની સામે મંડાઈ રહી હતી. એ શાની આંખો હશે ?

બીજી જ ઘડીએ તો કશુંક લીસું અને ઠંડું અને રૂંવાટીવાળું ભરતના શરીર સાથે ઘસાયું. એ જેમનો તેમ બેસી રહ્યો. આઘો ખસવા જાય તો પેલું પ્રાણી કદાચ બચકું ભરી લે.

પણ આ છે શું ? ભરતે આછા આછા અંધારામાં નાની વાછરડી જેવો એ પ્રાણીનો દેહ જોયો. એ ચોંક્યો. આ તો વરુ લાગે છે ! અથવા કદાચ લલ્લુ લંગડાના કૂતરાનું ભૂત હોય ! એ વિચાર આવતાં જ ભરત થરથરી ગયો.

એટલામાં તો એ પ્રાણીએ જીભ કાઢીને ભરતનો હાથ ચાટવા માંડ્યો. ભરતને સંતોષ થયો. આ વરુ નથી, કૂતરો છે. એટલું જ નહિ, એ પાળેલો કૂતરો છે, કરડતો નથી.

આટલી ખાતરી થતાં જ ભરતે કૂતરાની પીઠે હાથ પસવારવા માંડ્યો. કૂતરો નજીક આવ્યો. ભરતે એને પૂછ્યું, “ભલાભાઈ ! તું આ અંધારા કૂવામાં ક્યાંથી આવી પડ્યો ?”

જવાબમાં કૂતરાએ પૂંછડી પટપટાવીને ફરી વાર એનો હાથ ચાટ્યો. ભરતના ખભા સાથે પોતાની પીઠ ઘસીને બાજુમાં બેસી પડ્યો. એણે આરામથી જીભ કાઢીને હાંફવા માંડ્યું.

ભરત પડ્યો હતો તેની ઉપર પાટિયું તૂટી ગયું હોવાથી ત્યાં જરાક અજવાળું હતું. એ અજવાળામાં એણે કૂતરાને પંપાળતાં પંપાળતાં ધારીને જોવા માંડ્યું અને એ નવાઈ પામી ગયો. કૂતરાને ગળે પટ્ટો બાંધેલો હતો. એ પટ્ટા ઉપર ઊડતા ગરુડનું એક ચકતું જડેલું હતું. એનો અર્થ સમજતાં ભરતને વાર ન લાગી. એણે ક્યાંક વાંચ્યું હતું કે લશ્કરના પડાવમાં જે કૂતરા પાળવામાં આવે છે એમના કૂતરાને લશ્કરી ટુકડીના નિશાનના ચકતાવાળો પટ્ટો પહેરાવવામાં આવે છે.

એટલે આ તો લશ્કરી પડાવમાં રહી આવેલો કૂતરો હતો.

લશ્કરી કૂતરાઓ વિશેની વધુ વાતો યાદ આવતાં ભરતને ખ્યાલ આવ્યો કે આ કૂતરાઓનાં અંગ ઉપર પણ નિશાનીઓ કરવામાં આવે છે. એણે કૂતરાનો કાન ઊંચો કરીને જોયું. ત્યાં એક નંબરનું છૂંદણું છૂંદવામાં આવ્યું હતું. નંબર હતો – ઓ. ઓ. એ. ઓ. ૫૭.

ભરતે હેતથી કૂતરાના કપાળે ટપલી મારી. બીજી જ ક્ષણે કૂતરો ઊભો થઈ ગયો અને એણે ભયંકર ઘુરકાટી કરી. એના લાંબા ધોળા દાંત કાઢીને એણે એક વડછકું ભર્યું. ભરતે ચપળતાથી હાથ ખેંચી લીધો ના હોત તો કૂતરાએ જરૂર મોટું બચકું ભરી લીધું હોત. તરત જ ભરત સમજી ગયો કે કૂતરાને કપાળમાં ટપલી મારવાથી કશીક પીડા થતી હોવી જોઈએ. ઝીણી નજરે જોતાં જણાયું કે કૂતરાના કપાળમાં એક લાંબો ઊંડો ઘા પડેલો છે અને એ હજુ રૂઝાયો નથી. ભરતે તરત જ કૂતરાને પ્રેમથી બોલાવવા માંડ્યો અને કૂતરો વળી શાંત પડીને એની બાજુમાં બેસી ગયો.

હવે ભરતે પોતાની દુર્દશાનો વિચાર કરવા માંડ્યો. પોતે નીકળ્યો હતો સાહસ કરવા અને ફસાઈ પડ્યો હતો આ ભયંકર ખંડેરમાં હવે શું થશે એ વિચારે એ ખૂબ ગભરાઈ ગયો. અહીંથી બહાર કેવી રીતે નીકળવું ? કેપ્ટન બહાદુર, રામ અને મીરાંને મારી ગેરહાજરી જણાઈ આવી હશે ખરી ? મને શોધવા એ લોકો નીકળ્યાં હશે ખરાં ?

એણે ઊભા થવા માટે પગ વાળ્યો. એક ઘૂંટીમાં સખત પીડા ઊપડી આવી. જાણે હજારો શૂળો એક સાથે ભોંકાતી હોય. એણે આસ્તેથી એક બૂટ કાઢી નાખ્યો અને ગજવામાંથી રૂમાલ કાઢીને ઘૂંટી ઉપર કસકસાવીને પાટો બાંધ્યો.

આ અંધારા ખાડામાં હવે કશું કરવાપણું રહ્યું નહોતું. એ પેલા કૂતરાના ટેકણે ટેકણે બેસી રહ્યો અને ધીરેધીરે રાતનાં અંધારાં ઊતરતાં નિહાળી રહ્યો. રાત પડી અને ઊંઘ આવી. પણ ઊંઘ તૂટક હતી. વારંવાર એ ઝબકીને જાગી જતો. ઠંડીના ઉકરાટા આવતા હતા. ઘૂંટીમાં તો હવે ભાલા ભોંકાતા હતા. એકમાત્ર સારી વાત એ હતી કે પેલો કૂતરો હજુ એની બાજુમાં જ બેઠો હતો. અંધારામાં ફંફોળીને ભરત વારંવાર એનું ગરમ હૂંફાળું શરીર પંપાળી લેતો અને આરામ અનુભવતો.

આવી રીતે એક વાર એ ઝબકીને જાગ્યો ત્યારે આછું આછું અજવાળું ફેલાવા લાગ્યું હતું. સવાર પડી, સાથે આશા લાવી. ભરતને થયું – ‘આ દોઝખમાંથી નીકળવાનો કશોક તો ઉપાય હોવો જ જોઈએ. અને એમ નહિ તોય મદદ મંગાવવાનો કશોક કીમિયો તો વિચારી કાઢવો જોઈએ.’

એણે પવનચક્કીના સૌથી નીચેના અંધારિયા ખંડને ફરી વાર ધારી ધારીને જોયો. એ એક ભોંયરા જેવો ખંડ હતો. એમાંથી નીકળવા માટે ઉપરનું પેલું બાકોરું એ જ એકમાત્ર માર્ગ હતો. પણ એ તો પૂરા આઠ ફૂટ ઊંચું હતું ! શું કરવું ?

એકાએક એને યાદ આવ્યું. આ કૂતરો કદાચ મદદ કરી શકે !

એણે કૂતરાઓ વિશે અને લશ્કરના ખાસ કૂતરાઓ વિશે વાંચેલી ચોપડીઓ યાદ કરવા માંડી. આ કૂતરાઓ ઘણી જ સરસ રીતે કેળવાયેલા હોય છે. એમને ઊંચા કૂદકાની, આગમાંથી પસાર થવાની, સીધી ધાર ઉપર ચઢવાની અને એવી એવી ઘણી તાલીમ આપવામાં આવી હોય છે. આ કૂતરો પણ કદાચ ઊંચો કૂદકો મારીને પેલા સીડી માટેના બાંકોરા મારફતે બહાર નીકળતો હશે.

તો એની સાથે બહારની દુનિયામાં કશોક સંદેશો મોકલી ના શકાય ?

જવાબમાં ભરતે કપાળ કૂટ્યું. અત્યારે એની પાસે કે આસપાસ નહોતું સંદેશો લખવાનું કોઈ સાધન કે નહોતું એવું કશું કે જેની ઉપર સંદેશો લખી શકાય.

હા, એક ઉપાય ખરો. કૂતરાના મોંમાં મારો બૂટ પકડાવીને બહાર મોકલું. જે કોઈ જોશે તે વિચાર કરશે કે કૂતરાના મોંમાં નાના છોકરાનો બૂટ ક્યાંથી ? કદાચ બહાદુર, રામ કે મીરાં એ બૂટ જોશે તો તો જરૂર એ ઓળખશે. એ લોકો કૂતરાની પાછળ પાછળ આવશે અને મને અહીં પડેલો જોશે.

એણે કૂતરાને પંપાળીને પોતાનો બૂટ એના મોંમાં પકડાવ્યો. કૂતરો સમજુ હતો. એણે બૂટ પકડી લીધો.

પણ ભરતની વિમાસણ ઊભી ને ઊભી રહી. કૂતરાના મોંમાં બૂટ તો પકડાવ્યો, પણ હવે એને બૂટ લઈને બહાર જવાનું કહેવા માટે શો હુકમ કરવો ?

તાલીમ આપીને કેળવવામાં આવેલા કૂતરાઓ અમુક હુકમોને જ પાળવા ટેવાયેલા હોય છે. એ સિવાયની માનવીની બોલી એમને મન બેકાર હોય છે. જેમ કે, કૂતરાને બેસાડવા માટે બધા લોકો ‘સીટ’ એમ કહે છે. કૂતરો એ હુકમ સાંભળતાં જ બેસી જાય. એ જ રીતે ‘કેચ’ એમ કહેતાં દૂર ફેંકેલો દડો, લાકડું કે એવું કશું પણ લઈ આવે.

પણ એને ‘બહાર નીકળ’ એમ કહેવા માટે તાલીમની ભાષામાં કયો શબ્દ વાપરવાનો હશે ? ભરતને એ ખ્યાલ નહોતો. એણે પોતાની આ દુર્દશા ઉપર ફરી વાર કપાળ કૂટ્યું.

***