Angat Diary - Navratri books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - નવરાત્રિ

અંગત ડાયરી
============
શીર્ષક : નવરાત્રિ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૨૫, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર

“હેં મામા, મહિસાસુર અત્યારે જીવે છે?” મારા ભાણીયાએ મને ચોંકાવનારો પ્રશ્ન પૂછ્યો.
“ના.. એનો તો મા જગદંબાએ ક્યારનો વધ કરી નાખ્યો છે...” મેં જવાબ આપ્યો.
“તો પછી, આપણે અત્યારે એની નવરાત્રિ કેમ ઉજવીએ છીએ?” ભાણાએ પૂછ્યું.
“એ તો માતાજીની ભક્તિ કરવાની પરંપરા છે” મેં કહ્યું.
એણે તરત પૂછ્યું : “જો માતાજી પ્રગટ થશે તો વધ કોનો કરશે? કે પછી આપણે ખાલી ખાલી ગરબા કરીએ છીએ, જસ્ટ ટાઈમ પાસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ માટે...!”
હું વિચારમા પડી ગયો.

તમને શું લાગે છે? પૃથ્વી પર સૌ પહેલી ગરબી ક્યાં રમાઈ હશે? કોણે આ કન્સેપ્ટ આપ્યો હશે? વચ્ચો વચ્ચ માતાજીનો ગરબો રાખવો અને એની ફરતે વર્તુળાકારમાં ફરતા ફરતા માતાજીના ગુણગાન ગાવાની રીત નક્કી કરવા પાછળ એમનો ઓરીજીનલ હેતુ શું હશે? એ લોકોએ શા માટે ગરબીની આવી જ ડીઝાઈન અને આવી જ વિધિ નક્કી કરી. કબ્બડીની જેમ બે ટીમ પાડી સામસામે ઊભા રાખી પણ રમાડી શકાત, ખો-ખોની જેમ સીધી લીટીમાં પણ રમાડી શકાત.. વર્તુળાકાર જ કેમ? તમને શું લાગે છે?

નાનપણમાં શેરી ગરબી જોવા ભાઈ-બહેન સાથે જતા ત્યારે શણનો કોથળો ભેગો લઇ જતા. મંડપ ફરતે બાંધેલી દોરીની નજીક કોથળો પાથરી પૂજારી દાદા, રંગબેરંગી ચણીયા ચોળી પહેરી રમતી નાની બાળાઓ, મંડપ મધ્યે માતાજીની છબી પાસે બેસી હાર્મોનિયમ(અમે ત્યારે વાજું કહેતા), તબલા અને મંજીરા સાથે ગરબા ગાતું ગાયકવૃંદ અને જગમગતો ગરબો જોવાનો આનંદ અદભૂત હતો. ‘જય આદ્યશક્તિ’ની આરતીથી શરૂઆત થતી. બાએ સમજાવેલું, મા નવદુર્ગા ગરબી રમવા સાક્ષાત પધારે છે. અમે બાળાઓમાં નવદુર્ગાને શોધતા. ‘અંબિકા અમ આંગણીયામાં ગરબે રમવા આવોને...’ થી શરુ કરી ‘સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ...’ જેવા પ્રાચીન ગરબા ગવાતા. દિવસો પહેલાથી પ્રેક્ટીસ કરતી બાળાઓ રંગમાં, આનંદમાં રમતી અને નવરાત્રિનો ઉત્સવ ઉજવાતો. અષ્ટમીના દિવસે હવન થતો અને છેલ્લા દિવસે ઈશ્વર વિવાહ થતા. લ્હાણી વિતરણ થતું. અમારે ત્યાં તો દસ-દસ રૂપિયાની ટીકીટો પણ વેંચાતી અને છેલ્લા દિવસે ડ્રો પણ થતો. કોઈને પંખો લાગે તો કોઈને થાળી, કોઈને મિક્સર તો કોઈને સાયકલ.

ક્યારેક તો અમારી ગરબીમાં નાટક પણ ગોઠવાતું. ક્યારેક આસપાસની ગરબીઓને અમારા ચોકમાં આમંત્રણ અપાતું. એવા દિવસોમાં અમારા ચોકમાં બહુ મોટી ભીડ જામતી. મોટા થયા ત્યારે ગરબીની નવી નવી જગ્યાઓ અને રીતભાતો દેખાવા શરુ થયા. મોટા મેદાનમાં થતી ગરબીઓ, ઊંચા સ્ટેજ, પ્રોફેશનલ ગાવા-વગાડવાવાળાઓ, એન્ટ્રી પાસ, વી.આઈ.પી. કલ્ચર અને લાખોના ખર્ચે થતી એ ગરબીઓમાં બધું જ દેખાતું, બસ એક માતાજીની છબી અને ગરબો ન દેખાતો. કદાચ ક્યાંક ખૂણામાં રાખતા હશે!

એક સંતે સમજાવ્યું, જીવનની નવરાત્રિના કેન્દ્રમાં, સેન્ટરમાં માતાજી-ઈશ્વરત્વ હોવું જોઈએ એવો અમૂલ્ય સંદેશ નવરાત્રિના ઉત્સવ પાછળ રહેલો છે. સૂર્યની ફરતે નવ ગ્રહો જેમ પ્રદક્ષિણા કરી રહ્યા છે એમ માનવનું જીવન પણ ઈશ્વરત્વની ફરતે જ જીવાવું જોઈએ. માણસને ઈશ્વરત્વનું ગુરુત્વાકર્ષણ હોવું જોઈએ. જે પદાર્થ સૂર્યના ગુરુત્વાકર્ષણની મર્યાદા બહાર જાય એ અંતરીક્ષમાં ફંગોળાઈ જાય એ વૈજ્ઞાનિક સત્યના જાણકાર આપણા પૂર્વજોએ ગરબીનો વર્તુળાકાર નક્કી કરી આપણને સૌને જબ્બરદસ્ત ઈશારો કર્યો છે અને સમજદાર કો ઇશારા કાફી હૈ.

આપણા તહેવારો, શાસ્ત્રો અને વિવિધ સિમ્બોલ્સ એ બહુ મોટી વેક્સીન્સ કે ઇન્જેક્શન કે મેડીસીન છે. એમાં ભેળસેળને અવકાશ નથી. ડોક્ટર કહે છે ને કે દર્દી પોતે જો સાજો થવા ન માંગતો હોય તો ડોક્ટરની બધી જ મેડીસીન નક્કામી. જે દિવસે સ્વસ્થ થવાની અદમ્ય ઈચ્છાવાળા, કૃતિશીલ લોકોનું ધ્યાન આપણી નવરાત્રિ પર પડશે તે દિવસે પૂર્વજોએ કરેલો આ ઉત્સવ પ્રયોગ એની ચરમ સીમાએ પહોંચશે. એ દિવસે ખરેખર મા જગદંબા બ્રહ્માંડના ઝરુખેથી નીચે ઉતરી આપણા ચોકમાં ગરબે રમતી જોવા મળશે....


જે ડોક્ટર પોતાના દર્દીમાં, જે શિક્ષક પોતાના વિદ્યાર્થીમાં, જે વેપારી પોતાના ગ્રાહકમાં અને જે નેતા પોતાના નાગરિકોમાં કૃષ્ણ કાનુડાના દર્શન કરે છે એની જિંદગીની નવરાત્રિ બરોબર જામી છે. બાકીના મહિષાસુરો ઠાલા ઠેકડા મારી રહ્યા છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન ભીતરી મહિસાસુરને (રાવણને, રાક્ષસત્વને) ઓળખી, એનો વધ કરવાની અને મા જગદંબાને કેન્દ્રમાં રાખી નવા-સાચા જીવનનો શુભારંભ કરવાની અમૂલ્ય તક એટલે નવરાત્રિનો ઉત્સવ. આપણા પૂર્વજોએ કરેલું નવરાત્રિનું સીમ્બોલીઝ્મ બહુ ઊંડું મનોમંથન માંગી લે એવું છે, એવું મારું માનવું છે. તમે શું માનો છો?

છેલ્લા નોરતાની છેલ્લી ઘડીઓમાં નવરાત્રીને ટાટા કે બાય બાય કરવાને બદલે ભીતરી મહિષાસુરને વિદાય આપીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)