Pati Patni ane pret - 3 books and stories free download online pdf in Gujarati

પતિ પત્ની અને પ્રેત - 3

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩

વિરેનને ભારે વરસાદમાં નીકળી જતો જોઇ રેતાના મનમાં એક ડર પેઠો અને તેનાથી વિરેનના નામથી ધીમી ચીસ પડાઇ ગઇ હતી. "વિરેન....સંભાળીને..."

વહેલી સવારનો સમય હતો અને ઘરના બધાં જ ઊંઘતા હતા એટલે કોઇને રેતાનો અવાજ સંભળાયો ન હતો. તેના દિલમાં એક કસક ઊઠી. ન જાણે કેમ આ તોફાની વરસાદ તેના દિલમાં ડરનું તોફાન ઊભું કરી રહ્યો હતો. તેના મનમાં આશંકા ઊભી કરી રહ્યો હતો:"વિરેન, હેમખેમ પાછો આવી જશે ને..."

ચારે તરફ અંધારાનું સામ્રાજ્ય હતું અને વરસાદનો અવાજ ભયાનકતા વધારી રહ્યો હતો. રેતાને પોતાના વિચારો પર ગુસ્સો આવ્યો. વિરેનને શું થવાનું હતું? આમ ગભરાયા કેમ કરું છું? રેતાએ મંગળસૂત્ર પર હાથ ફેરવ્યો અને ઉપર આકાશમાં જોઇ પ્રાર્થના કરી. રવિ મહારાજે મંગળસૂત્રનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે પતિના લાંબા આયુષ્ય માટે એને પરિણીતા ધારણ કરે છે અને આ મંગળસૂત્ર વૈવાહિક જીવનને લોકોની ખરાબ નજરથી બચાવે છે. પતિના જીવનની રક્ષા માટેનું આ મંગળસૂત્ર ક્યારેય ન કાઢવાની તેમણે સલાહ આપી હતી. તેણે મંગળસૂત્રને ચૂમીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ વિચારોની ગાડી વિરેન તરફ જ વળી જતી હતી. તે સૂઇ ના શકી. થોડીવાર પછી ઊઠી ગઇ અને નાહી-ધોઇને કામે વળગી ગઇ.

વહેલી સવારથી રેતાનું મન બેચેન રહ્યા કરતું હતું. વિરેન નીકળ્યો ત્યારે વરસાદનું તોફાન અને વીજળીના ચમકારા તેના મનમાં ડરનો માહોલ ઊભો કરી ગયા હતા. તે પ્રાર્થના કરતી હતી કે વિરેન હેમખેમ ત્યાં પહોંચી જાય. તે વિરેનને જતાં અટકાવી શકે એમ ન હતી. લગ્ન પહેલાંનો થોડો ઘણો પરિચય રેતાને કહેતો હતો કે વિરેન યોગ્ય લાગે તે જ કરે છે. તેણે જવાની જરૂરિયાત હશે તો જ જવાનું નક્કી કર્યું હશે. વિરેને વાસ્તવિક્તાને સ્વીકારી લીધી હતી. પોતે પણ સ્વીકારી લેવાની છે. લગ્ન પછી આવો સંજોગ તરત આવ્યો છે. ભવિષ્યમાં પણ આ રીતે વિરેનને અચાનક કંપનીના કામથી જવાનું થવાનું છે. રેતાએ પોતાને અત્યારથી જ આવી વાતોથી ટેવાવાનું છે એનો ખ્યાલ આવી ગયો હતો. તેણે વિરેન સાથે કોઇ બહસ કરી ન હતી. ઉલ્ટાની સામેથી સંમતિ આપી હતી. પણ સ્ત્રી સહજ લાગણી અને સ્વભાવને કારણે ડર વ્યક્ત કરી બેઠી હતી. વિરેનના ગયા પછી રેતા એકદમ ગૂમસૂમ જેવી થઇ ગઇ હતી. નવી વહુને નિરાશ જોઇ વિરેનની બહેન ગિનીતા વાતાવરણને હળવું બનાવી રહી હતી.

રેતાને કોઇ વિચારમાં કામ કરતી જોઇ ગિનીતાએ હસીને કહ્યું:"ભાભી, શું વાત છે! ચાર દિવસમાં જ ભાઇનો એટલો બધો વિયોગ સાલવા લાગ્યો કે ચેન પડતું નથી!"

"હં...ના-ના, એમની ચિંતા કરતી હતી. જુઓને, કેટલો ભારે વરસાદ છે..." રેતા વિચારોમાંથી બહાર આવતા બોલી.

"હા, વરસાદી વાતાવરણ રોમેન્ટિક હોય એટલે વધારે યાદ આવે ખરું ને!" ગિનીતા ચિડવવા બોલી.

"બેન, તમેય શું!" રેતા શરમાઇને બોલી.

"એમાં શરમાવાનું શું? હું પણ મારા ભાવિ પતિને મિસ કરી રહી છું! જો એને એક પરીક્ષા આપવાની ના હોત તો તમારી સાથે અમારા લગ્નની પણ શરણાઇ વાગી ગઇ હોત!" રેતા જાણે જીવ બાળતી હોય એમ બોલી.

"તમે ચિંતા ના કરો! તમારા લગ્નની તૈયારી માટે હું આવી ગઇ છું ને. આપણે ધામધૂમથી તમારા લગ્ન કરીશું..." રેતાની ઉદાસી જાણે દૂર થઇ રહી હતી. તે ગિનીતાની વાતોના રંગમાં આવી ગઇ હતી.

એ જોઇ ગિનીતાને રાહત થઇ. તે રેતાને વાતમાં પરોવી રાખવા આગળ બોલી:"પણ ભાભી, મારા 'એ' અંગનકુમાર આપણા વિરેનભાઇ જેવા અને જેટલા ધાર્મિક લાગતા નથી. એ વિજ્ઞાનનો જીવ છે. તમારી જેમ અમારા લગ્ન સંપૂર્ણ ધાર્મિક વિધિથી થાય એવું લાગતું નથી. એ આધુનિક વિચારો ધરાવે છે. અમુક બાબતોને માનતા નથી. એમણે પહેલી વખત વિરેનના લગ્નમાં આટલી લાંબી ધાર્મિક વિધિ જોઇ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એ તો કોર્ટ મેરેજ માટે કહી રહ્યા છે પણ મેં કહ્યું કે ભલે ટૂંકમાં પણ આપણે હિન્દુ ધર્મ વિધિથી જ પરણીશું..."

"બેન, તમારી સાચી વાત છે. લગ્ન એ જીવનભરના બંધનની વિધિ છે. શાસ્ત્રોક્ત રીતથી લગ્ન કરવાથી એનું સારું ફળ મળે છે. પુરુષોને તો એમાં બહુ ગતાગમ ના પડે. આપણે આપણા પતિની લાંબી જિંદગી માટે કેટકેટલાં વ્રત કરીએ છીએ. લગ્ન પહેલાંથી એમના માટે પૂર્વ તૈયારી રૂપે વ્રત-ઉપવાસ કરીએ છીએ. બીજા માને કે ના માને પણ હું તો બહુ દ્રઢતાથી માનું છું કે એની અસર આપણા જીવન પર થાય છે. જુઓ, મેં સોમવારના વ્રત કર્યા તો મને વિરેન જેવા સારા પતિ મળ્યા ને? એ પણ મારા જેવા જ સ્વભાવના છે. તમને પણ તમારા વિચારો સાથે મેળ ખાય એવા પતિ મળવાના છે. દરેકની પોતાની માન્યતાઓ અને વિચાર હોય છે. હું એમ નથી કહેતી કે અંગનકુમાર આધુનિક વિચારના હશે એટલે સારા નહીં હોય. માણસ જૂનવાણી કે આધુનિક વિચારનો ભલે રહ્યો પણ એ લાગણીશીલ હોવો જોઇએ. તેને એકબીજાના સુખ દુ:ખની ચિંતા થવી જોઇએ..." રેતા વાત કરવાના મૂડમાં હતી.

"હા ભાભી, અંગન એવા જ છે. તે બીજાની વાતને સમજે એવા છે. તેમને પોતાના પરિવાર પ્રત્યે અઢળક લાગણી છે. એમની મમ્મી કહે તે વાત માને છે. એ ભલે વૈજ્ઞાનિક જેવા રહ્યા પણ સવારે મમ્મી પૂજાપાઠ પછી દર્શન કરવા બોલાવે ત્યારે શ્રધ્ધાથી ત્યાં પહોંચી જાય છે. મને કહે છે કે મારી વૈજ્ઞાનિક વિચારસરણી પર આ બધું કદાચ ખરું નહીં ઉતરતું હોય પણ મને માનસિક રીતે આ બધું ગમે છે. એમાંથી જે શાંતિ અને સંતોષ મળે છે એ કામમાં મારું ધ્યાન વધારે છે. ધર્મની રીતે નહીં પણ પરંપરાથી જે ચાલી આવ્યું છે એ આપણા હિતમાં છે એવું એમને લાગી રહ્યું છે. એટલે જ તો એ મારા કહેવા પ્રમાણે ધાર્મિક વિધિથી લગ્ન કરવા તૈયાર થયા છે. હુ પણ ચાહું છું કે મારા પતિ પર કોઇ આપત્તિ ના આવે અને મારો ચૂડી –ચાંદલો અમર રહે..." ગિનીતા લાગણીના વહેણમાં તણાતી હોય એમ બોલી.

"હા બેન, બધી સ્ત્રીઓનો ચૂડી-ચાંદલો મા અમર રાખે..." બોલતાં રેતાને ફરી વિરેન યાદ આવી ગયો.

ગિનીતા સાથે વાતો કરતાં કામ કરવામાં બપોર પડી ગઇ હતી. રેતાએ વિરેનને ફોન લગાવ્યો.

વિરેને એક રીંગમાં ફોન ઉપાડી લીધો:"બોલ, રેતા..."

"ક્યાં છો વિરેન?" વિરેનનો અવાજ સાંભળી ખુશ થતાં રેતા બોલી.

"હું કંપની પર પહોંચી ગયો છું... મીટીંગ પતાવી દીધી છે, હવે વિઝિટ પર નીકળવાના છે. જો તને કહી દઉં કે તારાગઢમાં નેટવર્કની બહુ સમસ્યા છે. એવું પણ બને કે મારો ફોન ના લાગે અને મને પણ વ્યસ્તતાને કારણે ફોન કરવાનો સમય ના મળે. તું ચિંતા કરીશ નહીં. હું સલામત છું. રસ્તામાં ભારે વરસાદ નડ્યો હતો. છતાં કોઇ તકલીફ પડી નથી. અહીં ઓછો વરસાદ છે. ડરનું કોઇ કારણ નથી...." વિરેન ઝડપથી બોલતો હતો.

રેતાને સમજાયું કે થોડા કલાકોમાં ઘણું કામ પતાવવાનું હોવાથી વિરેન અત્યારે ઉતાવળમાં છે. તે વાતને ટૂંકાવતાં બોલી:"જલદી આવજો...હું તમારી રાહ જોઉં છું...આઇ લવ યુ!"

"આઇ લવ યુ ટુ! બાય રેતા...." વિરેન પણ લાગણીશીલ બની ગયો. તેના અવાજમાં રેતાને જુદાઇનું દર્દ અનુભવાયું.

"બાય...." કહી રેતાએ ફોન મૂક્યો.

વિરેન સાથે થયેલી વાતથી રેતાને સારું લાગ્યું.

રેતા બપોર પછી ફરી અમસ્તી જ વિરેનનો ફોન લગાવવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ ફોન લાગતો ન હતો. સાંજ પડવા આવી હતી. બપોરે બે મિનિટ વાત થયા પછી એનો ફોન જ લાગતો ન હતો. રેતાની ચિંતા વધી રહી હતી. તે ઉદાસ બેઠી હતી. ત્યાં ગિનીતા આવી અને બોલી:"ભાભી, તમે પાછા ઉદાસ વનમાં જઇને બેસી ગયા! ચાલો, આપણે બગીચામાં બેસીએ...." રેતા ઊભી થઇ ત્યાં ગિનીતા તેનું કોરું કપાળ જોઇ ચિંતાથી બોલી ઊઠી:"ભાભી, આવું કેમ? તમારા કપાળ પરનો ચાંદલો ક્યાં ગયો...?"

રેતાએ ડર સાથે કપાળ પર હાથ ફેરવ્યો. તેના દિલની ધડકન વધી ગઇ. તે તરત ચાંદલો લેવા દોડી. કબાટમાં તેને ક્યાંય ચાદલો મળતો ન હતો. ગભરાતાં ગભરાતાં તે બોલી:"બેન, બધા ચાંદલા ક્યાં ગયા?"

ગિનીતા પણ તેની પાસે દોડી ગઇ.

વધુ ત્રીજા પ્રકરણમાં...

***

ઓકટોબર -૨૦૨૦ સુધીમાં ૫.૩૮ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી અને ૩.૨૪ લાખ ડાઉનલોડ થઇ ચૂકેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.