In your city books and stories free download online pdf in Gujarati

તારા શહેરમા

જાણ્યું જ્યારથી તારા શહેરનું નામ
દિલને નથી એક પલ પણ આરામ
મન થાય ઉડીને આવું તારી પાસ
પણ રોકે છે સમાજના રીતરિવાજ
પરાણે સમજાવું છું તડપતા દિલને
જો હોત પ્યાર તો તું આમ દૂર ન જતે

આજે એક નવા શહેરમાં જવાનું થયુ. નાનું અમથું શહેર. શરૂ થઈને ક્યાં પૂરું થાય ખબર જ ન પડે. નાની નાની શેરીઓ, એક ગાડી આવે તો બીજી ગાડી જઈ ન શકે. શહેરમાં વસતી છે એના પોણા ભાગની વસતી અહીંથી મારા શહેરમાં નોકરી અર્થે આવે. છતાં કહેવાય તો એમ જ કે ખૂબ પ્રગતિ છે અહીં.
મારી સહેલીનું ઘર અહીં. એના માતા-પિતાએ પણ અહીં ઘર લીધુ. એ ઘરની પૂજામાં આજે આ શહેરમાં આવવાનું થયું. સહેલી સાથે શહેરમાં ફર્યા. નજીકમાં દરિયાકિનારો, ત્યાં ગયા. સવારથી બપોર સુધી પૂજા હતી, પછી દરિયાકિનારે ગયા. કિનારાથી ઘણું દૂર પાણી પણ છતાં અમે બેઠા. વરસો પછી મળ્યા હતા એકબીજાને. જુદા થયા પછી અત્યાર સુધીની કંઈ કેટલીયે વાતો કરી. અંધારું થતાં પાછા ફર્યા. રાતનું જમીને ફરી પાછા નીકળ્યા. કહેવાતા આ શહેરમાં ફરવા માટે તળાવકિનારો હતો. અમે ત્યાં ગયા. ફરી પાછો વાતોનો સિલસિલો શરૂ થયો. આ વખતે વિષય બદલાયો હતો. ભૂલી ગયેલાને યાદ કરી રહ્યા હતા. એમાં તારા નામનો ઉલ્લેખ થયો. આંખ સામેથી જાણે પચ્ચીસ વરસ પહેલાનો સમય પસાર થઈ ગયો. કંઈ કેટલીયે યાદો તાજી થઈ ગઈ. જેમતેમ મારી જાતને સંભાળી ફરી હું વાતોમાં પરોવાઈ. વાતો વાતો માં ખબર પડી કે આપણું શહેર છોડીને તું આ નાનકડા શહેરમાં વસ્યો છે.
એકવાર તને મળવાનું મન થયું. પણ સરનામા વગર આટલા મોટા શહેરમાં તને કેવી રીતે શોધું ? કોઈ કારણ પણ તો નથી તને શોધવા માટે. છતાં જો હું તને ષોધી રહી છું.તું આ શહેરમાં છે જાણી દરેક રસ્તાઓ પર તને શોધી રહી છે આંખો મારી. ક્યાંક કોઈ વળાંક પર તું મળી જાય એમ માની મારે આખું શહેર જોવું છે એમ બહાનું કાઢી તારા શહેરની દરેક ગલીઓ ખૂંદી વળી. એક તને જોવાની આશામાં બીજા દિવસે પણ ફરી તારા શહેરમાં વગર કારણે ફરી રહી. અંતે તો નિરાશા જ સાંપડી.હવે કોઈ બહાનું ન હતું તારા આ શહેરમાં રોકાવા માટે.મારે પાછું ફરવાનું જ હતું આપણા નહીં હવે મારા શહેરમાં.
એક આશા જગી હતી તને જોવાની. પણ પૂરી ન થઈ . મારા પ્રેમની જેમ અધૂરી રહી ગઈ. નથી ખબર હવે ફરી તારા આ શહેરમાં આવીશ કે નહીં. અને જો આવીશ તો તું જોવા મળશે કે નહીં. તારા આ શહેરમાંથી પાછું વળતાં દિલને સમજાવું છું જરૂરી તો નથી કે મેં પ્રેમ કર્યો હતો તને તો તું પણ મને કરે ?વરસોથી તને શોધ્યો છે મેં પણ એનો મતલબ એ તો નથી ને કે તું પણ મને શોધે. મારી દરેક લાગણીઓ દરેક ખુશી અધૂરી છે તારી સાથે વિતાવ્યા વગર. પણ હું તને આ માટે દોષ ન દઉં. હું જેને ઉંમરનું આકર્ષણ સમજી હતી એ પ્રેમ હતો એ સમજવામાં મને જ મોડું થઈ ગયું હતું. પછી વિચાર આવ્યો જો તને પણ હોત પ્રેમ મારાથી તો તું પણ મને મળવા માટે બહાના શોધતે ને ? અને હું આવી ગઈ તારા શહેરમાંથી તૂટેલા દિલ અને તૂટેલા સપનાઓ સાથે. પણ હજીયે આશ છૂટતી નથી

જીવનમાં એકવાર
બસ "તું"
મન ભરીને જોવા મળે

આ જ એક આશ મને જીવન જીવવાનો સધિયારો આપે છે. કદાચ મારા દિલની તડપ કોઈવાર તારા દિલ સુધી પહોંચી જાય અને મને શોધતો તું તારા શહેરમાંથી મારા શહેરમાં આવી જાય.